આખા વિશ્વની જેમ, આખરે ભારતમાં પણ એપ આધારિત ટેક્સી સર્વિસની બોલબાલા વધવા લાગી છે. એવું તે શું છે આ સર્વિસમાં કે એમાં સૌને પોતપોતાનો ફાયદો દેખાઈ રહ્યો છે?
એક કામ કરોને, ઓલા કે ઉબર બોલાવી લઈએ, રીક્ષા કરતાંય સસ્તું પડશે! ગુજરાત સહિત, ભારતનાં ઘણાં શહેરોમાં હવે કોઈ કારણસર પરિવારમાં બધાને સાથે કે એક-બે વ્યક્તિને પણ બહાર જવાનું થાય અને ઘરના વાહનની સગવડ ન હોય ત્યારે (ઘણા કિસ્સામાં ઘરનું વાહન હોય તો પણ) રીક્ષા કરતાં પહેલો વિચાર સ્માર્ટફોનમાંની એપ ખોલીને તેમાં ટેક્સી બોલાવી લેવાનો થાય છે.
હજી થોડા સમય પહેલાં, આપણે પોતાના વાહન વિના શહેરમાં ક્યાંય બહાર જવાનું થાય અને સિટી બસ ન પકડવી હોય તો, મુંબઈ-દિલ્હી જેવા શહેરમાં પેલી કાળી-પીળી ફિયાટ કે એમ્બેસેડર ટેક્સી અને બીજાં શહેરો હોય તો કાળી-પીળીમાંથી લીલી-પીળી થયેલી રીક્ષાનો જ આશરો હતો.
શહેરનો પાંખી વસતિવાળો વિસ્તાર હોય તો રીક્ષા શોધવા આપણે થોડે સુધી ચાલવું પણ પડે. આપણે રીક્ષાની શોધમાં કોઈ એક દિશા પકડીએ અને એવું પણ બને કે તેનાથી ઊંધી દિશામાં, નજીકમાં જ કોઈ રીક્ષાવાળો ભાઈ પેસેન્જર મળવાની રાહ જોતો બેસી રહ્યો હોય. આપણે તેનાથી ઊંધી દિશામાં જતા હોઈએ એટલે તેને પેસેન્જર ન મળે અને આપણને ખાલી, તૈયાર રીક્ષા ન મળે! નુક્સાન બંને પક્ષે થાય.
નવી ટેક્નોલોજીએ આ સ્થિતિ બદલી નાખી છે.
નવી ટેક્નોલોજીના પ્રતાપે, સંખ્યાબંધ એવી કંપની શરૂ થઈ છે જે ખાલી ટેક્સી કે ખાલી રીક્ષાના ડ્રાઇવરોને ટેક્સી કે રીક્ષા શોધતા લોકો તરફ વાળીને, આંગળી ચીંધ્યાનું જબરું પુણ્ય કમાવા લાગી છે – આવી કંપનીની મદદ કરે છે સ્માર્ટફોન.
હવે આપણે ઘેરબેઠાં, ખિસ્સામાંથી સ્માર્ટફોન કાઢી, ગમતી ટેક્સી સર્વિસની એપ ખોલીને તેમાં બે-ત્રણ ક્લિક કરીએ એટલે આપણા ઘરની આસપાસ ફરતી ટેક્સીમાંથી કોઈ ટેક્સીવાળો ભાઈ તરત આપણને લેવા માટે આવી પહોંચે! ટેક્સી આવી રહી છે એવી આપણને એપમાં જાણ તો થાય જ, નક્શા પર આપણે એ આવી રહેલી ટેક્સી જોઈ પણ શકીએ!
તમે પોતે આવી એપ આધારિત ટેક્સીનો ઉપયોગ કરવા લાગ્યા હશો તો પણ કદાચ એની પાછળ કેટલો મોટો બિઝનેસ આખા જગતમાં વિકસી રહ્યો છે એનો તમને અંદાજ નહીં હોય, અથવા શહેરમાં જુદી જુદી કેટલીય ટેક્સી કંપનીનાં મોટાં મોટાં હોર્ડિંગ્સ અને આકર્ષક ભાડાં વાંચીને આવી ટેક્સીનો ઉપયોગ કેવી રીતે શરૂ કરવો એની તમે ગડમથલમાં હશો.
