(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આફતનાં આમંત્રણ સ્વીકારશો નહીં અને મોકલશો પણ નહીં!

વોટ્સએપ પર વારંવાર જુદી જુદી લાલચ આપતા મેસેજીસ ફરતા થાય છે. આવા મેસેજ ફ્રોડ છે એવું સમજવા છતાં આપણે તેને વિવિધ ગ્રૂપ્સમાં શા માટે ફોરવર્ડ કરીએ છીએ?

વોટ્સએપ પર થોડા સમયથી ‘કવિ’ એકદમ ગાજી રહ્યા છે. જુદી જુદી સ્થિતિ, મજાનાં કાવ્યો કે પછી જોડી કાઢેલાં જોડકણાના રમૂજી અર્થ કાઢીને કવિ ખરેખર શું કહેવા માટે છે એનો ફોડ પાડતા સંખ્યાબંધ મેસેજ વોટ્સએપના બધાં ગ્રૂપમાં ફરી વળ્યા હશે કારણ કે જે મેસેજમાં આપણને મજા પડે એને આપણે આપોઆપ બીજાં ગ્રૂપ્સમાં શેર કરવા લાગીએ છીએ.

આ હળવી મસ્તી છે અને આ કવિ કોઈનું કંઈ નુક્સાન કરતા નથી, પણ એ જ રીતે, વોટ્સએપમાં બીજા કેટલાક એવા મેસેજ પણ ફોરવર્ડ થઈ રહ્યા છે, જેના પર કોઈ ક્લિક કરે તો તેને ચોક્કસ નુક્સાન થઈ શકે છે. આવા મેસેજ, આપણે જેમને વિશ્વસનીય માનતા હોઈએ એમના તરફથી ફોરવર્ડ થાય ત્યારે વધુ નવાઈ લાગે!

વોટ્સએપનાં સંખ્યાબંધ ગ્રૂપ્સમાં હમણાં ફરતો થયેલો મેસેજ પેટીએમ સંબંધિત છે. મેસેજ કંઈક આવો છે – “તમારા પેટીએમ વોલેટમાં મફત રૂા. 1000 ઉમેરવા માટે આ લિંક પર ક્લિક કરો. જુદાં જુદાં ગ્રૂપના લગભગ એક સરખા મેસેજમાં લિંક જુદી જુદી જોવા મળે છે, પણ તેના પર ક્લિક કરતાં, ફરી લગભગ એક સરખું પેજ જોવા મળે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ફોટોગ્રાફ સાથે, આપણને ‘જાણ’ કરવામાં આવે કે “વડાપ્રધાને નોટબંધીને પગલે ભારતના બધા નાગરિકોને તેમના પેટીએમ વોલેટ ખાતામાં રૂા. 1000ની ભેટ આપવાનો નિર્ણય કર્યો છે! આ મફત કેશ મેળવવા માટે તમારો પેટીએમ વોલેટવાળો મોબાઇલ નંબર આપો…

આગળ શું વાંચશો?

  • સ્પામ મેસેજનું સતત વધતું દૂષણ
  • વોટ્સએપમાં સ્પામ મેસેજ કેમ આવે છે?
  • આવા મેસેજથી જોખમ શું છે?

 

આ પેજની ડિઝાઇન, ફોટોની નબળી ગુણવત્તા વગેરે જોઈને, આ માત્ર આપણો ફોનનંબર મેળવવા માટેનું તરકટ છે એ કોઈ પણ સમજી જાય, ન સમજી શકાય એવી વાત એ છે કે આવા મેસેજ આપણે મિત્રોને ફોરવર્ડ શા માટે કરીએ છીએ?

સ્પામ મેસેજનું સતત વધતું દૂષણ

વોટ્સએપ પર આવા મેસેજનું દૂષણ સતત વધી રહ્યું છે. મફતમાં વધુ મેળવી લેવાની માનસિકતા પર ભારતીયોનો ઇજારો નથી, આખી દુનિયામાં લોકોની આ માનસિકતા છે અને એટલે જ થોડા થોડા વખતે વોટ્સએપ અને ફેસબુક જેવા, લોકોની ભીડવાળા સોશિયલ મીડિયા પર જુદા જુદા પ્રકારના કૌભાંડિયા મેસેજ ફરતા થાય છે. આને હળવી મજાક માનવાની ભૂલ કરવા જેવી નથી.

થોડા સમય હેલાં, વોટ્સએપ પર વીડિયો કોલિંગની સુવિધા શરૂ‚ થઈ એ પહેલાંથી અને અને પછી પણ, વોટ્સએપ પર એક મેસેજ બહુ ફરતો થયો હતો (જેને તમે પણ કદાચ અજમાવી જોયો હશે અથવા ફોરવર્ડ પણ કર્યો હશે!).

એ મેસેજ કંઈક આવો હતો- “તમને વોટ્સએપ વીડિયો કોલિંગ ફીચર ટ્રાય કરી જોવાનું આમંત્રણ છે. જે લોકોને આ આમંત્રણ મળ્યું હશે એ જ લોકો આ ફીચરનો લાભ લઈ શકશે.

