આજે દર ૧૦માંથી ૭ વ્યક્તિ ઓનલાઈન છે એ વાતમાં કોઈ બેમત નથી. બની શકે કે કેટલાય લોકો કમ્પ્યુટર ન વાપરતા હોય પણ સ્માર્ટફોન તો લગભગ બધા પાસે છે. રોટી, કપડાં, મકાન પછી આધુનિક લાઇફસ્ટાઇલ માટે ઈન્ટરનેટ પણ અત્યંત જરૂરી સ્ત્રોત છે તેમ કહી શકાય.
હવે એમાં બાળકો પણ અપવાદ નથી. આપણા ઘરમાં કે સગાસંબંધીના ઘરમાં ૪-૫ વર્ષનાં બાળકને પણ ઓનલાઇન ગેમ કે યૂટ્યુબ પર વીડિયો ચલાવતાં આવડી ગયું છે. નવી જનરેશન સ્માર્ટફોનથી રમીને મોટી થાય છે જેના માટે ઇન્ટરનેટ એક્સેસ પણ રમત વાત છે.
ઇન્ટરનેટ જ્ઞાનનો સૌથી સારો સ્રોત છે એમાં બેમત નથી, પણ આ આખી વાતનાં ભયસ્થાનો ક્યાં છે?
ઇન્ટરનેટના ફાયદાઓ
ઇન્ટરનેટના ફાયદાઓથી આમ તો બધા પરિચિત જ છે, પરંતુ ખાસ જો બાળકો કે ટીનેજર્સની દૃષ્ટિએ જોઈએ તો સ્માર્ટફોન, સ્માર્ટક્લાસ, સાયન્સ પ્રોજેક્ટ, ગેમ્સ કે અન્ય મનોરંજન, કેટલાય ટ્યુટોરિયલ્સ જેવું કંઈ કેટલુંય ઈન્ટરનેટની મદદથી સરળ બનવા લાગ્યું છે. દરેક વિષયો પર, અમુક ચોક્કસ શબ્દ, વસ્તુ કે ટોપિક, કોઈ નિબંધ, ઇતિહાસ, ભૂગોળ એમ લગભગ બધા વિશે ઈન્ટરનેટ પર રહેલા માહિતીના ખજાના દરેકને પોતાની તરફથી આકર્ષે છે.
યૂઝર-ડ્રિવન મીડિયા
એક જમાનો એવો હતો જ્યારે ઇન્ટરનેટ પર મોટા ભાગની માહિતી પ્રોફેશનલ્સ અને મીડિયા તેમ જ જે-તે વિષયના એક્સપર્ટ દ્વારા જ મુકવામાં આવતી હતી. હવે સોશિયલ મીડિયાના વધતા વ્યાપને લીધે દરેક લોકો પોતાના મનગમતા વિષયમાં સાચી-ખોટી, સારી-ખરાબ કે પોતાને જે સમજાય તે રીતે ઓનલાઇન માહિતી મુકવા લાગ્યા હોવાથી તેની વિશ્વસનીયતા પર ક્યારેક પ્રશ્ન થઈ શકે.
ફેસબુક, યૂટ્યુબ ઉપરાંત કેટલીય એપ્સ છે જે યુઝર્સ-ડ્રિવન છે, એટલે કે તેમાં યૂઝર્સ પોતે જ ફોટો, વીડિયો કે પોસ્ટના રૂપમાં માહિતી મૂકી શકે છે. આ પ્રકારની માહિતી દરેક વ્યક્તિ માટે ઓપન હોવાથી વધુ જોખમી પણ છે. બાળકો કે ટીનેજર્સ આ માહિતીના સંપર્કમાં આસાનીથી આવી શકે છે જેની ઘણી સારી-નરસી અસરો છે.
ઇન્ટરનેટ વાસ્તવિક દુનિયાનો અરીસો છે. તેમાં સારા-નરસા બધા પ્રકારના લોકો છે અને આપણે એમાં જ જીવવાનું છે.
