એન્ડ્રોઇડના આઠમા વર્ઝનની આખરે સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. જેને નામ અપાયું છે એન્ડ્રોઇડ ઓરિયો. ગૂગલ પિક્સેલ, નેક્સેસ-૫ એક્સ અને નેક્સેસ-૬-પી તથા પિકસેલ સી અને નેક્સેસ પ્લેયર ડિવાઇસીસ માટે તે ટૂંક સમયમાં રીલિઝ થઈ જશે.
એન્ડ્રોઇડના આ નવા વર્ઝનમાં પિક્ચર ઇન પિક્ચરની સુવિધા છે જેને કારણે તમે કોઈની સાથે વોટ્સએપમાં ચેટ કરી રહ્યા હો ત્યોર તેની ઉપર એક નાનકડી વિન્ડોમાં વીડિયો પણ જોઈ શકશો. આ વર્ઝનમાં નોટિફિકેશન ચેનલ નામની નવી સુવિધા છે જેને કારણે અલગ અલગ પ્રકારના નોટિફિકેશનની આપણે જુદી જુદી ચેનલ તૈયાર કરી શકીશું. તેની સાથો સાથે હોમસ્ક્રીન પર જે તે એપના આઇકન સાથે તેના નોટિફિકેશન્સની સંખ્યા પણ જોવા મળશે.
ગૂગલના દાવા મુજબ આ વર્ઝનથી ફોન ઓન કર્યા પછી હોમસ્ક્રીન સુધી પહોંચવાનો સમય ઘણો ઓછો થઈ જશે. એન્ડ્રોઇડમાં આવી રહેલી ઇન્સ્ટન્ટ એપ પણ એન્ડ્રોઇડ ઓરિયોથી અમલમાં આવી જશે. પણ આ વર્ઝન આપણા જૂના ફોનમાં આવશે ખરું? બજેટ ફોન હોય તો શક્યતા નથી!

