તમે ફેસબુક પર સાઇનઇન થાવ એ સાથે તમને શું દેખાય? તમે ફેસબુક પર જે લોકોને મિત્ર બનાવ્યા હોય એ સૌએ, પોતપોતાના મનની જે વાત સ્ટેટસ તરીકે મૂકી હોય એ તમને દેખાય. તમારા અસંખ્ય મિત્રોમાંથી કયા મિત્રનું સ્ટેટસ તમને પહેલાં બતાવવું એ ફેસબુક પોતાની રીતે નક્કી કરે છે એ જુદી વાત છે, પણ એક વાત નક્કી કે ફેસબુક આપણને, આપણા મિત્રોના રસની વાતો બતાવે છે.
અચ્છા, આપણા પોતાના રસની વાતો જાણવી હોય તો?
ગૂગલના મતે ‘આ દુનિયામાં તમારા જેવું બીજું કોઈ નથી.’ આપણા પરિવારના સભ્યો, સ્વજનો, મિત્રો વગેરે બધા સાથે આપણા રસના વિષયો ભલે મળતા આવતા હોય, બિલકુલ આપણી જેવું જ તો બીજું કોઈ ન હોય.
તમે મોબાઇલમાં રોજેરોજ, સવારના ઉઠતાંવેત, ચા પીતાં પીતાં, છાપાંનાં પાનાં પર નજર નાખતાં નાખતાં, ક્યારેક જમતાં જમતાં, ઓફિસમાં કામ કરતી વખતે, મીટિંગમાં બોસની નજર ચૂકાવીને, સાંજે પરિવાર સાથે ટીવીમાં, તમને કંટાળાજનક લાગતી સિરિયલ, મૂવી કે ક્રિકેટ મેચ જોતાં જોતાં… આ બધા સમયે તમે મોબાઇલ પર જે કંઈ જોતા હોય એ બધું અને તમારી સૌથી નજીકની પારિવારિક વ્યક્તિ કે મિત્ર, લગભગ આ જ રીતે, આ જ બધા સમયે પોતાના મોબાઇલમાં જે કંઈ જુએ એ બંને અલગ જ હોય.
દરેક વ્યક્તિ, પોતાના મોબાઇલમાં પોતાની આગવી જિંદગી જ જીવે છે!
અત્યાર સુધી ફેસબુક કે ટવીટર કે તેના જેવી ગૂગલ પ્લસ જેવી સોશિયલ મીડિયા સાઇટ્સને કારણે આપણી નજીકના લોકો શું વિચારે છે, શું જુએ છે, શું શેર કરે છે… એ બધું આપણે સહેલાઈથી જાણી શકતા હતા, પણ આપણી પોતાની મરજીનું, આપણે પોતે, પોતાના માટે જે જાણવા માગતા હોઈએ એ વધુ ને વધુ જાણવાનો કોઈ સહેલો રસ્તો નહોતો.
હવે કદાચ એવો રસ્તો મળશે – ગૂગલ ફીડ સ્વરૂપે!
તમારા મોબાઇલમાં આવી પહોંચેલી આ નવી સર્વિસ વિશે જાણતાં પહેલાં, ફીડના આ કન્સેપ્ટ વિશે પણ થોડું જાણી લઈએ.
આપણા રસના વિષયોમાં અપડેટેટ કેવી રીતે રહી શકાય?
આપણે જેટલું વધુ વાંચીએ એટલું વધુ જાણીએ અને જેટલું વધુ જાણીએ એટલી આપણી દુનિયા પણ વિશાળ બને એ તો દેખીતી વાત છે.
‘સાયબરસફર’ના જૂના સહયાત્રીઓને ખબર હશે કે આ કોલમ, વેબસાઇટ અને મેગેઝિનમાં હંમેશા આરએસએસ ફીડનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવી છે. ઇન્ટરનેટ પર આપણને ગમતી વેબસાઇટ્સ કે બ્લોગ્સ પર જે કંઈ નવું ક્ધટેન્ટ મૂકાય તે એક જ પેજ પર, એક સાથે જોવાની સગવડ આ ફીડ આપે છે.
