દાંડીકૂચ. આ શબ્દ કાને પડતાં તમારા મનમાં કેવાં ચિત્રો કે વિચારો ઊભા થાય છે?
અંગ્રેજોએ મીઠા સામે કંઈક કર વધાર્યો હતો એના વિરોધમાં ગાંધીજીએ આ કૂચ યોજી હતી એવી તમને આછી પાતળી સમજ હશે. પણ અંગ્રેજોએ ખરેખર કેટલો કર વધારો કર્યો હતો એ તમને ખબર છે?
જો તમે રિચર્ડ એટનબરોની ક્લાસિક ‘ગાંધી’ ફિલ્મ જોઈ હશે તો તેમાં દાંડીકૂચનાં દૃશ્યો કદાચ તમને યાદ હશે. એ દૃશ્યોમાં પોતાના બીજા સહયાત્રીઓને રીતસર પાછળ રાખીને ગાંધીજી જે તીવ્ર વેગે ચાલતા હતા એ દૃશ્યો પણ કદાચ તમને યાદ આવશે.
ગાંધીજીની ઝડપ એટલી હતી કે, તેમના સહયાત્રીઓએ તેમની સાથે રહેવા ચાલવું નહીં પણ રીતસર દોડવું પડતું હતું. પણ, આ ફિલ્મ જોઈને આપણને એ ખબર ન પડે કે દાંડીકૂચ વખતે ગાંધીજીની ઉંમર કેટલી હતી અને તેમની સાથે જેમને દોડવું પડતું હતું એ બીજા લોકોની ઉંમર કેટલી હતી.
દાંડીકૂચ શબ્દ કાને પડતાં નીચા નમીને ગાંધીજી મીઠું ઉપાડી રહ્યા હોય એવી પેલી બહુ જાણીતી તસવીર પણ આપણા મનમાં ઉપસી આવે. પણ તમને એ ખબર છે કે એ તસવીર દાંડીના દરિયા કિનારે લેવાઈ નહોતી?
આવી ઘણી બધી, આપણે માટે અજાણી વાતો તમારે જાણવી હોય તો ગૂગલ અર્થમાં નવી ઉમેરાયેલી સગવડ ‘વોયેજર’ની મદદ લેવી પડે.

‘સાયબરસફર’ના મે, ૨૦૧૭ના અંકમાં આપણે ગૂગલ અર્થના નવા સ્વરૂપ વિશે વિગતવાર વાત કરી હતી અને તેમાં ઉમેરાયેલી વોયેજર સગવડની પણ વાત કરી હતી. હવે ગૂગલે આ વોયેજર ખરેખર શું છે તેનો આપણને એટલે કે ભારતીયોને પૂરેપૂરો પરિચય કરાવવા માટે ભારતના ૭૧મા સ્વાતંત્ર્ય દિને વોયેજર પર દાંડીયાત્રાને જીવંત કરવાની ભેટ આપી છે.
ગૂગલ અર્થમાં આ દાંડીયાત્રા જોવા માટે તમારા પીસીના બ્રાઉઝરમાં earth.google.com પર જાઓ અથવા સ્માર્ટફોનમાં ગૂગલ અર્થ એપ ડાઉનલોડ કરી લો અને તેના મેનુમાં વોયેજર (જહાજના સુકાન જેવો આઇકન) પર ક્લિક કરો. અહીં તમને દાંડીયાત્રાનો જાણીતો ફોટોગ્રાફ દેખાશે. તેના પર ક્લિક કરતાં દાંડીયાત્રાને જીવંત કરતી સ્લાઇડ્સ એક પછી એક જોઈ શકાશે.
આ દરેક સ્લાઇડમાં ગાંધીજીની કૂચના મહત્ત્વના પડાવો વિશે જાણકારી આપવામાં આવી છે.
જેમ કે, પહેલી જ સ્લાઇડમાં આપણને જાણવા મળે છે કે બ્રિટિશરોએ ભારતમાં મીઠાના ઉત્પાદન અને વેપાર પરના વેરામાં ૧૪૦૦ ટકાનો વેરો ઝીંક્યો હતો. તેને પડકાર આપવા માટે ૧૨મી માર્ચ ૧૯૩૦ના રોજ સવારે ૬-૦૦ વાગ્યે ગાંધીજીએ બીજા ૭૮ સ્વયંસેવકો સાથે સાબરમતી આશ્રમથી પોતાની કૂચનો આરંભ કર્યો (બીજા બે યાત્રી પછી જોડાયા).
એ સમયે ગાંધીજી ૬૧ વર્ષના હતા અને બાકીના સહયાત્રીઓમાં એક-બેની ઉંમર ૪૦ કે ૪૫ હતી, જ્યારે બાકીના લગભગ તમામ સ્વયંસેવકો ૧૮થી ૩૦ વર્ષની ઉંમરના હતા.
ગાંધીજીએ અમદાવાદથી ૩૮૯ કિલોમીટર દૂર દાંડીની સુધીની આ કૂચ ૨૪ દિવસમાં પૂરી કરી હતી. ગાંધીજી અને તેમના સહયાત્રીઓ તથા તેમની સાથે જોડાયેલા બીજા અનેક લોકો યાત્રા દરમિયાન નર્મદા કિનારે પહોંચ્યા ત્યારે હોડી માલિકોએ આ સૌ મળીને લગભગ ૪૦૦ જેટલા લોકોને પોતાની હોડીમાં વિનામૂલ્યે નર્મદા પાર કરાવીને આ લડતમાં પોતાનું યોગદાન આપ્યું હતું એ પણ આપણને આ વોયેજર પર જાણવા મળે છે.
ગૂગલ અર્થ પર આ દરેક દિવસની મહત્ત્વની બાબતો એ સમયની અલભ્ય તસવીરો સાથે જોવા જાણવા મળે છે. દાંડીયાત્રાનો સમગ્ર ઘટનાક્રમ અને માહિતી માટે ગાંધીજીના પ્રપૌત્ર અને ૧૯૯૫માં એ જ રૂટ પર ફરીથી દાંડીયાત્રા કરનારા તુષાર ગાંધીની મદદ લેવાઈ છે.
વોયેજર પર આપણે ફરી દાંડીયાત્રા કરીએ ત્યારે આપણને જાણ થાય છે કે, ગાંધીજી મીઠું ઉપાડતા હોય તેવી પેલી જાણીતી તસવીર તેઓ દાંડી પહોંચી ગયા ત્યાર પછીની નથી પરંતુ ૧ એપ્રિલે સુરત નજીકના ભીમરાડ ગામે લેવાયેલી છે!
વિદ્યાર્થીઓને ઇતિહાસ શીખવવાનો કેવો સરસ રસ્તો!