આવી એપ આધારિત ટેક્સીનો ઉપયોગ કેવી રીતે કરવો એની વાત આગળ માંડીને કરી છે, પણ એ પહેલાં ‘કેબ એગ્રીગેટર સર્વિસ’ (એટલે કે જુદી જુદી ટેક્સીને ટેક્નોલોજીની મદદથી ટેક્સી સર્વિસ મેળવવા માગતા લોકો સાથે જોડતી સર્વિસ) તરીકે ઓળખાતા આ બિઝનેસની થોડી રસપ્રદ વાત જાણી લઈએ.
આગળ શું વાંચશો?
- નવા પ્રકારના બિઝનેસ
- એપ કેબ્સ સતત વિવાદમાં કેમ રહે છે?
- ઉબર અને ગૂગલ : દોસ્તી પછી દુશ્મની
- આંગળીના ઇશારે ટેક્સી કેવી રીતે બોલાવશો?
નવા પ્રકારના બિઝનેસ
ઇન્ટરનેટ પરની એગ્રીગેટર ટેક્નોલોજીથી વર્ષોથી બીબાંઢાળ રીતે ચાલતા આવેલા ધંધાપાણી ધરમૂળથી બદલાઈ રહ્યાં છે.
હવે તમે જાણતા જ હશો કે એમેઝોન, ફ્લિપકાર્ટ વગેરે કંપની પોતે એક પણ ચીજવસ્તુનું ઉત્પાદન કે વેચાણ કરતી નથી. એ ફક્ત દુનિયાભરના વેપારીઓઓને પોતપોતાની ચીજવસ્તુઓ, એક સાથે અસંખ્ય લોકોને વેચવાનું એક પ્લેટફોર્મ આપે છે અને તેમાંથી પોતે કમિશન મેળવે છે.
ઇન્ટરનેટની મદદથી વિવિધ ક્ષેત્ર માટે આવું ‘માર્કેટપ્લેસ’ તૈયાર કરીને મોટા પાયે બિઝનેસ ફેલાવવાનો ટ્રેન્ડ અત્યારે જબરજસ્ત ચાલ્યો છે.
કોઈ ટુરિસ્ટ પ્લેસ પર કોઈ વ્યક્તિ આંખોમાં ‘પોતાની હોટેલ’નું સપનું આંજીને સાવ નાને પાયે શરૂઆત કરે, પછી તેની આંખ ઠરે એવી મોટી હોટેલ તૈયાર થતાં તો એ વ્યક્તિએ નિવૃત્ત થવાનો સમય આવી ગયો હોય. તેની સામે, રીતેશ અગરવાલ નામના એક યુવાને ૧૭ વર્ષની ઉંમરે ઇન્ટરનેટ પર પોતાની હોટેલ બુકિંગ ખોલી અને અત્યારે, ૨૩ વર્ષી ઉંમરે તેની કંપની ‘ઓયો રૂમ્સ’ ૧૭૭ શહેરોમાં, ૬૫૦૦થી વધુ હોટેલ્સની એક પ્રકારે માલિક બની ગઈ છે કારણ કે રોજેરોજ અનેક લોકો આ હોટેલ્સમાં ઓયો રૂમ્સ દ્વારા બુકિંગ કરાવીને તેને કમાણી કરાવે છે.
દવાબજારમાં સરકાર હજી દવાઓના ઓનલાઇન વેચાણ પર કેવી રીતે નિયંત્રણ કરવું તેના કાયદા ઘડી રહી છે, પણ જુદી જુદી ઘણી સ્ટાર્ટ-અપ કંપની આપણા જ પડોશની દવાની દુકાન અને આપણને પોતાની એપ થકી જોડીને મોટી કમાણી કરવા લાગી છે!
કંઈક આવું જ ટેક્સીના ક્ષેત્રે શરૂ થયું એપ આધારિત કેબ્સ કંપનીઝને કારણે.
ભારતમાં આ પ્રકારની સર્વિસનો જુવાળ આવ્યો ત્યારે, માંડ બે-ત્રણ વર્ષ પહેલાં આવી સર્વિસમાં જોડાતા ડ્રાઇવર્સની એવી જોરદાર ડિમાન્ડ હતી કે કોઈને ત્યાં ડ્રાઇવર તરીકે નોકરી કરીને મહિને માંડ પંદર હજાર રૂપિયા કમાતા ઘણા લોકો, લોન પર પોતાની કાર ખરીદી, કેબ એગ્રીગેટર સર્વિસમાં જોડાઈને દર મહિને એક લાખ રૂપિયા જેટલી તોતિંગ કમાણી કરવા લાગ્યા હતા.
