ક્યારેય તમે એવા તાળાની કલ્પના કરી શકો ખરા, જેની ચાવી તમારા હાથમાં હોય છતાં તમે તેને ખોલી ન શકો?
કચ્છના એક ખૂણામાં, સાવ નાના એવા સુથરી નામના ગામમાં વસતો એક લુહાર પરિવાર આવાં તાળાં બનાવી જાણે છે. બિલકુલ હાથે બનાવેલાં, અસલ પિત્તળનાં આ તાળાંમાં આ પરિવારના કસબીઓ અલગ અલગ પ્રકારની એવી કરામત ગોઠવે છે કે તે આપણી નજર સામે તાળું બંધ કરીને તેની ચાવી આપણા હાથમાં આપે છતાં આપણે તેને ખોલી ન શકીએ!
આ કળા તો હવે લગભગ મરી પરવારી છે એટલે એવાં તાળાં મળવાં મુશ્કેલ છે, પણ ઇન્ટરનેટ પર તમને આ પ્રકારની સંખ્યાબંધ પઝલ્સ મળી શકે છે. જેનો ઉકેલ રમત વાત લાગતો હોય છતાં સહેલાઇથી ઉકેલી ન શકાય એવી આ પ્રકારની રમત રમવાના ઘણા ફાયદા છે.
આ ફાયદાને કારણે જ, નાનપણમાં આપણે લાકડાના બ્લોક્સથી બનાવેલી જુદી જુદી રમતો રમ્યા છીએ. આ બધી રમતો હવે ઇન્ટરનેટના યુગમાં નવું અને વધુ રસપ્રદ સ્વરૂપ લઈ ચૂકી છે. તમારા એન્ડ્રોઇડ કે આઇફોન કે વિન્ડોઝ ફોનના એપ્સ સ્ટોરમાં બ્લોક પઝલ્સ શોધશો તો સંખ્યાબંધ મજાની એપ્સ મળી આવશે.
અગાઉના જમાનામાં આવી પઝલ બનાવવા માટે સુથારોએ ગજબની માથાઝીંક કરવી પડતી હતી, હવે એ કામ ગેમ ડેવલપર્સે ઉપાડી લીધું છે.
એન્ડ્રોઇડમાં આવી એક એપ છે ઇન્ટરલોક્ડ (Interlocked, Armor Games).
આ ગેમમાં જુદી જુદા લેવલમાં આપણને એકમેકમાં પરોવાયેલા અને જલ્દી સમજાય નહીં એવી રીતે ગૂંથાયેલા જુદા જુદા આકારના બ્લોક્સ બતાવવામાં આવે છે.
ચેલેન્જ એ છે કે આપણે આ બ્લોક્સ કેવી રીતે ઇન્ટરલોક્ડ છે તે સમજીને દરેક ટુકડાને અલગ અલગ કરી બતાવવાના છે.

આ બ્લોક્સ થ્રી-ડી હોય છે અને સ્ક્રીન પર બ્લોક્સ સિવાયના ભાગમાં આંગળીના લસરકાથી એ બ્લોક્સને આપણે ઇચ્છીએ તે રીતે આમ તેમ ફેરવીને તે કઈ રીતે ઇન્ટરલોક થયા છે તે સમજવાની મથામણ કરી શકીએ છીએ. આ બ્લોક્સ જાણે આપણા હાથમાં જ હોય એટલી સહેલાઈથી તેને જુદી જુદી બાજુએ ઘુમાવીને ઇન્ટરલોકિંગ પેટર્ન સમજી શકીએ છીએ.
જો આ પેટર્ન સમજાય, બ્લોક્સને છૂટા પાડવામાં કયા બ્લોકની કઈ બાબત નડે છે તે સ્પષ્ટ થાય અને આ નડતર કેવી રીતે દૂર કરી શકાય એ નક્કી થાય તો પછી એ મુજબ બ્લોક્સને આંગળીથી ખસેડીને એકબીજાથી અલગ કરવાનું જ બાકી રહે છે!
દરેક ગેમમાં બને છે તેમ આ ગેમમાં શરૂઆતમાં થોડી હળવી ચેલેન્જ મળે છે પરંતુ જેમ જેમ આપણે લેવલ્સ પસાર કરતા જઈએ તેમ તેમ બ્લોક્સની જટિલ ગોઠવણી સમજવી વધુ ને વધુ મુશ્કેલ બનતી જાય છે.
નાની કે મોટી કોઈ પણ ઉંમરની વ્યક્તિને આ ગેમ રમવાની મજા પડે તેમ છે. મોટી ઉંમરના લોકો માટે આ ગેમ ટાઇમપાસ કરવાનો એક સરસ ઉપાય બની શકે તેમ છે પરંતુ નાના બાળકો માટે આ પ્રકારની ગેમ અનેક રીતે લાભદાયી બની શકે છે.
નિષ્ણાતો કહે છે કે આ પ્રકારની ગેમથી બાળકોમાં પ્રોબ્લેમના મૂળ સુધી પહોંચીને તેના ઉપાય શોધવાની આવડત ખીલે છે, જેને ‘કોગ્નિટિવ થિંકિંગ’ કહે છે.
બાળકોમાં નાની ઉંમરથી આવી આવડત વિકસે તો તેમને માટે આપમેળે શીખવું, એક જ વાતનાં જુદાં જુદાં પાસાં તારવવાં, તેમનો એકમેક સાથેનો સંબંધ સમજવો, જુદી જુદી છતાં, પરસ્પર સંકળાયેલી બાબતો અને તેમના સંબંધ યાદ રાખવાં, જુદી જુદી ગૂંચવણોમાંથી જે સૌથી મહત્ત્વની બાબત હોય તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું અને યોગ્ય સમયે યોગ્ય પગલાં લેવાં વગેરે વિવિધ પ્રકારની કુશળતા સહજતાથી વિકસવા લાગે છે. આ ગેમ તમે રમશો તો આ મુદ્દા સાથે અચૂક સંમત થશો!

ગેમ રમવી સહેલી છે – આપણને જે બ્લોક્સ આપવામાં આવે તેની બહાર આંગળી ફેરવીને આખા બ્લોકને ઘુમાવી શકાય અને બ્લોક પર આંગળી ફેરવીને તેમને અલગ કરી શકાય. ચેલેન્જ ફક્ત આમાંના અંતરાયો દૂર કરવાની છે!


