(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ક્લિક કર્યા વિના ફોટોગ્રાફી કરતો કેમેરા!

તમારી સાથે આવું થતું હશે – તમારી ઢીંગલી જેવી દીકરી પૂરી તલ્લીન થઈને એની ઢીંગલી સાથે કંઈક રમત રમી રહી હોય, તમને એના ફોટોગ્રાફ્સ લઈ લેવાનું મન થાય, તમે સ્માર્ટફોન લઈને તેની સામે ધરો એ સાથે તેની રમત અટકી જાય!

અત્યાર સુધી જે કોઈ કેમેરા શોધાયા છે એ બધામાં આ તકલીફ છે – ફોટો લેનાર વ્યક્તિ કેમેરા ગોઠવે એ સાથે સામેની વ્યક્તિ તેની સહજતા ગુમાવી દે. હવે આપણને એક એવો કેમેરા મળ્યો છે, જેમાં આ તકલીફ નહીં રહે. આ કેમેરામાં ફોટોગ્રાફ ક્લિક કરવાનું શટર બટન જ નહોતું, પાછળથી, તેના વિના લોકો આને કેમેરા ગણશે જ નહીં એવી બીકે તે ઉમેરવામાં આવ્યું!

ગયા મહિને ગૂગલે આ નવતર પ્રકારનો કેમેરા લોન્ચ કર્યો – ગૂગલ ક્લિપ્સ. હાલમાં તે ફક્ત યુએસ માર્કેટ માટે લોન્ચ થયો છે અને કિંમત છે, ૨૪૯ યુએસ ડોલર (અંદાજે ૧૬ હજાર રૂપિયા). આ કેમેરા માર્કેટમાં ચાલશે કે કેમ અને ચાલશે તો આપણા સુધી ક્યારે પહોંચશે તે નક્કી નથી, પણ એની પાછળની ટેક્નોલોજી ખરેખર રસપ્રદ છે.

આ કેમેરા કેવી રીતે કામ કરે છે?

આ આર્ટિફિશિયલ પાવર્ડ કેમેરામાં, ફોટોગ્રાફી કરવામાં આપણી લગભગ કોઈ જ ભૂમિકા નથી. ગૂગલે અત્યારે આ કેમેરા ખાસ કરીને યંગ પેરેન્ટસ અને કૂતરા કે બિલાડી જેવા પેટ્સ ધરાવતા લોકોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કર્યો છે. તેનું પણ ખાસ કારણ છે.

આ કેમેરામાં એઆઈની કરામત હોવાથી તેને એક સાથે બધું જ શીખવી દેવું શક્ય નથી, આથી ગૂગલ કોઈ એક ચોક્કસ સેગમેન્ટ પર ફોક્સ કરીને તેમાં કેટલીક સફળતા મળે છે એ જોઈ તપાસીને આગળ વધવા માગે છે.

આથી, કોઈ માબાપ પોતાના નાના બાળક સાથે રમવાની તેમની સાહજિક પ્રવૃત્તિઓના એટલા જ સાહજિક ફોટોગ્રાફ લેવા માગતા હોય તો તેમણે આ કેમેરો પોતાનાથી થોડે દૂર ફક્ત મૂકી દેવાનો રહે છે. આ કેમેરા ૧૩૦ ડિગ્રીના એન્ગલ સુધીનો ભાગ જોઈ શકે છે.

સામાન્ય કેમેરામાં હોય તેવો વ્યૂફાઇન્ડર આ કેમેરામાં છે જ નહીં. આપણે ફક્ત કેમેરાના લેન્સને સહેજ ગોળ ફેરવીને ઓન કરવાનો રહે છે. પછી આ કેમેરા તેની સામે રહેલી વ્યક્તિઓને ‘ઓળખીને’ તેને ‘યોગ્ય લાગે ત્યારે’ નાની નાની વીડિયો ક્લિપ્સ ક્લિક કરતો રહે છે. કેમેરામાં માઇક્રોફોન નથી, એટલે તેમાં વોઇસ રેકોર્ડ થતો નથી.

આ કેમેરાની સતત ઓન રાખીએ અને તે સતત ફોટોગ્રાફી કરે તો તેની બેટરી ત્રણ કલાક જેટલો સમય ચાલી શકે છે. કેમેરાની સ્ટોરેજ કેપેસિટી ૧૬ જીબી છે. કેમેરાનું સેન્સર ૧૨ મેગાપિક્સેલનું છે, એટલે તે સરેરાશ ડિજિટલ કેમેરા કે સ્માર્ટફોનમાંના કેમેરા કરતાં વધુ પાવરફૂલ નથી. તેની ખરી શક્તિ કે યુનિક સેલિંગ પોઇન્ટ એક જ વાતમાં છે કે આ કેમેરાની મદદથી આપણે લોકો તદ્દન સાહજિક સ્થિતિમાં હોય તેવા કેન્ડીડ ફોટોગ્રાફ લઈ શકીએ છીએ.

