જો તમારો દિવસનો ઘણો સમય, પીસી પર ક્રોમ બ્રાઉઝરમાં પસાર થતો હોય, તો ક્રોમને ઘણી બધી રીતે કસ્ટમાઇઝ્ડ કરી જોવામાં મજા છે. આવી એક રીત એટલે, ક્રોમમાં ઓપન થતા દરેક નવા ટેબમાં કંઈક નવું જોવાની રીત. ‘સાયબરસફર’માં અગાઉ આપણે ક્રોમના નવા ટેબમાં ગૂગલ અર્થના ફોટોઝ જોવાની કે નવા ઇંગ્લિશ શબ્દોના અર્થ જાણવાની સગવડ આપતા એક્સટેન્શનની વાત કરી ગયા છીએ. અહીં આવાં કેટલાંક વધુ એક્સટેન્શની વાત કરી છે. જે ગમે તેને અપનાવી લો!
ક્રોમનાં એક્સટેન્શ તમારા માટે નવી વાત હોય તો ટેન્શન ન રાખશો! ક્રોમ બ્રાઉઝરમાં https://chrome.google.com/webstore પર જશો એટલે અહીંથી તમે ક્રોમ બ્રાઉઝરમાં નવી સુવિધા ઉમેરતાં અનેક નવાં એક્સટેન્શન્સ જોઈ-તપાસીને તેને ક્રોમમાં એડ કરી શકશો.
જુદા જુદા દેશોના સમય
કોઈ સ્વજન કે મિત્ર કે ક્લાયન્ટ વિદેશમાં રહે છે, જેની સાથે તમે વારંવાર ફોન પર કે વીડિયોકોલિંગથી સંપર્કમાં રહો છો? આપણા જે તે સમયે, એમના દેશમાં શું સમય હશે તે જાણવા માટે કમ્પ્યુટરની ઘડિયાળ કે સ્માર્ટફોનમાં પણ એમના દેશ ઉમેરી શકાય છે (જેની વાત અગાઉના અંકમાં કરી ગયા છીએ), પણ ક્રોમના બ્રાઉઝરમાં દરેક નવા ટેબમાં જુદા જુદા દેશના સમય દેખાય એવું સેટિંગ પણ થઈ શકે છે.
આ એક્સટેન્શન ક્રોમમાં ઉમેર્યા પછી, ‘એડ એ લોકેશન’ લિંક પર ક્લિક કરીને તમે નવા દેશ ઉમેરી શકો છો. સમયના તફાવત મુજબ, આ દેશો આપણા પોતાના સમયની ડાબી કે જમણી બાજુ ઉમેરાશે. માઉસને સ્ક્રોલ કરતાં, આવનારા કલાકોના સમય તફાવત પણ જાણી શકાશે!
ક્રોમ વેબ સ્ટોરમાં સર્ચ કરો : Figure it Out
વિવિધ વર્ચ્યુઅલ રીયાલિટી કન્ટેન્ટની મજા
દરેક નવી ટેબમાં કંઈક એકદમ અનોખું જોવું છે? તો ટ્રાય કરો એસવીઆરએફ ટેબ્સ. આ એક્સટેન્શન અત્યારે બિલકુલ પ્રાથમિક તબક્કામાં છે, પણ એ એક નવા સર્ચ એન્જિનની શરૂઆત છે.
આપણે વર્ચ્યુઅલ રીયાલિટી વિશે સાંભળ્યું કે વાંચ્યું ઘણું હોય, પણ ઇન્ટરનેટ પર આવા કન્ટેન્ટનો અનુભવ કરવા માટે તેને શોધવું મુશ્કેલ છે. એસવીઆરએફ કદાચ એવું પહેલું સર્ચ એન્જિન બનશે, જે ઇન્ટરનેટ પર ફક્ત વર્ચ્યુઅલ કન્ટેન્ટ શોધવામાં મદદરૂપ થશે. અત્યારે તમે ક્રોમની નવી ટેબમાં આ એક્સટેન્શન ઉમેરીને, વિવિધ લોકોએ ગોપ્રો કેમેરા કે અન્ય રીતે વિક્સાવેલ વર્ચ્યુઅલ કન્ટેન્ટને જોઈ-માણી શકો છો. તમારા ઇન્ટરનેટ કનેક્શનની સ્પીડ મુજબ, આ કન્ટેન્ટ લોડ થવામાં થોડી વાર લાગી શકે છે.
આ ઇમેજીસને તમે માઉસથી જુદા જુદા એંગલથી પણ તપાસી શકો છો.
ક્રોમ વેબ સ્ટોરમાં સર્ચ કરો : SVRF Tabs
એક ટેબમાં આખા વિશ્વની સફર
દરેક નવી ટેબમાં વિશ્વના કોઈ નવા સ્થળની સફર પર જવું હોય તો તમારે કામનું એક્સટેન્શન છે ‘ડ્રીમ અફાર’.
