આપણે જ્યારે પણ ફેસબુકમાં લોગઇન થઇએ ત્યારે સૌથી પહેલાં આપણને ન્યૂઝ ફીડ નજરે ચડે છે. આ ન્યૂઝ ફીડ એટલે આપણા મિત્રોએ પોસ્ટ કરેલું જુદા જુદા અનેક પ્રકારનું કન્ટેન્ટ.
સવાલ એ થાય કે, ફેસબુક પરના આપણા અસંખ્ય મિત્રોમાંથી લગભગ સૌ કોઈ જે કંઈ ફેસબુક પર અપડેટ કરતા હોય તેમાંથી કયા મિત્રનું કયું કન્ટેન્ટ આપણને બતાવવું એ ફેસબુકની સિસ્ટમ કેવી રીતે નક્કી કરતી હશે?
આ સવાલનો ટૂંકો જવાબ આપવો મુશ્કેલ છે કારણ કે ફેસબુક અનેક પ્રકારની ગણતરીઓ કરીને ન્યૂઝ ફીડમાં આપણને ક્યારે કઈ બાબત બતાવવી તે નક્કી કરે છે.
આપણા કરતાં પણ ફેસબુક માટે આ વધુ અગત્યનો સવાલ છે કારણ કે તેની કમાણીનો બધો આધાર આ સવાલના જવાબ પર છે!
દેખીતી રીતે ફેસબુક એવું ઇચ્છે કે તેના યૂઝર્સની સંખ્યા સતત વધુ ને વધુ વિસ્તરતી જાય. તેની સાથોસાથ તેની સાથે જોડાઈ ગયેલા યૂઝર્સ તેમનો વધુમાં વધુ સમય ફેસબુક પર ગાળે તો જ ફેસબુકને વધુ ને વધુ ફાયદો થાય.
આ લક્ષ્ય પાર પાડવા માટે ફેસબુક માટે એ જરૂરી છે કે તે પોતાના યૂઝર્સને એટલે કે આપણને એવું જ કન્ટેન્ટ ન્યૂઝ ફીડમાં બતાવે જે જોવા માટે, લાઇક કરવા માટે કે શેર કરવા માટે આપણને વારંવાર ફેસબુક પર જવાનું મન થાય!
આ કારણે ફેસબુક ન્યૂઝ ફીડ માટે કન્ટેન્ટ પસંદ કરવાના અલ્ગોરિધમ્સ એટલે કે માપદંડો અને ગણતરીઓમાં સતત ફેરફાર કરીને તેને વધુ ને વધુ સચોટ અને અસરકારક બનાવવાનો પ્રયાસ કરે છે.
આપણે જ્યારે લોગઇન થઈએ ત્યારે આપણા મિત્રોની સંખ્યા મુજબ, ફેસબુક પાસે એવી હજારો પોસ્ટ રેડી હોય છે જે તે આપણને બતાવી શકે. આપણા ફ્રેન્ડઝની સંખ્યા જેમ વધુ અને તેઓ ફેસબુક પર જેમ વધુ સક્રિય તેમ આપણી ન્યૂઝ ફીડમાં સ્થાન મેળવવા માટે તે સૌની પોસ્ટ વચ્ચે હરીફાઈ પણ વધુ.
ફેસબુક સામે સૌથી મોટો પડકાર એ હોય છે કે તેણે એમાંથી આપણને સૌથી વધુ ગમે કે ઉપયોગી લાગે એવું કન્ટેન્ટ આપણી સમક્ષ મૂકવાનું છે. આપણી પોતાની ફેસબુક પરની સક્રિયતા અને બીજી અનેક બાબતોને ધ્યાનમાં લઇને ફેસબુક કયુ કન્ટેન્ટ ક્યા ક્રમમાં આપણને બતાવવું તે નક્કી કરે છે.
તમને જાણીને નવાઇ લાગશે કે, ફેસબુક તેના યૂઝર્સને ફેસબુક પર શું જોવું ગમશે એ જાણવા માટે અવારનવાર ઓનલાઇન સર્વે અને ઓફલાઇન સર્વે પણ યોજે છે.
એ ખાસ નોંધવા જેવું છે કે, ફેસબુક પર જેમ વધુ લોકોની ભીડ જામતી જાય છે અને એ દરેક વ્યક્તિ જેમ વધુ પ્રમાણમાં કન્ટેન્ટ શેર કરતી જાય છે તેમ તેમ ન્યૂઝ ફીડ પરની મર્યિદિત જગ્યામાં સ્થાન મેળવવા માટેની હરીફાઈ પણ વધતી જાય છે. ફેસબુક પર ન્યૂઝ ફીડની શરૂઆતથી અત્યાર સુધીમાં ન્યૂઝ ફીડ પર લોકો જેટલો સમય ગાળે છે તેનું પ્રમાણ સતત વધ્યું છે પરંતુ તેની સરખામણીમાં ન્યૂઝ ફીડમાં સ્થાન મેળવી શકે તેવા કન્ટેન્ટનું પ્રમાણ અનેકગણું વધુ છે.
