(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

હવે રૂપિયા સાથે કરો મેસેજની આપલે

થોડા સમય પહેલાં આપણે વાત કરી ગયા એ મુજબ ઇન્સટન્ટ મેસેજિંગ એપ્સ અને મોબાઇલ વોલેટ્સ વચ્ચે ઘમાસાણની શરૂઆત થઈ ગઈ છે. હાઇક જેવી ઇન્સટન્ટ મેસેજિંગ એપમાં યસ બેંકના સહયોગમાં યુપીઆઈ આધારિત પેમેન્ટ વ્યવસ્થા આવી ગઈ છે તો રિલાયન્સ જિઓની ચેટ એપમાં મોબાઇલ વોલેટ જેવી પેમેન્ટ સુવિધા આવી ગઈ છે. જિઓ કંપની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે મળીને પેમેન્ટ બેંક શરૂ કરવાની તૈયારીમાં છે જે પૂરેપૂરી મોબાઇલ આધારિત હશે.

ભારતમાં સૌથી વધુ લોકપ્રિય વોટ્સએપમાં યુપીઆઈ આધારિત પેમેન્ટ સુવિધા આવવાની ઘડીઓ ગણાઈ રહી છે (તમે આ વાંચતા હો ત્યારે કદાચ તે આવી પણ ગઈ હોય!) તો ગૂગલ તેઝમાં આપણા કોન્ટેક્ટ લિસ્ટમાંની વ્યક્તિ સાથે ચેટિંગમાં મેસેજની આપ-લે કરતા હોઇએ એ રીતે પેમેન્ટ કરવાની સુવિધા આવી ગઈ છે.

સામે પક્ષે ગયા મહિને, ભારતના સૌથી વધુ લોકપ્રિય મોબાઇલ વોલેટ પેટીએમમાં રૂપિયાની આપ-લે કરવાની સાથોસાથ વોટ્સએપની જેમ મેસેજિસની આપ-લે થઈ શકે એવી સુવિધા ઉમેરાઈ ગઈ છે.

આગળ શું વાંચશો?

  • પેટીએમ ઇનબોક્સનો આપણે આ રીતે ઉપયોગ કરી શકીએ
  • પેટીએમ ઇનબોક્સ દૂર રહેતી વ્યક્તિ પાસેથી પેમેન્ટ ઇચ્છતા બિઝનેસીઝ માટે વધુ ઉપયોગી
  • ઇનબોક્સમાં રકમ મેળવવા કે મોકલવા માટે ફક્ત એક ક્લિક કાફી છે

પેટીએમ એ આ નવી સુવિધાને ‘ઇનબોક્સ’ નામ આપ્યું છે. આ સુવિધા લગભગ બધી જ રીતે વોટ્સએપ જેવી છે તેમ છતાં પેટીએમ પોતે તેને વોટ્સએપના વિકલ્પ તરીકે પ્રમોટ કરી રહી નથી.

તેનું દેખીતું કારણ એ છે કે આપણે મિત્રો, સ્વજનો સાથે વોટ્સએપમાં મેસેજિસની આપ-લે કરીએ એ દરેક મેસેજ રૂપિયાના એક તાંતણે પરોવાયેલા હોતા નથી.

સામે પક્ષે, પેટીએમ જેવી એપમાંથી રૂપિયાની લેતી દેતી કરતી વખતે, ક્યારેક બંને પાર્ટીએ કંઈક વાતચીત કરવી જરૂરી હોય છે. આવે સમયે પેટીએમની આ નવી ઇનબોક્સ સુવિધા અત્યંત ઉપયોગી થાય તેમ છે.