આમંત્રણ સ્વીકારવા માટે મેસેજ સાથેની લિંક પર ક્લિક કરીએ એટલે, તમારા ફોનમાં વીડિયો કોલિંગની સુવિધા એક્ટિવેટ કરવા બીજા મિત્રોને પણ ઇન્વાઇટ મોકલવાનું કહેવામાં આવે. સરવાળે, આપણે પોતાની અને સગાં-સંબંધીની વિગતો પણ આપી દઈએ. ટૂંકમાં એ પણ આપણી અને આપણા મિત્રોની વિગતો મેળવવાનું એક સ્કેમ હતું.

એ ખરું કે અગાઉ વોટ્સએપમાં વોઇસ કોલિંગની સુવિધા શરૂ‚ થઈ ત્યારે વોટ્સએપે પોતે આવી રીતે ખરેખર ઇન્વાઇટ લિંક મોકલી હતી, પણ આ વખતે તેણે સીધી જ એપ અપડેટ કરીને સૌને આ સુવિધા આપવાનો રૂ‚ટ અપનાવ્યો હતો.


સામાન્ય રીતે, કોઈ પણ મોટી અને લોકપ્રિય એપમાં કોઈ નવી સુવિધા આવવાની હોય ત્યારે આ પ્રકારે હેકર્સ સક્રિય થઈ જતા હોય છે. ફેસબુક પર આ રીતે, આપણી પ્રોફાઇલ કેટલા લોકોએ જોઈ છે તે તપાસવાનું આમંત્રણ મોકલવામાં આવતું હોય છે. ફેસબુક પર તમારી થીમ બદલીને કાયમી બ્લુને બદલે બીજો કોઈ રંગ આપવાની ‘સગવડ આપતી’ લિંક્સ પણ તમે ક્યારેક જોઈ હશે. સેલિબ્રિટીઝના વાંધાજનક ફોટોઝ ઓનલાઇન લીક થયા પછી આ ફોટોઝ જોવાનું આમંત્રણ આપતી લિંક પણ તમને મળતી હશે.

‘વોટ્સએા ‘પ્રીમિયમ વર્ઝ’ જેવા વોટ્સએ ગોલ્ડ કે પ્લસો મફતમાં લાભ લો’ (વોટ્સએપનું આવું કોઈ પ્રીમિયમ વર્ઝ છે જ નહીં), ‘વોટ્સએપ ફરી ચાર્જેબલ થઈ જશે, મફતમાં ઉપયોગ કરતા રહો’, ‘રિલાયન્સ જિઓ કે બીએસએએલો ફ્રી ૩જી/૪જી ડેટા મેળવો’ વગેરે પ્રકારના મેસેજ સતત કોઈ ને કોઈ પ્રકાર લાલચ કે અજાણ લોકોની ગેરસમજ વટાવવાનો પ્રયાસ હોય છે.

વોટ્સએપમાં સ્પામ મેસેજ કેમ આવે છે?

કારણ કે આપણે પોતે તેને ફોરવર્ડ કરીએ છીએ!

વણજોઇતા, સ્પામ મેસેજીસની ઈ-મેઇલમાં પણ કોઈ નવાઈ નથી, પણ વોટ્સએપ જેવી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સ અને ઈ-મેઇલમાં એક મોટો તફાવત છે.

ઈ-મેઇલમાં કોઈ ફ્રોડ કંપની ગમે તે રીતે આપણું ઈ-મેઇલ એડ્રેસ મેળવી લે અથવા કમ્પ્યુટરથી મદદથી પાર વગરનાં સંભવિત ઈ-મેઇલ એડ્રેસની યાદીઓ તૈયાર કરીને પછી, એક સાથે હજારો લાખોની સંખ્યામાં ઈ-મેઇલ્સ મોકલી શકે છે. આવા સ્પામ ઈ-મેઇલનો સામનો કરવા માટે જીમેઇલ, હોટમેઇલ, યાહૂ વગેરે જેવી કંપનીઓએ સ્પામ ફિલ્ટર તૈયાર કર્યાં. આ ફિલ્ટર્સ જુદી જુદી રીતે આપણા માટે કામના અને નકામા-સ્પામ મેઇલ્સને અલગ તારવી શકે છે અને સ્પામ મેઇલ્સને સીધા ઈ-મેઇલ સર્વિસની કચરાપેટીમાં મોકલી આપે છે.

વોટ્સએપમાં આવું સ્પામ ફિલ્ટરિંગ ત્યારે વધુ મુશ્કેલ બને છે, જ્યારે આપણે લોકો પોતે સમજ્યા-વિચાર્યા વિના, કૌભાંડી મેસેજ પોતાના જ મિત્રો-સગાં-સંબંધીઓને ફોરવર્ડ કરવા લાગીએ છીએ.