આ કારણે એ દેખીતું છે કે ફેસબુક પર જે કંઈ પોસ્ટ થાય તેનું વધુ લોકો સુધી પહોંચવાનું પ્રમાણ ધીમે ધીમે ઘટતું રહ્યું છે.
ફેસબુક પર મોટા ભાગે બે પ્રકારના લોકો સક્રિય છે. એક જેઓ માત્ર નિજાનંદ માટે અને પોતાના ખરેખર નજીકના મિત્રોના જીવંત સંપર્કમાં રહેવા માટે ફેસબુકનો ઉપયોગ કરે છે.
બીજા પ્રકારના લોકો એવા છે જે ફેસબુકની મદદથી પોતાનો બિઝનેસ કે પોતાની વ્યક્તિગત લોકપ્રિયતા કે પોતે જેમાં માને છે એ સંસ્થા, પક્ષ કે વિચાર કે કંપની કે બ્રાન્ડ વગેરેને પ્રમોટ કરવા માટે ફેસબુકનો ઉપયોગ કરે છે.
આ બંને વચ્ચે એક પ્રકાર એવો પણ છે જે લોકો કોઈ ને કોઈ ક્ષેત્રની જાણીતી વ્યક્તિના સંપર્કમાં રહેવા માટે કે તેમના વિચારો જાણવા માટે તેમને ફેસબુક પર ફોલો કરે છે.
જો તમે માત્ર નિજાનંદ માટે ફેસબુકનો ઉપયોગ કરતા હો તો ઘણું કરીને તમે આંખ મીંચીને મિત્રોની રિકવેસ્ટ સ્વીકારતા નહીં હો કે અજાણ્યા લોકોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલતા નહીં હો. પરંતુ જે કોઈ ચોક્કસ કારણસર ફેસબુકનો ઉપયોગ કરે છે એ વ્યક્તિ, સંસ્થા કે કંપની માટે એ જાણવું બહું જરૂરી છે કે, તેઓ જે કંઈ પોસ્ટ કરે તે ફેસબુક પર વધુમાં વધુ લોકો સુધી કઈ રીતે પહોંચી શકે. આનો જવાબ પણ એક જ છે – તેમણે એ બરાબર જાણવું અને સમજવું રહ્યું કે ફેસબુક આપણા કન્ટેન્ટને કઈ રીતે બીજા કન્ટેન્ટ કરતાં વધુ મહત્વનું ગણી શકે.
તમે ક્યારેક એવું પણ નોંધ્યું હશે કે જે લોકો ફેસબુક પર તમારા ફ્રેન્ડ ન હોય કે તમે જે ફેસબુક ગ્રૂપના સભ્ય ન હો તેના વિશે પણ તમારી ન્યૂઝ ફીડમાં અપડેટ્સ જોવા મળે છે. આવું થવાનું કારણ એ છે કે ન્યૂઝ ફીડમાં ફેસબુક આપણા મિત્રોની બધી પ્રવૃત્તિઓને સમાવવાનો પ્રયાસ કરે છે.
એટલે આપણા મિત્રોએ જે બીજા લોકો કે ગ્રૂપની પોસ્ટને લાઇક કરી હોય કે તેના પર કમેન્ટ કરી હોય એ પણ ફેસબુકની બધી કસોટીમાં પાર ઉતરે તો ફેસબુક આપણને બતાવે છે.
ફેસબુક આમ તો અગણિત પ્રકારની બાબતોને આધારે ન્યૂઝ ફીડ કન્ટેન્ટની પ્રાયોરિટી નક્કી કરે છે, પણ તે મુખ્યત્ત્વે ચાર બાબતો પર ધ્યાન આપે છે :
પોસ્ટ કોણે પોસ્ટ કરી છે?
ફેસબુક પહેલાં એ જુએ છે કે પોસ્ટ કરનાર વ્યક્તિ કોણ છે. એ ફેસબુક પર કેટલી લોકપ્રિય અને કેટલી સક્રિય છે. ખરેખર તો ફેસબુક એ જુએ છે કે એ વ્યક્તિ આપણા માટે કેટલી લોકપ્રિય છે. એ વ્યક્તિની વિવિધ પોસ્ટને ભૂતકાળમાં આપણે કેટલો પ્રતિસાદ આપ્યો છે તેને આધારે ફેસબુક નક્કી કરે છે કે એની નવી પોસ્ટ વિશે જાણવામાં આપણને કેટલો રસ હશે.
