હમણાં હમણાં ગૂગલે તેની સર્ચ ટેકનોલોજીમાં એક મોટો ફેરફાર કર્યો છતાં આપણા જેવા અસંખ્ય લોકો રોજે રોજ ગૂગલ સર્ચનો ઉપયોગ કરતા હોવા છતાં આ ફેરફાર લગભગ કોઈના ધ્યાનમાં આવ્યો નહીં હોય!
તમને ખ્યાલ હોય તો છેક ૨૦૧૦માં ગૂગલે તેના સર્ચ એન્જિનમાં ઇન્સટન્ટ સર્ચ નામની એક નવી સુવિધા આપી હતી. એ સમયે એવું કહેવામાં આવ્યું હતું કે આ સુવિધા સર્ચ એન્જિનમાં ધરખમ ફેરફાર લાવે છે.
એક રીતે જોઇએ તો એ વાત સાચી પણ હતી કારણ કે ઇન્સ્ટન્ટ સર્ચની સુવિધાને કારણે આપણે જ્યારે પણ ગૂગલના સર્ચ બોક્સમાં કંઈ પણ લખવાનું શરૂ કરીએ તેમ તેમ આપણે લખેલા શબ્દોના આધારે સર્ચ એન્જિન અનુમાન બાંધી લેતું હતું કે આપણે શું સર્ચ કરવા માગીએ છીએ અને એ મુજબ પેજના નીચેના ભાગમાં સર્ચ રિઝલ્ટ લોડ થવા લાગતાં હતાં.
પરિણામે આપણે આપણી સર્ચ ક્વેરી પૂરી લખીને એન્ટર કી પ્રેસ કરીએ તે પહેલાં સંખ્યાબંધ રિઝલ્ટ્સ આપણી નજર સામે હોય!
આ સુવિધાને કારણે રોજેરોજ અસંખ્ય લોકોની લાખો સેકન્ડસ બચતી હોવાનો ગૂગલનો દાવો હતો. આ સુવિધા ગૂગલ માટે પણ કામની હતી કેમ કે તેને કારણે તે ઓછા સમયમાં વધુ લોકોને સર્ચ ક્વેરીનો જવાબ આપી શકતું હતું.
પરંતુ એ પછીના વર્ષોમાં યુગ બદલાયો અને લોકો પીસીમાંથી સ્માર્ટફોન તરફ વળવા લાગ્યા. ૨૦૧૫ સુધીમાં મોબાઇલ પર થતું સર્ચિંગ ડેસ્કટોપ પર થતા સર્ચિંગ કરતાં આગળ નીકળી ગયું. વર્ષ ૨૦૧૬માં ગૂગલ પરનો ૬૦ ટકા ટ્રાફિક મોબાઇલ પરથી આવવા લાગ્યો હતો.
મોબાઇલ પર થતા સર્ચમાં ગૂગલની ઇન્સ્ટન્ટ સર્ચ સુવિધા કામ લાગે તેમ નથી કારણ કે મોબાઇલના નાના સ્ક્રીન પર આપણે સર્ચ બોક્સ કે ક્રોમ બ્રાઉઝરના સર્ચ બોક્સમાં કંઈ પણ લખવાની શરૂઆત કરીએ ત્યારે નીચેના ભાગમાં દેખાતા સર્ચ રિઝલ્ટસ મોબાઇલના કી-બોર્ડ નીચે દબાઈ જાય છે! પરિણામે ગૂગલ આપણી સર્ચ ક્વેરીની સાથોસાથ, તરત ને તરત સર્ચ રિઝલ્ટ આપે કે ન આપે તેનાથી કોઈ ઝાઝો ફેર પડતો નથી.
આથી ગૂગલે મોબાઇલમાં સર્ચ ને વધુ ઝડપી અને વધુ સુવિધાજનક બનાવતી બીજી સુવિધાઓ વિકસાવવા પર વધુ ધ્યાન આપવા માટે મોબાઇલમાંથી ઇન્સ્ટન્ટ સર્ચને વિદાય આપી દેવાનું નક્કી કર્યું.
પરંતુ ડેસ્કટોપ પર ઇન્સ્ટન્ટ સર્ચ ચાલુ રાખવું હોય તો ગૂગલે ડેસ્કટોપ અને મોબાઇલ માટે અલગ અલગ સર્ચ એન્જિનની સુવિધા વિકસાવવી પડે. આ કારણે ગૂગલે ડેસ્કટોપ અને મોબાઇલ બંનેમાંથી ઇન્સ્ટન્ટ સર્ચ બંધ કરવાનું નક્કી કર્યું.
જોકે આપણને તેનાથી મોટો ફેર પડશે નહીં કારણ કે ઇન્સ્ટન્ટ સર્ચને સ્થાને ગૂગલ ઓટો કમ્પલિટની સુવિધા આપે જ છે. આ સુવિધામાં આપણે ડેસ્કટોપ કે મોબાઇલ પર સર્ચ બોક્સમાં કંઈ પણ લખવાનું શરૂ કરીએ ત્યારે આપણી અગાઉની સર્ચ ક્વેરી, આપણા બુકમાર્કસ, આપણી હિસ્ટ્રી, આપણું લોકેશન તથા આપણા વિસ્તારના અન્ય લોકોની સર્ચ ક્વેરીઝને ધ્યાનમાં રાખીને સર્ચ એન્જિન આપણી સર્ચ ક્વેરી સંબંધિત વધુ શબ્દો સૂચવતું જાય છે અને આ રીતે તે આપણું સર્ચિંગ સરળ અને ઝડપી બનાવે છે.
આ કારણે ટેકનોલોજીની દૃષ્ટિએ ઇન્સ્ટન્ટ સર્ચ અને ઓટો કમ્પ્લિટ બંને જુદી જુદી સુવિધા હોવા છતાં આપણને સર્ચ એન્જિનમાં આવેલા આ મોટા ફેરફારની લગભગ ખબર સુદ્ધાં પડી નથી!