ગૂગલે પોતે ૨૦૦૫માં ગૂગલ ફીડ રીડર નામની એક વેબ સર્વિસ શરૂ કરી હતી અને પછી, ફેસબુક, ટવીટર વગેરે સોશિયલ સાઇટ્સ પર શેરિંગ વધી જતાં, ૨૦૧૩માં એ સર્વિસ બંધ કરી હતી. ત્યારે ગૂગલે તેના યૂઝર્સ ઘટી રહ્યા હોવાનું કારણ આપ્યું હતું!
એ સમયે ગૂગલે કદાચ લોકોની માગ અને જરૂરિયાત પારખવામાં ભૂલ કરી હતી કારણ કે ગૂગલ રીડર બંધ થતાં, તેના વિકલ્પ જેવી ફીડલી જેવી સર્વિસ રાતોરાત આખી દુનિયામાં લોકપ્રિય થઈ હતી અને ગૂગલ રીડરના લગભગ ૮૦ ટકા યૂઝર્સ ફીડલી તરફ વળ્યા. ચાર-છ મહિનામાં ફીડલીના યૂઝર્સની સંખ્યા ૧૦ લાખમાંથી ૧૫ ગણી વધીને દોઢ કરોડે પહોંચી ગઈ!
ફીડલીના સ્થાપકોએ ફીડલીમાં ફ્રી ઉપરાંત પેઇડ વર્ઝન રાખ્યું હતું. લવાજમ ભરનાર યૂઝરને કેટલાક વધારાના લાભ મળે. કંપનીએ પહેલા ૫૦૦૦ યૂઝર્સને આ વધારાના લાભ ૯૯ ડોલરમાં આપવાની જાહેરાત સાથે પેઇડ પ્લાન એક્ટિવેટ કર્યો અને એક જ રાતમાં આશરે ૩ કરોડ રૂપિયાની કમાણી કરી હતી (ફીડલી વિશે આપણે વિગતવાર વાત કરી છે ઓક્ટોબર ૨૦૧૫ના અંકમાંઃ ઓછા સમયમાં વધુ વાંચો, વધુ જાણો).
હવે એ જ ગૂગલે, પોતે જે સર્વિસ બંધ કરી હતી લગભગ એ જ પ્રકારની સર્વિસ નવેસરથી (જોકે સાવ નવેસરથી તો નહીં!) શરૂ કરી છે!
જોકે જૂની અને નવી બંને સર્વિસમાં એક બહુ મોટો તફાવત છે – આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો!
ગૂગલ રીડર કે ફીડલી જેવી સર્વિસની એક મર્યાદિ હતી અને છે – એમાં આપણે પોતે પોતાના રસના વિષયો કહેવા પડે છે. હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ગૂગલ પાસેનો આપણી સર્ચ અને વેબ એક્ટિવિટીનો અત્યંત વિરાટ ડેટા આ આખી વાતમાં જોરદાર ટવીસ્ટ લાવે છે.
ગૂગલને કદાચ એવી અપેક્ષા છે કે જેમ રોજ સવારે આપણે ફેસબુક ખોલીને પહેલાં તેની ન્યૂઝફીડ પર નજર દોડાવી, આપણા મિત્રવર્તુળમાં શું ચાલી રહ્યું છે એ તપાસીએ છીએ, એ જ રીતે હવે મોબાઇલમાં ગૂગલની સર્ચ એપ ખોલીને, આપણા પોતાના – માત્ર પોતાના જ – રસના વિષયોમાં, આખી દુનિયામાં શું બની રહ્યું છે એ જાણવાનો પ્રયાસ કરીશું.