ઇન્ટરનેટની દુનિયામાં દરેક દેશ, જાતિ સંસ્કૃતિના લોકોનો વિશાળ જનસમુદાય સતત સક્રિય છે. સારી વૈચારિક, પ્રેરક અને શૈક્ષણિક માહિતી ઉપરાંત કેટલીક વાંધાજનક, ઉશ્કેરણી કરતી, દ્વેષયુક્ત માહિતીનો પણ ભંડાર ઇન્ટરનેટ પર ફરતો રહે છે.
ઇન્ટરનેટ વાપરતા બધા લોકોમાંથી મોટા ભાગના લોકો સભ્ય અને સંસ્કારી હોય છે પણ કેટલાક ક્રિમિનલ માઈન્ડ, વિકૃત મનોવૃત્તિવાળા કે સમાજમાં નફરત કે અશાંતિ ફેલાવનારા પણ છે, જેમાંથી કેટલાક લોકો પોતાની આવી નેગેટિવિટી દ્વારા બાળકો કે ટીનેજર્સને ટાર્ગેટ કરે છે. ટેક્નિકલી સ્માર્ટ ટીનેજર્સ પર પણ ઓનલાઇન હેરેસમેન્ટ, ઈમોશનલ તથા સોશિયલ રિસ્ક રહે છે.
ચોક્કસ માર્ગદર્શન વગર છૂટથી ઇન્ટરનેટ કે સ્માર્ટફોન વાપરતાં પોતાનાં સંતાનોને જોઈને મનમાં ગર્વ અનુભવતા કેટલાક નોન-ટેક્નિકલ પેરેન્ટ્સ જાણે અજાણે આવા રિસ્કમાં વધારો કરે છે.
ઇન્ટરનેટનાં અનેક ભયસ્થાનો છે તેમ અનેક ફાયદા પણ છે. બાળકોને આ બંને પાસાંથી વાકેફ કરતા રહો.
દરેક ટીનેજર કે બાળક આવા કોઈ ઓનલાઇન ખતરાનો ટાર્ગેટ બને જ એવું જરૂરી નથી, પરંતુ કેટલાક એવા કિસ્સાઓ છે જેમાં બાળકો કે ટીનેજર્સ કે તેમના પરિવાર સાયબર ક્રિમિનલ્સનો ટાર્ગેટ બન્યાં હોય.
ઓનલાઇન હેરેસમેન્ટ, ઓનલાઇન શોપિંગ ફ્રોડ, સોશિયલ મીડિયા હેરેસમેન્ટ કે પછી ટ્રોલિંગ, વાંધાજનક માહિતી કે પોસ્ટ ઉપરાંત બીજાં કેટલાંય આવાં રિસ્ક વચ્ચે આપણે તેમનું ઈન્ટરનેટ વાપરવાનું તો ના અટકાવી શકીએ, પરંતુ આવા સાયબર ક્રાઇમથી કઈ રીતે બચવું, તેના માટે શું કરવું અને સાવચેતી માટે શું કરી શકાય વગેરેની ચોક્કસ માહિતી આપવામાં આવે, બીજા શબ્દોમાં કહીએ તો બાળકોને ‘સ્ટ્રીટ સ્માર્ટ’ બનાવવામાં તો તેઓ કોઈ પણ વિપરિત સંજોગોમાં સલામત રહી શકે.
બાળકો સાથે ચર્ચા કરો, ભાષણ કે ગુસ્સો નહીં. ઇન્ટરનેટ પર એ શું કરે છે એ સમજવા તમારે પોતે પણ ઇન્ટરનેટની સતત બદલાતી દુનિયાથી માહિતીગાર રહેવું પડશે.
જો આપ આપનાં સંતાનોની ઓનલાઇન સિક્યોરિટી ઇચ્છતા હો તો આપે ઈન્ટરનેટ, સોશિયલ મીડિયા વગેરેથી આગળ વધીને સિક્યોરિટી વિશે જાણકારી લેવી પડશે, સમજવું પડશે, તમારી આસપાસ બનતા નવા બનાવો, સમાચાર સતત જાણવા પડશે અને થોડી ઘણી ટેક્નિકલ સ્કિલ્સ વિકસાવવી પડશે.
