(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સવાલ લખી મોકલનારઃ પ્રશાંત ચૌહાણ

આગળ શું વાંચશો?

  • આખરે છે શું આ ડીપ કે ડાર્ક વેબ?

  • સરફેસ વેબ : આપણા સૌની પહોંચમાં

  • ડીપ વેબ : આપણી પહોંચ બહાર, પણ બધું ગેરકાયદે ન પણ હોય

  • ડાર્ક વેબ : સામાન્ય યૂઝર્સની તદ્દન પહોંચ બહાર

  • ડાર્ક વેબમાં પણ બધું જ સંપૂર્ણ ગેરકાયદે નથી

  • ડાર્ક વેબ સુધી પહોંચી કઈ રીતે શકાય?

  • ટોર નેટવર્ક શું છે?

  • ટોરનો કોઈ પણ ઉપયોગ કરી શકે?

તમે ‘સિલ્ક રોડ’ કે ‘સિલ્ક રૂટ’ શબ્દ સાંભળ્યા છે? મોટા ભાગે તમારો જવાબ હા હશે પણ, અર્થ તમારી ઉંમર પ્રમાણે જુદો જુદો હશે. જો તમે ચાલીસી વટાવી ગયા હશો તો તમારે માટે ‘સિલ્ક રૂટ’ એટલે સદીઓ પહેલાં દુનિયાના વિવિધ ખંડોને જોડતો વેપારો ધોરી માર્ગ. પરંતુ જો તમે આજની સ્માર્ટ ટેકનોલોજીથી પ્રમાણમાં ઠીક ઠીક પરિચિત હશો તો તમારે માટે ‘સિલ્ક રૂટ’નો અર્થ સાવ જુદો હશે. આજના સમયમાં ‘સિલ્ક રૂટ’ શબ્દ ઇન્ટરનેટ પર ડ્રગ્સના ઓનલાઈન વેપાર માટે વપરાય છે! અખબાર, ટીવી કે વેબસાઇટ્સમાં તમે અવારનવાર ઇન્ટરેટા સંદર્ભે ‘ડીપ વેબ’ કે ‘ડાર્ક વેબ’ જેવા શબ્દો પણ સાંભળતા વાંચતા હશો.

ડીપ કે ડાર્ક વેબમાં બધું જ ગેરકાયદે હોય એવું નથી. વિવિધ કોર્પોરેશન કે સરકારી વિભાગોનાં નેટવર્ક અને પાસવર્ડ વિના જ્યાં પહોંચી ન શકાય એવું બધું જ કન્ટેન્ટ પણ ડીપ વેબનો હિસ્સો ગણાય છે.

‘સિલ્ક રોડ’, ‘સિલ્ક રૂટ’, ‘ડીપ વેબ’ કે ‘ડાર્ક વેબ’ જેવા શબ્દોનો નવી ટેક્નોલોજી મુજબ લગભગ એક સરખો અર્થ થાય છે – ઇન્ટરનેટની અંધારી આલમ! ખરા અર્થમાં અંધારી કેમ કે ઇન્ટરનેટના આ ભાગ સુધી આપણે તો ઠીક, ગૂગલ જેવું ‘સર્વવ્યાપી’ અને ‘સર્વશક્તિશાળી’ સર્ચ એન્જિન પણ પહોંચી શકતું નથી.

આખરે છે શું આ ડીપ કે ડાર્ક વેબ?

જેમ ઇન્ટરનેટ કોઈ એક જગ્યા નથી પણ દુનિયાભરના અસંખ્ય કમ્પ્યુટર્સ અને તેના નેટવર્કને એકબીજા સાથે જોડતું એક વિરાટ જાળું છે એમ ડીપ કે ડાર્ક વેબ પણ એ જ જાળામાં પથરાયેલું અત્યંત વિરાટ જાળું છે.

આપણે ઇન્ટરનેટને જે રીતે જોઈએ કે જાણીએ છીએ તેના કરતાં આ ડીપ વેબ ખાસ્સું અલગ છે. નિષ્ણાતો કહે છે કે, સામાન્ય અને દેખીતા ઇન્ટરનેટ કરતાં ડીપ વેબ અનેકગણું મોટું છે. ઇન્ટરનેટને હીમશીલા સાથે સરખાવીએ તો આપણા માટે જાણીતું ઇન્ટરનેટ ફક્ત હીમશીલાની ટોચ છે, બાકીનો બધો – ઘણો મોટો – ભાગ અંધારામાં ગરકાવ છે.