આ ગૂગલ અને ફેસબુક વચ્ચેની લડાઈની વાત નથી, કારણ કે બંનેના અભિગમ ધરમૂળથી જ જુદા છે.
લોકોને પર્સનલ ફીડ તરફ વાળવાનો ગૂગલનો આ નવો પ્રયાસ કેટલો સફળ થાય છે એ તો સમય કહેશે, અત્યારે આપણે આ નવી સર્વિસ ખરેખર શું છે તે જાણી લઈએ.
પહેલી વાત એ છે કે ઇન્ટરનેટ પરની દરેક વાતની જેમ અહીં પણ એ જ જૂનો કાયદો છે – એક હાથ લે, એક હાથ દે! તમે ગૂગલને તમારી વેબ પરની પ્રવૃત્તિઓ વિશે જેટલું વધુ જાણવા દેશો એટલો વધુ લાભ ગૂગલ ફીડ તમને આપી શકશે. પ્રાઇવસી તમને પ્યારી હોય તો ગૂગલ ફીડ તમારા માટે નથી.
અલબત્ત, તમારી ગૂગલ ફીડમાં જે કંઈ હશે એ તમને જ દેખાશે. દુનિયાની દરેક વ્યક્તિ માટે, તેના મોબાઇલમાંની ગૂગલ ફીડ્સ અને અન્ય વિગતો અલગ અલગ જ રહેશે.
આ ફીડમાં નવું શું છે?
એક જ પ્રકારની બે કે વધુ, અલગ અલગ સર્વિસ આપવી એ ગૂગલની ખાસિયત રહી છે. જેમ કે જીમેઇલ અને ઇનબોક્સ, ગૂગલ ટોક અને હેંગઆઉટ… વગેરે.
એ જ રીતે, ગૂગલ પોતે અત્યારે પ્લે ન્યૂઝસ્ટેન્ડ નામે એક સર્વિસ એવી આપે જ છે, જેમાં તમે તમારી પસંદગીના વિષયો વિશે ઇન્ટરનેટ પર જે કંઈ નવું કન્ટેન્ટ મૂકાય, આર્ટિકલ, વીડિયો, ન્યૂઝ વગેરે, એ બધું જ એક સાથે, એક એપમાં સહેલાઈથી વાંચી શકો.
જો તમે ગૂગલ પ્લે ન્યૂઝસ્ટેન્ડનો ઉપયોગ કરતા હો તો ગૂગલ ફીડમાં ખાસ કંઈ નવું લાગશે નહીં. ફેર એટલો છે કે આ સર્વિસ ગૂગલે તેની સર્ચ એપમાં ઉમેરી છે.
આ બંને સર્વિસ, ગૂગલની જ નોલેજ ગ્રાફ નામની સર્ચ ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ભરપૂર ઉપયોગ કરે છે.
જે વર્ષે ગૂગલે ગૂગલ રીડર સર્વિસ બંધ કરી, તેના આગલા વર્ષે એટલે કે ૨૦૧૨માં તેણે ઇન્ટરનેટ સર્ચમાં એક નવા જ યુગનો પ્રારંભ કર્યો હતો – નોલેજ ગ્રાફ સ્વરૂપે (જુઓ ‘સાયબરસફર’નો ફેબ્રુઆરી ૨૦૧૩ અંક).
ત્યાં સુધી આપણે ગૂગલ સર્ચ એન્જિનને જે કંઈ પૂછીએ તેના તે ઇન્ટરનેટ પરની અસંખ્ય વેબસાઇટ્સમાંથી શોધીને જવાબ આપતું હતું. ત્યારે એ ફક્ત પૂછાયેલા શબ્દો જ પકડતું હતું. નોલેજ ગ્રાફ ટેક્નોલોજીને કારણે હવે ગૂગલ આપણે પૂછેલા શબ્દોના અર્થ અને તેના સંદર્ભ પણ સમજી શકે છે.
