(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

મોંઘી દવાઓની અસરકારક દવા

સામાન્ય રીતે આપણે માંદા પડીએ એટલે ડોક્ટર પાસે જઈએ, ડોક્ટર દવા લખી આપે અને આપણે દવાની દુકાને એ બતાડી, જે રકમ આપવી પડે તે ચૂકવીને દવા ખરીદી લાવીએ. 

પરંતુ આમાં એક મહત્વના મુદ્દા તરફ આપણે ધ્યાન આપતા નથી. ડોક્ટર જે દવા લખે તેનું કન્ટેન્ટ (દવામાંની સામગ્રી) મહત્વનું છે, દવાની બ્રાન્ડ નહીં. ડોક્ટરે જે બ્રાન્ડની દવા લખી હોય એ જ કન્ટેન્ટવાળી બીજી કંપનીની દવા તેનાથી ખાસ્સી સસ્તી મળતી હોય એવું બની શકે છે.

પરંતુ આટલું જાણવું પણ પૂરતું નથી. આપણને એ બીજી, સસ્તી દવાની ખબર કેવી રીતે પડે? દવાવાળાએ તો ડોક્ટરે લખી આપી હોય એ જ દવા આપવી પડે અને એ દવા મોંઘી હોય તો કદાચ દવાવાળાને બીજી સસ્તી દવા ઉપલબ્ધ છે એવું કહેવામાં રસ પણ ન હોય.

ખરેખર તો, ડોક્ટર બે રીતે દવા લખી શકે છે, કંપનીના બ્રાન્ડનેમથી અથવા દવામાંના કન્ટેન્ટથી, પરંતુ મોટા ભાગના ડોક્ટર બ્રાન્ડનેમથી દવા પ્રીસ્ક્રાઇબ કરતા હોય છે.

હવે ચિત્રમાં આવે છે જેનરિક દવા.

છેલ્લા થોડા સમયથી ગુજરાતમાં આ શબ્દ જાણીતો બનવા લાગ્યો છે. કેન્દ્ર સરકારે ‘પ્રધાન મંત્રી જન ઔષધી યોજના’ શરૂ કરી છે અને તેને પગલે ગુજરાત સરકારે નવેમ્બર ૨૦૧૬માં એક સાથે રાજ્યભરમાં ૫૨ ‘દીનદયાળ પ્રધાન મંત્રી જન ઔષધી સ્ટોર’ શરૂ કર્યા છે, જેમાં ઘણી જેનરિક દવાઓ બજારભાવ કરતાં ૩૦થી ૯૦ ટકા જેટલા રસ્તા દરે મળી શકે છે. એ સાથે, સરકારે જી-દવા નામની એક એપ પણ લોન્ચ કરી છે, જેમાં એક લાખથી વધુ દવાઓની માહિતી મળી રહે છે. જી-દવાનું આખું નામ ‘જેનરિક – ડ્રગ અવેરનેસ ફોર વાઇડર એક્સેપ્ટેબિલિટી’ છે!

નીચે આપેલ માહિતી અનુસાર, એપનો ઉપયોગ સરળ છે.

રાજ્યના નાગરિકો માટે દવાનો ખર્ચ ઘટાડવા માટેનું ગુજરાત સરકારનું આ એક બહુ મોટું પગલું છે. અગાઉ આ દિશામાં ઘણી સેવાભાવી સંસ્થાઓએ પ્રયાસ કર્યા છે, લોકોને જેનરિક દવા વિશે જાણકારી મળે એ માટે વેબસાઇટ બનાવવા જેવાં પગલાં પણ લેવાયાં છે, પણ વાત સ્વાસ્થ્યની હોય ત્યારે સ્વાભાવિક રીતે લોકો પોતાના ડોક્ટરે લખી આપેલી દવાના બદલે બીજી દવા લેતાં ખચકાય.

હવે ખુદ રાજ્ય સરકાર જેનરિક દવાને પ્રોત્સાહન આપી રહી હોવાથી, આખી વાતમાં વિશ્વસનીયતાનું વજન ઉમેરાય છે.

એક મિનિટ, આ જેનરિક દવા એક્ઝેક્ટલી શું છે અને ખરેખર સલામત છે?

આ પ્રશ્ન થવો સ્વાભાવિક છે કારણ કે વાત સ્વાસ્થ્યની છે.