એ પણ નોંધવા જેવું છે કે, ડીપ વેબ એટલે હંમેશાં ગેરકાયદે કે ત્રાસવાદી પ્રવૃત્તિઓ માટેનું નેટવર્ક એવું નથી.

સામાન્ય શબ્દોમાં જોઈએ તો અત્યારનું વેબ જગત ત્રણ ભાગમાં વહેંચાયેલું છે :

  1. સરફેસ વેબ
  2. ડીપ વેબ
  3. ડાર્ક વેબ

સરફેસ વેબ : આપણા સૌની પહોંચમાં

નામ મુજબ,સરફેસ વેબ એટલે એવું વેબ જગત જે સપાટી પરનું છે, જેને આપણે સૌ જોઈ શકીએ છીએ. બીજા શબ્દોમાં ગૂગલ જેવું કોઈ પણ સર્ચ એન્જિન જે જુદી જુદી વેબસાઈટ્સ અને વેબપેજીસમાં ખાંખાંખોળાં કરી શકે અને જેમાંનું કન્ટેન્ટ ઓળખી તથા બીજાને બતાવી શકે એ બધો જ ભાગ સરફેસ વેબ કહેવાય.

ડીપ વેબ : આપણી પહોંચ બહાર, પણ બધું ગેરકાયદે ન પણ હોય

ડીપ વેબમાં એ બધું જ સામેલ છે જેમાંના કન્ટેન્ટ સુધી સર્ચ એન્જિન પહોંચી શકતાં નથી અને આપણા જેવા સામાન્ય વેબ યૂઝર્સને પણ તે કન્ટેન્ટ સુધી પહોંચાડી શકતાં નથી.

અલબત્ત ડીપ વેબમાંનું બધું જ કન્ટેન્ટ ગેરકાયદે જ હોય તેવું જરૂરી નથી.


જેમ કે, કોઈ યુનિવર્સિટી કે સરકારી સંસ્થાનો વિવિધ માહિતી ધરાવતો ડેટાબેઝ સામાન્ય રીતે સર્ચ એન્જિનની પહોંચની બહાર છે. એ ઇન્ટરનેટનો હિસ્સો છે, પણ સર્ચ એન્જિન કે આપણે તેના સુધી પહોંચી શકતા નથી. એટલે એ બધું ડીપ વેબનો હિસ્સો ગણી શકાય પણ એ બધું ગેરકાયદે છે એવું નથી.

યુનિવર્સિટીના ડેટાબેઝ સુધી સર્ચ એન્જિન પહોંચી શકતા નથી પરંતુ તેના અધિકૃત યુઝર્સ પોતાના યુઝરનેમ અને પાસવર્ડની મદદથી રોજિંદા બ્રાઉઝર્સનો ઉપયોગ કરીને આ ડેટાબેઝ સુધી પહોંચી શકે છે.

બીજી રીતે જોઈએ તો ફેસબુક પર આપણે જે કંઈ કન્ટેન્ટ પોસ્ટ કરીએ એ આપણે નક્કી કરેલી પસંદગી અનુસાર ફક્ત આપણા મિત્રો કે મિત્રોના મિત્રો જ જોઈ શકે છે. પરંતુ આ કન્ટેન્ટ સુધી સર્ચ એન્જિન પર સર્ચ કરીને પહોંચી શકાતું નથી. એટલે પણ એક રીતે ડીપ વેબનો હિસ્સો કહી શકાય.

ડાર્ક વેબ : સામાન્ય યૂઝર્સની તદ્દન પહોંચ બહાર

ડીપ વેબથી આગળ વધીએ તો ડાર્ક વેબની વાત આવે છે, જેમાંનું કન્ટેન્ટ જાણી જોઈને, ઇરાદાપૂર્વક છુપાવી રાખવામાં આવે છે અને સામાન્ય સર્ચ એન્જિન તેને કોઈ રીતે શોધી શકતાં નથી કે રોજિંદા વેબબ્રાઉઝર્સ આ કન્ટેન્ટ બતાવી પણ શકતાં નથી.