એની સાથોસાથ સ્માર્ટફોનનો જુવાળ ફેલાયો અને ગૂગલને ખરા અર્થમાં આપણું પગેરું દબાવવાની તક મળી કારણ કે હવે આપણે ગૂગલ સુધી જઈએ તો જ ગૂગલ આપણા વિશે જાણે એવું રહ્યું નથી. હવે તો આપણે જ્યાં જ્યાં જઈએ ત્યાં ગૂગલ આપણી સાથે રહે છે. પરિણામે ગૂગલ આપણા વિશે જબરજસ્ત પ્રમાણમાં જાણકારી ધરાવે છે.
એ પછીનાં વર્ષોમાં ગૂગલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને આખી દુનિયા વિશે તે જે કંઈ જાણે છે એ બધી જ માહિતીનો એકમેક સાથે તાળો મેળવવાનું શરૂ કર્યું.
આ બધું જ હવે એક સાથે, ગૂગલ ફીડ સ્વરૂપે આપણી સામે આવ્યું છે!
ધીમે ધીમે ગૂગલ સર્વવ્યાપી અને સર્વજ્ઞાની બની ગયું છે, પણ એની ભૂમિકા સહદેવ જેવી હતી – પૂછો એટલી જ વાતનો ઉત્તર આપે. હવે તે આપણા પૂછવાની રાહ નથી જોતું, આપણે જાણવી જરી માહિતી, આપણે પૂછીએ નહીં કે પૂછવાનું ભૂલી જઈએ તો તે સામેથી આપણને જણાવે છે.
ગૂગલ નાઉ એ જ પ્રકારની સર્વિસ હતી. ‘હતી’ એટલા માટે લખ્યું છે કે નવી સર્વિસ ફીડે ગૂગલ નાઉનું જ સ્થાન લઈ લીધું છે. ગૂગલ કંપની નાઉ વિશે હંમેશા કન્ફ્યૂઝ્ડ હતી, હવે એ સર્વિસને રીટાયર કરી દેવામાં આવી છે અને તેની બધી ખાસિયતો ગૂગલની મોબાઇલ સર્ચ એપમાં ઉમેરી લેવામાં આવી છે.
મોબાઇલમાં ગૂગલ ફીડ ક્યાં મળશે?
ગૂગલ નાઉની જ જગ્યાએ! એટલે ક્યાં? એવો સવાલ થયો? ગૂગલ નાઉ સર્વિસ ખાસ્સી પાવરફૂલ હોવા છતાં લોકપ્રિય ન બની શકી એનું કારણ આ જ હતું. એ કોઈ અલગ એપ સ્વરૂપે ન હોવાથી એની ઉપયોગીતા કદાચ કોઈને દેખાઈ જ નહીં (એવું જ આ ફીડનું થાય તો પણ નવાઈ નહીં!).
અત્યારે ગૂગલે મોબાઇલની તેની સર્ચ એપમાં જ ફીડની સર્વિસ ઉમેરી છે. તેને ખાસ કોઈ અલગ નામ પણ આપ્યું નથી.
તેનું એક કારણ એ પણ છે કે ગૂગલ મોબાઈલમાં લોકોને તેની સર્ચ એપ તરફ વાળવા માગે છે.
તમે મોબાઇલમાં સામાન્ય રીતે બે રીતે સર્ચ કરતા હશો – એક હોમ સ્ક્રીન પરના સર્ચ બોક્સમાંથી અને બીજી રીત, ક્રોમ જેવા બ્રાઉઝરમાં જ સર્ચ કરી લેવાની છે. જેમ પીસીમાં આપણે હવે ગૂગલ.કોમ વેબસાઇટ પર જતા જ નથી, ક્રોમ બ્રાઉઝરમાં જ સર્ચ કરી લઈએ છીએ, એ જ રીતે મોબાઇલમાં ગૂગલ સર્ચ એપનો ઉપયોગ ઘણો ઓછો થાય છે. ગૂગલ આ સ્થિતિ બદલવા માગે છે.
