થોડા સમય પછી, તમે કેરળ રાજ્યના પ્રવાસે જાવ તો ત્યાં આખા રાજ્યમાં તમને ફ્રી ઇન્ટરનેટનો લાભ મળે એવું બની શકે છે!
‘ડિજિટલ ઇન્ડિયા’ ઝુંબેશને ખરા અર્થમાં વેગ આપતાં, કેરળ ભારતનું એવું પહેલું રાજ્ય બન્યું છે જેણે રાજ્યના તમામ નાગરિકો માટે ઇન્ટરનેટ એક્સેસને તેમનો પાયાનો અધિકાર ગણાવ્યો છે. જેમ ભારતમાં આપણને સૌને પાણી, ખોરાક અને શિક્ષણ મેળવવાનો અધિકાર છે, એમ કેરળના નાગરિકોને ઇન્ટરનેટ એક્સેસ મેળવવાનો અધિકાર મળશે!
કેરળ રાજ્ય સરકારના નાણા પ્રધાને જણાવ્યા મુજબ કેરળમાં ૨૦૧૭-૧૮ના ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન, બધી જ સરકારી લેવડ-દેવડ આઇટી આધારિત થઈ જશે. આથી આ સેવાઓનો લાભ લેવા માટે, લોકોને ઇન્ટરનેટ પણ સરળતાથી મળે એ જરૂરી છે.
આ માટે કેરળ સરકારે સમગ્ર રાજ્યમાં દરેક ઘરને ઓપ્ટિકલ ફાઇબલ કેબલ્સથી જોડીને સૌનૈ બેઝિક ઇન્ટરનેટ સુવિધા મફત પૂરી પાડવાનું આયોજન કર્યું છે, જેનો તબક્કાવાર અમલ શરૂ થઈ ગયો છે.