ફેસબુક પર તમે પ્રમાણમાં ખાસ્સા સક્રિય હો તો તમે જોયું હશે કે તમે કોઈ વ્યક્તિની પોસ્ટને લાઇક કરો કે તેના વિશે કંઈ કમેન્ટ કરો કે તેને શેર કરો તો એ જ દિવસથી એ વ્યક્તિની વધુ ને વધુ પોસ્ટ તમને દેખાવા લાગશે.
આનો અર્થ એ નથી કે એ વ્યક્તિ ફેસબુક પર વધુ સક્રિય થઈ ગઈ છે. અર્થ માત્ર એ થયો કે તમારા સુધી પહોંચવા હરીફાઈ કરતી બધી પોસ્ટમાં તમારા એ મિત્રની પોસ્ટ બાજી જીતી જાય છે. કારણ કે તમે પોતે એમાં રસ બતાવ્યો છે!
તમે કોઈની પોસ્ટ લાઇક કરો કે શેર કરો એટલા માત્રથી ફેસબુકને સંતોષ નથી. તમે એ વ્યક્તિનું પેજ કે પ્રોફાઇલ જુઓ કે ટેગ કરો, તમારી સાથે બીજી કોઈ વ્યક્તિએ એ વ્યક્તિને ટેગ કરી હોય એ બધું ફેસબુક ધ્યાને લે છે. એ જ કારણે જે મિત્રો કે પેજીસ સાથે તમે આ પ્રકારે છેલ્લા ઘણા સમયથી કોઈ ઇન્ટરએકશન ન કર્યું હોય એમની કોઈ પોસ્ટ તમને લગભગ ક્યારેય જોવા મળતી નથી.
એ પોસ્ટને મળેલો પ્રતિસાદ
ફેસબુકના રડારમાં બીજો અગત્યનો મુદ્દો પોસ્ટ પોતે છે. ફેસબુક એ તપાસે છે કે જે તે પોસ્ટને અન્ય યૂઝર્સે કેવો પ્રતિસાદ આપ્યો છે.
જો એ પોસ્ટને બીજા લોકોએ વધુ પ્રમાણમાં પ્રતિસાદ આપ્યો હશે તો ફેસબુક એ તમને પણ બતાવવાનું નક્કી કરશે. જો કોઈ પોસ્ટને મોટા પ્રમાણમાં લોકોએ પ્રતિસાદ ન આપ્યો હોય તો ફેસબુક માની લેશે કે તમને પણ આમાં રસ પડશે નહીં અને પરિણામે એ તમને એ પોસ્ટ બતાવવાનું ટાળશે.
પોસ્ટનો પ્રકાર
ફેસબુક માટે ત્રીજો અગત્યનો મુદ્દો એ છે કે પોસ્ટ ક્યા પ્રકારની છે. એ ફક્ત સ્ટેટસ ટેક્સ્ટ છે, ફોટો છે, લિંક કે વીડિયો છે? એ બધું ધ્યાને લીધા પછી આ દરેક પ્રકારની પોસ્ટને સામાન્ય રીતે આપણે કેવો પ્રતિસાદ આપીએ છીએ એ પણ ફેસબુક તપાસે છે.
આપણે કોઈ ઇવેન્ટ સંબંધિત પોસ્ટમાં વધુ રસ લેતા હોઈએ કે કોઈ એપમાંથી આવેલા કન્ટેન્ટમાં વધુ રસ બતાવ્યો હોય તો ફેસબુક એ પ્રકારની પોસ્ટ આપણને વધુ પ્રમાણમાં બતાવશે. દરેક વ્યક્તિની પસંદગી અલગ અલગ પ્રકારની હોય છે. કોઈને ફેસબુક પર અવનવા વીડિયો જોવા વધુ ગમતા હોય તો કોઈને માત્ર ન્યૂઝ આર્ટિકલ વાંચવામાં રસ હોય તો એ પણ ફેસબુકની નજરમાં રહે છે. પરિણામે જો તમે ફેસબુકમાં વારંવાર વીડિયો પર ક્લિક ન કરતા હો તો ધીમે ધીમે તમારી ન્યૂઝ ફીડમાં વીડિયો દેખાવાનું પ્રમાણ જ ઘટતું જશે.