હવે એમની કમાણીમાં ઓટ આવી છે, પણ સંખ્યાબંધ કેબ એગ્રીગેટર કંપનીઝ જોરદાર આક્રમક રીતે ભારતનાં વિવિધ શહેરોમાં પોતાની સેવાઓ જુદી જુદી રીતે વિસ્તારવા લાગી છે.
આ ટ્રેન્ડ શરૂ કરનાર કંપની છે અમેરિકાની ઉબર.
ફક્ત સાત વર્ષ પહેલાં શરૂ થયેલી આ કંપની અત્યારે ૮૧ દેશોનાં ૫૬૧ શહેરોમાં ફેલાઈ ચૂકેલી જગતની સૌથી મોટી ટેક્સી સર્વિસ કંપની છે. છતાં મજાની વાત એ છે કે આ કંપનીની એક પણ ટેક્સી તેની પોતાની માલિકીની નથી કે એક પણ ડ્રાઇવર તેનો પગારદાર નથી! આ કમાલ ફક્ત એક જોરદાર આઇડિયા અને તેને મળેલા ટેક્નોલોજીના સાથનો છે!
તમે ઇચ્છો ત્યારે ફક્ત આંગળીના ઇશારે કાર બોલાવી લેવાનું ચલણ આખી દુનિયામાં એટલું વિસ્તર્યું છે કે સંખ્યાબંધ લોકો પોતાની કાર લેવાનું માંડી વાળીને ફક્ત ઉબર જેવી સર્વિસને સહારે પોતાનું કામ ચલાવવા લાગ્યા છે.
પોતાની કારના માલિક હોવાનો રુઆબ કે સંતોષ અને જાતે કાર ચલાવવાનો આનંદ કે સલામતી બાજુએ રાખીએ અને ફક્ત આંકડાની રમત માંડીએ, તો એક સાથે રૂપિયા રોકીને કે લોન લઈને કાર વસાવીને તેની લોનના હપ્તા ભરવા, પેટ્રોલ/ડિઝલ પૂરાવવું અને મેઇન્ટેનન્સના ખર્ચ ઉપાડવા તેના કરતાં, જરૂર પડે ત્યારે એપથી કેબ બોલાવી લેવાનું ચોક્કસ સસ્તું પડે તેમ છે.

ભારતમાં એપ કેબ્સનો બિઝનેસ ટોપ ગિયરમાં
તમે એન્ડ્રોઇડ માટે પ્લે સ્ટોર કે આઇફોનના એપ સ્ટોરમાં ‘કેબ એપ’ સર્ચ કરશો તો પાર વગરની એપ્સ જોવા મળશે. જોકે ભારતમાં અત્યારે ઓલા, મેરુ અને ઉબર કેબ એપ રેસમાં સૌથી આગળ છે.
ભારતમાં અગાઉ ‘રેડિયો ટેક્સી’ તરીકે જાણીતી સર્વિસની બોલબાલા હતી. આવી સર્વિસમાં કોઈ એક કંપની પોતાની માલિકીની પાંચ-પંદર ટેક્સીથી માંડીને અઢી-ત્રણ હજાર ટેક્સીની મદદથી ટેક્સી સર્વિસ આપતી હતી (હજી પણ આવી કંપનીઝ એપ કેબ કંપનીઝ સામે ઝઝૂમી રહી છે). આવી કંપનીના એક ચોક્કસ નંબર પર કોલ કરીએ એટલે કંપની તેના કાફલામાંથી કોઈ કાર આપણે ત્યાં મોકલી આપે.
૨૦૦૭માં શરૂ થયેલી મેરુ કેબ્સ આ પ્રકારની મોટા ગજાની રેડિયો ટેક્સી કંપની છે અને હવે તેણે પણ એપ આધારિત સર્વિસમાં ઝંપલાવ્યું છે. ૨૦૧૦માં ઓલા કેબ્સની શરૂઆત થઈ ત્યારે શરૂઆતમાં તેણે પણ કોલ પર ટેક્સી બુકિંગની સુવિધા આપી, પણ હવે તે પૂરેપૂરી એપ આધારિત છે. ઓલાની શરૂઆતના ત્રણ વર્ષ પછી, ૨૦૧૩માં ઉબરે ભારતમાં એન્ટ્રી કરી. ત્યારથી આ ત્રણેય એપ કેબ કંપની વચ્ચે તીવ્ર હરીફાઈ શરૂ થઈ છે.