પેટીએમ ઇનબોક્સનો આપણે આ રીતે ઉપયોગ કરી શકીએ

  • જો તમે પહેલેથી પેટીએમનો ઉપયોગ કરતા હો તો તમારા મોબાઇલમાં પેટીએમ એપ ઓપન કરો. તેના હોમસ્ક્રીન પર સૌથી નીચે સૌથી જમણી બાજુ ઇનબોક્સનો આઇકન દેખાવો જોઈએ.
  • જો આ આઇકન જોવા ન મળે તો એનો મતલબ કે તમારી પેટીએમ એપ ઓટો અપડેટ થઈ નથી.
  • એપ પોતે તમને એપ અપડેટ કરવા માટેનો મેસેજ બતાવશે. કોઈ કારણસર એ મેસેજ ન મળે તો  એપ અપડેટ કરવા માટે પ્લે સ્ટોર એપમાં જાઓ અને તેમાં પેટીએમ સર્ચ કરો.
  • પેટીએમના પેજ પર એપ અપડેટ કરવાનો વિકલ્પ જોવા મળશે. તેના પર ક્લિક કરી એપ અપડેટ કરી લો.
  • હવે સ્ક્રીન પર ઇનબોક્સનો આઇકન જોવા મળશે. પેટીએમ ઇનબોક્સમાં અત્યારે ચાર સુવિધાઓ ઉપલબ્ધ છે : ૧) એપ મેસેજિસ ૨) નોટિફિકેશન્સ ૩) ઓર્ડર્સ ૪) ગેમ્સ. આ ચારેય સુવિધાઓ ઇનબોક્સના મથાળે જોવા મળશે.
  • આપણે ઇનબોક્સ ઓપન કરીએ ત્યારે સૌથી પહેલાં મેસેજિસ ટેબ ઓપન રહે છે. આગળ કહ્યું તેમ આ સુવિધા બિલકુલ વોટ્સએપ જેવી જ છે. તેમાં નીચેની તરફ નવો મેસેજ ટાઇપ કરવા માટેનો આઇકન જોવા મળશે.
  • તેને ક્લિક કરતાં આપણી કોન્ટેક્ટ બુકમાંથી જે લોકો પેટીએમમાં એકાઉન્ટ ધરાવતા હશે તેમનાં નામ જોવા મળશે. તમે જે વ્યક્તિ સાથે, વાતચીત સાથે રૂપિયાની આપલે કરવા માગતા હો તેમનું નામ સર્ચ કરીને ચેટ કરવા આગળ વધો.
  • વોટ્સએપની જેમ અહીં ગ્રૂપ બનાવીને ગ્રૂપમાંના તમામ સભ્યો સાથે એક સાથે પણ ચેટ કરી શકાય છે.
  • ધારો કે આપણે વ્યક્તિગત કોન્ટેક્ટ પસંદ કર્યો તેમને મેસેજ મોકલવા માટે સ્ક્રીન પર નીચેની તરફ એક ટેક્સ્ટ ઇનપુટ બોક્સ જોવા મળશે. જેમાં આપણે ટેક્સ્ટ લખી શકીએ છીએ.
  • તેની નીચે ૬ પ્રકારના ઇનપુટના વિકલ્પ જોવા મળશે :  (૧) ટેક્સ્ટ લખવાનો વિકલ્પ (૨) કેમેરાથી ફોટોગ્રાફ લઇને મોકલવાનો વિકલ્પ (૩) ફોનની ફોટોગેલેરીમાંથી ફોટોગ્રાફ્સ સિલેક્ટ કરી મોકલવાનો વિકલ્પ (૪) રૂપિયા મોકલવા માટે રકમ લખવાનો વિકલ્પ (૫) રૂપિયા મેળવવા માટે રકમ લખવાનો વિકલ્પ અને (૬) તમારું લોકેશન શેર કરવાનો વિકલ્પ.
  • આ વિકલ્પોમાં મોટા ભાગના વિકલ્પ વોટ્સએપ જેવા જ છે, ઇનબોક્સમાં અત્યારે વોટ્સએપની જેમ પીડીએફ જેવા ડોક્યુમેન્ટ કે જીફ કે વીડિયો મોકલવાના વિકલ્પ ઉપલબ્ધ નથી.

