ગૂગલ એડવડ્ર્સ કે ફેસબુકની લાઇક સિસ્ટમ ટેક્નોલોજીની દૃષ્ટિએ ઉપયોગી અને સરસ છે, પણ તેનો ગેરલાભ લઈને લોકોના કરોડો રૂપિયા લૂંટતા લોકોનો પણ તોટો નથી.
એક ક્લિક કરો અને પાંચ રૂપિયા લઈ જાવ! વાત કેટલી સહેલી લાગે છે?! આજે પાંચ રૂપિયામાં અડધી ચા પણ મળતી નથી, છતાં ઠગાઈ માટે જાણીતા દિલ્હીના કેટલાક ભેજાબાજોએ લોકોને ફક્ત પાંચ-પાંચ રૂપિયાની લાલચ આપીને પૂરા ૩૭૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી!
આ કૌભાંડની હજી તો તપાસ શરૂ થઈ છે ત્યાં નોઇડાની જ બીજી એક કંપનીએ, બરાબર એ જ રીતે લગભગ બે લાખ લોકોને પાંચસો કરોડમાં નવડાવ્યા હોવાનું બહાર આવી રહ્યું છે. ભારતના અત્યાર સુધીના આ સૌથી મોટા ઓનલાઇન કૌભાંડની વિગતો તમે અખબારોમાં વાંચી હશે, પણ આ કૌભાંડનાં મૂળ જેમાં છે તે ફેસબુક પર થતી લાઇક્સની ‘ખેતી’ કે ઓનલાઇન એડવર્ટાઇઝિંગ નેટવર્ક્સમાં ચાલતા ‘બનાવટી’ ક્લિક્સના ફ્રોડ જરા વધુ વિગતવાર અને ઊંડાણપૂર્વક સમજવા જેવા છે.
આપણાં અખબારોની ટચૂકડી જાહેરાતોમાં, અખબારો સાથે આવતાં ફરફરિયાંમાં અને ઇન્ટરનેટ સાઇટ્સ પર ‘ક્લિક કરો અને કમાણી કરો’, ‘ઘેર બેઠાં કમાઓ’, ‘મલ્ટીનેશનલ કંપની સાથે જોડાઓ, લાખો કમાઓ’ વગેરે વગેરે લાલચ આપતી સંખ્યાબંધ જાહેરાતો વાંચીને તમને પણ તમારું નસીબ અજમાવવાનો વિચાર થઈ આવતો હોય, તો આ બધામાં અંતે શી રમત હોય છે તે તપાસવા જેવું છે.
આગળ શું વાંચશો?
- આ ૩૭૦૦ કરોડનું કૌભાંડ ખરેખર શું છે?
- ક્લિક કરવાના નામે કરોડો કેવી રીતે પેદા થાય?
- ગૂગલ પર ‘ખોટી’ ક્લિક્સ
- ફેસબુક પર ‘લાઇક્સ’ની ખેતી
આ ૩૭૦૦ કરોડનું કૌભાંડ ખરેખર શું છે?
ગયા વર્ષે નવેમ્બર મહિનામાં વડાપ્રધાને અચાનક નોટબંધી લાદી, તે પછી નવી દિલ્હી નજીકના નોઇડાની અમુક બેન્કનાં કેટલાંક ચોક્કસ ખાતામાં એક સાથે કરોડો રૂપિયા જમા થયા. સત્તાધીશોએ આ ખાતાધારકો પર નજર રાખવાનું શરૂ કર્યું અને દરમિયાન, એ જ ખાતાધારકો સામે, રૂપિયાની લાલચ આપ્યા પછી રકમ ન ચૂકવ્યા અંગેની ફરિયાદો વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાવા લાગી.
