એપલની કેલ્ક્યુલેટર એપમાં આંકડા લખતી વખતે કંઇ ભૂલ થાય તો એ છેલ્લો આંકડો ડિલીટ કરવા માટે કોઈ બેક સ્પેસ બટન ન દેખાતું હોવાથી તમે અકળાવ છો? આઇફોનમાં આંગળીના લસરકે આવી ભૂલ સુધારી શકો છો. સ્ક્રીન પર આંકડા પર આંગળીને ડાબી કે જમણી તરફ ફેરવતાં છેલ્લે ટાઇપ કરેલ આંકડો ડિલીટ થશે.
કોઇ કારણસર તમારો આઇફોન અચાનક હેન્ગ થયો કે તમારા કોઇ પણ જેસ્ચરનો જવાબ ન આપે તે રીતે અટકી પડ્યો? આ સ્થિતિમાં આઇફોનને તમારે જબરજસ્તીથી રિસ્ટાર્ટ કરવો પડશે એ માટે તમને પાવર બટન કામ નહીં આપે. પાવર બટનની સાથે સાથે વોલ્યૂમ ડાઉન બટન એક સાથે દબાવો. દસેક જેટલા સમયમાં સ્ક્રીન બંધ થશે અને આઇફોન રીબુટ થશે એટલે કે તદ્દન બંધ થઇને ફરી ચાલુ થશે. એટલું યાદ રાખશો કે આઇફોનને આ રીતે જબરજસ્તીથી રિસ્ટાર્ટ કરવાની પદ્ધતિનો જ્યારે ફોન હેન્ગ થાય ત્યારે જ ઉપયોગ કરશો.
આઇફોન પર કોઇ વીડિયો શૂટ કરતી વખતે કોઈ ખાસ ક્ષણનો ફોટોગ્રાફ પણ લેવાની ઇચ્છા થઇ? વીડિયો રેકોર્ડિંગ બંધ કર્યા વિના સ્ક્રીન પર દેખાતા કેમેરા બટનને પણ ક્લિક કરશો તો ચાલુ વીડિયોએ ફોટોગ્રાફ પણ કેપ્ચર કરી શકાશે.
સ્માર્ટફોનમાં આપણે દરેક અલગ વ્યક્તિ માટે અલગ રીંગટોન ગોઠવી શકીએ છીએ પરંતુ આઇફોનમાં એ જ રીતે દરેક વ્યક્તિ મુજબ અલગ વાયબ્રેશન પણ ગોઠવી શકાય છે! ઓફિસમાં ચાલુ મીટિંગે ફોન અમુક ચોક્કસ પ્રકારે વાયબ્રેટ થાય અને ઘરેથી ફોન છે કે કોઈ મહત્વના ક્લાયન્ટનો ફોન છે એવું સમજી શકાય એવી ગોઠવણ કરવી હોય તો કોન્ટેક્ટસમાં એ ચોક્કસ વ્યક્તિ પસંદ કરો પછી જમણી બાજુ ઉપરના ખૂણે આપેલ એડિટ બટન ક્લિક કરો. અહીં વાયબ્રેશનનો વિકલ્પ જોવા મળશે. અહીં વાયબ્રેશનની સંખ્યાબંધ નિશ્ર્ચિત પેટર્ન જોવા મળશે અને તમે ઇચ્છો તો તમારી પસંદગીની નવી પેટર્ન પણ ક્રિએટ કરી શકશો.
તમારો આઇફોન લોક હોય ત્યારે તેને અનલોક કરતાં પહેલાં ઇમરજન્સી કોલ સેકશનમાં તમે ક્યારેય ગયા છો? આ સગવડ તમારો જીવ બચાવી શકે છે. અહીં તમારી મહત્વની મેડિકલ ઈન્ફર્મેશન સ્ટોર કરવાની સગવડ છે. અહીં મેડિકલ આઇડી પર ક્લિક કરો. અહીં બીજી બાબતો કદાચ ન લખો તો ચાલશે પણ તમારું બ્લડગ્રૂપ અને તમને કઇ દવાઓની એલર્જી છે તે ચોક્કસ લખી રાખો. કટોકટીના સમયે આ માહિતીને આધારે તમને ત્વરિત સારવાર આપતી ટીમને ઘણી મદદ રહેશે.
આઇફોનમાં એક સાથે સંખ્યાબંધ ટેબ ઓપન કર્યા પછી તમે બધી એપ ધડાધડ બંધ કરવા માગતા હો છો તો હોમ બટન ડબલ ટેબ કરો એટલે એપ ફિચર્સ ખુલશે. અહીં તમે બે કે ત્રણ આંગળીથી એક સાથે બે કે ત્રણ એપ એક ઇશારે બંધ કરી શકશો.
આઇફોનમાં સફારી બ્રાઉઝર ઓપન કરીને તમે વિવિધ ટેબમાં અલગ અલગ સાઇટ જોઇ રહ્યા હો અને આ બધી ટેબ્સ બંધ કર્યા પછી કોઇ સાઇટ ફરીથી ઓપન કરવાનો વિચાર આવે તો એ સાઇટનું એડ્રેસ યાદ રહ્યું ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી. સ્ક્રીનમાં નીચેના તરફ આપેલ પ્લસ નિશાની થોડો સમય પ્રેસ કરી રાખો તરત જ સ્ક્રીન પર તમે હમણાં હમણાં બંધ કરેલી બધી ટેબ્સ એક સાથે જોવા મળશે.
મેસેજિંગ એપમાં જુદા જુદા મેસેજની તારીખ અને સમય ઝડપથી જાણવા છે? એપમાં તમને જોઇતા મેસેજ થ્રેડને ઓપન કરો અને આંગળીથી જમણી બાજુથી ડાબી તરફ સ્વાઇપ કરો. દરેક મેસેજની બાજુમાં તેનો ટાઇમ સ્ટેમ્પ જોવા મળશે.
આઇફોનથી સેલ્ફી લેતી વખતે ફોન પર ક્લિક કરવા જતાં ફોન ધ્રૂજી જાય અને સેલ્ફીની ક્વોલિટી બગડે છે? તો આઇફોનમાં હેડફોન્સ એટેચ કરીને તેના વોલ્યૂમ બટનનો તમે કેમેરા બટન તરીકે ઉપયોગ કરી શકશો.
આઇફોનમાં લાંબું વાક્ય લખ્યા પછી ભૂલથી તમે ડિલીટ કરી નાંખ્યું? આઇફોનને જરા હલાવશો તો અન્ડુ/રીડુ ડાયલોગ બોક્સ જોવા મળશે અને સહેલાઇથી એ ડિલીટ થયેલા વાક્યને ફરીથી સ્ક્રીન પર લાવી શકશો.

