સવાલ મોકલનાર : ઓજસ બામરોલિયા, મહેસાણા
આખો સવાલ કંઈક આવો છે, “આપણે કોઈ વિગતનો ફોટો જોઈતો હોય તો આપણે ગૂગલમાં સર્ચ કરીને મેળવી શકીએ છીએ, પરંતુ જો આપણી પાસે કોઈ ફોટો હોય, જેની વિગતો આપણને ખબર નથી. તો તે વિગત મેળવવાનો કોઈ રસ્તો ખરો?”
ચોક્કસ ખરો! આને ‘રિવર્સ ઇમેજ સર્ચ’ કહેવાય છે.
આગળ શું વાંચશો?
- પીસીમાં રિવર્સ ઇમેજ સર્ચ
- મોબાઇલ કે ટેબલેટમાં રિવર્સ ઇમેજ સર્ચ
- પણ વોટ્સએપમાં રહેલી ઇમેજ વિશે રિવર્સ સર્ચ કરવું હોય તો?
પીસીમાં રિવર્સ ઇમેજ સર્ચ
પીસી પર રિવર્સ ઇમેજ સર્ચ કરવી એકદમ સરળ છે. એ માટે…
- તમારા પીસીમાં, કોઈ પણ બ્રાઉઝરમાં www.google.co.in/ અથવા www.google.co.in/ પર જાઓ. અહીં જમણી તરફ ઉપરની બાજુએ ‘ઇમેજીસ’ લખેલું દેખાશે. તેના પર ક્લિક કરશો એટલે ગૂગલનું ઇમેજ સર્ચ પેજ ઓપન થશે.
- હવે તમારા પીસીમાં રહેલી કોઈ પણ ઇમેજ સુધી જાઓ (ટ્રાયલ માટે આવી ઇમેજને ડેસ્કટોપ પર કોપી કરી રાખશો તો સહેલું પડશે).
- હવે એ ઇમેજને માઉસથી ડ્રેગ કરીને ગૂગલ ઇમેજ સર્ચ બોક્સ સુધી લઈ જાઓ (ફરી, બ્રાઉઝરની વિન્ડો થોડી નાની રાખશો તો ઇમેજ માઉસથી ડ્રેગ કરીને તેના પર લાવવી સહેલી પડશે).
- આમ તો બ્રાઉઝરનું એડ્રેસ બાર પણ સર્ચ બોક્સ તરીકે કામ કરે છે, પણ આપણે તેમાં અથવા www.google.co.in/ પર જઈને ઇમેજ ડ્રેગ અને ડ્રોપ કરીશું તો આપણી ઇમેજ ફક્ત બ્રાઉઝરમાં ઓપન થશે, આપણે તેને સર્ચ કરી શકીશું નહીં. આથી, પહેલાં http://images.google.com/પર જવું જરૂરી છે.
- આ રીતે, ઇમેજ સર્ચ બોક્સમાં ડ્રોપ કરશો એટલે ગૂગલ તેના કામે લાગશે.
- ગૂગલ હવે આપણને જે રીઝલ્ટ્સ બતાવશે તેમાં નીચેની બાબતો હોઈ શકે છે :
- આપણે અપલોડ કરેલી ઇમેજ જેવી બીજી ઇમેજીસ
- એ ઇમેજ જે સાઇટ્સ પર હશે તેની યાદી પણ આપણને બતાવશે
- આપણે અપલોડ કરેલી ઇમેજ અન્ય સાઇઝમાં ઇન્ટરનેટ પર ઉપલબ્ધ હશે તો તે પણ બતાવશે.
આ રીતે માઉસથી ઇમેજ ડ્રેગ કરવા ઉપરાંત, જો ઇન્ટરનેટ પરની જ કોઈ ઇમેજ વિશે આપણે વધુ માહિતી જોઈતી હોય તો એ ઇમેજના યુઆરએલને કોપી કરીને http://images.google.com/માં પેસ્ટ કરી સર્ચ કરી શકાય છે. અથવા, ક્રોમ કે ફાયરફોક્સમાં દેખાતી ઇમેજને રાઇટ ક્લિક કરીને પણ તેને ગૂગલમાં સર્ચ કરવાનો વિકલ્પ શોધી શકાય છે.