છેવટે ઉત્તર પ્રદેશના સ્પેશિયલ ટાસ્ક ફોર્સે નોઇડા ખાતેની, અબ્લેઝ ઇન્ફો સોલ્યુશન્સ પ્રા. લિમિટેડ કંપનીના ડિરેક્ટર અનુભવ મિત્તલ, સીઇઓ શ્રીધર અને ટેકનિકલ હેડ મહેશ દયાળની ધરપકડ કરી. ટાસ્ક ફોર્સે આ કંપનીના વિવિધ બેન્ક ખાતાં સીલ કર્યાં છે, જેમાં કુલ ૫૦૦ કરોડ જેટલી રકમ જમા છે.
કંપનીના ડિરેક્ટર અનુભવ મિત્તલે વર્ષ ૨૦૧૦માં કમ્પ્યુટર સાયન્સમાં બી.ટેક.ની ડીગ્રી મેળવી હતી. કોલેજની હોસ્ટેલમાંથી જ તેણે એક કંપની ઊભી કરી હતી, જેનું વર્ષ ૨૦૧૫ સુધી વર્ષે માંડ ૩-૪ લાખ રૂપિયાનું ટર્નઓવર હતું. પરંતુ પછીનાં બે જ વર્ષમાં તેની કંપનીની કમાણી ૩૭૦૦ કરોડ સુધી પહોંચી ગઈ!
હવે બહાર આવી રહેલી વિગતો અનુસાર, આ કંપનીએ ‘સોશિયલ ટ્રેડિંગ’નો નવો બિઝનેસ ઊભો કર્યો હતો. વાસ્તવમાં આ કોઈ નવો બિઝનેસ નથી અને દુનિયાભરમાં ઠેકઠેકાણે આ પ્રકારનો ‘બિઝનેસ’ ચાલી રહ્યો છે.
અનુભવ મિત્તલના બિઝનેસમાં, લોકો અમુક ચોક્કસ રકમ ભરીને સભ્ય બની શકતા હતા. લોકો રૂા. ૫૭૦૦, રૂા. ૧૧,૫૦૦, રૂા.. ૨૮,૫૦૦ અથવા રૂા. ૫૭,૫૦૦ ભરીને આ કંપનીમાં રોકાણકાર અથવા સભ્ય તરીકે જોડાઈ શકતા હતા. બદલામાં, કંપની તેમને ઈ-મેઇલ અથવા મોબાઇલમાં તેમના પ્લાનની રકમ અનુસાર ૨૫, ૫૦, ૭૫ અથવા ૧૨૫ લિંક મોકલતી હતી. લોકોએ ફક્ત આ લિંક્સ ક્લિક કરવાની અને દરેક ક્લિક કરવાના તેમને પાંચ રૂપિયા મળે.
ગણતરી માંડીએ તો રૂા. ૫૭,૫૦૦ના પ્લાનમાં રોજની ૧૨૫ લિંકના પાંચ રૂપિયા લેખે, રોજના રૂા. ૬૨૫નું વળતર મળી શકે. આ રીતે, એક વર્ષમાં રૂા. ૨,૨૮,૧૩૫ મળી શકે.
બેન્કની ફિક્સ્ડ ડિપોઝિટમાં અત્યારે માંડ ૬.૫ ટકા વ્યાજ મળે છે, તેના બદલે ૮ ટકા વ્યાજ ગણીએ તો પણ, બેન્કમાં રૂા. ૫૭૫૦૦ રોકવામાં આવે તો બેન્ક એક વર્ષના અંતે રૂા. ૪૬૦૦ વ્યાજ સહિત રૂા. ૬૨,૧૦૦ રૂપિયા પાછા આપે. તેની સામે આ કંપની રૂા. ૨,૨૮,૧૩૫ પાછા આપવાની વાત કરી રહી હતી!
