જગજિતસિંહે ગાયેલી એક સુંદર ગઝલના શબ્દો છે, “કુછ તો હૈ બાત જો તહરીરો મેં તાસીર નહીં, જૂઠે ફનકાર નહીં હૈં તો કલમ જૂઠે હૈ… ભાવાર્થ કંઇક એવો છે કે આટલા બધા લેખકો, ચિંતકો ને કથાકારો સમાજમાં સારું પરિવર્તન આવી શકે એ માટે આટલું બધું લખતા-બોલતા રહે છે છતાં તેની કંઈ અસર થતી નથી તો એનું કંઈક કારણ તો હશે. જો આ લોકો ખોટા નહીં હોય તો પછી એમની કલમ ખોટી હશે એમ માની લઈએ!
આ ગઝલ યાદ આવવાનું કારણ એ કે છેલ્લા કેટલાય સમયથી આપણા વોટ્સએપ અને ફેસબુકની ટાઇમલાઇન અને અખબારોમાં કેટકેટલા સુવાક્યો, પ્રેરક લખાણો ને મોટીવેશનલ વીડિયોનો મારો થતો રહે છે. છતાં આપણી જિંદગીમાંથી તણાવ ઓછો કેમ થતો નથી?
કારણ કદાચ એવું હોઈ શકે કે લોકો ફક્ત કંઇક લખવા ખાતર કે મોકલવા ખાતર આવું બધું લખાણ લખતા કે ફોરવર્ડ કરતા રહે છે, એ બધું ખરેખર દિલમાંથી ઉગેલું કે વહેલું હોતું નથી. પણ નિરાશાની વાતો જવા દઇએ.
દિવાળીના આ દિવસોમાં ને ઉજાસના પર્વમાં દિલમાં સરસ અજવાળું થાય એવી વાત કરીએ.
પ્રેરણાત્મક વાતોને વધુ એક તક આપીએ!
તમે પણ અનુભવ્યું હશે કે વોટ્સએપ પર ક્યારેક કોઈક વીડિયો એવો ચોક્કસ આવી પડે છે જે આપણા દિલને સ્પર્શી જાય. ક્યારેક એવું પણ બને કે આપણે કોઈ વાતે ઉદાસ હોઈએ કે મૂંઝાઈ રહ્યા હોઈએ, કોઈ રસ્તો સૂઝતો ન હોય બરાબર ત્યારે જ એક મજાનો વીડિયો મનમાં આશાનો નવો ઝબકારો કરી આપે! આવે સમયે, વિચાર આવે કે આવા વધુ વીડિયો જોવા મળે તો સારું!
આમ તો આપણે ઇન્ટરનેટ પર મોટિવેશનલ વીડિયો કે ક્વોટ્સ કે ઇમેજીસ સર્ચ કરીએ તો ઘણી બધી સામગ્રી મળી આવે. પરંતુ એમાંથી આપણને ગમે કે સ્પર્શે એ શોધવું મુશ્કેલ તો બને જ.
કદાચ આના જ ઉપાય તરીકે, ઇન્ટરનેટ પર ‘ગોલકાસ્ટ’ નામની એક આખી કમ્યુનિટી ડેવલપ થઇ છે, જેમાં અસંખ્ય લોકો જોડાઈને, પ્રેરક લખાણો એક સાઇટ પર જ એકઠાં કરીને બીજા લોકોને ગમતાંનો ગુલાલ કરવાની તક આપે છે.
આ સાઇટ પર તમને નાના નાના મોટિવેશનલ વીડિયો, ઇન્સ્પીરેશનલ સ્ટોરીઝ, ઇન્સપાયરિંગ મૂવી સીન્સ, ઇન્સ્પાયરિંગ સ્પીચ અને ઇન્ટરવ્યૂઝ, મોટિવેશનલ ક્વોટ્સ વગેરે કેટેગરીમાં પાર વગરનું ભાથું મળી આવશે, જે તમે પણ વોટ્સએપ પર શેર કરી શકશો! બધું ઇંગ્લિશમાં છે, પણ સરસ છે.
વાત પારિવારિક સંબંધોમાં ઊભી થયેલી ગૂંચવણોની હોય, કારકિર્દીમાં આગળ વધવાની હોય કે પછી આપબળે પોતાની આગવી ઓળખ ઊભી કરવાની મથામણની હોય, આ સાઇટ પરથી તમને રોજ નવું જોમ આપે એવું ઘણું બધું મળી રહેશે

