આખી પૃથ્વીનું સર્જન જે મૂળભૂત તત્ત્વોથી થયું, એની મદદથી તમે કેટલું સર્જન કરી શકો? જાણો આ ઇન્ટરએક્ટિવ ગેમમાં!
ઇન્ટરનેટની મજા એ છે કે તમે ઘેરબેઠાં કમ્પ્યુટર પર કે ફક્ત બે ઘડીની ફુરસદ હોય તો સ્માર્ટફોન પર આખી દુનિયાની નીતનવી બાબતોની જાણકારી મેળવી શકો. ઉપરાંત પુસ્તકના બદલે વેબસાઇટમાં વાંચવું પડે એવું પણ હવે રહ્યું નથી. લર્નિંગ હવે ઇન્ટરએક્ટિવ બની રહ્યું હોવાથી આપણે બહુ રસપ્રદ રીતે, ગેમની જેમ રમત રમતમાં નવી જાણકારી મેળવી શકીએ છીએ.
આવી એક સાઇટ અને આઇઓએસ તથા એન્ડ્રોઇડ માટેની એપ છે લિટલ અલ્કેમી (www.littlealchemy.com)
તમને રસાયણ શાસ્ત્ર અને ભૌતિક શાસ્ત્રમાં ઊંડો રસ હોય તો તો આ સાઇટ/એપ તમને ગમશે જ, પણ જો તમને આ વિષયોથી ધ્રૂજારી છૂટતી હોય (વિદ્યાર્થી કરતાં પણ મમ્મી-પપ્પાને!) તો પણ તમને આ સર્વિસ ચોક્કસ ગમશે.આ વિષયોના શિક્ષક માટે આ સાઇટ એક રસપ્રદ, પૂરક સામગ્રી બની શકે છે.
લિટલ અલ્કેમીમાં ચેલેન્જ ફક્ત આટલી જ છે ઃ ચાર મૂળભૂત તત્વો – હવા, જમીન, અગ્નિ અને પાણીથી શરૂઆત કરીને નવાં નવાં તત્વો બનાવતા જાઓ, જુઓ તમે કેટલા આગળ વધી શકો છો!
ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આખા જગતનું સર્જન પાંચ મૂળભૂત તત્ત્વો – પંચમહાભૂતને કારણે થયું છે : આકાશ, પૃથ્વી, અગ્નિ, જળ અને વાયુ. આ પૃથ્વી પર અત્યારે આપણી આસપાસ જે કંઈ જોઈએ છીએ, એ બધું જ અંતે તો આ પાંચ મૂળ તત્ત્વોનું બનેલું છે.
લિટલ અલ્કેમીમાં, આકાશને બાદ કરતાં બાકીનાં ચાર મૂળભૂત તત્ત્વોની મદદથી નવું નવું સર્જન કરવું એ એક માત્ર લક્ષ્ય છે.
આપણે લિટલ અલ્કેમીની સાઇટ કે એપમાં પહોંચીએ એટલે ડાબી તરફ મોટી કોરી પાટી મળે અને જમણી તરફ એક ઊભી કોલમ જોવા મળે, તેમાં ચાર મૂળભૂત તત્ત્વો મળે છે – હવા, જમીન, અગ્નિ અને પાણી. જેમ આખી પૃથ્વીનું સર્જન આટલામાંથી જ થયું તેમ આપણે શરૂઆત આટલાથી જ કરવાની છે.
હવે આ તત્ત્વોમાંથી પહેલાં અગ્નિ વચ્ચેની કોરી પાટી પર ખેંચી લાવો અને પછી પાણીને ખેંચીને તેના પર લાવી મૂકો. દેખીતી વાત છે કે વરાળ બનશે. કોરી પાટીમાં વરાળનું ચિહ્ન જોવા મળશે અને જમણી કોલમમાં, પણ આ ચિહ્ન ઉમેરાઈ જશે.
હવે કોરી પાટીમાં વરાળને તેની જગ્યાએ રહેવા દો અને જમણી કોલમમાંથી વળી વરાળને કોરી પાટીમાં લાવો. તેના પર હવા લાવીને મૂકો તો શું બને? વરાળ અને હવા ભેગાં થતાં વાદળ બને, પણ વરાળ અને અગ્નિને ભેગાં કરો તો? તો કંઈ નહીં બને. અચ્છા, વરાળ અને પૃથ્વીને ભેગાં કરો તો, તો ગરમ પાણીનો ઝરો બનશે. એ રીતે, વાદળ પર પાણી લાવશો તો વરસાદ સર્જાશે. ટૂંકમાં, જુદાં જુદાં તત્ત્વો ભેગાં કરીને આપણે જે કંઈ નવું સર્જન કરીશું તેનાં ચિહ્નો જમણી કોલમમાં ઉમેરાતાં જશે. એ બધું આલ્ફાબેટ પ્રમાણે સોર્ટ થશે એટલે શોધવું સહેલું પડે.
ચેલેન્જ એટલી જ છે કે આપણે જે નવાં તત્ત્વો બનાવીએ તેની મદદથી વધુ ને વધુ નવાં તત્ત્વો બનાવવાનાં! અહીં આપણે ફક્ત દિમાગ લડાવવાનું છે, કોની સાથે કોનો મેળ કરવાથી શું બનશે?
જ્યારે મગજ થાકે અને લાગે કે હવે નવું કશું વિચારી કે સર્જી શકાતું નથી, ત્યારે ઇન્ટરનેટ પર થોડાં ખાંખાંખોળાં કરશો તો લિટલ અલ્કેમીની ગાઇડ્સ કે ચીટશીટ્સ મળી આવશે અથવા લિટલ અલ્કેમી પર જ તમને સંખ્યાબંધ હિન્ટ્સ મળશે. બાજુમાં બતાવ્યા મુજબ, પહેલાં ફક્ત સવાલ જોશો – હરિકેન, વાવાઝોડું કેમ બનાવવું અને પછી ફરી દિમાગ દોડાવશો અને થાકો ત્યારે જ જવાબ જુઓ તો વધુ મજા આવશે.
આ ગેમમાં હાર-જીત નથી, ફક્ત નવું જાણ્યાની, નવું સર્જન કરી કર્યાની જીતની ખુશાલી છે!

