તમે સ્માર્ટફોનમાં યુસી બ્રાઉઝરનો ઉપયોગ કરતા હો તો શક્ય છે કે, થોડા સમયમાં તમારે કદાચ બીજા બ્રાઉઝર તરફ નજર દોડાવવી પડશે.
અત્યંત આક્રમક કન્ટેન્ટ ટાઇઅપ્સ અને માર્કેટિંગને જોરે યુસી બ્રાઉઝર ભારતમાં બહુ લોકપ્રિય બની ગયું છે પરંતુ તેના પર ફરી એક વાર ભારતના યૂઝર્સનો ડેટા ચોરવાનો આરોપ મૂકાયો છે.
ભારતીય યૂઝરની જાણ બહાર યૂઝરનો ડેટા ચોરીને યુસી બ્રાઉઝર ચાઇનીઝ સર્વર્સને મોકલે છે એવી ફરિયાદ મળ્યા પછી કેન્દ્ર સરકારના ઇલેકટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન મંત્રાલયે યુસી બ્રાઉઝરની તપાસ શરૂ કરી છે.
કોઈ યૂઝર આ બ્રાઉઝર અનઇન્સ્ટોલ કરી લે તે પછી પણ તેની મંજૂરી વિના ડેટા ચાઇનીઝ સર્વરને ટ્રાન્સફર થતો હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. કોઈ પણ વેબ કંપની તેના યૂઝર્સનો ડેટા પોતાના સર્વરમાં સ્ટોર કરતી હોય છે. યુસી બ્રાઉઝર ચાઇનીઝ કંપનીની માલિકીનું હોવાથી એ ચીનના સર્વરમાં સ્ટોર કરે તેમાં નવાઈ નથી, પરંતુ એપ અનઇન્સ્ટોલ કર્યા પછી પણ ડેટા ચાઇનીઝ સર્વર સુધી પહોંચતો હોવાનો આરોપ સાચો પડે તો ભારતમાં પ્રતિબંધ મૂકાઇ શકે છે.
