સવાલ મોકલનાર : વિપુલકુમાર રાઠોડ
આ માટેની વિધિ તો સહેલી છે અને આગળ તે મુદ્દાસર સમજાવી છે, પણ મુખ્ય મુદ્દો એ છે કે ફેસબુક પર તમારે નામ બદલવું જોઈએ ખરું? વિના કારણ તમે ફેસબુક પર તમારું નામ બદલો અને કોઈ વ્યક્તિ તે અંગે ફેસબુકનું ધ્યાન દોરે, તો બની શકે છે કે ફેસબુક એ નામ તમારું જ હોવાના પુરાવા માગે! જો આ પુરાવા તમે ન આપી શકો તો તમારું એકાઉન્ટ બ્લોક થઈ શકે છે.
ફેસબુક કંપનીના પોલિસી એ છે કે તેના યૂઝર ફેસબુક પર એ જ નામનો ઉપયોગ કરે, જેનો તેઓ વાસ્તવિક જીવનમાં પણ ઉપયોગ કરતા હોય.
ફેસબુકના મતે, જો લોકો પોતાના વાસ્તવિક નામથી ફેસબુકનો ઉપયોગ કરે તો જ બીજી વ્યક્તિ પૂરા વિશ્વાસ સાથે તેની ફ્રેન્ડશીપ રીક્વેસ્ટનો સ્વીકાર કરે અને એ રીતે ફેસબુક પરની આખી કમ્યુનિટી સલામત રહી શકે.
જોકે ફેસબુકનો ઉપયોગ કરતા સૌ કોઈ જાણે છે કે અહીં ઘણા લોકો પોતાના અસલ નામને બદલે બીજા કોઈ ભળતા જ નામથી એકાઉન્ટ ખોલાવીને બિન્દાસ્ત ફેસબુકનો ઉપયોગ કરતા રહે છે. ફેસબુક પર ફેક એકાઉન્ટ વિશેના સમાચારો પણ અખબારમાં વારંવાર આવે છે.
કેમ? કારણ કે ફેસબુક પર ફેક એકાઉન્ટ બનાવવું બિલકુલ સહેલું છે! નવું એકાઉન્ટ ખોલાવતી વખતે નામ સાથે મોબાઇલ નંબર અથવા ઈ-મેઇલ એડ્રેસ આપવું પડે છે, જેના પર ફેસબુકની સિસ્ટમ વેરિફિકેશનનો મેઇલ મોકલે છે, આપણે તેને વેરિફાય કરીએ એટલે ફેસબુકમાં એકાઉન્ટ તૈયાર.
ભારતની વાત કરીએ તો હવે બનાવટી નામથી મોબાઇલ નંબર મેળવવા મુશ્કેલ બન્યા છે, પણ ભળતા નામથી ઈ-મેઇલ એડ્રેસ તો કોઈ પણ બનાવી શકે છે.
બીજી બાજુ, ફેસબુક માટે પણ અસલ નામથી જ એકાઉન્ટ ખોલાવવાની નીતિનો અમલ મુશ્કેલ છે. આપણે એકાઉન્ટ ખોલાવીએ ત્યારે ફેસબુકની સિસ્ટમ આપણી પાસે અસલી નામના પુરાવા તરીકે આધાર કાર્ડ કે વોટર કાર્ડ માગતી નથી. આખી વાત અહીંથી ધૂંધળી બનતી જાય છે. ઇન્ટરનેટ પરની કોઈ પણ કંપની આપણને, આપણે જીવતી જાગતી વ્યક્તિ હોવાનું સાબિત કરવા કહી શકે છે, પણ આપણી અન્ય હકીકતોની ખરાઈ કરી શકતી નથી અથવા કરવા માગતી નથી.
ફેસબુકમાં કયા પ્રકારનાં નામ મંજૂર છે તેની શરતો છે. જેમ કે નામમાં તમે કોઈ સિમ્બોલ, નંબર, વધુ પડતા કેપિટલ અક્ષર વગેરે રાખી ન શકો. જુદી જુદી ભાષાના અક્ષરોનો ઉપયોગ ન કરી શકો કોઈ ધાર્મિક કે પ્રોફેશનલ ટાઇટલનો ઉપયોગ ન કરી શકો કે વાંધાજનક શબ્દો વાપરી ન શકો. હા, તમે તમારા મૂળ નામ ઉપરાંત, અન્ય કોઈ ઉપનામ ઉમેરી શકો છો ખરા, પણ મૂળ નામ સાથે.
ફેસબુકમાં કોઈ પણ યૂઝર, બીજી કોઈ પણ વ્યક્તિના એકાઉન્ટ અંગે તે બનાવટી હોવાની શંકા વ્યક્ત કરી શકે છે. આવું થતાં, ફેસબુક એ એકાઉન્ટ ખરેખર કઈ વ્યક્તિનું છે તેની ખાતરી કરવા માટે, એ યૂઝર એકાઉન્ટ સાથે જે મોબાઈલ નંબર કે ઈ-મેઇલ એકાઉન્ટ કનેક્ટેડ હોય તેના પર બર્થ સર્ટિફિકેટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ વગેરે દસ્તાવેજો માગી શકે છે.