ઇન્ટરનેટના આ ભાગનો મોટા ભાગે ગેરકાયદે ડ્રગ્સ, હથિયારો વગેરેના ડીલર્સ તથા અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે ઉપયોગ થાય છે. વિવિધ પ્રકારના ત્રાસવાદી જૂથો પણ ઇન્ટરનેટના આ કાળા પાસાનો ઉપયોગ કરે છે.

ટોર નેટવર્કનો ગુનેગારો ઉપરાંત, પ્રાઇવસીના હિમાયતીઓ પણ ઉપયોગ કરે છે. આ રસપ્રદ ટેકનોલોજીનો ઉપયોગ ગેરકાયદે નથી, પણ તેની મદદથી ગુનાઇત પ્રવૃત્તિ કરવી એ ગુનો છે!

થોડા થોડા સમયે આપણે મીડિયામાં યાહૂ, લિંક્ડઇન કે હજી હમણાં જ ઝોમાટો જેવી ફૂડ એપનો ડેટા હેક થયાના સમાચાર વાંચીએ છીએ, તે રીતે ચોરાયેલા આપણા યૂઝરનેમ, પાસવર્ડ, ક્રેડિટ/ડેબિટ કાર્ડ જેવી બેન્કની વિગતો વગેરે બધું આ ડાર્ક વેબમાં વેચાવા મૂકાય છે અને તે ડેટા ખરીદનારા લોકો, આ ચોરેલી માહિતીના આધારે વળી વધુ ગેરકાયદે પ્રવૃત્તિઓ આચરે છે.

જેમ સાદા વેબ જગતમાં તમે શોધવા જાઓ તો વેબ ડિઝાઇન કરી આપનાર કેટલાય ડિઝાઇનર મળી જાય, તેમ ડાર્ક વેબમાં તમે શોધવા જાઓ તો સોપારી લઈને હત્યા કરી આપનારા હીટમેન પણ મળી શકે એવું કહેવાય છે – યાદ રહે, એવું ‘કહેવાય’ છે!

ડાર્ક વેબમાં પણ બધું જ સંપૂર્ણ ગેરકાયદે નથી

જેમ વાસ્તવિક જગતમાં બધું માત્ર બ્લેક કે માત્ર વ્હાઇટ નથી, વચ્ચે કેટલાય ગ્રે શેડ્સ છે એ જ રીતે, ડાર્ક વેબના ઉપયોગમાં પણ સંખ્યાબંધ ગ્રે શેડ્સ છે.

ઇન્ટરનેટ પર પ્રાઇવસી હોવી જ જોઈએ એવો મત ધરાવતા લોકો, પોતાની પ્રાઇવસી જાળવવા માટે ડાર્ક વેબની ટેકનિક્સનો ઉપયોગ કરે છે (કઈ ટેકનિક? એની વાત આગળ કરી છે). અમુક બાબતો, જે જાહેર હિતમાં હોય, પણ અમુક દેશની સરકારોની વિરુદ્ધમાં હોય, એવી બાબતો પ્રકાશમાં લાવનારા ‘વ્હીસલ બ્લોઅર’ તરીકે ઓળખાતા લોકો, પત્રકારો વગેરે પણ ડાર્ક વેબનો ઉપયોગ કરે છે.

એ રીતે વિવિધ દેશોનાં લશ્કરી દળો, પોલીસ, જાસૂસી સંસ્થાઓ વગેરે પણ પોતપોતાની રીતે ડાર્ક વેબનો ઉપયોગ કરે છે.

ગયા મહિને આખી દુનિયામાં રેન્સમવેરનો જે આતંક છવાયો તે પણ અંતે તો અમેરિકન સરકારની નેશનલ સિક્યુરિટી એજન્સીની જ દેન હોવાનું કહેવાય છે, એ એજન્સીએ કેટલાંક સાયબરવેપન ઇરાનના પરમાણુ કાર્યક્રમને ખોરંભે ચઢાવવા માટે વિક્સાવ્યાં હતાં. આવા રેન્સમવેર, માલવેર વગેરે પણ ડાર્ક વેબના કોઈ ખૂણે ખાંચરે ધરબાયેલાં પડ્યાં હોય છે.