આ એક્સટેન્શનને ક્રોમમાં ઉમેર્યા પછી, તેના સેટિંગ્સમાં બેકગ્રાઉન્ડમાં, તમે ડ્રીમ અફાર, ગૂગલ અર્થ, ગૂગલ આર્ટ, બિંગ વગેરે સ્રોતમાંથી ઇમેજીસ દેખાય તેવું સેટિંગ કરી શકો છો. દરેક ઇમેજ સાથે, એ સ્થળ વિશેના વિકિપીડિયા આર્ટિકલની લિંક જોવા મળશે.
ક્રોમ વેબ સ્ટોરમાં સર્ચ કરો : Dream Afar New Tab
પિન્ટરેસ્ટની ઇમેજીસ
ઇન્ટરનેટ પર ઉપલબ્ધ પાર વગરની માહિતીમાંથી આપણા રસના કન્ટેન્ટ સુધી પહોંચવાનો એક સરસ રસ્તો છે પિન્ટરેસ્ટ (pinterest.com). ઇમેજીસ આધારિત આ સોશિયલ મીડિયા સાઇટનું કન્ટેન્ટ ક્રોમમાં નવી ટેબમાં એક્સેસ કરી શકાય છે અને સારી વાત એ છે કે તેનો લાભ લેવા માટે આપણું પિન્ટરેસ્ટમાં એકાઉન્ટ હોવું જરૂરી નથી.
પિન્ટરેસ્ટનું આ એક્સટેન્શન ઉમેર્યા પછી તે આપણને ફેશન, આર્ટ, ટ્રાવેલ, સ્પોર્ટ્સ, ગાર્ડનિંગ, સાયન્સ એન્ડ નેચર વગેરે વિષય સૂચવશે (અલબત્ત, વિષયો બહુ મર્યાદિત છે). તમને ગમતા વિષયો પસંદ કરી લો એટલે એ વિષયની ઈમેજીસ દરેક નવી ટેબમાં જોવા મળશે, જોકે અહીંથી આગળ વધી શકાશે નહીં.
ક્રોમ વેબ સ્ટોરમાં સર્ચ કરો : pinterest tab
વિકિપીડિયાનો રેન્ડમ આર્ટિકલ
કોઈ પણ વિષયમાં ઊંડા ઊતરવા માટે વિકિપીડિયાનું મહત્ત્વ આપણે સૌ બરાબર જાણીએ છીએ, પણ સાચું કહેજો, તમે વિકિપીડિયાનો કોઈ આર્ટિકલ છેલ્લે ક્યારે વાંચ્યો હતો?
વિકિપીડિયા પર અવારનવાર નજર ફેરવવાની ટેવ તમે કેળવવા માગતા હો તો આ ક્રોમ એક્સટેન્શન તમને ઉપયોગી થશે. એ દરેક નવા ટેબમાં, રેન્ડમલી, વિકિપીડિયાનો કોઈ લેખ ઓપન કરશે. વિકિપીડિયા પર લેખોની સંખ્યા લાખોમાં છે એટલે જે આર્ટિકલ ખૂલે તે આપણને ઉપયોગી જ હોય તેવી શક્યતા બહુ ઓછી છે, પણ એક વાર વિકિપીડિયા પર તમારી નજર જશે તો પછી આગળ, તમારે કામના વિષયો તરફ તમે આગળ વધી શકશો.
ક્રોમ વેબ સ્ટોરમાં સર્ચ કરો : random wiki tab
નિર્ધારિત કામ માટે ફોકસ્ડ રહો
આ તમામ એક્સટેન્શન દરેક નવી ટેબમાં કંઈક નવું જરૂર આપે છે, પણ એ સાથે આપણને મૂળ કામ પડતું મૂકીને જુદી જુદી ઘણી દિશામાં મોકલે પણ છે! જો અનિશ્ચિત ઇન્ટરનેટ સર્ફિંગમાં તમારો ઘણો સમય વેડફાતો હોય, ઇન્ટરનેટના બધા અવરોધો વચ્ચે તમારું ફોકસ ગુમાવવું ન હોય અને જે તે દિવસમાં નક્કી કરેલાં કામ નજર સામે રાખવાં હોય તો આ એક્સટેન્શન તમારે કામનું છે. તે એક પ્રકારનું ટુ-ડુ લિસ્ટ છે, તેમાં આપણે આજ અને આવતી કાલનાં સૌથી મહત્ત્વનાં પાંચ કામની યાદી બનાવી શકીએ છીએ.
સાથોસાથ, સેટિંગ્સમાં જઈને તમારાં કામ પૂરાં ન થાય ત્યાં સુધી ફેસબુક, ટવીટર, યુટ્યૂબ વગેરે સહિત, તમે ચાહો તેટલી સાઇટ્સને બ્લોક કરવા માટે તેનાં યુઆરએલ ઉમેરી શકો છો!
ક્રોમ વેબ સ્ટોરમાં સર્ચ કરો : Dayboard
તમે પણ કોઈ નવું એક્સટેન્શન જાણો છો? જે ક્રોમની નવી ટેબમાં કંઈક નવી સુવિધા આપે? તો નીચે કમેન્ટ બોક્સમાં જાણ કરશો!