વોટ્સએપ પોતે ગ્રૂપ મેસેજિંગ અને બ્રોડકાસ્ટ મેસેજિંગ જેવી સગવડ આપે છે, પણ કેટલીક સાવચેતી સાથે. જેમ કે બ્રોડકાસ્ટ લિસ્ટની મદદથી એક સાથે 256 લોકોને મેસેજ મોકલી શકાય, પણ એ મેસેજ એ જ લોકોને મળે, જેમણે પોતાની એડ્રેસ બુકમાં આપણો નંબર સેવ કર્યો હોય.

જ્યારે ગ્રૂપમાં કોઈ પણ વ્યક્તિને – તેને પૂછ્યા વિના પણ – ઉમેરી શકાય છે, પછી એ વ્યક્તિ તરત ગ્રૂપમાંથી નીકળી જાય તો અલગ વાત છે. વોટ્સએપ પર બલ્ક મેસેજિંગ કરતી આપનારી કંપનીઓ પણ ફૂટી નીકળી છે અને આવા લાલચભર્યા મેસેજને ફેલાવવામાં તો આપણે જ મદદ કરીએ છીએ.

એક-બે મહિના પહેલાં, લંડનમાં એક જાણીતી સુપરમાર્કેટ તરફથી 100 પાઉન્ડનું ગિફ્ટ વાઉચર અપાતું હોવાનો મેસેજ વોટ્સએપ પર ફરી વળ્યો હતો.

કૌભાંડિયા લોકો ફક્ત થોડાં ગ્રૂપમાં આવો મેસેજ વહેતો મૂકે, પછી તેને ઓળખીતા-પાળખીતામાં આગળ ધપાવવાનું કામ લોકો પોતે જ કરી લે છે!

આવા મેસેજથી જોખમ શું છે?

આગળ કહ્યું તેમ, દેખીતી રીતે ખોટી, અવાસ્તવિક ઓફર આપતા મેસેજીસ પોતાના સ્વજનોને ફોરવર્ડ કરતાં પહેલાં ચોક્કસ ચાર વાર વિચારવું જરૂરી છે.

આ પ્રકારના મેસેજ કોરી અફવા નથી હોતા, તેની પાછળ લાંબી ગણતરીઓ હોય છે. આવા મેસેજમાંની લિંક પર ક્લિક કરીએ ત્યારથી જ જોખમની શરૂઆત થઈ જાય છે.

સામાન્ય રીતે, આવી કોઈ પણ લાલચ આપતા મેસેજમાંની લિંક પર ક્લિક કરીએ એટલે આપણને પોતાનો મોબાઇલ નંબર અથવા ઈ-મેઇલ આઇડી જણાવવા કહેવામાં આવે છે, પછી એકાદી એપ ઇન્સ્ટોલ કરવા કહેવામાં આવે (એ એપ ઇન્સ્ટોલ કરવાની લિંક પાછી એન્ડ્રોઇડ કે આઇઓએસના ઓફિશિયલ એપસ્ટોરમાં જતી ન હોય, કોઈ ભળતી જ જગ્યાએથી તેને ઇન્સ્ટોલ કરવાની હોય – વાંચો આ જ અંકમાંનો ‘ગૂલીગન’ માલવેર વિશેનો લેખ), પાછું કહેવામાં આવે કે આ એપ ઇન્સ્ટોલ કરીને ઓપન કરજો અને સાત દિવસ સુધી અનઇન્સ્ટોલ કરશો નહીં, બાકી કોઈ ફાયદો મળશે નહીં.

આની સાથોસાથ આઇફોન કે સેમસંગનો લેટેસ્ટ ફોન જીતવાની લાલચનું ગાજર તો હોય જ! તે ઉપરાંત, એ મેસેજ અમુક નિશ્ચિત સંખ્યામાં મિત્રોને શેર કરવા કહેવામાં આવે અથવા સીધા જ તેમના મોબાઇલ નંબર પણ માગી લેવામાં આવે.

આ રીતે અંગત માહિતી આપવા ઉપરાંત, આપણે એપ ઇન્સ્ટોલ કરવા જેવી ભૂલ કરીએ તો તે ફોનમાં ટ્રેકિંગ કૂકીઝ ઉમેરી શકે છે કે બ્રાઉઝર એક્સટેન્શન ઉમેરી શકે છે, જેને કારણે આપણને ફોનમાં સામાન્ય કરતાં વધુ જાહેરાતો દેખાવાનું ચાલુ થાય છે.

આપણે આ બધું સમજતા હોઈએ અને ફક્ત મજાકમાં આવા મેસેજ ફોરવર્ડ કરીએ તો પણ, આ બધી તરકીબોથી અજાણ આપણું જ કોઈ સ્વજન ક્યારે તેમાં લપેટાઈ જશે એ આપણે કહી શકતા નથી.

આપણા ફોનમાં અનેક પ્રકારની મહત્વની માહિતી તો હોય છે, હવે તો એમાં રૂ‚પિયા પણ રહેવા લાગ્યા છે, ત્યારે આ બધાં જ આફતનાં આમંત્રણ સ્વીકારતાં પહેલાં કે બીજાને ફોરવર્ડ કરતાં પહેલાં એક મિનિટ વિચાર જરૂ‚ર કરી લેજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!