ગૂગલ, ફેસબુક, એપલ, માઇક્રોસોફ્ટ જેવી કંપની તેમની પ્રોડક્ટસમાં રહેલી ખામી શોધી આપનારને બહુ મોટાં ઇનામ આપતી હોય છે. ગૂગલે બે વર્ષ પહેલાં એન્ડ્રોઇડ માટે આવી યોજનાની જાહેરાત કરી હતી. જે તે ખામીના મહત્વ અનુસાર ઈનામની રકમમાં વધઘટ થતી હોય છે.
દુનિયાભરના સોફ્ટવેર એન્જિનીયર્સ અને એથિકલ હેકર્સ આવી કંપનીની ખામી શોધીને આ ઇનામ તો જીતે જ છે તેની સાથોસાથ મોટા ભાગે એ જ કંપનીમાં આકર્ષક નોકરી પણ મેળવે છે. ગૂગલે હમણાં તેની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમમાં ખામી શોધનારને બે લાખ ડોલર (અંદાજે ૧.૩૦ કરોડ રૂપિયા)નું ઇનામ આપવાની જાહેરાત કરી છે. એન્ડ્રોઇડના જૂના વર્ઝનની સરખામણીમાં નવા વર્ઝન્સમાં સલામતી વ્યવસ્થા વધુ ને વધુ સઘન બની હોવાથી હજી સુધી કોઈ એન્જિનીયર આટલું મોટું ઇનામ જીતી શક્યા નથી.