  • રૂપિયા મોકલવા કે મેળવવાના વિકલ્પની વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિને રૂપિયા મોકલવા હોય તો કોન્ટેક્ટ લિસ્ટમાંથી તેમનું નામ પસંદ કરીને સ્ક્રીન પર સૌથી નીચે જોવા મળતા છ વિકલ્પમાંથી રૂપિયા મોકલવાનો વિકલ્પ પસંદ કરી રકમ લખીને ‘સેન્ડ મની’ પર ક્લિક કરતાં તરત જ એ વ્યક્તિના પેટીએમ ખાતામાં રકમ ટ્રાન્સફર થઇ જશે. તમારે કોઈ પાસવર્ડ કે ઓટીપીથી વેરિફિકેશન કરવની જરૂર પડશે નહીં.
  • એ જ રીતે કોઈ પણ વ્યક્તિ પાસેથી રકમ મંગાવવી હોય ત્યારે રકમ મેળવવાનો વિકલ્પ પસંદ કરીને રકમ લખીને ‘રિકવેસ્ટ મની’ પર ક્લિક કરતાં સામેની વ્યક્તિને એક નોટિફિકેશન મળશે કે આપણે તેમની પાસેથી રકમ મંગાવી છે.
  • આ લખાય છે ત્યારની સ્થિતિ મુજબ, જો સામેની વ્યક્તિ આ નોટિફિકેશન પર ક્લિક કરે તો તે પેટીએમના હોમસ્ક્રીન પર પહોંચે છે, આપણા મેસેજ પર નહીં. આ પેટીએમની ખામી છે, જે થોડા સમયમાં સુધરી જવી જોઈએ. એ પછી નોટિફિકિશન પર ક્લિક કરતાં એ વ્યક્તિ  સીધી, પેટીએમ ઇનબોક્સમાં આપણે મોકલેલા ‘રિકવેસ્ટ મની’ના મેસેજ પર પહોંચી જશે.
  • અત્યારે સામેની વ્યક્તિએ નોટિફિકેશન પર ક્લિક કરીને પેટીએમના હોમસ્ક્રીન પર અને ત્યાંથી ઇનબોક્સ સુધી જાતે જવું પડશે.
  • અહીં એ વ્યક્તિને આપણે મોકલેલો ‘રિકવેસ્ટ મની’નો મેસેજ જોવા મળશે.
  • આપણે કોઈ વ્યક્તિને રકમ મોકલી રહ્યા હોઈએ કે કોઈએ મોકલેલી મની રીકવેસ્ટ વાંચી રહ્યા હોઇએ ત્યારે ફક્ત એક ક્લિકથી રકમની ટ્રાન્સફર થશે. આપણે ઓલરેડી પેટીએમમાં લોગ-ઇન હોવાથી વધુ કોઈ પાસવર્ડ કે ઓટીપી આપવાની જરૂર રહેશે નહીં.
  • એ દૃષ્ટિએ, અત્યારની સ્થિતિમાં પેટીએમની આ સુવિધા રકમની આપ-લે માટેની સૌથી સહેલી પદ્ધતિ બની છે.

વોટ્સએપમાં હજી હમણાં જ, કોઈને મોકલેલો મેસેજ ડિલીટ કરવાની સુવિધા મળી છે (અલબત્ત, તેમાં સાત મિનિટની અંદર આપણે મેસેજ ડિલિટ કરવો પડે છે), પેટીએમ ઇનબોક્સમાં પણ આવી સુવિધા છે અને તેમાં સમયની કોઈ મર્યાદા નથી. કોઈ પણ મેસેજને જમણી તરફ સ્વાઇપ કરતાં, એ મેસેજ ફક્ત આપણે માટે અથવા સૌ માટે ડિલીટ કરવાની સગવડ મળે છે.

પેટીએમ ઇનબોક્સ દૂર રહેતી વ્યક્તિ પાસેથી પેમેન્ટ ઇચ્છતા બિઝનેસીઝ માટે વધુ ઉપયોગી


પેટીએમ ઇનબોક્સની અન્ય સુવિધાઓ, જેમ કે, નોટિફિકેશન, ઓર્ડર્સ અને ગેમ્સ વોટ્સએપ કરતાં અલગ પડે છે. પેટીએમ મૂળ તો એક મોબાઇલ વોલેટ અને ઇ-કોમર્સ સર્વિસ હોવાથી પેટીએમે તેના ઇનબોક્સમાં આ સુવિધાઓ ઉમેરી છે, જે સામસામે નહીં, પણ દૂર રહેતી વ્યક્તિ પાસેથી ઓનલાઇન પેમેન્ટ મેળવતા બિઝનેસીઝને વધુ ઉપયોગી થાય તેમ છે,

નોટિફિકેશન્સમાં આપણને પેટીએમ કે તેની પાર્ટનર કંપનીઝ તરફથી જુદી જુદી ઓફર્સના નોટિફિકેશન મળશે તેમજ આપણા કોઈ કોન્ટેક્ટે રકમ મોકલી હોય કે રકમ મંગાવી હોય તો તેનું નોટિફિકેશન પણ અહીં જોવા મળશે.

