ફેસબુક પર તમે એકદમ સક્રિય હોય તો, તમે જે જે પોસ્ટ પર કંઈક લખો તેના સંબંધિત દરેક નોટિફિકેશન તમને હેરાન કરી શકે છે. આ અને કમેન્ટ સંબંધિત બીજી કેટલીક બાબતો તમે બંધ કરી શકો છો.
તમને ખબર છે? તમે કોઈ પણ ફેસબુક પોસ્ટ પર કમેન્ટ કરો એ સાથે એ પોસ્ટ પર નવી જે પણ નવી કમેન્ટ મુકાય તેની તમને જાણ કરવાનો ફેસબુક આપોઆપ નિર્ણય લઈ લે છે. એક રીતે જોઈએ તો આ સારી સગવડ છે કારણ કે આપણે કંઈક લખ્યું તેના જવાબમાં કે એ જ પોસ્ટના સંદર્ભમાં બીજી કોઈ વ્યક્તિ જે કંઈ લખે તે જાણવામાં આપણને રસ પડી શકે છે, પરંતુ જો તમે ફેસબુક પર તમે ખૂબ સક્રિય હો અને આ રીતે તમે ઢગલાબંધ ફેસબુક પોસ્ટ પર લખો અને એ દરેક પોસ્ટ પર દરેક નવી કમેન્ટના નોટિફિકેશન આવવા શરૂ થઈ જાય એ જરા વધુ પડતું થઈ જાય.
એમાં ફેસબુકે હજી એક નવી ‘સુવિધા’ ઉમેરી છે. તમે કોઈ પણ પોસ્ટની એક પણ નવી કમેન્ટ ચૂકી ન જાવ એ માટે ફેસબુકે પોપઅપ વિન્ડો ઓપન કરીને કમેન્ટ બતાવવાનું શરૂ કર્યું છે. મતલબ કે જે રીતે કોઈ વ્યક્તિ આપણને મેસેજ મોકલે તો એ મેસેજ આપણને એક ચેટ વિન્ડોમાં બતાવવામાં આવે છે બરાબર એ જ રીતે હવે નવી કમેન્ટના થ્રેડ દશર્વિતી વિન્ડો પણ પોપઅપ થશે.
આ સુવિધા તમે બંધ કરવા માગતા હો તો તમારી ચેટ સાઇડબારમાં નીચેની તરફ જમણા ખૂણે આપેલા ગિયરના આઇકન પર ક્લિક કરો અને તેમાં છેક નીચે આપેલ ટર્નઓફ પોસ્ટ ટેબ્સ પર ક્લિક કરી દો. ભવિષ્યમાં વિચાર બદલાય તો આ જ મેનૂમાંથી તમે તેને ફરી ઇનેબલ કરી શકો છો.
તમે કોઈ પણ પોસ્ટ પર કમેન્ટ કરો ત્યારે તેના પર મૂકાતી નવી કમેન્ટ વિશે તમે કોઈ પણ પ્રકારે નોટિફિકેશન ન મેળવવા માગતા હો તો એવું પણ શક્ય છે, ફક્ત જરા મુશ્કેલ છે કેમ કે પરંતુ એ માટે તમે જ્યારે જયારે કમેન્ટ મૂકો ત્યારે ત્યારે તમારો આ ઇરાદો ફેસબુકને જણાવવો પડશે.
એ માટે કોઈ પણ પોસ્ટ પર કમેન્ટ કર્યા પછી એ પોસ્ટમાં ટોપ સુધી પહોંચીને ઉપર જમણા ખૂણે આપેલા નાનકડા એરો પર ક્લિક કરો અને જે મેનૂ ખુલે તેમાં ‘ટર્નઓફ નોટિફિકેશન્સ ફોર ધીસ પોસ્ટ’ વિકલ્પ પસંદ કરી લો.
ફેસબુકમાં જે ઇચ્છો છે શક્ય છે, બસ શોધવું પડે!