ગૂગલ ફીડમાં આપણને શું મળશે?
ગૂગલે મોબાઇલની સર્ચ એપમાં, ગૂગલ નાઉ સ્વરૂપે વિવિધ કાર્ડમાં આપણને ઉપયોગી માહિતી આપવાનું શરૂ કર્યું હતું. મોબાઇલમાં આપણે જે ગૂગલ એકાઉન્ટમાં લોગ્ડ-ઇન હોઈએ તેમાંની બધી સર્વિસ – જીમેઇલ, કેલેન્ડર, સર્ચ હિસ્ટ્રી, વગેરેમાંની માહિતીને આધારે ગૂગલ આપણને ટ્રાફિક, શોપિંગ, વેધર વગેરે સંબંધિત માહિતી નાનાં નાનાં કાર્ડ સ્વરૂપે આપતી હતી. એ ઉપરાંત ક્રિકેટ ટીમ જેવી કોઈ ચોક્કસ બાબત વિશે રસ બતાવીએ તો તેના સ્કોર પર કાર્ડ સ્વરૂપે બતાવવામાં આવતા હતા.
ગયા વર્ષથી આ ઉપરાંત સર્ચ એપમાં જુદી જુદી વેબસાઇટ પરથી ન્યૂઝ આર્ટિકલની ફીડ બતાવવાનું શરૂ થયું હતું.
હવે ગૂગલે તેને અપડેટ કરી છે.
હવે તમે મોબાઇલમાં ગૂગલ સર્ચ એપ ઓપન કરશો તો તેમાં નીચેના ભાગે ત્રણ ટેબ જોવા મળશે.
પહેલી ટેબ, ફીડ્સ : આ હોમ ટેબમાં ગૂગલનું સર્ચ બોક્સ, એકાદ વેધર કાર્ડ અને પછી ગૂગલ તમને જેટલા ઓળખે છે એ મુજબ, તમને જે જાણવામાં રસ હોય તેવા ન્યૂઝ આર્ટિકલ્સ જોવા મળશે. આપણા લોકેશન મુજબ, આપણી આસપાસ જે કંઈ ચાલી રહ્યું હશે અને જે જાણવામાં આપણને રસ પડી શકે એ બધું પણ અહીં જોવા મળશે.
જો તમે મોબાઇલમાં ખાસ્સું વેબ રીડિંગ કરતા હશો તો તમને આ ફીડમાં ખરેખર તમારા રસના વિષયો વિશે જ વધુ જાણકારી મળશે.
જે ન્યૂઝ ફીડમાં આપણને રસ ન પડે તેને બંધ કરી શકાશે અને નવા રસના વિષયો ઉમેરી શકાશે. કોઈ ચોક્કસ વિષયની ફીડમાં રસ પડે તો તમે એક જ ક્લિકમાં એ ન્યૂઝ સબ્જેક્ટને તમે ફોલો કરવા માગો છો એવું જણાવી શકશો અને તમારી ગૂગલ ફીડમાં તેને સંબંધિત બાબતો વધુ દેખાવા લાગશે. અહીં એક જ વિષય વિશે અલગ અલગ વેબસોર્સમાં શું લખાયું છે એ પણ સાથોસાથ જોઈ શકાશે.
બીજી ટેબ, ‘અપકમિંગ’ : આ ટેબમાં તમારા પોતાના ગૂગલ એકાઉન્ટ મુજબ વિવિધ માહિતી તમને જોવા મળશે.
જેમ કે તમે ઓનલાઇન મોબાઇલ ખરીદ્યો હોય અને શોપિંગ સાઇટ તરફથી તેનું શીપમેન્ટ રવાના થઈ ગયું હોવાનો મેઇલ આવ્યો હોય તો તેની વિગત અહીં જ જાણવા મળી જશે. તમે મૂવી ટિકિટ ઓનલાઇન ખરીદી હોય, પણ શોના સમયે ભારે વરસાદને કારણે ટ્રાફિક ખોરવાયો હોય અહીં તમને જાણ થઈ જશે કે થોડા વહેલા નીકળજો! આ બધું અગાઉ ગૂગલ નાઉમાં આપણને મળતું જ હતું.
