સાયબરસફરના જૂના વાચકોને યાદ હશે કે, આપણે છેક એપ્રિલ, ૨૦૧૩ના અંકમાં જાણ્યું હતું કે ગૂગલ મેપ્સમાં અમદાવાદની એએમટીએસ અને બીઆરટીએસ ઉપરાંત જુદા જુદા સંખ્યાબંધ શહેરોની સીટી બસ, લોકલ ટ્રેન તથા મેટ્રો સર્વિસનું ટાઇમ ટેબલ જોઈ શકાય છે અને જ્યારે આપણે આ વિગતો તપાસી રહ્યા હોઈએ, બરાબર ત્યારે હવે પછી કેટલા વાગે, ક્યા નંબરની બસ, ક્યા બસ સ્ટોપ પરથી મળશે તે પણ જાણી શકાય છે.
ગૂગલ મેપ્સમાં આ માહિતી જે તે શહેરની નિશ્ચિત સર્વિસના પહેલેથી નિર્ધારિત ટાઇમ ટેબલને આધારે આપવામાં આવતી હતી. પરંતુ ભારતમાં ટ્રાફિકની મુશ્કેલીને કારણે આવી બધી સર્વિસ હમેશા ટાઇમ ટેબલ પ્રમાણે જ ચાલતી ન હોવાથી ગૂગલ મેપ્સમાં એમ જણાવવામાં આવ્યું હોય કે બસ ૧૦ મિનિટમાં આવશે અને તે આવે ખરેખર ૨૦ મિનિટે! આના ઉપાય તરીકે ગૂગલ હવે બસ, ટ્રેન વગેરેને રીઅલ ટાઇમમાં ટ્રેક કરવા માગે છે. આ માટે ગૂગલ મેપ્સ ટીમે વેસ્ટ બેંગાલ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન સાથે નવી વ્યવસ્થાની પ્રાયોગિક ધોરણે શરૂઆત કરી છે.