પોસ્ટનો સમય
ચોથો સૌથી અગત્યનો મુદ્દો એ છે કે પોસ્ટ ક્યારે પોસ્ટ કરવામાં આવી છે. એટલે કે એ કેટલી નવી છે. પોસ્ટ જેમ નવી હશે તેમ એ વાંચવામાં તમને વધુ રસ પડશે તેવું ફેસબુક ધારી લે છે.
જોકે અહીં એક મજાનો ટવીસ્ટ છે. ફેસબુક માત્ર પોસ્ટનો સમય નહીં, આપણે ફેસબુકમાં ક્યારે ક્યારે લોગઇન થયા અને ન્યૂઝ ફીડ જોઈ એ સમય પણ નજરમાં રાખે છે.
જો તમે બે-ત્રણ દિવસથી ફેસબુકમાં લોગઇન ન થયા હો પણ એ સમયમાં તમારા મિત્ર વર્તુળમાં અમુક પોસ્ટ ખાસ્સી લોકપ્રિય થઈ હોય તો ફેસબુક, તમે બે-ત્રણ દિવસ પછી જ્યારે ફેસબુકમાં લોગઇન થાવ ત્યારે તમે ચૂકી ગયા હો એ લોકપ્રિય પોસ્ટ બતાવવાનું ભૂલશે નહીં.
તમે ફેસબુક પર સતત લોગઇન રહીને એક્ટિવ રહેતા હો અને કલાકે કલાકે નહીં પણ મિનિટે મિનિટે ન્યૂઝ ફીડ જોતા હો કે લાઇક, કમેન્ટ વગેરે કરતા હો તો પછી ફેસબુક તમને વધુમાં વધુ તાજી પોસ્ટ બતાવવાનો પ્રયાસ કરશે.
આ બધી બાબતોને આધારે ફેસબુક આપણી પસંદ-નાપસંદ જાણે છે. એટલે ફેસબુક પર આપણે જેમ વધુ લાંબા સમયથી એક્ટિવ હોઇએ તેમ તેમ આપણા વિશે વધુ ને વધુ જાણે છે અને તેને આધારે તે આપણને સૌથી વધુ રસપ્રદ લાગતી પોસ્ટ બતાવે છે. એટલે જ સમય સાથે તમારી પસંદ નાપસંદ બદલાય તો ફેસબુક પર દેખાતી પોસ્ટમાં પણ તેની અસર જોવા મળે છે.
ફેસબુક માટે શું મહત્ત્વનું છે?
આ બધી વાત તો ફેસબુક પર આપણને પોતાને શું જોવું ગમશે એ વિશેની થઇ.
પરંતુ સામી બાજુ ફેસબુક પાસે પણ એવી ઘણી બાબતો હોય છે જે આપણે જોઈએ તો ફેસબુકને ગમે!
જેમ કે, ફેસબુક પોતે કોઈ નવું ફીચર લોન્ચ કરે ત્યારે તેને શક્ય એટલી ઝડપથી લોકપ્રિય બનાવવા માટે ફેસબુક વધુ યૂઝર્સ સુધી તેને પુશ કરે છે. થોડા સમય પહેલાં ફેસબુકે લાઇવ વીડિયોનું ફીચર લોન્ચ કર્યું ત્યારે જો તમારા સર્કલમાંથી કોઈ વ્યક્તિ ફેસબુક પર લાઇવ વીડિયો શેર કરે તો ઉપરની બધી ગણતરીઓ પ્રમાણે એ પોસ્ટને ખાસ્સા માર્ક ન મળતા હોય તો પણ તેમાં ફેસબુકનો પોતાનો લાભ હોવાથી ફેસબુક એ નવા પ્રકારની પોસ્ટ તમને બતાવશે.
ભૂલેચુકે તો તમે તેને લાઇક કરી તો તો પછી ફેસબુકની બધી ગણતરીઓ કામે લાગી જ જવાની છે અને એ પ્રકારના લાઇવ વીડિયો તમને વધુ દેખાવાનું શરૂ થઇ જશે!
ન્યૂઝ ફીડમાં જોવા મળતી જાહેરાતો
તમે નોંધ્યું હશે કે, આપણે ફેસબુક પર ન્યૂઝ ફીડ જોતા હોઇએ ત્યારે વચ્ચે વચ્ચે દેખીતી રીતે જાહેરખબર લાગે તેવી પોસ્ટ પણ આવી જતી હોય છે.
જે રીતે આપણા મિત્રોની કઈ પોસ્ટ આપણને બતાવવી તે નક્કી કરવા માટે ફેસબુકનું પોતાનું આગવું અલ્ગોરિધમ છે એ જ રીતે આપણને કઈ જાહેરખબર બતાવવી એ માટે પણ ફેસબુકે લાંબી કે સતત ચાલતી કસરતને આધારે આગવા અલ્ગોરિધમ્સ વિકસાવ્યા છે.