ત્રીજી ટેબ, ‘રીસન્ટ’ : અહીં જે જોવા મળે છે તે એક રીતે જે તે મોબાઇલ પરની તમારી સર્ચ હિસ્ટ્રી જ છે. છેલ્લા થોડા દિવસમાં તમે જે કોઈ વિષયે વિશે સર્ફિંગ કર્યું હોય તે બધું અહીં એક સાથે જોઈ શકાશે.
અત્યારે તમે મોબાઇલમાં ગૂગલ સર્ચ એપમાં જાઓ તો તમે આવો કોઈ ખાસ ફેરફાર જોવા ન મળે એવું બની શકે છે.
એનાં બે કારણ છે, એક તમે ગૂગલને, સર્ચ એપમાં આવી બધી માહિતી આપવાની મંજૂરી જ આપી ન હોય. એવું હશે તો હવે પહેલી વાર તમે સર્ચ એપમાં જશો ત્યારે ગૂગલ પૂછશે કે ફીડ સર્વિસનો લાભ લેવો છે? સર્ચ એપમાં ફીડ્સ ન દેખાવાનું બીજું કારણ એ હોઈ શકે કે આ સર્વિસ ધીમે ધીમે રોલઆઉટ થઈ રહી છે, કદાચ તમારા મોબાઇલ સુધી પહોંચી ન હોય!
ઉપરાંત, તમને કેવી ફીડ જોવા મળશે તેનો બધો આધાર, તમે પોતે મોબાઇલનો કેટલો અને કેવો ઉપયોગ કરો છો તેના પર જ છે!
જો તમે મોબાઇલમાં ખાસ્સું રીડિંગ કરતા હો તો આ સર્વિસ તમને ચોક્કસ ઉપયોગી થશે, બાકી તમારી પ્રાઇવસીમાં ગૂગલની દખલ લાગશે!

ગૂગલ સર્ચ એપ ઓપન કરતાં, ફીડમાં સામેલ થવાનું આમંત્રણ મળશે.
સિસ્ટમ તમને જણાવશે કે ફોનમાંની તમારી માહિતી અને લોકેશનનો તમારી માટે ઉપયોગ થશે.
તમારે સેટિંગ્સમાં વેબ અને એપ એક્ટિવિટી ઓન કરવાની રહેશે, જેથી સિસ્ટમ બધું જાણી શકે.
તમે તમારા રસના વિષયો જણાવી શકો છો, જેથી એની વધુ ફીડ જોવા મળે.
‘અપકમિંગ’ ટેબમાં તમારી બધી મહત્ત્વની માહિતી એક સાથે જોવા મળશે
એ જોવા માટે આપણે ગૂગલની અલગ અલગ એપમાં જવું પડશે નહીં
‘રીસન્ટ’ ટેબમાં, મોબાઇલમાંની તમારી એક્ટિવિટીની હિસ્ટ્રી સચવાઈ રહેશે.
છેલ્લાં થોડાં વર્ષોમાં ગૂગલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને આખી દુનિયા વિશે તે જે કંઈ જાણે છે એ બધી જ માહિતીનો એકમેક સાથે તાળો મેળવવાનું શરૂ કર્યું. આ બધું જ હવે એક સાથે, ગૂગલ ફીડ સ્વરૂપે આપણી સામે આવ્યું છે!
તમને કેવી ફીડ જોવા મળશે તેનો બધો આધાર, તમે પોતે મોબાઇલનો કેટલો અને કેવો ઉપયોગ કરો છો તેના પર જ છે!