ઈન્ટરનેટ સેફટી એ વોટર સેફ્ટી જેવું જ છે. વોટર સેફ્ટીનો સિદ્ધાંત કહે છે કે “આપના બંગલાનો સ્વિમિંગ પૂલ આપના બાળક માટે જોખમી બની શકે છે. જો આપ આપના બાળકને સુરક્ષિત રાખવા માગતા હો તો તેને ફરતે જાળી લગાવી દો, સ્વિમિંગ પૂલને તાળું મારી રાખો અથવા તો પૂલ એલાર્મ એક્ટિવેટ કરો અને જો આ બધું ના કરવા માગતા હો તો બાળકને સ્વિમિંગ શીખવી દો!
ઉપરાંત, બાળકને તરતાં શીખવતાં પહેલાં, તમારે પોતે પાણીમાં ભૂસ્કો મારવો જ રહ્યો!
ક્યાં ક્યાં ઓનલાઇન રિસ્ક હોઈ શકે?
જેમ સાયકલ શીખવામાં પડવાનું, સ્પોર્ટ્સમાં ઇજાગ્રસ્ત થવાનું જોખમ છે તેમ જ સાયબર વર્લ્ડમાં કેટલાક ઓનલાઇન રિસ્ક છે જેના વિશે આપણે જાણીએ અને સાથે સાથે એ પણ જાણીએ કે તેનાથી કઈ રીતે બચી શકાય.
૧. ઓનલાઇન હેરેસમેન્ટ કે સાયબર બુલિંગ :
સ્કૂલમાં એવું બનતું હોય છે કે કેટલાંક તોફાની બાળકોને અન્ય બાળકોને પજવણીમાં આનંદ આવતો હોય છે. તેવું જ કોલેજમાં થોડા મોટા લેવલ પર થતું હોય છે જેને આપણે રેગિંગ તરીકે ઓળખીએ છીએ.
આ જ રીતે ઓનલાઇન પણ કોઈ સોશિયલ મીડિયા પોસ્ટ, કોઈ ફોટો, કોઈ કમેન્ટ, શારીરિક દેખાવ, પારિવારિક કે અન્ય કોઈ પણ બાબતને લઈને ટાર્ગેટનું ઓનલાઇન ટ્રોલિંગ કે હેરેસમેન્ટ થાય છે. જેનું પ્રમાણ ધીમે ધીમે વધે અને અમુક સમયે જો ધ્યાન ના આપવામાં આવે તો આ હેરેસમેન્ટ ટાર્ગેટ માટે માનસિક હતાશા કે ડિપ્રેશનમાં પરિવર્તિત થાય છે અને વધુ ગંભીર પરિણામ આવે છે. આ બધું હવે પરદેશ પૂરતું સીમિત રહ્યું નથી.
કેટલાક ચોંકાવનારા આંકડા
- એક સર્વે મુજબ, ૨૦૧૬માં ૪૨ ટકા ટીનેજર્સ સાયબર બુલિંગનો શિકાર બન્યા હતા.
- ૩૦ લાખ બાળકો તથા ટીનેજર્સ બુલિંગના કારણે સ્કૂલ કે કોલેજ જવા માગતાં હોતાં નથી.
- ૨૦ ટકા બાળકો ઓનલાઇન હેરેસમેન્ટના લીધે આપઘાતના વિચારો કરે છે અને ૧૦માંથી ૧ કરે પણ છે.
- ૪૫૦૦ બાળકો દર વર્ષે સાયબર બુલિંગના લીધે આત્મહત્યા કરે છે.
- ટીનેજર્સ પર રહેલા ખતરામાં આત્મહત્યા ત્રીજા નંબર પર છે (કાર એક્સિડેન્ટ પહેલા અને ગૃહક્લેશ બીજા નંબરે છે).
- બહુચર્ચિત સ્યુસાઇડ ગેમ બ્લુવહેલ પણ સાયબર હેરેસમેન્ટ અને બ્લેકમેલિંગનો જ પ્રકાર છે, જેને કારણે ૬ ભારતીય સહિત ૨૦૦ ટીનેજર્સ સ્યુસાઇડ કરી ચુક્યા હોવાનું મનાય છે.