બરાબર ધ્યાન આપજો, કંપનીએ ફક્ત એમ કહ્યું હતું કે આટલી કમાણી થઈ શકે! આવાં કૌભાંડમાં હંમેશા બને છે તેમ કંપનીએ શરૂઆતમાં તેની સાથે જોડાનારા સંખ્યાબંધ લોકોએને ખરેખર એક ક્લિકના પાંચ રૂપિયા લેખે માતબર રકમ ચૂકવી પણ ખરી. સાથે, જે સભ્યો બીજા સભ્યો ખેંચી લાવે તેમને વધારાની કમાણીનું ગાજર બતાવ્યું.
આવી વાત સોશિયલ મીડિયા પરની સુપર વાઇરલ પોસ્ટ કરતાં પણ વધુ ઝડપથી પ્રસરે એમાં નવાઈ નથી.
હવે તપાસમાં બહાર આવી રહ્યું છે કે ઓછી કમાણી ધરાવતા સાધારણ લોકો ઉપરાંત, ભણેલા-ગણેલા, પ્રોફેશનલ્સ અને અનેક ગૃહિણીઓ આ કંપનીમાં જોડાવા લાગી અને કંપનીના સભ્યોની સંખ્યા સાડા છ લાખથી સાત લાખ સુધી પહોંચી ગઈ. એ સાથે કંપનીનાં બેન્ક ખાતામાં પણ કરોડો રૂપિયા જમા થવા લાગ્યા.
આ કંપની જુદાં જુદાં ડોમેઇન નેમ હેઠળ વેબસાઇટ્સ ચાલુ કરતી હતી અને તેમાંથી લોકોને ક્લિક કરવા માટેની લિન્ક્સનો પુરવઠો પૂરો પાડવામાં આવતો હતો. કંપનીએ વેબસાઇટ્સનાં યુઆરએલ વારંવાર બદલ્યાં ત્યારથી તેના રોકાણકારોને શંકા પડવા લાગી અને પછી કંપનીએ વચન મુજબ ક્લિક દીઠ રૂપિયા ચૂકવવામાં મોડું કરવાનું શરૂ કર્યું અને પછી છેવટે ચૂકવણી સાવ બંધ કરી ત્યારે છેક લોકોને પોતે ઠગાયા હોવાનું ભાન થયું અને તેઓ પોલીસ ફરિયાદ કરવા તરફ વળ્યા (આ આખું કૌભાંડ પકડાયા પછી, પણ સંખ્યાબંધ લોકોએ આ કંપની અને તેના સંચાલકોની તરફેણ કરી હોવાનું બહાર આવ્યું છે).
હવે રિઝર્વ બેન્ક, ઇન્કમટેક્સ, સેબી અને બીજાં જુદાં જુદાં સરકારી ખાતાં આ તપાસમાં લાગ્યાં છે. કંપનીનાં કમ્પ્યુટર્સ, સર્વર્સ, પેટાબાઇટ્સનો ડેટા, પાર વગરનાં બેન્ક એકાઉન્ટ્સની વિગતો વગેરે જપ્ત થયું છે. કંપનીની ઓફિસમાંથી એક સાથે ૨૫૦ પાસપોર્ટ મળ્યા છે. કંપની તેના ટોચના રોકાણકારોને વિદેશ પ્રવાસે લઈ જઈ, તેમની મોજમજાના પ્રમોનશલ વીડિયો તૈયાર કરીને સોશિયલ મીડિયા પર સ્પ્રેડ કરવાની વેતરણમાં હતી.
આપણા દેશના અને વિદેશના પણ સંખ્યાબંધ લોકો, પોતાના પરિવારના બધા સભ્યોના નામે રકમ આપીને આ કંપનીમાં જોડાયા હોવાનું બહાર આવી રહ્યું છે.
આ કંપનીના સંચાલકોના દાવા મુજબ, તેને જુદી જુદી કંપની તરફથી દરેક ક્લિકના છ રૂપિયા મળતા હતા અને તેમાંથી પાંચ રૂપિયા તે પોતાના સભ્યોને પાસ-ઓન કરતી હતી.
