ગયા મહિને ભારતના રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે એનડીએ દ્વારા રામનાથ કોવિંદની પોતાના ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે રામનાથ કોવિંદના પારિવારિક પ્રસંગમાં હાજરી આપી હતી એ ૨૦ વર્ષ જૂનો ફોટોગ્રાફ શોધી કાઢીને ટવીટર પર મૂક્યો!
આજની સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં નરેન્દ્ર મોદી અને તેમની ટીમ તો જબરદસ્ત પાવરધી છે. પરંતુ તમે વિચાર કરી જુઓ કે તમારે આવી રીતે કોઈ ચોક્કસ વ્યક્તિ સાથેની તમારી ૨૦ વર્ષ જૂની તસવીર શોધવી હોય તો ધડાક કરતા તમે શોધી શકો ખરા?!
વાત માત્ર ફોટોગ્રાફની નથી. આપણા રોજિંદા કામકાજની કેટલાય પ્રકારની ફાઇલ્સ બહુ ચોકસાઇપૂર્વક અને વ્યવસ્થિત રીતે ગોઠવવી, એ વર્ષોવર્ષ જળવાય એ રીતે તેનો નિયમિત બેક-અપ જાળવવો તથા જ્યારે જરૂર પડે ત્યારે આંખના પલકારામાં એ ફાઇલ શોધવી એ સહેલું કામ નથી.
આજની ડિજિટલ લાઇફમાં આપણે મુખ્યત્વે ચાર પ્રકારની ફાઇલ્સ સાથે કામ પાર પાડવાનું હોય છે.
એક છે આપણા કામકાજની ફાઇલ (જેમાં ઓફિસ પ્રોગ્રામ્સ ફાઇલ્સથી લઇને એકાઉન્ટિંગ અને અન્ય સોફ્ટવેરની બધી ફાઇલ્સનો સમાવેશ થઇ જાય), બાકીના ત્રણ પ્રકારની ફાઇલમાં આપણા ફોટોગ્રાફ્સ, મ્યુઝિક અને વીડિયો ફાઇલ્સનો સમાવેશ થાય.
આમાંથી મ્યુઝિક માટે એક સમય એવો હતો જ્યારે આપણે ગમતાં ગીતોની એમપી૩ ફાઇલ્સ ભેગી કરીને કમ્ય્પુટરમાં સાચવતા પરંતુ હવે સ્માર્ટફોન અને પાર વગરના ડેટાના સમયમાં યુટ્યૂબ અને બીજી સંખ્યાબંધ મ્યુઝિક એપ્સમાં આપણે ઇચ્છીએ તે મ્યુઝિક સહેલાઇથી સાંભળી શકીએ છીએ એટલે મ્યુઝિકની ફાઇલ્સ સાચવવાની હવે કડાકૂટ રહી નથી.
રહ્યો સવાલ બાકીના બે પ્રકારની ફાઇલ્સ સાચવવાનો. અત્યાર સુધી આપણે આ બધું જ આપણા કમ્પ્યુટરમાં સારી રીતે સાચવવાની મથામણ કરતા આવ્યા છીએ. પરંતુ અનુભવે તમને સમજાયું હશે કે, આપણા કામની કે રસની દરેક ફાઇલ યોગ્ય રીતે સાચવવી અને એ ક્યારેય ગુમાવવાનો વારો ન આવે તેવી રીતે તેનો સચોટ બેકઅપ લેવો એ બહુ મુશ્કેલ કામ છે.
એટલે જ હવે કલાઉડ સ્ટોરેજનો ઉપયોગ વધવા લાગ્યો છે.
ગૂગલ, માઇક્રોસોફ્ટ, ડ્રોપબોક્સ, બોક્સ વગેરે સંખ્યાબંધ કંપની આપણને વધતા ઓછા પ્રમાણમાં બિલકુલ ફ્રી અને પછી પેઇડ ક્લાઉડ સ્ટોરેજની સુવિધા આપે છે. આ બધામાં ગૂગલ ડ્રાઇવનો ઉપયોગ સામાન્ય રીતે વધુ થાય છે કારણ કે તે ૧૫ જીબી જેટલી ફ્રી સ્ટોરેજ આપે છે અને આપણને હવે ઘણી બધી રીતે ગૂગલની સર્વિસીસનો ઉપયોગ કરવાની ટેવ પડી ગઈ છે. (અમુક કંપની ૧૦૦ જીબીની સ્પેસ પણ આપે છે, પરંતુ તે અજાણી હોવાથી મહત્ત્વના ડેટા માટે વિશ્વસનીય ન ગણાય – કંપની ઊઠી જાય તો?!).
ગયા મહિને ગૂગલે પોતાની આ સુવિધાને જરા વધુ સરળ બનાવવા માટે ગૂગલ ડ્રાઇવ બેક-અપ એન્ડ સિન્ક નામે એક નવી સર્વિસ લોન્ચ કરી છે.
જોકે, તમે ગૂગલ ડ્રાઇવ અને ફોટો સર્વિસનો ઉપયોગ કરતા હો તો તમારા માટે આ નવી સર્વિસ નથી. ગૂગલે બંને માટેની અલગ અલગ અપલોડરને બદલે એક જ અપલોડર આપ્યું છે અને તેમાં બેકઅપ અને સિન્કનું કામ અગાઉ કરતાં વધુ સરળ બનાવવામાં આવ્યું છે.
જો તમે ગૂગલ ડ્રાઇવ અને ફોટોઝનો હજુ સુધી ઉપયોગ શરૂ કર્યો ન હોય તો આ સર્વિસ તમને ચોક્કસ કામ લાગશે.