આ બધી જ કંપનીની એપ્સ લગભગ એક સરખો અનુભવ આપે છે અને લગભગ એક સરખી રીતે તેનો ઉપયોગ કરી શકાય છે. ફક્ત, જુદાં જુદાં શહેરોમાં તેની અલગ અલગ સર્વિસ મુજબ ફીચર્સ અને ડિસ્કાઉન્ટ અલગ અલગ હોય છે.
સૌથી નોંધપાત્ર વાત એ છે કે આ કંપનીઝમાં કોઈની સાથે સીધી વાતચીત થઈ શકતી નથી. બધું જ ફક્ત એપ પર, નક્શા પર થાય છે. કેટલીક કંપની હવે ટેક્સીની સાથોસાથ ફૂડ ઓર્ડર કરવાની સુવિધા પણ આપવા લાગી છે.
એપ કેબ્સ સતત વિવાદમાં કેમ રહે છે?
ફક્ત ભારતમાં જ નહીં, આખી દુનિયામાં એપ કેબ કંપનીઝ વિવિધ કારણસર વિવાદમાં રહે છે.
પહેલી વાત એ કે આ કંપનીઝ પોતે કોઈ ડ્રાઇવરને પગાર પર રાખતી નથી અને તેમને પોતાના પાર્ટનર તરીકે ઓળખાવે છે.
જેમ આપણા ફોનમાં એ કંપનીની એપ હોય, તેમ તેની સાથે જોડાનારા ડ્રાઇવર પાસે પણ કંપનીની ખાસ એપ હોય. કંપની કોઈ પણ વ્યક્તિને ડ્રાઇવર તરીકે પોતાની સાથે જોડતાં પહેલાં, ફક્ત તેની કાર અને ડ્રાઇવિંગ લાઇસન્સ, સરકારી નિયમો અનુસાર ટેક્સીની પરમિટ ધરાવે છે કે નહીં એટલું જ તપાસે છે.
આ કારણે, જેમ ઓનલાઇન શોપિંગમાં ઘણી વાર લોકોને છેતરપીંડીનો અનુભવ થાય છે એવું ટેક્સીમાં પણ બને છે. દિલ્હી કે પૂણે જેવા શહેરમાં, આવી એપ પર બોલાવેલી ટેક્સીના ડ્રાઇવરે એકલી મહિલા પર બળાત્કાર કર્યાના કિસ્સા બન્યા પછી આવી એપ કેબ કંપનીઝ પર થોડા સમય માટે પ્રતિબંધ પણ મૂકાયા છે.
અલબત્ત, આ બનાવો પછી કેબ એપ્સમાં સલામતીનાં ઘણાં ફીચર્સ પણ ઉમેરાયાં છે.
જેમ કે આપણે આવી રીતે બોલાવેલી ટેક્સીમાં મુસાફરી કરી રહ્યા હોઈએ ત્યારે પોતાના મોબાઇલમાં, નક્શા પર આપણે ચોક્કસ કયા સ્થળે છીએ તે જાણી શકીએ છીએ. અજાણ્યા શહેરમાં આપણે મુસાફરી કરી રહ્યા હોઈએ અને ડ્રાઇવર કોઈ જુદા રસ્તે લઈ જઈ રહ્યો હોવાનું જણાય તો એપમાંથી પોલીસને ફોન જોડી શકાય છે.
આ બધું તો એ કંપનીની એપ વિના પણ થઈ શકે, પણ એક ખાસ ઉપયોગી સુવિધા એ છે કે આપણે પોતાના કોઈ પણ સ્વજન સાથે એક ક્લિકમાં આપણી મુસાફરીની વિગતો શેર કરી શકીએ છીએ. એ સ્વજન નક્શા પર આપણી કારને સતત સરકતી જોઈ શકે છે અને કાર ક્યાં જઈ રહી છે એ બરાબર જાણી શકે છે.
સલામતી ઉપરાંત, ટેક્સીના ભાડાં બાબતે પણ આવી કંપની વિવાદમાં રહે છે. એપ આધારિત કેબમાં, ટેક્સી આપણા લોકેશન પર પહોંચે તે પછી તેનું ભાડું ગણાવાનું શરૂ થાય છે, જે અમુક નિર્ધારિત રકમ (બેઝ ફેર) અને તેના પછી કિલોમીટર દીઠ રકમ અને મુસાફરીના સમય મુજબ રકમ ઉમેરાતી જાય છે.