આપણા દેશની જાણીતી વેબસાઇટ્સ પર, દરેક લેખના અંતે જે તે વેબસાઇટના અન્ય લેખ તરફ દોરી જતી લિંક્સ હોય છે અને તેની સાથોસાથ વિવિધ એડ નેટવર્ક્સ તરફથી બીજી સાઇટ્સ પર લઈ જતી લિંક્સ હોય છે. આ બંને વચ્ચેનો તફાવત બહુ નજીવો હોય છે, પણ આવી અન્ય લિંક્સમાં લોકોને ગેરમાર્ગે દોરતી એડ્સનું પ્રમાણ વધી રહ્યું છે.
ક્લિક કરવાના નામે કરોડો કેવી રીતે પેદા થાય?
હવે આ આખી વાતમાં સવાલ એ થાય કે એક ક્લિકમાં એવી તે કેવી તાકાત કે તેના આધારે કોઈ કંપની ૩૭૦૦ કરોડ જેટલી રકમ ઊભી કરી શકે?
આવું શક્ય બનવાનાં બે કારણ છે – એક, કોઈ મહેનત વિના કમાણી ન થાય એવું સમજવા છતાં લોભ સામે આંધળા થવાની લોકોની માનસિકતા, અને બીજું કારણ છે ઇન્ટરનેટ પર એક એક ક્લિકમાં રહેલી ખરેખરી તાકાત!
એક ક્લિકમાં એવી તે કેવી તાકાત છે એનો જવાબ મેળવવા માટે ઇન્ટરનેટ જગતમાં એડવર્ટાઇઝિંગ કેવી રીતે ચાલે છે અને ભેજાબાજો તેમાં કેવાં છીંડાં શોધી કાઢે છે તે સમજવું પડે.
ઇન્ટરનેટ પર સૌની કમાણીનો બધો આધાર એક ક્લિક કે એક લાઇક પર છે. સર્ફિંગ કરતી વખતે આપણે ખાસ કશું વિચાર્યા વિના જુદી જુદી લિન્ક્સ ક્લિક કરીએ છીએ કે ફેસબુક પર મિત્રોની પોસ્ટસ લાઇક કરી દઈએ છીએ, ત્યારે એ એક ક્લિક કે લાઇક પાછળ કેટલી ઉથલપાથલ થાય છે તેનો આપણને અણસાર પણ આવતો નથી.
‘સાયબરસફર’ના સપ્ટેમ્બર ૨૦૧૬માં આપણે ઇન્ટરનેટનું અર્થતંત્ર કેવી રીતે ચાલે છે તેની વિગતવાર વાત કરી હતી. ઇન્ટરનેટ પર લગભગ બધું જ કન્ટેન્ટ અને સર્વિસીઝ આપણને મફત મળી શકે છે તેનું કારણ છે વેબસાઇટ્સ અને વેબ સર્વિસીઝને જાહેરખબરોમાંથી થતી આવક.
વાત ગૂગલની હોય કે ફેસબુકની, ઇન્ટરનેટ પરની લગભગ બધી જ કંપની, તેના યૂઝર્સ વિશે ઝીણામાં ઝીણી માહિતી મેળવીને, તે જે પ્રોડક્ટ કે સર્વિસ ખરીદે તેવી સૌથી વધુ શક્યતા હોય તેની જાહેરાત તેને બતાવે છે અને તેમાંથી પોતે કમાણી કરે છે.
ગૂગલની વાત કરીએ તો તે જગતવ્યાપી એડવર્ટાઇઝિંગ નેટવર્ક ચલાવે છે. પોતાની પ્રોડક્ટ કે સર્વિસની ઇન્ટરનેટ પર જાહેરાત કરવા માગતી કંપની ગૂગલના એટવર્ટાઇઝિંગ નેટવર્કને પોતાની જાહેરખબર આપે છે. ગૂગલ આ જાહેરાતો તેની પોતાની સાઇટ્સ પર (જેમ કે સર્ચ રિઝલ્ટના પેજ પર) અને તેની સાથે જોડાયેલી વેબસાઇટ્સ પર બતાવે છે.
