સવાલ મોકલનાર : દીપેશ સિંધવ, અમદાવાદ
સવાલ ગૂગલ પ્લે સ્ટોરમાં આપેલા રીવ્યૂ અને રેટિંગના સંદર્ભમાં પૂછવામાં આવ્યો છે, પણ એટલું યાદ રાખવા જેવું છે કે ઇન્ટરનેટ પર જે કોઈ વ્યાપક સર્વિસ પર આપણે પોતાના તરફથી જે કંઈ યોગદાન આપીએ, તેને સુધારવાનો કે પછીથી વિચાર બદલાય તો તેને ડિલીટ કરવાની સુવિધા હોવી જ જોઈએ અને મોટા ભાગની સારી સર્વિસ આવા વિકલ્પ આપતી જ હોય છે. ફક્ત તેના રસ્તા શોધવા થોડા મુશ્કેલ હોઈ શકે છે.
ગૂગલ પ્લે સ્ટોર પર પણ આવું જ છે!
આપણે પ્લે સ્ટોરમાંથી કોઈ પણ એપ, ગેમ, બુક વગેરે ખરીદીએ કે મફતમાં ઇન્સ્ટોલ કરીએ તો તેના વિશે આપણો અભિપ્રાય આપી શકીએ છીએ. અભિપ્રાય બે સ્વરૂપે હોઈ શકે છે, ફક્ત ‘ફાઇવ સ્ટારમાંથી કેટલા સ્ટાર’ એવા રેટિંગ સ્વરૂપે અથવા જરા વધુ વિગતવાર, શબ્દોમાં આપેલા રીવ્યૂ સ્વરૂપે. આપણે આપેલ રેટિંગ કે રીવ્યૂ આપણા ગૂગલ એકાઉન્ટ સાથે સંકળાયેલ રહે છે અને કોઈ પણ લોકો તેને જોઈ-વાંચી શકે છે.
હવે કોઈ કારણસર તમે તમારા રેટિંગ કે રીવ્યૂ ને બદલવા કે ડિલીટ કરવા માગતા હો તો તેનો રસ્તો મોબાઇલમાંની પ્લે સ્ટોર એપમાં મળશે નહીં. એ માટે, પીસી https://play.google.com પર જવું પડશે.
અહીં ડાબી તરફની કોલમમાં, ‘માય પ્લે એક્ટિવિટી’ એવો એક વિકલ્પ જોવા મળશે.
તેને ક્લિક કરતાં, તમે પ્લે સ્ટોરમાં (પીસી પરથી કે મોબાઈલમાંથી) જે એપ્સ માટે રેટિંગ કે રીવ્યૂ આપેલ હશે તે બધું જ દેખાશે. જેને બદલવું કે ડિલીટ કરવું હોય તેના પર ક્લિક કરતાં, એ એપનું પેજ ખૂલશે અને તેમાં નીચેની તરફ સ્ક્રોલ કરતાં ‘માય રીવ્યૂ’ શીર્ષક નીચે તમે આપેલ સ્ટાર રેટિંગ અથવા રીવ્યૂની ટેક્સ્ટ જોવા મળશે.

તેની બાજુમાં ડિલીટ અને એડિટનું બટન જોવા મળશે, ચાહો તેનો ઉપયોગ કરો!