ડાર્ક વેબ સુધી પહોંચી કઈ રીતે શકાય?

હવે આંખો ઝીણી થઈ? તો પહેલાં એ જાણી લો કે ડાર્ક વેબ કોઈ અલગ દુનિયા છે જ નહીં, એ ડાર્ક ફક્ત એટલા માટે કહેવાય છે કે ત્યાં પહોંચવું મુશ્કેલ છે.

આવું બે કારણે શક્ય બને છે.

એક તો, જો કોઈ સાઇટ સ્પષ્ટપણે જણાવે (ટેકનિકલ ભાષામાં તેને ‘રોબોટ્સ એક્સક્લુઝન સ્ટાન્ડર્ડ’ કહે છે) કે તે પોતાના કન્ટેન્ટનું સર્ચ એન્જિન દ્વારા ઇન્ડેક્સિગં કરવા ઇચ્છતી નથી, તો ગૂગલ જેવું સર્ચ એન્જિન તેનું ઇન્ડેક્સિગં કરતું નથી અને પરિણામે તે સાઇટ સામાન્ય દુનિયાની નજરમાં આવતી નથી.

બીજું, અમુક ખાસ ટેક્નોલોજીની મદદથી આવી સાઇટ્સના સર્વર અને કમ્પ્યુટર પર તે સાઇટ એક્સેસ કરતી વ્યક્તિ બંનેની ઓળખ ખાનગી રહી શકે છે.

આવું કઈ રીતે શક્ય બને છે એ સમજવા માટે આપણે આખું ઇન્ટરનેટ કેવી રીતે ચાલે છે એ જરા ફરી સમજવું પડે.

આપણે જાણીએ છીએ કે આપણે એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટર પર ઈ-મેઇલ મોકલીએ ત્યારે એ ઈ-મેઇલમાંનો ડેટા જુદા જુદા અનેક ‘ઇન્ફર્મેશન પેક્ટ્સ’માં વહેંચાય છે અને આ બધાં પેકેટ્સ જુદા જુદા રસ્તે તેની મંઝિલ તરફ આગળ વધે છે. આમાં, દરેક પેકેટને ‘ખબર’ હોય છે કે આખરે તેણે ક્યાં પહોંચવાનું

છે. મંઝિલ પર પહોંચ્યા પછી બધાં પેકેટ્સમાંની માહિતી ફરી મૂળ સ્વરૂપે એકત્ર થાય છે અને આપણે તેને એક ઈ-મેઇલ સ્વરૂ‚પે જોઈ શકીએ છીએ.

ઈ-મેઇલની જેમ, જુદાં જુદાં સર્વરમાં સચવાયેલાં વેબેજિસનો ડેટા પણ કંઈક આ જ રીતે આપણા કમ્પ્યુટર કે મોબાઇલ સુધી પહોંચે છે અને આપણું બ્રાઉઝર આપણને તે યોગ્ય સ્વરૂપે બતાવે છે.

આપણા કમ્પ્યુટર કે મોબાઇલ અને સર્વર વચ્ચેની આ બધી આપલે ભલે જુદા જુદા પેકેટ્સથી, જુદા જુદા રસ્તે થતી હોય, દરેક પેકેટ સાથે તેને મોકલનાર અને મેળવનારની બધી વિગતો (ડેટા માગનારનું આઇપી એડ્રેસ, સાઇટનું એડ્રેસ, સાઇટનો ડેટા જ્યાં છે તે સર્વરનું લોકેશન વગેરે) સામેલ હોય છે. એટલે અહીં કશું ખાનગી રહેતું નથી.

આ પેકેટ્સને તેની સફર દરમિયાન વચ્ચેથી કોઈ આંતરી લે – સલામતી સંસ્થાઓ કે પછી હેકર્સ – તો તેઓ આ બધી જ માહિતી જાણી શકે છે.

યાદ રહે કે, વોટ્સએપથી વધુ જાણીતું થયેલી એન્ક્રીપ્શન આનાથી જુદી બાબત છે. તેમાં માત્ર ડેટા એન્ક્રીપ્ટ થાય છે, મોકલનાર અને મેળવનારની વિગતો ખાનગી રહેતી નથી.