ફેસબુક તેના પોતાના નેટવર્ક પર, જુદી જુદી કંપનીની જાહેરાતો, જુદા જુદા યૂઝર્સને બતાવે છે.
બંને પ્રકારમાં જાહેરખબરનું તંત્ર લગભગ એ રીતે ગોઠવાયેલું છે કે જાહેરાત જોનાર વ્યક્તિ જે તે જાહેરાત પર ક્લિક કરે, તો જ જાહેરાત આપનારી કંપનીએ ગૂગલ કે ફેસબુકને રકમ ચૂકવવી પડે છે.
આપણે અગાઉ વાત કરી એ મુજબ આ આખું તંત્ર અત્યંત સચોટ રીતે ચાલે છે અને એડવર્ટાઇઝિંગ નેટવર્ક્સ પાસે આપણી એટલી માહિતી હોય છે કે તે બહુ ચોક્સાઇભરી રીતે, આપણને જેમાં રસ પડી શકે એવી જ પ્રોડક્ટ કે સર્વિસની જાહેરાત આપણને બતાવે છે.
આ તંત્ર જેટલું સચોટ છે, એટલું જ જટિલ પણ છે.
આપણે ફેસબુક પર એક્ટિવ હોઈએ કે ગૂગલનું સર્ચ રિઝલ્ટ જોઈ રહ્યા હોઈએ કે કોઈ વેબસાઇટના પેજ પર હોઈએ ત્યારે પોતાની પ્રોડક્ટની જાહેરાત આપણને બતાવવા માટે કેટલીય કંપની લાઇન લગાવીને ઊભી હોય છે.
ગૂગલ કે ફેસબુક ખરેખર નવા જમાનાની, બહુ સ્માર્ટ કંપની છે એટલે તે ફક્ત વધુ રકમ ચૂકવવા તૈયાર કંપનીની જાહેરાત આપણને બતાવી એવું કરતી નથી.
ગૂગલ અને ફેસબુક જાણે છે કે તેના નેટવર્ક પર જાહેરખબર આપનારી કંપનીને, ખરેખર વધુમાં વધુ ફાયદો થાય, તેને વધુમાં વધુ ગ્રાહકો મળે તો જ લાંબા ગાળા માટે આ કંપનીઓ ગૂગલ-ફેસબુકના નેટવર્ક પર જાહેરખબર આપતા રહેશે.
આ માટે, ગૂગલની વાત કરીએ તો તેણે જે તે એડનો ક્વોલિટી સ્કોર નક્કી કરવાનું એક ખાસ્સું જટિલ અલ્ગોરિધમ વિક્સાવ્યું છે. તેમાંનું એક પાસું એ છે કે કઈ જાહેરાતને વધુ લોકો ક્લિક કરે છે. જાહેરાત જેમ વધુ ક્લિક થાય તેમ તેનો ક્વોલિટી સ્કોર ઊંચો જાય અને એ સાથે તેનો ક્લિક દીઠ ખર્ચ ઘટે.
ઉદાહરણ લઈને વાત કરીએ તો મોબાઇલ બનાવતી ‘એ’ અને ‘બી’ કંપની ગૂગલ પર જાહેરાત કરતી હોય અને ‘એ’ કંપનીની જાહેરાત વધુ લોકો ક્લિક કરતા હોય, તો ‘એ’ કંપનીની સરખામણીમાં ‘બી’ કંપની વધુ રકમ ચૂકવવા તૈયાર હોય તો પણ ગૂગલ ‘એ’ કંપનીની જાહેરાતને આગળ કરે છે.
આમ જાહેરાતનો ક્વોલિટી સ્કોર ઊંચે લઈ જવામાં તેના પર થતી ક્લિક મોટો ભાગ ભજવે છે.
