આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ડીપ લર્નિંગ… આ બધા શબ્દો હવે વારે વારે આપણી સાથે અથડાય છે. જે લોકો આ ટેક્નોલોજીસમાં ખાસ્સા ઊંડા ઊતર્યા છે એમના મતે આ ત્રણેય શબ્દોના અર્થ જુદા જુદા છે, પણ આપણા જેવા લોકો માટે આ બધું સરખું જ છે.
આપણે એક મુદ્દો બરાબર સમજીએ છીએ કે આ એવી ટેકનોલોજી છે જેને કારણે ભવિષ્યમાં આપણી રોજીરોટી ખતરામાં મૂકાઈ શકે છે! સ્માર્ટફોનમાં ગૂગલની ઘણી બધી સર્વિસમાં આ નવા પ્રકારની ટેક્નોલોજીથી આપણું બ્રાઉઝિંગ, સર્ચિંગ, કન્ટેન્ટ કન્ઝ્યુમ કરવાની રીત વગેરે બધું બદલાઈ રહ્યું છે, પણ આમાંની કોઈ બાબત પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)નો સિક્કો ન હોવાથી, એઆઇથી ખરેખર કેવો બદલાવ આવી રહ્યો છે એ આપણને સમજાતું નથી.
આ એઆઇથી સ્થિતિ કેવી બદલાશે એનું એક સાદું ઉદાહરણ લઈએ. અત્યારે આપણે આપણી ફોન કંપની કે બેન્કના કસ્ટમર સપોર્ટ સાથે વાત કરવાની થાય ત્યારે કેવો અનુભવ થાય છે? થોડા સમય પહેલાં તો ફક્ત અંગ્રેજીનો વિકલ્પ હતો, હવે સ્થાનિક ભાષાઓ ઉમેરાઈ છે, પણ ક્રેડિટ કાર્ડ બ્લોક કરાવવા જેવું સામાન્ય (પણ તાકિદનું!) કામ કરાવવું હોય તો આપણે સાત નહીં પણ સત્તર કોઠા ભેદવા પડે છે!
એના બદલે, થોડા સમયમાં એવી સ્થિતિ આવી શકે છે કે આપણે કસ્ટમર કેરનો નંબર ડાયલ કરીને, આપણી પોતાની ભાષામાં ‘મારું ક્રેડિટ કાર્ડ બ્લોક કરી દ્યો’ એવું કહીએ અને સામેની સિસ્ટમ આપણું બોલેલું બરાબર સમજી જાય એવું બની શકે છે. આપણે અસ્સલ કાઠિયાવાડી કે મેહાણાના લહેકામાં વાત કરી હોય તો પણ!
આ કામ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ જેવી ટેક્નોલોજીના પ્રતાપે શક્ય બનશે. હજી હમણાં સુધી ઇન્ફર્મેશન ટેક્નોલોજીના વિકાસનો બધો આધાર અને મદાર લગભગ એક જ ભાષા પર હતો – ઇંગ્લિશ. હવે બધી ટેક કંપનીઝને સમજાવા લાગ્યું છે કે ખરેખર દુનિયાના તમામ લોકો સુધી પહોંચવું હશે તો વેબ અને મોબાઇલ ટેક્નોલોજીમાં સ્થાનિક ભાષાનું મહત્ત્વ સમજવું પડશે.
એ કારણે ગૂગલ જેવી જાયન્ટ કંપનીથી માંડીને નાના સ્ટાર્ટ-અપ્સ સુધીએ સૌ કોઈ સ્થાનિક ભાષા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આપણે અત્યાર સુધી વોટ્સએપમાં અંગ્રેજી આલ્ફાબેટથી ગુજરાતી લખીને કામ ચલાવ્યું છે અને એટલું ટાઇપિંગ પણ જેમને ન ફાવતું હોય એવા લોકો વોટ્સએપમાં બોલીને, ફટાફટ વોઇસ મેસેજ મોકલી આપે છે. પરંતુ હવે ગૂગલ એપમાં કેટલાંક સેટિંગ્સ કરીને તમે ગુજરાતીમાં બોલો અને સ્માર્ટફોનમાં ગુજરાતીમાં જ ટાઇપ થાય એવું શક્ય છે (જેની વિગતવાર વાત આપણે સપ્ટેમ્બર ૨૦૧૭ના અંકમાં કરી લીધી છે).
બેંગાલૂરુના લાઇવ.એઆઇ (https://liv.ai/) નામના એક સ્ટાર્ટઅપે તો ‘ગીવિંગ વોઇસ ટુ એ બિલિયન પીપલ’ એવું મિશન જ ઉપાડ્યું છે! આ કંપનીએ અત્યારે ગુજરાતી સહિત, ભારતની ૯ ભાષામાં સ્પીચ રેક્નિશન એટલે કે આપણે બોલેલું સ્ક્રીન પર ટાઇપ થાય એવી ટેક્નોલોજી વિક્સાવી છે. ગૂગલની જેમ આ સ્ટાર્ટ-અપની પણ ગુજરાતી શબ્દો અને લહેકાની સમજ કાબિલેદાદ છે. તમારે એનો અનુભવ કરવો હોય તો પ્લે સ્ટોરમાં જઈને કશદજાયયભવ સર્ચ કરી તેનો ડેમો ઇન્સ્ટોલ કરી શકો છો. યાદ રહે, આ ફક્ત ડેમો છે એટલે તેમાં ટાઇપ્ડ ટેક્સ્ટને કોપી-પેસ્ટ કરવાની સગવડ નથી.
આ કંપનીનાં સોલ્યુશન્સ સીધાં યૂઝર્સ માટે નહીં પણ એપ ડેવલપર્સ માટે છે, એટલે ભવિષ્યમાં વિવિધ એપમાં આપણને આવી સગવડ મળશે, પણ એની પાછળ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને લાઇવ.એઆઇ જેવા સ્ટાર્ટ-અપનો ફાળો છે એનો આપણને કદાચ અણસાર પણ નહીં આવે!