આ આખી વાતમાં મજા એ છે કે કેમેરા તેને ‘યોગ્ય લાગે’ તે બાબતોની ફોટોગ્રાફી કરે છે. કોઈ પણ બાળક રમતું હોય ત્યારે તેના કેવા હાવભાવ ફોટોગ્રાફ તરીકે ઝીલી લેવા જોઇએ એ આ કેમેરા પોતે નક્કી કરે છે. આ માટે ગૂગલના એન્જિનીયર્સે અગાઉ આ પ્રકારા સંખ્યાબંધ ફોટોગ્રાફ્સ લઈ, તેની સમજ કેળવીને તેમાંથી સતત શીખતી રહે તેવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેવલપ કરીને આ કેમેરામાં ફિટ કરી છે.


આ કેમેરા સાથે સ્માર્ટફોનમાં ઉમેરી શકાય તેવી એક એપ પણ સામેલ છે. અત્યારે આ કેમેરા પિક્સેલ, આઇફોન અને સેમસંગ ગેલેક્સ એસ૭ અને એસ૮ ફોન સાથે પેર થઈ શકે છે. ગૂગલ કહે છે કે નવા ફોન ઉમેરાતા જશે.

આપણે ઇચ્છીએ તો આ એપને વ્યૂફાઇન્ડર તરીકે ઉપયોગમાં લઇને તેની મદદથી પોતે ઇચ્છીએ તે રીતે ફોટોગ્રાફી પણ કરી શકીએ છીએ અથવા કેમેરાએ પોતાની રીતે લીધેલી વીડિયો ક્લિપ્સ આ એપમાં જોઈને તેનાથી જે ફ્રેમ ફોટોગ્રાફ તરીકે સાચવવા જેવી લાગે તેને સેવ કરી શકાય કે આખી વીડિયો ક્લિપને પણ સેવ કરી શકીએ છીએ. એ પછી આપણે સેવ કરેલા ફોટોઝ કે ક્લિપ્સ ગૂગલ ફોટોઝમાં ઉમેરીને અન્ય કોઈ પણ વ્યક્તિ સાથે શેર કરી શકીએ છીએ.

આપણી પર સતત નજર રાખતા કેમેરાથી પ્રાઇવસી જોખમાય નહીં?

આપણાં શહેરોમાં હવે ચારે તરફ સીસીટીવી કેમેરાનું જંગલ ઊભું થયું છે પરંતુ એ જ રીતે ઘરમાં પણ કેમેરાની નજર હેઠળ જીવવું કોઈ ને પણ ગમે નહીં. આ કારણે ગૂગલે પોતાનો આ કેમેરા લોકો સ્વીકારે એ માટે તેમાં પ્રાઇવસી તરફ ખાસ ધ્યાન આપ્યું હોય તેવું લાગે છે.

પહેલી વાત એ છે કે આ કેમેરા ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ નથી. બીજી વાત એ છે કે તેમાં કોઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થાય છે તેને કેમેરામાંની માઇક્રોપ્રોસેસર ચિપમાં જ સમાવી લેવામાં આવે છે. આથી કેમેરા ઓન હોય ત્યારે જે કંઈ જુએ તે બધું ફક્ત કેમેરામાં જ રહે છે.

કેમેરા વાઇ-ફાઇથી ફોનમાંની તેની એપ સાથે કનેક્ટ થાય છે પરંતુ એ પણ આપણે ઇચ્છીએ તો એ ત્યારે જ.

આપણે એપમાં આ કેમેરાએ લીધેલા ફોટોગ્રાફ જોઇએ ત્યાં સુધી તે સંપૂર્ણપણે આપણા અંકુશમાં જ રહે છે. ફોટોગ્રાફ્સ કેમેરામાંથી ફોનમાં પહોંચે ત્યારે ફોનમાં તે એન્ક્રીપ્ટેડ સ્વરૂપમાં સચવાય છે, આથી ફોન ખોવાય તો પણ ફોટોગ્રાફ્સ બીજા કોઈના હાથમાં આવતા નથી. જ્યારે આપણે આ ફોટોગ્રાફ્સને ગૂગલ જેવી ફોટોઝ એપમાં ઉમેરીએ અને પોતે તેને બીજા કોઈ સાથે શેર કરીએ ત્યાં સુધી આપણા ફોટોગ્રાફ આપણા અંકુશમાં જ રહે છે.

આ જ કારણે, કેમેરામાંની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તેને જે વ્યક્તિ કે કૂતરા-બિલાડી જેવા પાલતુ પ્રાણીના ચહેરા વારંવાર જોવા મળે તેને જ તે અગત્યના ગણે છે. આથી આ કેમેરાથી ઘરની અંદર વારંવાર ફોટોગ્રાફી કર્યા પછી જો આપણે કોઈ પાર્કમાં તેને લઇ જઇએ તો પાર્કમાં આ કેમેરા ફક્ત આપણા પરિવારની વ્યક્તિઓના ફોટોગ્રાફ લેવા પર જ ધ્યાન આપશે!

શરૂઆતમાં જ કહ્યું તેમ, આ કેમેરા ખરેખર સારો વેચાશે કે નહીં અને વેચાશે તો આપણા હાથમાં ક્યારે આવશે એ સવાલો તો છે જ, પણ નવી નવી ટેક્નોલોજીથી આપણી રોજિંદી બાબતોમાં ધરમૂળથી પરિવર્તનો આવી રહ્યાં છે એ નક્કી!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!