૨. વાંધાજનક પોસ્ટ કે કમેન્ટ કરવી :
વોટ્સએપ ને ફેસબુક પર આડેધડ પોસ્ટ કરીને કોઈની પર્સનલ લાઈફ કે ધાર્મિક લાગણી દુભાવવાને લીધે ઘણી વાર મોટા પાયે માથાકૂટ થઈ જતી હોય છે અને તેનાં ભયંકર પરિણામ આવે છે. સુરત, વડોદરા જેવાં શહેરોમાં આ પ્રકારની પોસ્ટના લીધે પોલીસ ફરિયાદ અને કેટલીક જૂથ અથડામણો પણ થઈ હોવાના બનાવો છે.
આપણી ઓનલાઇન પોસ્ટ એ આપણા વિચારોનું પ્રતિબિંબ છે. તમારી મુકેલી કોઈ પોસ્ટ બની શકે કે અત્યારે કોઈ અસર ના કરે, પણ ભવિષ્યમાં ક્ષોભજનક પરિસ્થિતિમાં ના મૂકે તેનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ. જે પણ માહિતી કે ફોટો ઓનલાઇન મુકવામાં આવે છે તેની કોપી તેમજ રી-પોસ્ટ શક્ય છે. ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા તમને ઓનલાઇન પોસ્ટ ડિલીટ કરવાની સુવિધા આપે છે.
૩. સિક્યોરિટી રિસ્ક :
ટીનેજર હોય કે બાળકો, દરેકને ગેમ્સનો ક્રેઝ હોય જ પણ તેઓ ગેમ્સ ખરીદવા કરતાં ઓનલાઇન ગમે ત્યાંથી ડાઉનલોડ કરીને રમવાનો ઓપ્શન વધુ પસંદ કરતા હોય છે.
ઓનલાઇન ટાંપીને બેઠેલા સાયબર ક્રિમિનલ્સ ગેમની સાથે તમારી સિસ્ટમમાં ટ્રોજન કે કોઈ પણ માલવેર ઇન્સ્ટોલ કરીને તમારી સિસ્ટમ હેક કરી શકે છે અને તેમાં રહેલી બધી માહિતી ચોરીને કોઈને પણ આપી શકે છે.
આ ઉપરાંત આ રીતે હેક થયેલી સિસ્ટમને અન્ય હેકિંગના ટૂલ તરીકે પણ વાપરી શકે છે. સ્માર્ટફોન કે કમ્પ્યુટર સિસ્ટમમાં કેટલાય પર્સનલ ફોટોગ્રાફ્સ અને અન્ય ફાઇલ્સ હોઈ શકે જે આપણી પ્રાઇવેસી પર મોટું જોખમ ઊભું કરી શકે છે.
૪. મોબાઈલ એપ્સ :
ઘરમાં એક જ કમ્પ્યુટર સિસ્ટમ હોવાને લીધે થોડાં વર્ષો પહેલાં પેરેન્ટ્સ માટે પોતાના સંતાનની ઇન્ટરનેટ એક્ટિવિટી પર ધ્યાન રાખવું સરળ હતું, જે સ્માર્ટફોન આવતાં ચેલેંજિંગ બની ગયું છે. આજે દુનિયામાં ૬૯ ટકા ટીનેજર્સ સ્માર્ટફોન વાપરે છે. તેમાંથી ૮૦ ટકા સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. અવનવી એપ્સ, ગેમ્સ, વેબસાઈટથી ઘેરાયેલાં બાળકો પર ચોવીસ કલાક તો નજર ન જ રાખી શકાય, તેમ છતાં ચોક્કસ માર્ગદર્શન દ્વારા તેમને સ્માર્ટફોન કે ઇન્ટરનેટના યોગ્ય ઉપયોગની આદત પાડી શકાય છે.
સ્માર્ટફોન કે ઇન્ટરનેટનો ઉપયોગ આમ તો પોઝિટિવ વિચારીને જ કરતા હોય છે, પરંતુ જેમ બાઈક શીખવામાં, એડવેન્ચર સ્પોર્ટ્સમાં કે રસોઈ શીખવામાં પણ રિસ્ક તો હોય જ છે તેમ જ ઈન્ટરનેટ સર્ફિંગમાં પણ ઘણા જાણ્યા અજાણ્યા રિસ્ક છુપાયેલા છે. કેટલીક એપ્સ જરૂરિયાત ના હોવા છતાં આપણા સ્માર્ટફોનની ગેલેરી તેમજ કોન્ટેક્ટ એક્સેસ કરવા માગે છે. જો બાળકો ફોન વાપરતા હોય તો તેને અમુક એપ્સ કે સેટિંગને લોક રાખવી જોઈએ. ઓનલાઇન કન્ટેન્ટમાં ફિલ્ટર ઓન રાખવું જોઈએ.