મોબાઇલ કે ટેબલેટમાં રિવર્સ ઇમેજ સર્ચ
રિવર્સ ઇમેજ સર્ચનો ખરો ઉપયોગ મોબાઇલમાં છે કારણ કે ઘણી વાર, વોટ્સએપમાં આપણા પર આવેલી કોઈ ઇમેજ વિશે આપણને વધુ જાણવાની ચટપટી થતી હોય છે! પરંતુ નવાઈજનક રીતે, ગૂગલે સ્માર્ટફોન કે ટેબલેટમાં રિવર્સ ઇમેજ સર્ચની સરળ સુવિધા આપી નથી.
આપણે સ્માર્ટફોન/ટેબલેટમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરીને તેમાં દેખાતી કોઈ પણ ઇમેજને રિવર્સ સર્ચ કરી શકીએ છીએ. એ માટે ઇમજને ટચ અને હોલ્ડ કરતાં, એક બોક્સ ખૂલે છે અને તેમાં જુદા જુદા ઘણા વિકલ્પો ઉપરાંત ‘સર્ચ ગૂગલ ફોર ધીસ ઇમેજ’ એવો એક વિકલ્પ મળે છે.
પણ વોટ્સએપમાં રહેલી ઇમેજ વિશે રિવર્સ સર્ચ કરવું હોય તો?
એના ઉપાય તરીકે, જાણીતા ભારતીય બ્લોગર અમિત અગરવાલે એક સુવિધા વિકસાવી છે. એનો ઉપયોગ કરવા માટે…
- તમારા મોબાઇલમાં ક્રોમ બ્રાઉઝરમાં ctrlq.org/google/images/ પેજ પર જાઓ.
- અહીં ઇમેજ અપલોડ કરવાનો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરો.
- હવે કેમેરાથી નવી ઇમેજ લેવાનો અથવા મોબાઇલમાંના ડોક્યુમેન્ટ્સમાંથી ઇમેજ પસંદ કરવાનો વિકલ્પ મળશે. તેને ક્લિક કરો.
- આથી, તમારા મોબાઇલમાંની બધી ઇમેજીસની યાદી જોવા મળશે. ડાબી તરફની ત્રણ લીટી પર ક્લિક કરશો તો ફોનની ગેલેરી તથા ગૂગલ ડ્રાઇવ, ફોટોઝ વગેરે એપ ઇન્સ્ટોલ કરેલ હોય તો તેમાંથી ઇમેજ અપલોડ કરવાના વિકલ્પ મળશે.
- ફોનની ગેલેરીમાં (કેટલાક મોબાઇલમાં હવે ગેલેરી એપ હોતી નથી, પણ ગૂગલ ફોટોઝમાં જ અલગ અલગ ફોલ્ડર હોય છે) વોટ્સએપ ઇમેજીસનું ફોલ્ડર પસંદ કરી, તેમાંથી જોઈતી ઇમેજ ક્લિક કરો.
- ઇમેજ અપલોડ થઈ જશે, એેટલે અહીંથી આગળ આ સિસ્ટમ ગૂગલની જ રિવર્સ ઇમેજ સિસ્ટમનો ઉપયોગ કરશે અને આગળ બતાવ્યા મુજબનાં પરિણામ આપશે.
યાદ રાખશો કે તમે ઉપર આપેલી બંનેમાંથી કોઈ પણ રીતે ગૂગલને ઇમેજ આપશો તે ઇમેજ ગૂગલના અસંખ્ય ફોટોઝના ડેટાબેઝમાં ઉમેરાઈ જશે અને ગૂગલ તેનો પોતાની પ્રોડક્ટ્સ અને સર્વિસીઝ માટે ઉપયોગ કરી શકે છે.