ઘણી બ્રાન્ડેડ દવા અને જેનરિક દવાની કિંમત વચ્ચે ૯૦ ટકા જેટલો ઊંચો તફાવત હોવાથી આપણને વાતમાં જલદી વિશ્વાસ ન બેસે એ પણ દેખીતું છે, પરંતુ જો જેનરિક દવાને બરાબર સમજીએ તો પછી કોઈ ચિંતા રહે નહીં.

બ્રાન્ડેડ દવાઓને આપણે મોંઘી માનીએ છીએ, પણ એ વાત પણ સ્વીકારવી રહી કે મોટી દવા કંપનીઓ જ્યારે નવી દવા વિક્સાવીને બજારમાં મૂકે ત્યારે તેણે રીસર્ચ, ડેવલપમેન્ટ, માર્કેટિંગ અને પ્રમોશનનો મોટો ખર્ચ કરવો પડતો હોય છે. આવી દવા કંપની પોતે વિક્સાવેલી દવાની પેટન્ટ મેળવતી હોય છે.

આ પેટન્ટની નિશ્ચિત મુદત  (સામાન્ય રીતે ૨૦ વર્ષ) સુધી, માત્ર એ જ કંપની, પોતાના બ્રાન્ડનેમ સાથે એ દવા વેચી શકે છે. પેટન્ટ પૂરી થતાં, બીજી દવા કંપનીઓ એ જ દવાનું ઉત્પાદન કરી શકે છે. આવી કંપનીએ દવા વિક્સાવવા માટે મૂળ કંપની જેટલો ખર્ચ કર્યો ન હોવાથી તે ખાસ્સા ઓછા ભાવે તેને વેચી શકે છે.

જી-દવા એપમાં ભારપૂર્વક કહેવાયું છે અને વિશ્વભરના તબીબી નિષ્ણાતો સ્વીકારે છે જેનરિક દવાઓ ગુણવત્તા, સલામતી અને કાર્યક્ષમતાની રીતે મૂળ બ્રાન્ડેડ દવા જેવી જ હોય છે.

સરકારી જન ઔષધી સ્ટોરમાં જે દવાઓ વેચવામાં આવે છે તે કેન્દ્ર સરકારની માલિકીની દવા કંપનીઓ અને અન્ય દવા કંપનીઓ પાસેથી મેળવવામાં આવે છે, આ દવાઓ, લેબોરેટરીની ગુણવત્તા ચકાસતી સર્વોચ્ચ સંસ્થા નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝ (એનએબીએલ) દ્વારા માન્ય લેબોરેટરીમાં ચકાસાયેલી હોય છે.

ગુજરાત સરકારની જી-દવા એપમાં આપણે એક લાખ જેટલી દવાનાં નામ લખીને, એ દવાનું જ કન્ટેન્ટ ધરાવતી બીજી સંખ્યાંબંધ દવાઓ વિશે જાણી શકીએ છીએ અને આ દવા દીનદયાળ જન ઔષધી સ્ટોરમાં ઉપલબ્ધ છે કે નહીં એ પણ જાણી શકાય છે.

આશા રાખીએ કે આ અત્યંત ઉપયોગી એપનું થોડા સમયમાં, સારું ગુજરાતી વર્ઝન પણ આપણને મળશે!


એપમાં પહેલી વાર રજિસ્ટ્રેશન


એપ ડાઉનલોડ કર્યા પછી પહેલી વાર સાઇન-અપ કરવું જોઈશે.

આ માટે આપણો પિનકોડ, મોબાઇલ નંબર આપવાનો રહેશે.

આપણા નંબર પર ઓટીપી આવશે પછી પાસવર્ડ પસંદ કરી શકાશે.

આપણું રજિસ્ટ્રેશન સફળતાપૂર્વક પૂરું થઈ જશે.

એપનો ઉપયોગ

કોઈ પણ દવાના વિકલ્પો જાણવા એપના હોમ સ્ક્રીન પર ‘સર્ચ મેડિસિન’ પર ક્લિક કરો.

આપણે દવાનું નામ, તેમાંનું ડ્રગ કન્ટેન્ટ કે કંપની નામથી સર્ચ કરી શકીએ છીએ.

દવાના નામથી સર્ચ કરીશું તો તેની કિંમત અને એ જ કન્ટેન્ટ ધરાવતી બીજી દવાના વિકલ્પ જોવા મળશે.

નજીકનો જન ઔષધી સ્ટોર શોધવાનું અને તેને કૉલ કરવાનું આ એપે સરળ બનાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!