ડાર્ક વેબમાં, અંતે તો આ જ સિદ્ધાંત છે, પરંતુ તેમાં મોટો ફેર એ છે કે તેમાં માહિતી મેળવનાર અને મોકલનાર કોણ છે તે ખાનગી રહે છે.

ટોર નેટવર્ક શું છે?

ડાર્ક વેબ માટે ‘TOR (ટોર) નેટવર્ક’ શબ્દનો ઉપયોગ પણ કરવામાં આવે છે. આ ખરેખર એક પ્રકારની ટેક્નોલોજી છે, જે પોતે ગેરકાયદે નથી.

૧૯૯૦ના દાયકામાં અમેરિકન નેવીએ સલામત રીતે સંદેશાઓની આપલે કરવા માટે ટોર નેટવર્ક વિક્સાવ્યું હતું અને પછી તેનો કોડ સૌ કોઈના ઉપયોગ માટે રીલિઝ કરવામાં આવ્યો!

જે રીતે ટોરેન્ટ ડાઉનલોડિંગ ટેક્નોલોજી પોતે ગેરકાયદે નથી, એ જ રીતે ટોર નેટવર્કની ટેક્નોલોજીથી, પોતાની પ્રાઇવસી જાળવીને ઇન્ટરનેટનો ઉપયોગ કરવો ગેરકાનૂની નથી, પણ ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે તેનો ઉપયોગ કરવો એ ગેરકાનૂની છે!

ટોર બ્રાઉઝરનો કોઈ પણ ઉપયોગ કરી શકે છે, પણ ફક્ત આ બ્રાઉઝર ડાઉનલોડ કરવાથી ડ્રગ્સ વેચતી સાઇટ કે ત્રાસવાદી સંગઠનની સાઇટ સુધી પહોંચી જશો એવું માનશો નહીં. એવો પ્રયાસ પણ કરશો નહીં.

ટોર નેટવર્ક આખી દુનિયામાં પથરાયેલા હજારો સર્વર્સ કે નોડ્સનું બનેલું છે, જેને કોઈ એક સંસ્થા કે સંગઠન ચલાવતું નથી.

તમે ગૂગલ ક્રોમની જેમ, ફક્ત ટોર નામનું બ્રાઉઝર ડાઉનલોડ કરીને તેનો ઉપયોગ શરૂ કરી શકો છો. આ બ્રાઉઝર અંતે તો ફાયરફોક્સ પર આધારિત છે, પણ તે એક ખાસ પ્રકારું બ્રાઉઝર જ છે એ તેના દ્વારા ડેટાની આપલે જે રીતે થાય છે, તેનાથી ઇન્ટરનેટ પર ડાર્ક વેબ સર્જાય છે.

ટોરનું આખું નામ ‘ધ ઓનિયન રાઉટર’ છે. જેમ આપણે ડુંગળીના હાર્દ સુધી પહોંચવું હોય તો તેમાં એક પછી એક પડ ખોલવા પડે કંઈક એ જ રીતે ટોર નેટવર્કની ટેકનિક ખાસ પ્રકારના રાઉટિંગ આધારિત હોય છે. જેમાં ચોક્કસ વેબ કન્ટેન્ટ સુધી પહોંચવા માટે જુદા જુદા ટોર સર્વર્સ અને નોડનો ઉપયોગ થાય છે અને

તેમની પસંદગી કોઈ એક ચોક્કસ પેટર્ન મુજબ થતી નથી.

માત્ર ટેક્નોલોજીની દ્રષ્ટિએ જોઈએ તો આ બહુ રસપ્રદ બાબત છે.

જ્યારે કોઈ વ્યક્તિ પોતાના કમ્પ્યુટર પરથી ડાર્ક વેબમાંના કોઈ ચોક્કસ કન્ટેન્ટ સુધી પહોંચવાનો પ્રયાસ કરે ત્યારે તેની રીક્વેસ્ટ જુદા જુદા નોડ પર ટપ્પો ખાઈને આગળ વધે છે. આ દરેક ટપ્પા વખતે, પેકેટને ફક્ત હવે આગળ ક્યાં ટપ્પો ખાવાનો છે તેની જ માહિતી મળે છે અને તે ક્યાંથી આવ્યું તે માહિતી ભૂંસાતી જાય છે.

