સવાલ મોકલનાર : અજ્ઞાત રહેવા ઇચ્છતા વાચક
આ સાદા સવાલ પાછળની ગંભીરતા સમજવા માટે, તમે તમારા પોતાના નામને ગૂગલમાં સર્ચ કરી જુઓ. જો તમે ઇન્ટરનેટ પર સારા એવા સક્રિય હશો, એટલે કે ફક્ત નેટ પર ઘણું બધું વાંચી-જોઈને સંતોષ ન માનતા હો, પણ પોતે તેમાં કમેન્ટ, વીડિયો, બ્લોગ-પોસ્ટ વગેરે વિવિધ રીતે યોગદાન આપતા હશો તો તમને ગૂગલ પરની તમારા પોતાના વિશેની સર્ચ ક્વેરીમાં ઘણું બધું જોવા મળશે. બીજા લોકોએ કરેલા તમારા ઉલ્લેખ પણ જોવા મળશે.
અલબત્ત, ફેસબુક પરની તમારી બધી પોસ્ટ સુધી કે ગૂગલ સુધી પહોંચી શકતું નથી, એટલે એની ચિંતા કરશો નહીં, પણ શક્ય છે કે ગૂગલના સર્ચ રીઝલ્ટમાં, તમે પોતે લખેલું કે તમારા વિશેનું એવું પણ કશુંક તમને જોવા મળે, જે હવે ગૂગલ ભૂલી જાય તો સારું એવું તમે ઇચ્છતા હો. કમનસીબે, ગૂગલનું સર્ચ એન્જિન લગભગ કશું જ ભૂલતું નથી.
આપણે ગૂગલમાં લોગ-ઈન હોઈએ ત્યાર પછી ઇન્ટરનેટ પર જે કંઈ કરીએ એ બધું તો ગજબની ચોક્સાઈથી ગૂગલ યાદ રાખે છે, પણ એ બધી બાબતો બહુ ચિંતાજનક નથી હોતી કેમ કે ગૂગલ સિવાય એ બધું બહુ સ્પષ્ટ રીતે બીજાને જોવા મળતું નથી.
આપણે વાત કરી રહ્યા છીએ, ગૂગલ પર તમારા વિશેના એ ઉલ્લેખોની, જે હવે દુનિયા ન જુએ એવું તમે ઇચ્છતા હો. હવે લગભગ તમામ કંપની જેને નોકરી આપવાનો વિચાર કરી રહી હોય એ ઉમેદવારો વિશે તથા પરિવારો દીકરી/દીકરા માટેના સંભવિત પાત્ર વિશે ગૂગલ પર અને સોશિયલ સાઇટ્સ પર સર્ચ કરીને તેમના વ્યક્તિત્વનો તાગ મેળવવાનો પ્રયાસ કરતા જ હોય છે. ખરેખર તો આ કામ પ્રોફેશનલી કરી આપતી કંપનીઝ પણ ખૂલવા લાગી છે. વિદેશોમાં તો આપણા વિશેનો અલગ અલગ કેટલીય જાતનો ડેટા શોધીને આપણા ડિટેઇલ્ડ રીપોર્ટ આપતી કંપનીઝ પણ છે. તમે ઘર ભાડે લેવા માગતા હો અને અમુક બાબતો મકાનમાલિકથી છૂપાવી હોય, પણ સોશિયલ મીડિયા પર એની વાત કરી હોય તો તમે ચોક્કસ સકંજામાં આવી જાવ, મકાનમાલિકને ફ્રેન્ડ ન બનાવ્યા હોય તો પણ!
આ બધાં કારણોસર, ઇન્ટરનેટ પર કશું પણ પોસ્ટ કરતાં પહેલાં વિચારવું જરૂરી હોય છે.
ફરી ગૂગલના સર્ચ રીઝલ્ટમાં આપણા ઉલ્લેખની વાત કરીએ તો, એને ભૂંસવા માટે હવે ગૂગલ કાયદેસર રીતે જવાબદાર છે અલબત્ત હાલમાં ફક્ત યુરોપમાં. યુરોપમાં રાઇટ ટુ બી ફરગોટન (ભૂલાઈ જવાનો અધિકાર) હેઠળ, કોઈ પણ નાગરિક ગૂગલને પોતાના ઉલ્લેખનું યુઆરએલ મોકલીને તેને ડિલીટ કરવા માટે ફરજ પાડી શકે છે. તોય એ ઉલ્લેખ ફક્ત યુરોપમાં દેખાય નહીં, બીજા દેશોમાં તો દેખાઈ શકે! એ અધિકાર આપણા દેશમાં હજી મળ્યો નથી. આપણે ગૂગલને વિનંતી ચોક્કસ કરી શકીએ, પણ ફરજ ન પાડી શકીએ.
ગૂગલ જો તેની નીતિનો, કાયદાકીય બાબતોનો કે કોપીરાઇટનો ભંગ થતો હોય કે એડલ્ટ મટિરીયલની વાત હોય તો જ તેને ડિલીટ કરવાનું વિચારશે (ધ્યાન આપજો, વિચારશે!) ઉપરાંત એ પણ ખાસ સમજવા જેવું છે કે ગૂગલ કદાચ આપણા ઉલ્લેખ દૂર કરશે તો પણ એ ફક્ત ગૂગલના સર્ચ રિઝલ્ટમાંથી દૂર થશે, સર્ચ રિઝલ્ટ જ્યાંથી આવ્યું છે તે વેબસાઇટ પરથી નહીં! બીજા સર્ચ એન્જિનમાં એ ફરી દેખાઈ શકે છે.
આથી, જો કશું કોઈ પણ રીતે વાંધાજનક હોય તો એ સાઇટના વેબમાસ્ટરના ઇ-મેઇલ એડ્રેસ પર, વિનંતીની ભાષામાં, યોગ્ય કારણ આપીને એ ઉલ્લેખ કરવાનો પ્રયાસ કરી શકાય.
સૌથી સારો રસ્તો, વેબ પર કશું પણ પોસ્ટ કરતાં પહેલાં એક મિનિટ અટકી, પરિણામો વિચારી લેવાનો છે!