હવે આપણે આ સર્વિસની મદદથી આપણા કમ્પ્યુટરમાં અલગ અલગ ફોલ્ડરમાં રહેલ મહત્ત્વની ફાઇલ્સ અને ફોટોગ્રાફ્સને બિલકુલ સરળતાથી આપણા ગૂગલ ડ્રાઇવ એકાઉન્ટમાં અપલોડ કરી શકીએ છીએ અને ઇચ્છીએ તો ડ્રાઇવ અને કમ્પ્યુટર વચ્ચે આ બધી જ ફાઇલને સિન્કડ રાખી શકીએ છીએ.
ગૂગલ ડ્રાઇવમાં મહત્ત્વની ફાઇલ્સ અને ફોટોગ્રાફ્સ સ્ટોર કરવાનો ફાયદો એ છે કે આપણે કોઈ પણ કમ્પ્યુટર કે સ્માર્ટફોનમાંથી ઇચ્છીએ ત્યારે આપણા ગૂગલ એકાઉન્ટમાં લોગઇન થઇને આપણી કામની ફાઇલ એક્સેસ કરી શકીએ છીએ.
જોકે એટલું યાદ રાખશો કે એક ગૂગલ એકાઉન્ટ માત્ર ૧૫ જીબીની ફાઇલ્સ સ્ટોરેજ આપે છે જે જીમેઇલ, ગૂગલ ડ્રાઇવ અને ફોટોઝ વચ્ચે વહેંચાયેલી છે. જો તમે જીમેઇલનો ધરખમ ઉપયોગ કરતા હો તો ગૂગલ ડ્રાઇવ બેકઅપ અને સિન્કની નવી સર્વિસનો પૂરો લાભ લેવા માટે એક નવું ફ્રી ગૂગલ એકાઉન્ટ ક્રિએટ કરી લેશો તો પૂરેપૂરી ૧૫ જીબી સ્પેસનો ફાયદો લઇ શકશો.
આપણા તમામ ડિજિટલ ફોટોઝ માટે ગૂગલ ફોટોઝ અનલિમિટેડ સ્ટોરેજ (ફોટોગ્રાફની ક્વોલિટીની નજીવી મર્યાદા સાથે)ની સગવડ આપે છે એટલે ફોટોગ્રાફ્સની સંખ્યા વધુ હોય તો આપણે ચિંતા કરવાની રહેતી નથી.
https://www.google.com/drive/download/ પર જઈને પ્રોગ્રામ ડાઉલોડ કરી લો. તેને ઇન્સ્ટોલ કરતાં, પીસી પણ નીચે જમણે તેનો આઇકન ઉમેરાશે.

હવે તમે તમારા ગૂગલ એકાઉન્ટમાં સાઇન-ઇન થવા કહેવામાં આવશે. તમે ઇચ્છો તો તમારા વર્તમાન ગૂગલ એકાઉન્ટનો ઉપયોગ કરી શકશો, અથવા…
…બેકઅપ માટે એક નવું, ખાલી ગૂગલ એકાઉન્ટ ખોલી લેશો તો સારું રહેશે કેમ કે તો તમે પૂરી ૧૫ જીબીનો ઉપયોગ કરવા મળશે.
સાઇન-ઇન થયા પછી, તમે કમ્પ્યુટરમાંનાં એ ફોલ્ડર્સ પસંદ કરવા કહેવામાં આવશે, જેમાંથી ફાઇલ્સનો તમે ગૂગલ ડ્રાઇવમાં બેકઅ રાખવા માગો છો.
ડેસ્કટોપ, ડોક્યુમેન્ટ્સ અને પિક્ચર્સનાં કે બીજાં ફોલ્ડર્સ ઉમેરી શકો છો. ફોટોઝ માટે હાઇ ક્વોલિટીનો વિકલ્પ પસંદ કરતાં મફત, અનલિમિટેડ સ્ટોરેજ મળશે.
તમે ઇચ્છો તો ડ્રાઇવમાંથી તમારી મહત્ત્વી ફાઇલ્સ પીસીમાં એક ફોલ્ડરમાં દેખાય એવું સેટિંગ પણ કરી શકો છો.
આટલું થયા પછી, તમારી તમામ મહત્ત્વની ફાઇલ્સ તમે ગમે તે સાધનમાંથી એક્સેસ કરી શકશો!
આપણા રોજિંદા કામકાજની કેટલાય પ્રકારની ફાઇલ્સ બહુ ચોકસાઇપૂર્વક ગોઠવવી, એ વર્ષોવર્ષ જળવાય એ રીતે તેનો નિયમિત બેક-અપ જાળવવો તથા જ્યારે જરૂર પડે ત્યારે આંખના પલકારામાં એ ફાઇલ શોધવી એ સહેલું કામ નથી.
એક ગૂગલ એકાઉન્ટ માત્ર ૧૫ જીબીની ફાઇલ્સ સ્ટોરેજ આપે છે. તમે જીમેઇલનો ધરખમ ઉપયોગ કરતા હો તો બેકઅપ અને સિન્કની નવી સર્વિસનો પૂરો લાભ લેવા માટે એક નવું ફ્રી ગૂગલ એકાઉન્ટ ક્રિએટ કરી લેશો તો સારું રહેશે.
ગૂગલ ફોટોઝ વિશે વધુ જાણો આ લેખમાં:
આપણા તમામ ફોટોઝનું એક કાયમી સરનામું