આ કારણે ગૂગલે પોતાનું એડવર્ટાઇઝિંગ નેટવર્ક ઊભું કર્યું ત્યારથી લોકોએ જાહેરાતોની ક્લિક્સ વધારવાના કીમિયા શોધવા માંડયા છે.
ઉપરની તસવીરો કદાચ તમે પણ અવારનવાર ન્યૂઝ સાઇટ્સ પર લેખોના અંતે જોઈ હશે. અહીં પહેલી અને છેલ્લી તસવીર એક જ યુવતીની છે પણ બંનેમાં તેનું સ્થળ અલગ અલગ છે! આવી લિંક પર ક્લિક કરતાં ‘ઘેરબેઠાં ક્લિક કરો અને પૈસા કમાઓ’ પ્રકારની વેબસાઇટ્સ પર પહોંચાય છે, જેમાંનું કશું જ ભરોસાપાત્ર હોતું નથી. ઉપલી તસવીરો ગૂગલ પર રીવર્સ સર્ચ કરીએ તો તે ઇન્ટરનેટ પરથી ક્યાંકથી ઉઠાવેલી તસવીર હોવાનું સ્પષ્ટ થાય છે.
ગૂગલ પર ‘ખોટી’ ક્લિક્સ
હવે આખી વાતમાં રસપ્રદ વળાંક આવે છે. ઇન્ટરનેટ પર દેખાતી જાહેરાતોની ક્લિક્સ વધારવામાં જુદા જુદા લોકોને, જુદી જુદી રીતે રસ હોય છે.
જે વ્યક્તિ પોતાના બ્લોગ કે વેબસાઇટ પર ગૂગલ મારફત જાહેરાત બતાવતી હોય તેને જાહેરાત પર જેમ વધુ ક્લિક્સ થાય તેમ ગૂગલ તરફથી વધુ રકમ મળવાનો ચાન્સ હોય છે. જાહેરાત આપતી કંપનીને, પોતાની જાહેરાતોની ક્લિક્સ વધે તો સરવાળે એ લાંબા ગાળે, જાહેરાતનો ક્વોલિટી સ્કોર વધતાં ખર્ચ ઘટવાની શક્યતા દેખાય છે. સામે પક્ષે, આ કંપનીની હરીફ કંપનીને, પેલી કંપનીની જાહેરાત પર ખોટી ક્લિકસ વધારીને તેનો જાહેરાતનો ખર્ચ વધારવામાં રસ હોય છે!
આ કારણે, ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ કમ્પ્યુટર્સમાં માલવેર ઘૂસાડીને તેની મદદથી, જુદી જુદી સાઇટ પરની જાહેરાતોની ક્લિક્સ વધારવાનો મોટો બિઝનેસ વિક્સ્યો છે. ગૂગલ જેવી કંપની આવી ઓટોમેટેડ ક્લિક્સને હવે પારખી લે છે અને તેને જેન્યુઇન ક્લિક ગણતી નથી, એટલે નોઇડાવાળા અનુભવ મિત્તલે કર્યું તેમ હજારો-લાખો લોકોની ફોજ ઊભી કરીને તેમની મારફત ધડાધડ ક્લિક્સ કરાવવાનો બિઝનેસ ફૂલીફાલી રહ્યો છે.
આ આખી જંજાળમાં, કેન્દ્રમાં રહેલી ગૂગલ જેવી કંપનીને ટૂંકા સમય માટે તો ક્લિક્સ વધતાં ફાયદો થાય છે, પણ ખરેખર તેના જાહેરખબર તંત્રની અસરકારકતા ઘટતાં, તેની લાંબા ગાળાની આવક પર મોટો ફટકો પડે છે. નાના-મોટા બજેટ સાથે જાહેરાત કર્યા પછી, ખર્ચ સામે થવી જોઈતી કમાણી ન થાય તો કઈ કંપની જાહેરાત આપવાનું ચાલુ રાખે?
