દર મહિને આપણે જુદા જુદા પ્રકારનાં બિલ ચૂકવવાનાં હોય છે અને એ માટે જુદા જુદા ઠેકાણે જવું પડે છે, હવે નવી વ્યવસ્થાથી બધી જ ચૂકવણી એક સ્થળે થઈ શકશે.
જેમ થોડા સમયથી આપણે કેશલેસ ટ્રાન્ઝેકશન અને તેના પગલે મોબાઇલ વોલેટ, યુપીઆઈ, આઇએમપીએસ, ભીમ વગેરે શબ્દો સતત સાંભળી રહ્યા છીએ, એ જ રીતે ટૂંક સમયમાં ‘બીબીપીએસ’ શબ્દ પણ ગાજશે.
જો તમે મોબાઇલ વોલેટ કે કેશલેસ પેમેન્ટના અન્ય રસ્તાઓ અપનાવ્યા હશે તો તે ચોક્કસ ઘણા સગવડજનક લાગ્યા હશે. એ જ રીતે આ બીબીપીએસ પણ આપણી એક ખાસ મુશ્કેલી ઘણી હળવી બનાવી શકે તેમ છે.
અત્યાર સુધી આપણે મોબાઇલ, ડીટીએચ, મ્યુનિસિપલ ટેક્સ, વીજળી વગેરેનાં બિલ ભરવા માટે અલગ અલગ જગ્યાએ જવું પડતું હતું. ઓનલાઇન પેમેન્ટ અપનાવી લીધું હોય તો પણ દરેક બિલના પેમેન્ટ માટે આપણે જુદી જુદી વેબસાઇટ પર જવું પડતું હતું. આપણે પોતાની બેન્કના નેટબેકિંગ કે મોબાઇલ બેંકિંગમાં બિલ પેમેન્ટની સુવિધા ઉમેરી શકીએ છીએ પરંતુ તેમાં અત્યાર સુધી મર્યાદિત સુવિધાઓ હતી.
હવે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ સમગ્ર ભારતમાં બિલ પેમેન્ટના તંત્રને એકમેક સાથે સાંકળતી નવી વ્યવસ્થા ઊભી કરી છે. જે ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (બીબીપીએસ) નામે ઓળખાય છે.
બીબીપીએસ કેવી રીતે કામ કરે છે?
બીબીપીએસનાં મુખ્ય બે પાસાં છે:
- ભારત બિલ પેમેન્ટ સેન્ટ્રલ યુનિટ
- ભારત બિલ પેમેન્ટ ઓપરેટિંગ યુનિટ
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ છેક ૨૦૧૪માં આ પ્રોજેક્ટની શરૂઆત વખતે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એમપીસીઆઈ)ને પ્રોજેક્ટનું સેન્ટ્રલ યુનિટ બનાવેલ છે. આથી એમપીસીઆઈ આ સમગ્ર વ્યવસ્થાના ટેકનિકલ અને અન્ય પાસાં સંભાળે છે અને વિવિધ બિલર્સ કંપની તથા લોકો વચ્ચેના ક્લિયરિંગ અને સેટલમેન્ટની વ્યવસ્થા પણ સંભાળશે.
જ્યારે ભારત બિલ પેમેન્ટ ઓપરેટિંગ યુનિટ તરીકે વિવિધ બેન્ક અને અન્ય કંપનીઓ બિલ સ્વીકાર કેન્દ્ર તરીકે કામ કરશે.
અત્યારે આ પ્રોજેક્ટ પાયલોટ ધોરણે શરૂ થઈ ગયો છે અને ટૂંક સમયમાં તે વિવિધ બેન્ક અને અન્ય કંપનીઓમાં વિસ્તરશે.
ભારત બિલ પેમેન્ટ સિસ્ટમનો આપણે ઓનલાઇન અને ઓફલાઇન એમ બંને રીતે લાભ લઈ શકીશું.
આ વ્યવસ્થાનો સૌથી મોટો લાભ એ છે કે, તે ઇન્ટરઓપરેબલ રહેશે. એટલે કે આપણે કોઈ પણ જગ્યાએથી, કોઈ પણ કંપનીના બિલનું પેમેન્ટ કરી શકીશું.
આ વ્યવસ્થાનો ઓનલાઇન લાભ લેવા માટે જો આપણી બેન્ક આ વ્યવસ્થામાં બીબીપીએસમાં જોડાઈ હશે તો તેના નેટબેંકિંગ કે મોબાઇલ એપમાં જઇને જે તે બેન્કના ખાતામાંથી કે ખાતા સાથે લિંક્ડ ક્રેડિટ/ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરી શકીશું. એચડીએફસી જેવી બેન્કમાં આ રીતે ૨૬૦ જેટલી કંપનીનાં બિલ ભરી શકાય છે.
એ જ રીતે ઓફલાઇન લાભ લેવા માટે આ વ્યવસ્થામાં સામેલ બિલ સ્વીકાર કેન્દ્ર પર જઇને નેટબેંકિંગ, બેન્ક કાર્ઝડ, મોબાઇલ વોલેટ્સ કે રોકડ રકમ આપીને આપણે બિલ પેમેન્ટ કરી શકીશું.
અત્યારે આ વ્યવસ્થામાં રોજબરોજની યુટીલિટી સર્વિસિઝ જેમ કે મોબાઇલ, ઇલેક્ટ્રિસિટી, વોટર, ગેસ, ડીટીએચ ટીવી વગેરેને આવરી લેવામાં આવી રહ્યાં છે. આગળ જતાં આ વ્યવસ્થામાં વિવિધ સ્કૂલ અને યુનિવર્સિટીની ફી તથા જુદા જુદા મ્યુનિસિપલ ટેક્સને પણ આવરી લેવામાં આવશે.
જુદી જુદી કંપનીના બિલ ભરવા માટે અલગ અલગ જગ્યાએ જવાને બદલી સમગ્ર વ્યવસ્થા એકીકૃત થશે એ આ સિસ્ટમનો પહેલો મોટો લાભ છે. બીજો લાભ એ પણ છે કે આ વ્યવસ્થા ગ્રાહક ફરિયાદ નિવારણને પણ આ જ રીતે હાથ ધરશે. એટલે કે કોઈ પણ કંપની સામેની કોઈ પણ ફરિયાદ આપણે એક જ જગ્યાએથી નોંધાવી શકીશું.
ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ પહેલાંની સ્થિતિ
ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ પછીની સ્થિતિ