ઘણી કંપનીના ડ્રાઇવર, આપણા લોકેશન પર પહોંચ્યા પહેલાં જ પોતે લોકેશન પર પહોંચી ગયાનું બટન ક્લિક કરી દેતા હતા, એટલે આપણું મીટર ત્યારથી જ ચઢવાનું શરૂ થઈ જાય. જોકે આ વિશેના હોબાળા થયા પછી જુદી જુદી કંપનીએ પોતાની સિસ્ટમ સુધારીને, આપણે જણાવેલા લોકેશન પર ટેક્સી પહોંચે નહીં અને નક્શા પર તેની ખાતરી ન થાય ત્યાં સુધી ભાડું ગણાવાની શરૂઆત ન થાય એવી વ્યવસ્થા કરી છે.
અત્યારે મૂળ મુદ્દો એ કે એપ કેબ કંપનીની હરીફાઈમાં આપણને ફાયદો થઈ રહ્યો છે!
એપ કેબના લાભ
આંગળીના ઇશારે ટેક્સી કેવી રીતે બોલાવશો?
- તમારા સ્માર્ટફોનમાં કોઈ પણ કેબ એપ ડાઉનલોડ કરો અને તમારો મોબાઇલ નંબર, નામ, ઇ-મેઇલ વગેરે વિગતો આપો.
- મોબાઇલમાં એક વન-ટાઇમ-પાસવર્ડ આવશે, તે આપીને જે તે એપમાં તમારું ખાતું ખોલાવો.
- હવે જે તે કંપનીની ઉપલબ્ધ સર્વિસ મુજબ, કાં તો તમે અમુક સમય પછી (જેમ કે વહેલી સવારે એરપોર્ટ કે રેલવે સ્ટેશન જવું હોય તો તે) સમય માટે ટેક્સી બુક કરાવી શકો છો અથવા જ્યારે જરૂર હોય તેની પાંચ-દસ મિનિટ પહેલાં જ ટેક્સી બુક કરાવી શકો છો.
- બંને જરૂરિયાત મુજબ, ટેક્સી બુક કરવા માટે તમે એપ ઓપન કરશો એટલે સ્ક્રીન પર એક નક્શામાં તમારું વર્તમાન લોકેશન જોવા મળશે (નેટ કનેક્શન અને જીપીએસ ઓન જોઈશે).
- એપ એવું માની લેશે કે તમને એ જ લોકેશન પર ટેક્સી જોઈએ છે (તમારે બીજી કોઈ વ્યક્તિ માટે ટેક્સી બુક કરાવવી હોય તો તમારા લોકેશન પર ક્લિક કરીને, નક્શા પર નવું સરનામું બતાવી શકો છો).
- એ પછી, તમારે જે સ્થળે જવું હોય તે સ્થળ જણાવવાનું રહેશે. સ્થળ મુજબ કેટલું ભાડું થશે તેનો અંદાજ મળશે.
- જો આપણા વિસ્તારમાંથી ટેક્સી બુક કરવાના વધુ ઓર્ડર મળી રહ્યા હોય અને એ વિસ્તારમાં ટેક્સી ઓછી હોય તો કંપની પોતાનું ભાડું વધારી દે છે! અલબત્ત આપણને તેની જાણ કરવામાં આવે છે, આપણે ઇચ્છીએ તો વધુ ભાડું સ્વીકારીને આગળ વધી શકીએ.
- કંપની મુજબ આપણને વિવિધ પ્રકારનાં વાહન પસંદ કરવાની તક મળે છે. ઓલા કંપની રીક્ષાથી માંડીને ત્રણ-ચાર પ્રકારની કારના વિકલ્પ આપે છે. ઉબર કંપની ‘ઉબરગો’ નામે સાદી, નાની અને સસ્તી કાર અને ‘ઉબરએક્સ’ નામે જરા મોટી કારના વિકલ્પ આપે છે. મોટાં શહેરોમાં તે પણ મોટી અને મોંઘી કારના વિકલ્પ આપે છે.
- આપણે જોઈતી કાર પસંદ કરીને ‘રાઇડ નાઉ’ કે ‘બુક નાઉ’ પર ક્લિક કરીએ એટલે આપણું કામ પત્યું.
- એ સમયે સ્ક્રીન પર, આપણા લોકેશનની આજુબાજુ એ કંપનીની કેટલીક ટેક્સી ફરી રહેલી જોવા મળશે.
- આમાંથી જે ટેક્સી ખાલી હશે તે આપણો ઓર્ડર સ્વીકારશે. આપણે ઓર્ડર બુક કરીએ એની બે-પાંચ મિનિટમાં જ કોઈને કોઈ ટેક્સી ઓર્ડર સ્વીકારે છે અને આપણને તેનું નોટિફિકેશન મળે છે. એ સાથે એ કારના ડ્રાઇવરનો ફોટોગ્રાફ, કઈ કાર છે અને તેનો નંબર કયો છે એ પણ જણાવવામાં આવે છે.
