ફોનના હોમ બટનમાં કે પછી રીયર કેમેરાની નીચે ફિંગરપ્રિન્ટ સ્કેનર હોય તે હવે સામાન્ય બનવા લાગ્યું છે, પણ હવે ફોનના સ્ક્રીનમાં જ આ સ્કેનર દેખાવા લાગે એવી શક્યતા છે!
ફિંગરપ્રિન્ટ સ્કેનર પર આપણે આંગળી જરા પ્રેસ કરીએ એટલે એક ઇલેક્ટ્રિક કરંટના આધારે ફિંગરપ્રિન્ટના ઉપસેલા અને ખાડાવાળા ભાગની એક ચોક્કસ પેટર્ન તૈયાર થાય છે, જેના આધારે ફોનનું મેઇન પ્રોસેસર આપણી ઓળખ નક્કી કરે છે. પરંતુ ફોનનો ડિસ્પ્લે સ્ક્રીન હળવા ટચ માટે ડિઝાઇન થયેલો હોય છે, તે ટચ અને પ્રેશર વચ્ચેનો તફાવત સમજી શકતો નથી. તેના ઉપાય તરીકે, ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સોલ્યુશન વિકસી રહ્યું છે. આ માટેનું હાર્ડવેર ફોનના ડિસ્પ્લે સ્ક્રીન નીચે હશે અને તે માથા એક વાળનો સ્પર્શ પર પારખી લે એવું શક્તિશાળી હશે.
આ ટેક્નોલોજીથી ડિસ્પ્લેમાં બ્રાઇટનેસનું સંતુલન ખોરવાય, બેટરી વધુ વપરાય અને કિંમત ઊંચી જવાની તકલીફને લીધે એપલ અને સેમસંગ જેવી કંપની પણ આવા સ્કેનર આપી શકી નથી, પરંતુ હવે વિવો કંપની આવો મોબાઇલ લોન્ચ કરે તેવી શક્યતા છે.