ફેસબુક પર ‘લાઇક્સ’ની ખેતી
ગૂગલમાં જાહેરાત પર ખોટી ક્લિક્સની જેમ ફેસબુક પર પોસ્ટ ઇમેજીસ, પેજ, એડ્સ વગેરે પર લાઇક્સ મેળવવાનો રીતસર મોટો ધંધો ફૂલ્યોફાલ્યો છે. સાયબરજગતમાં તેને ‘લાઇક્સ ફાર્મિંગ’ એટલે કે લાઇક્સની ખેતી કહે છે!
ફેસબુક પર લાઇકનું ગણિત આમ જુઓ તો બહુ સાદું છે. જે પોસ્ટને વધુ લાઇક મળતી હોય તે પોસ્ટને ફેસબુક પોતે વધુને વધુ લોકો સુધી પહોંચાડે છે, પરિણામે એ પોસ્ટની લાઇકની સંખ્યા હજી વધુ વધે છે. ફેસબુક પર લાઇકની ખેતી કરનારા લોકો આ જ વાતનો ફાયદો ઉઠાવે છે. શરૂઆતમાં એ લોકો બિલકુલ ચોખ્ખી, સૌને ગમે અને ખરેખર લાઇક કરવાનું મન થાય એવી પોસ્ટ મૂકે છે અને પોતાની રીતે તેને શક્ય એટલા વધુ લોકો સુધી પહોંચાડે છે. ‘તમને ગુજરાતી હોવાનું ગૌરવ હોય તો આ પોસ્ટ લાઇક કરો’ કે ‘ભારતીય સેનાના જવાનો માટે તમને સન્માન હોય તો આ પોસ્ટ લાઇક કરો’થી માંડીને ‘આ પોસ્ટ લાઇક કરો અને આઇફોન જીતવાની તક મેળવો’ પ્રકારની પોસ્ટને લાઇક કરવાનું ભલભલા લોકો ટાળી શકતા નથી. આ રીતે એ પોસ્ટને લાઇક્સ મળવાનું શરૂ થાય પછી, તેને આગળ ધપાવવાનું કામ તો ફેસબુક પોતે કરે છે.
એક વાર પોસ્ટને ઢગલાબંધ લાઇક્સ મળી જાય, તે પછી પેલા કીમિયાગરો એ પોસ્ટને એડિટ કરે છે અને અગાઉની બિલકુલ સાદી, ચોખ્ખી પોસ્ટને બદલે, આપણી માહિતી ચોરે તેવી લિંક સુધી દોરી જાય એ પ્રકારની માહિતી મૂકવાનું શરૂ કરે છે અને આપણી લાઇક્સનો એ રીતે ગેરલાભ લે છે. તમે ઇચ્છો તો ફેસબુકના સેટિંગ્સમાં જઈને તમે અગાઉ લાઇક કરેલી પોસ્ટ્સ હવે બદલાઈ છે કે કેમ એ તપાસી શકો છો.
ફેસબુક પર મિત્રો-સ્વજનો કે ખરેખર જાણીતી વ્યક્તિની પોસ્ટ્સ લાઇક કરવામાં કંઈ ખોટું કે જોખમ નથી, પણ વગર વિચાર્યે લાઇકની લ્હાણી કરવામાં આપણા પોતાના માટે અને આપણા ઓળખીતા-પાળખીતા સૌ માટે ચોક્કસ જોખમ છે.
આપણે સૌ ગૂગલ એડ્સ અને ફેસબુક લાઇક્સની આવી આંટીઘૂંટીઓ સમજીએ નહીં ત્યાં સુધી અને રાતોરાત, કોઈ મહેનત વિના કમાઈ લેવાની માનસિકતા બદલાશે નહીં ત્યાં સુધી દુનિયાભરમાં આવાં કૌભાંડ ચાલતાં રહેવાનાં!