૫. લીગલ અને ફાયનાન્શિયલ રિસ્ક :
કોઈ વાર બાળકો ઈન્ટરનેટ પર કોઈ અયોગ્ય માહિતી શેર કરી દેતા હોય છે, જેમ કે ક્રેડિટ કાર્ડ નંબર, કોઈ વાંધાજનક ફોટો કે જાણે અજાણે શીખેલા કે સાંભળેલા કેટલાક શબ્દો જે ક્યારેક ફાયનાન્શીયલ ફ્રોડ કે કાયદેસરની કાર્યવાહીમાં પરિણમે છે.
૬. પોર્નોગ્રાફી કે સેક્સટિંગ :
ટીનેજર્સમાં ક્યારેક મિત્રો જોડે ટેક્સ્ટ મેસેજ કે વોટ્સએપ કે અન્ય સોશિયલ મીડિયા દ્વારા આ પ્રકારના મેસેજ કે અન્ય પ્રકારની વિકૃત પોસ્ટ શેર થઈ શકે છે, જેનાં ગંભીર પરિણામો આવી શકે છે અને જાણે અજાણે તેઓ પોતાને આવેલી આ પ્રકારની પોસ્ટને શેર કરીને મુશ્કેલીમાં મુકાઈ શકે છે. આઇટી એક્ટ પ્રમાણે આ પ્રકારની પોસ્ટ કે માહિતી મોકલવી ગુનો છે.
તમારાં સંતાનોની સલામતી માટે :
- વાલી કરતાં મિત્ર બનીને સાચી દિશામાં માર્ગદર્શન દ્વારા બાળકોને ઈન્ટરનેટની ખૂબીની સાથે સાથે ત્યાં રહેલા ખતરાઓ વિશે પણ સમજાવવું જોઈએ.
- બાળકોની પોસ્ટ, ઓનલાઇન વિઝિટ પર નજર રાખો અને કંઈ અયોગ્ય લાગે તો તે કારણ સહિત સમજાવો.
- જરૂરી લાગે તો પેરેન્ટલ કંટ્રોલ સોફ્ટવેર તેમ જ એપ્સનો ઉપયોગ કરી શકાય.
- બાળકોના મિત્રવર્તુળ વિશે માહિતી રાખો, ઓનલાઇન હેરેસમેન્ટની શંકા હોય તો બાળકને પૂછો.
- ઓનલાઇન શોપિંગ વખતે સાવધાની રાખતાં શીખવવું જોઈએ, તેમ જ ક્રેડિટ કાર્ડ અને બેન્ક બેલેન્સ રેગ્યુલર ચેક કરતું રહેવું જોઈએ.
- ચર્ચા કરો, ભાષણ કે ગુસ્સો નહીં.
- પાસવર્ડ સિક્યોરિટી વિશે સમજાવો, બને તો બેકઅપ એકાઉન્ટ અને ટુ સ્ટેપ વેરિફિકેશન એક્ટિવેટ રાખો.
- સિક્યોરિટી તેમ જ મોનિટરિંગ માટેનાં ફીચર્સ એક્ટિવેટ રાખો અને તેને સમયાંતરે ચેક કરતા રહો.
- વેબસાઈટ તેમ જ યૂટ્યુબમાં કન્ટેન્ટ ફિલ્ટરિંગ ઓન રાખો.
- ઓનલાઇન માહિતીમાં કઈ માહિતી પર ધ્યાન ના આપવું, શું શેર કરવું વગેરેની સમજ કેળવતા રહો.
આ ઉપરાંત આપ પણ ઓનલાઇન સમાચાર, નવા સાયબર ક્રાઇમ, ફ્રોડ વગેરે વિશે સતત અપડેટ રહીને પોતાના સંતાનના સ્માર્ટ પેરેન્ટ બનીને આવનારા ખતરાથી સુરક્ષિત રાખી શકો!

