(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ભારતક્યુઆર કોડ : બેન્કિંગ ક્ષેત્રની એક અભૂતપૂર્વ પહેલ

બેન્કિંગ ક્ષેત્રે ફૂંકાયેલો પરિવર્તનનો પવન અટકવાનું નામ લેતો નથી. યુપીઆઇ, આધાર, ભીમ એપ અને હવે ભારતક્યુઆર કોડથી લાગે છે કે સરકાર કેશલેસ ટ્રાન્ઝેક્શનને વેગ આપવા માટે ખરેખર ગંભીર છે. 

ભારતના બેન્કિંગ તંત્રમાં છેલ્લા બે-ત્રણ દાયકામાં જેટલા ફેરફાર થયા નથી, એટલા છેલ્લાં બે-ત્રણ વર્ષમાં થયા છે અને એમાંય છેલ્લા બે-ત્રણ મહિનાથી તો પરિવર્તનનો પવન એકદમ જોશભેર ફૂંકાવા લાગ્યો છે.

હજી આપણે સૌ આઇએમપીએસ સગવડને બરાબર સમજતા થયા નથી કે તેનો પૂરતો લાભ લેતા થયા નથી, ત્યાં આઇએમપીએસ આધારિત અને તેને વધુ સરળ-સલામત-સગવડભરી બનાવતી યુપીઆઇ વ્યવસ્થા લોન્ચ થઈ. એ પણ આપણે હજી બરાબર સમજ્યા નહોતા ત્યાં, જુદી જુદી બેન્કની યુપીઆઇ એપનું સ્થાન લે તેવી ફક્ત એક જ, અત્યંત સરળ ભીમ એપ લોન્ચ થઈ. પછી તેને આધાર નંબર સાથે સાંકળી લેવામાં આવી અને હવે કેશલેસ લેવડદેવડને હજી વધુ સરળ બનાવતી ક્યુઆર કોડ વ્યવસ્થા લોન્ચ થઈ છે!

ભારતક્યુઆર કોડ તો આ પ્રકારની સમગ્ર વિશ્વની પહેલી વ્યવસ્થા છે!

પેટીએમ, ફ્રીચાર્જ કે મોબિક્વિક જેવાં ખાનગી કંપનીનાં મોબાઇલ વોલેટને કારણે હવે ક્યુઆર કોડથી પેમેન્ટ આપણે માટે અજાણ્યું નથી. ખાસ કરીને મોટાં શહેરોમાં દુકાનો, રેસ્ટોરાં, પાર્લર, પેથોલોજી લેબ વગેરે ઠેકઠેકાણે પેટીએમના ક્યુઆર કોડનાં સ્ટીકર જોવા મળે છે. આપણે પોતાના મોબાઇલમાં પેટીએમ ઓપન કરી, દુકાનદારનો ક્યુઆર કોડ સ્કેન કરી, રકમ લખીને પેપર ક્લિક કરીએ એટલે તરત આપણા પેટીએમ એકાઉન્ટમાંથી દુકાનદાનના પેટીએમ એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર થઈ જાય.

ભારતક્યુઆર કોડ બરાબર આ જ રીતે કામ કરે છે, પણ તેમાં મોટી સગવડ એ છે કે તે કોઈ મોબાઇલ વોલેટને બદલે સીધેસીધી બંને પાર્ટીના બેન્ક ખાતામાં રકમની લેવડદેવડ કરે છે. ઉપરાંત, તે ઇન્ટરઓપરેબલ છે, એટલે કે તેમાં વિવિધ પ્રકારની પેમેન્ટ પદ્ધતિનો લાભ લઈ શકાય છે.

કઈ રીતે? ખાનગી વોલેટ કે કાર્ડ નેટવર્ક કંપનીના ક્યુઆર કોડમાં, બંને પક્ષે જે તે એક જ કંપનીનું એકાઉન્ટ હોવું જરૂરી છે, જ્યારે ભારતક્યુઆર કોડમાં આવી મર્યાદા નથી. ભારત સરકારે પહેલી વાર આવા યુનિફોર્મ ક્યુઆર કોડ માટે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ), પે કાર્ડ, માસ્ટરકાર્ડ, વિઝા કાર્ડ તથા અમેરિકન એક્સપ્રેસ કાર્ડ નેટવર્કને એક પ્લેટફોર્મ પર લાવી દીધાં છે.

ભારતમાં અત્યારે ક્રેડિટ/ડેબિટ કાર્ડધારકોની સંખ્યા તો વધી રહી છે, પણ આ કાર્ડ સ્વાઇપ કરી શકાય તેવાં મશીનો ઓછાં છે અને તેના ઉપયોગમાં ચાર્જ લાગતો હોવાથી નાના દુકાનદારો આવું મશીન વસાવવા જલદી તૈયાર પણ થતા નથી.

જ્યારે ભારતક્યુઆર કોડમાં, દુકાનદારને તેમનું કરન્ટ એકાઉન્ટ જે બેન્કમાં હોય તે બેન્ક તરફથી ભારતક્યુઆર કોડનું સ્ટીકર મળશે અથવા તેને તેઓ પોતાના સ્માર્ટફોનમાં ઇમેજ તરીકે દર્શાવી શકશે.

બીજી બાજુ પેમેન્ટ કરનારા આપણા જેવા લોકો પોતાની બેન્કની, ભારતક્યુઆર કોડ સ્કેન કરવાની સુવિધા ધરાવતી એપની મદદથી, દુકાનદારનો કોડ સ્કેન કરીને તરત પેમેન્ટ કરી શકીશું. અત્યારે ૧૪ મોટી બેન્ક આ વ્યવસ્થામાં સંકળાઈ છે. દરેક બેન્ક પોતપોતાની વિવિધ નેટ બેન્કિંગ એપ ધરાવે છે અને અત્યારે આ બધી એપમાં ભારતક્યુઆર કોડ સ્કેન કરવાની સુવિધા નથી, જેમ કે એચડીએફસી બેન્કની ફક્ત પેઝેપ એપ અને આઇસીઆઇસીઆઇ બેન્કની ફક્ત પોકેટ્સ એપમાં આ સુવિધા છે. આ એપનો ઉપયોગ કરતા લોકો, આ એપથી ભારતક્યુઆર કોડ સ્કેન કરશે ત્યારે તેમાં લિંક કરેલા બેન્કના – કોઈ પણ કાર્ડ નેટવર્કના – ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી પેમેન્ટ થશે. અત્યારે મળી રહેલી વિગતો મુજબ, આપણે એકથી વધુ કાર્ડ એપ સાથે લિંક કર્યું હોય તો પેમેન્ટ માટે કોઈ ચોક્કસ કાર્ડ પણ પસંદ કરી શકીશું.


ભારતને કેશલેસ બનાવવાની દિશામાં આ બહુ મોટું પગલું છે, ભીમ એપ જે રીતે અત્યંત વિશાળ પ્રમાણમાં લોકોએ ડાઉનલોડ કરી છે એ જોતાં, લોકો એપ્સથી પેમેન્ટ કરવા આતુર પણ છે, છતાં ખાટલે એક મોટી ખોડ છે – આ રીતે પેમેન્ટ સ્વીકારવા માટે વેપારીઓ જોઈએ એટલા ઉત્સુક નથી. એમને પ્રોત્સાહન મળશે કે ફરજ પડશે તો ઇન્ડિયા ખરેખર ડિજિટલ થવા લાગશે!

ભારતક્યુઆર કોડ વિશે વધુ જાણવા યુટ્યૂબમાં, એનપીસીઆઇનો આ વીડિયો જુઓ :https://youtu.be/bYyVlZoWQ7w

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!