ગયા મહિને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)એ એક સાથે ૧૦૪ સેટેલાઇટ લોન્ચ કરીને તરખાટ મચાવ્યો એ સાથે અવકાશવિજ્ઞાનમાં આપણો રસ થોડો વધુ જાગૃત થયો છે.
‘સાયબરસફર’માં આપણે અગાઉ વાત કરી ગયા છીએ તેમ ઇસરોની અગાઉની ‘સરકારી’ વેબસાઇટ હવે ખાસ્સી બદલાઈ ગઈ છે, છેલ્લા થોડા સમયમાં તમે આ સાઇટ http://isro.gov.in/) જોઈ ન હોય તો ચોક્ક્સ મુલાકાત લેવા જેવી છે. ઇસરોની અત્યાર સુધીની પ્રગતિયાત્રા દર્શાવતી ટાઇમલાઇન, સ્ટોરી ઓફ ધ વીક, ભારત પરનાં વાદળાં દર્શાવતી ઇમેજ, ઇસરોએ લોન્ચ કરેલા વિવિધ સેટેલાઇટ્સ તરફથી મળેલી ઇમેજીસ વગેરેને કારણે આ સાઇટ હવે ખાસ્સી જોવાલાયક બની છે.
અવકાશદર્શનમાં તમે વધુ રસ હોય તો ‘સાયબરસફર’ના માર્ચ ૨૦૧૫ અંકમાં આપણે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને અગાશીએથી જોવાની સગવડ આપતી એક એપ (આઇએસએસ ડિટેક્ટર)નો વિગતવાર પરિચય મેળવ્યો હતો.
એ એપ, આપણા માથેથી સ્પેસ સ્ટેશન ક્યારે પસાર થશે અને કયા સમયે, આકાશમાં કયા ખૂણે જોવાથી એ પસાર થતું જોઈ શકાશે એ જાણવામાં મદદ કરે છે. એટલે કે પૃથ્વી પરથી સ્પેસ સ્ટેશન જોવામાં એ ઉપયોગી છે, પરંતુ સ્પેસ સ્ટેશનમાંથી પૃથ્વી પર જોવું હોય તો?
તો નીચે આપેલી લિંક પર પહોંચો. યુસ્ટ્રીમ નામે, આઇબીએમ કંપનીએ લોન્ચ કરેલી એક કંપની તેની સાઇટ પર ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી દેખાતી પૃથ્વીનું લાઇવ સ્ટ્રીમિંગ કરે છે. આ પ્રયોગ એપ્રિલ ૩૦, ૨૦૧૪થી શરૂ થયો હતો અને હજી પણ ચાલુ છે. સ્પેસ સ્ટેશનની બહારની બાજુએ હાઇ ડેફિનેશન અર્થ વ્યૂઇંગ કેમેરા ફિટ કરવામાં આવ્યા છે અને આ કેમેરામાં નીચે દેખાતી પૃથ્વી જેવી દેખાય તેને સ્પેસ સ્ટેશન પરથી પૃથ્વી પર મોકલીને, આ સાઇટ પર લાઇવ બતાવવામાં આવે છે! સાઇટ પર તમે જૂનાં રેકોર્ડિંગ પણ જોઈ શકો છો.
તમે આ લિંક પર પહોંચો અને સ્ક્રીન કાળોધબ્બ હોય તો નિરાશ ન થશો, સ્પેસ સ્ટેશન પૃથ્વીની રાત્રિ બાજુએ હશે તો આવું થશે.
http://www.ustream.tv/channel/iss-hdev-payload