પરિણામે આ ઇન્ફર્મેશન પેકેટ્સની સફરના વિવિધ તબક્કે, તેના મૂળ અને તેની મંઝિલ બંનેની કોઈ વિગત તેમાં હોતી નથી – ફક્ત અગાઉના અને હવે પછીના નોડનું સરનામું તેના પર હોય છે અને આ દરેક ઇન્ફર્મેશન પેકેટમાં ડેટાનો અમુક અંશ જ હોવાથી, તેને વચ્ચેથી આંતરી શકાય તો પણ તેનાથી કશું જાણી શકાતું નથી!

ડાર્ક વેબ પર જેમ કોઈની ઓળખ થઈ શકતી નથી, તેમ અહીં સામાન્ય દુનિયાનાં ચલણી નાણાં પણ ચાલતાં નથી. અહીં બિટકોઈન, લાઇટકોઇન કે ડોજકોઈન જેવી વર્ચ્યુઅલ કરન્સીથી જ લેવડદેવડ થાય છે.

ટોરનો કોઈ પણ ઉપયોગ કરી શકે?

આગળ કહ્યું તેમ, ટોર બ્રાઉઝર ડાઉનલોડ કરીને ટોર નેટવર્કમાં કનેક્ટ થઈ શકાય છે, પરંતુ વિવિધ દેશોમાં ટોર નેટવર્કના ઉપયોગ પર પ્રતિબંધ હોવાથી તમારી ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કંપની તમને ટોર બ્રાઉઝર દ્વારા ટોર નેટવર્ક સાથે કનેક્ટ જ ન થવા એવું બની શકે છે. તમારે તેના ‘બીજા રસ્તાઓ’ અજમાવીને ટોર નેટવર્ક સુધી પહોંચવું પડે.

આ બ્રાઉઝર ડાઉલોડ કરવા માત્રથી તમે ડ્રગ્સ વેચતી કે ત્રાસવાદી સંગઠનની વેબસાઇટ સુધી પહોંચી જશો એવું માનશો નહીં. જોકે હવે ડાર્ક વેબનાં અલગ સર્ચ એન્જિન પણ વિકસવા લાગ્યાં છે.

ટોર બ્રાઉઝર તમારા અસલી આઇપી એડ્રેસને બદલે દુનિયાના કોઈ બીજા જ ખૂણાનું આઇપી એડ્રેસ તૈયાર કરી આપે છે એ કારણે પણ તમારી ઓળખ ખાગી રહે છે.

ટોર ટેક્નોલોજીનો ઉપયોગ ભલે પ્રાઇવસી જાળવવાના નામે થતો હોય, એટલું જરૂર યાદ રાખશો કે ટોરનો ઉપયોગ કરીને પણ તમે તદ્દન ગૂમામ રહી શકશો નહીં. તમે ટોર બ્રાઉઝર ડાઉનલોડ કરીને ટોર નેટવર્ક એક્સેસ કરવાનો પ્રયાસ કરશો તો ત્યારથી જ સલામતી સંસ્થાઓના શંકાના ઘેરમાં આવી જાવ એવું બની શકે છે.

ટોર નેટવર્કમાં માહિતી માગનાર ક્લાયન્ટ પીસી અને એ માહિતી આપનાર સર્વર વચ્ચે, ઇન્ફર્મેશન પેકેટ્સની આપલે, જુદા જુદા નોડ્સ દ્વારા થાય છે. આ નોડ્સ રેન્ડમ રીતે પસંદ થાય છે. અલબત્ત હવે, સલામતી સંસ્થાઓ આ નોડ્સમાં પોતાના ખબરી ઘૂસાડીને ડાર્ક વેબની ગતિવિધિઓની માહિતી મેળવે છે!

ક્લાયન્ટ પીસી અને સર્વર વચ્ચે સફર કરતાં ઇન્ફર્મેશન પેકેટ્સને હવે પછી કયા નોડ પર જવાનું છે તેની જ માહિતી હોય છે. આ કારણે તેમને વચ્ચેથી આંતરવામાં આવે તોય બંને છેડાની ઓળખ છૂપી રહી શકે છે. 

ડાર્ક વેબ આપણા જેવા સામાન્ય યૂઝર્સ માટે, સામાન્ય વેબ જગત કરતાં અનેક રીતે વધુ અસલામત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!