ઓર્ડર્સ ટેબમાં પેટીએમ પર આપણે કોઈ ખરીદી કરી હોય તો તેની વિગતો જોવા મળશે.

ગેમ્સ ટેબમાં આપણે જુદી જુદી ગેમ રમી શકીએ છીએ. લોકોને પેટીએમ પર વધુ ખરીદી કરવા લલચાવવા માટે પેટીએમ એ આ સુવિધા ઉમેરી છે. કારણ કે તેમાં ગેમ રમતાં નજીવો સ્કોર કરવાથી પણ આપણને પેટીએમની કોઈ પાર્ટનર કંપની તરફથી કુપન કોડ મોકલવામાં આવે છે જેનો લાભ લઇને આપણે ખરીદીમાં ડિસ્કાઉન્ટનો લાભ મેળવી શકીએ છીએ!

આગળ કહ્યું એ મુજબ પેટીએમ ઇનબોક્સમાં વોટ્સએપ જેવી લગભગ તમામ સુવિધાઓ ઉપરાંત રકમની લેવડ-દેવડની અત્યંત સરળ સુવિધા હોવાથી આ સુવિધા લોકપ્રિય થવાની શક્યતા ઘણી છે પરંતુ લોકો વોટ્સએપનો ઉપયોગ બંધ કરીને ઇનબોક્સ તરફ વળે એવી શક્યતા નથી.

પેટીએમના સ્થાપક વિજય શેખર શર્માએ પણ એક મુલાકાતમાં કહ્યું કે “ઇનબોક્સની સુવિધા વોટ્સએપની હરીફ નથી, પરંતુ રકમની લેવડદેવડ માટે પેટીએમ સુધી પહોંચેલા લોકો રકમની સાથોસાથ મેસેજની પણ આપ-લે કરી શકે એ જ તેનો હેતુ છે. અત્યારે રકમ વિશેની વાતચીત માટે લોકોએ વોટ્સએપ કે મેસેજ જેવી અન્ય સુવિધાનો ઉપયોગ કરવો પડે છે.

એ પણ નોંધવા જેવું છે કે પેટીએમથી ઘણી પાછળ, પણ તેની હરીફ કહી શકાય તેવી ફ્રીચાર્જ સર્વિસમાં, છેક માર્ચ ૨૦૧૬થી ‘ચેટ એન્ડ પે’ સુવિધા છે.

અત્યારે ભારતમાં વોટ્સએપના ૨૦ કરોડ જેટલા યૂઝર્સ છે અને સામે પક્ષે પેટીએમના પણ લગભગ એટલા જ યૂઝર્સ છે અને આ બંને સર્વિસ, અલગ અલગ હેતુ માટે શરૂ થયા પછી એકમેકની બિલકુલ નજીક આવી રહી છે!

ઇનબોક્સમાં રકમ મેળવવા કે મોકલવા માટે ફક્ત એક ક્લિક કાફી છે

પેટીએમ ઇનબોક્સ એ કોઈ વ્યક્તિને રકમ મોકલવાની વિનંતી મોકલીને, રકમ મેળવવાનો અત્યાર સુધીનો સૌથી સહેલો રસ્તો છે. તેમાં આપણે પેટીએમ એપમાં લોગ્ડ-ઇન હોવાથી, રકમ મોકલતી લખતે કોઈ પાસવર્ડ કે ઓટીપીની જરૂર રહેતી નથી. બસ, એક ક્લિક અને રકમ ચૂકવાઈ જાય છે! આ જ કારણે, કોઈ વ્યક્તિ તમને રકમની વિનંતી મોકલે તો સમજી વિચારીને ‘સેન્ડ મની’ પર ક્લિક કરશો. જો તમે ભૂલ કરશો, તો રકમ પરત મેળવવી મુશ્કેલ બની શકે છે.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નિયમ મુજબ અત્યારે એક ટ્રાન્ઝેક્શનમં રૂ. ૫૦૦૦ સુધીઅને મહિનામાં રૂ. ૨૫,૦૦૦ સુધીની રકમ મોકલી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!