એ કોઈ દસ્તાવેજ ન હોય તો છેવટે પોતાના નામનું બેન્ક સ્ટેટમેન્ટ કે ક્રેડિટ કાર્ડ જેવી કોઈ બે સાબિત આપવાનું કહેવામાં આવે છે. (ફેસબુક કહે છે કે તેને આપણે જે કોઈ પુરાવો મોકલીએ તેમાં ફક્ત આપણનું નામ, ફોટો અને જન્મતારીખ જાણવામાં જ રસ છે, બાકીની વિગતો આપણે ભૂંસી શકીએ છીએ અને આવો પુરાવો ફેસબુક ૩૦ દિવસ પછી ડિલીટ પણ કરી દે છે).
આ રીતે, તમારું એકાઉન્ટ બનાવટી હોવાની શંકા વ્યક્ત થાય અને તમે ફેસબુકને પુરાવા આપી ન શકો તો છેવટે ફેસબુક એકાઉન્ટ ડિલીટ કરે છે. આ બધું ધ્યાને રાખીને ફેસબુક પર નામ બદલવું હોય તો યાદ રાખશો કે ફેસબુક પર એક વાર નામ બદલ્યા પછી ૬૦ દિવસ સુધી ફરી બદલી શકાતું નથી!
તમારે ડિસ્પ્લે નેમ બદલવું જ હોય તો…
કેટલાક કિસ્સામાં સાચાં કારણોસર (જેમ કે અસલી જીવનમાં જ નામ બદલ્યું હોય!) પણ ફેસબુકમાં નામ બદલવું પડી શકે છે. તો એ માટે…
લોગ-ઇન થઈ સેટિંગ્સમાં, જનરલ સેટિંગ્સમાં જાઓ.
અહીં તમારું નામ અને અન્ય વિગતો જોવા મળશે. નામને એડિટ કરવાનો વિકલ્પ પસંદ કરો.
નવું નામ આપો અને ફેસબુક જે રીતે ખરાઈ કરવા માગે (વધુ એક લોગ-ઇન કરીને, મોબાઇલ કે ઈ-મેઇલ દ્વારા વગેરે) તે વિધિ કરો.
ઇચ્છો તો ફેસબુકને તમારું અન્ય ઉપનામ જણાવો અને વિધિ પૂરી કરો.
ફેસબુક પર કોઈ યૂઝર તમને શંકાસ્પદ કે વાંધાજનક લાગે તો શું કરશો?
ફેસબુક પર તમને કોઈ યૂઝર પરેશાન કરતો હોય કે તમને લાગતું હોય કે આ બનાવટી યૂઝર એકાઉન્ટ હોવું જોઈએ, તો તમે તે વિશે ફેસબુકને રિપોર્ટ કરી શકો છો. એ માટે…
એ વ્યક્તિના પ્રોફાઇલ પેજ પર જાઓ અને મેસેજના બટન પાસેના ત્રણ ડોટ પર ક્લિક કરી, રિપોર્ટ પર ક્લિક કરો.
હવે તમે શું કરવા માગો છો તેના વિકલ્પો મળશે.
‘રિપોર્ટ ધીસ પ્રોફાઇલ’ પર ક્લિક કરી આગળ વધતાં, વધુ વિગતો પૂછવામાં આવશે.
અહીં એ વ્યક્તિ તમને પરેશાન કરી રહી છે, પોતે તમે હોવાનો દાવો કરી રહી છે, વાંધાજનક પોસ્ટ મૂકે છે, ફેક એકાઉન્ટ છે વગેરે કારણો તમે જણાવી શકો છો. તેમાં ‘ધીસ ઇઝ અ ફેક એકાઉન્ટ’ પર ક્લિક કરો અથવા જે વાંધાજનક લાગતું હોય તે જણાવશો એટલે છેવટે તમને ત્રણ વિકલ્પો મળશે :
ફેસબુકને એ એકાઉન્ટ તપાસવા કહો.
એ એકાઉન્ટને તમારા માટે બ્લોક કરવા કહો.
એ એકાઉન્ટની બધી પોસ્ટ તમને ન દેખાય તેવું જણાવો.
તમે ઇચ્છો તો આ ત્રણેય વિકલ્પ વારાફરતી પસંદ કરી શકો છો.
અલબત્ત, ફેસબુકની આ સુવિધાને કારણે ખરેખર અસલી નામે, ફેસબુકનો યોગ્ય ઉપયોગ કરી રહેલા ઘણા લોકોને તકલીફમાં મુકાવું પડ્યું હોય એવું પણ બન્યું છે!
ફેસબુક એક અત્યંત વિશાળ કમ્યુનિટી હોવાથી અહીં તમામ પ્રકારના લોકો જોવા મળે છે અને જેવું આપણું વર્તુળ એવા જ લોકોનો આપણને ભેટો થાય છે!