આમાં પણ ગણિત સાદું છે. ફેસબુક પર જાહેરાત આપતી કંપનીને જેમ વધુ સારો પ્રતિસાદ મળશે તેમ એ લોકો વધુ જાહેરાત કરવા પ્રેરાશે અને તેમ ફેસબુકને વધુ કમાણી થશે. આથી જે જાહેરાત પર આપણે પ્રતિસાદ આપીએ તેવી વધુમાં વધુ શક્યતા હોય એ જાહેરાત આપણી ન્યૂઝ ફીડમાં ફેસબુક ઘુસાડે છે.
ફેસબુક પર તમારી એક્ટિવિટી ઉપરાંત તમે ફેસબુક પરના પોતાના પ્રોફાઇલમાં જેમ વધુ વિગતો આપશો તેમ ફેસબુક તમારી વિશે વધુ જાણશે અને તેને આધારે તમને તે વધુમાં વધુ રિલેવન્ટ જાહેરાતો બતાવશે.
ફેસબુકની ન્યૂઝ ફીડને તમારી અનુકૂળતા મુજબ કેવી રીતે કસ્ટમાઇઝ કરી શકાય એ વિશે આપણે મે, ૨૦૧૭ના અંકમાં જાણી લીધું છે!
ન્યૂઝ ફીડમાં આવતાં પરિવર્તનો
ફેસબુક તેની ન્યૂઝ ફીડની ગણતરીઓ અને માપદંડોમાં સતત ફેરફારો કરે છે. આ બધું આપણને સીધું નજરે ચઢતું નથી, પણ ન્યૂઝ ફીડમાં આપણને જે કંઈ દેખાય તેના પર તેની સીધી અસર હોય છે.
આ રહ્યા આવા કેટલાક ફેરફારો…

ફેસબુક પોતાની એપમાં ટ્રેન્ડિંગ ન્યૂઝનું નવું ફીચર ઉમેરી રહી છે. આઇઓએસ પછી એન્ડ્રોઇડમાં તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે.
ફેસબુક પર શેર થતી લિંકનું વેબપેજ ફટાફટ ખૂલતું હશે તેને હવે ફેસબુક ન્યૂઝ ફીડમાં અગ્રતા આપે છે, યૂઝર્સે રાહ જોવી પડે તે ન ચાલે!
આપણા મિત્રો અને લાઇક કરેલાં પેજીસ ઉપરાંતનું કન્ટેન્ટ બતાવવા ફેસબુકે ‘એક્સ્પ્લોર ફીડ’નું ફીચર ટેસ્ટ કરવાનું શરૂ કર્યું છે.
ફક્ત લાઇક મેળવવાના ઉદ્દેશથી શેર થતી, સ્પામ જેવી પોસ્ટ્સને ફેસબુકે ન્યૂઝ ફીડમાં પાછળ ધકેલવાનું શરૂ કર્યું છે.
ફેસબુકની જે પોસ્ટ કે ઇવન એડમાં, ફેસબુકની દૃષ્ટિએ ‘ઉતરતી ગુણવત્તા’નું કન્ટેન્ટ શેર થતું હોય તેને ફેસબુક ન્યૂઝ ફીડમાં પ્રાધાન્ય મળતું નથી.
ન્યૂઝ ફીડમાં ટોપિક્સ સબસ્ક્રાઇબ કરવાનું ફીચર ઉમેરાઈ રહ્યું છે, જેથી તમને ગમતા વિષય વિશે વધુ માહિતી તમે ન્યૂઝ ફીડમાં મેળવી શકો.
તમે કોઈ પોસ્ટ ફક્ત લાઇક કરવાને બદલે તેના પર રીએક્શન આપો, તો ન્યૂઝ ફીડમાં એ પોસ્ટ ફક્ત લાઈક કરેલી પોસ્ટ કરતાં આગળ રહેશે!
ફેસબુકે ન્યૂઝ ફીડમાંના વીડીયોને સાઉન્ડ સાથે ઓટોમેટિકલી પ્લે કરવાનું શરૂ કર્યું, જોકે પછી ઓટોપ્લે બંધ કરવાનો વિકલ્પ પણ આપ્યો.
જો તમે ન્યૂઝ ફીડમાંનો કોઈ વીડિયો આખો જુઓ તો ફેસબુકે એ ધ્યાને લઈને એ પ્રકારના વીડિયો તમને વધુ બતાવવાનું શરૂ કર્યું છે.

