એક તરફ આપણે ચાઇનીઝ ચીજવસ્તુના બહિષ્કારની વાતો કરીએ છીએ, પણ બીજી તરફ ભારતના સ્માર્ટફોન માર્કેટમાં ચાઇનીઝ કંપનીઝ રીતસર રાજ કરવા લાગી છે. ભારતમાં વેચાતા દરેક ૧૦૦ સ્માર્ટફોનમાં ૫૦થી વધુ મોબાઇલ ચાઇનીઝ કંપનીના હોય છે. હજી એક વર્ષ પહેલાં, આ પ્રમાણ માંડ ૧૯ મોબાઇલ જેટલું હતું.
યાદ રહે કે ભારતના સ્માર્ટફોન માર્કેટનું મૂલ્ય ૧૦ અબજ ડોલર જેટલું આંકવામાં આવે છે, જેમાંથી સિંહફાળો હવે ચીન લઈ જાય છે. ભારતમાં અત્યાર સુધી દક્ષિણ કોરિયાની સેમસંગ સૌથી લોકપ્રિય સ્માર્ટફોન બ્રાન્ડ હતી અને એકલી આ કંપની માર્કેટમાં ૩૦ ટકા જેટલો હિસ્સો ધરાવતી હતી, પણ હવે તેનું વેચાણ ઘટીને ૨૧ ટકા થયું છે.
ભારતના ક્રિકેટર્સ અને ફિલ્મ સ્ટાર્સ ઓપ્પો, વનપ્લસ, લિનોવો, જિયોની, ઝાયોમી વગેરે ચાઇનીઝ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર બનીને તેમના વેચાણને વેગ આપી રહ્યા છે.