- આપણે બહાર જઈને ઊભા રહીએ એટલે એપના સ્ક્રીન પર પેલી કાર આપણા તરફ આવી રહેલી દેખાય. એપમાંની નજર ખસેડી રસ્તા પર નજર નાખીએ તો ખરેખર કાર આવી પહોંચી હોય!
- મુસાફરી પૂરી કરીને રોકડા ચૂકવો અથવા એ જ કંપનીના મોબાઇલ વોલેટથી ચૂકવણી કરો.
એપ કેબના ઉપયોગનાં સ્ટેપ્સ
ઉબર અને ગૂગલ : દોસ્તી પછી દુશ્મની
જૂન ૨૦૧૦માં અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો શહેરમાં ઉબર કંપનીની સર્વિસ લોન્ચ થઈ ત્યારે સામાન્ય ટેક્સી કરતાં તે દોઢ ગણી મોંધી હતી! પણ આખી દુનિયાના ટેક્નોલોજી કેપિટલ સમા સાન ફ્રાન્સિસ્કોના લોકોને ફક્ત એક મેસેજ મોકલીને કે સ્માર્ટફોનમાં બટન દબાવીને ટેક્સી બોલાવવાનો આઇડિયા એકદમ જચી ગયો.
એક જ વર્ષમાં આ કંપનીએ અમેરિકા ઉપરાંત બીજા દેશોમાં પોતાની સર્વિસ ફેલાવી. એમેઝોનના માલિક જેફ બેકોઝે પણ તેમાં રોકાણ કર્યું. બીજા વર્ષે, ઉબરે ઉબર-એક્સ નામનો પ્રોજેક્ટ લોન્ચ કર્યો, જે સામાન્ય ટેક્સી કરતાં ૩૫ ટકા જેટલી સસ્તી હતી. એ જ વર્ષે લિફ્ટ નામની ઉબરની હરીફ કંપની જાગી અને બંને વચ્ચે ઓછાં ભાડાં ઓફર કરવાની લડાઈ શરૂ થઈ.
પછીના વર્ષે, ૨૦૧૩માં ગૂગલે પણ ઉબરમાં જંગી રોકાણ કર્યું. એ રોકાણ મેળવવા માટે ઉબરના સ્થાપક ટ્રેવિસ કાલાનિકે ગૂગલના સ્થાપક અને સીઈઓ લેરી પેજ સાથે મીટિંગ ગોઠવી ત્યારે ગૂગલે તેમને હોટેલથી ગૂગલના હેડક્વાર્ટરમાં લાવવા માટે ડ્રાઇવરલેસ કાર મોકલી હતી!
ટ્રેવિસે પહેલી જ વાર, શહેરના ટ્રાફિક વચ્ચે ડ્રાઇવરલેસ કારમાં મુસાફરી કરી. કહેવાય છે કે ત્યારથી તેણે ડ્રાઇવરલેસ કાર વાસ્તવિકતા બને તો જીવતા-જાગતા ડ્રાઇવર અને તેની સાથે તેને ચૂકવવી પડતી રકમ અને બીજી મુશ્કેલીઓ બાજુએ મૂકીને ડ્રાઇવરલેસ કારથી પોતાનો બિઝનેસ જોવાનું સપનું જોવાનું શરૂ કર્યું. ગૂગલે ત્યારે તો ઉબરમાં રોકાણ કર્યું, પણ હવે બંને એકબીજાના હરીફ બની રહ્યા છે.
હજી હમણાં જ, ગૂગલે તેના પોતાના એક સમયના એન્જિનીયર સામે કેસ કર્યો છે. ગૂગલની નોકરી છોડીને ઉબરમાં જોડાનારા એ એન્જિનીયર અને ઉબર કંપની સામે ગૂગલે તેની ડ્રાઇવરલેસ કારની ટેક્નોલોજી ચોરવાનો આરોપ મૂક્યો છે!
ઉબર કે ઓલા જેવી કોઈ પણ એપ કેબનો આપ ઉપયોગ કરી રહ્યા છો કે તેના ઉપયોગમાં કોઈ મુશ્કેલી આવે છે? નીચે કમેન્ટમાં આપના અનુભવ કે મૂંઝવણ જણાવશો!







