પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના વહીવટથી તમને સંતોષ હોય કે ન હોય, એમની કાર્યપદ્ધતિ અને વચનોમાં તમને વિશ્વાસ હોય કે ન હોય, એક વાતે તમે સંમત થશો કે તેઓ પ્રધાનમંત્રી બન્યા પછી, સરકારી વેબસાઇટ્સ અને એપ્સની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો છે. જીએસટીનાં સર્વર વારંવાર ઠપ થઈ જાય છે એ જુદી વાત છે, હવે નવી બની રહેલી વેબ સર્વિસીઝ, એટલિસ્ટ, જોવામાં સારી લાગે એવી તો હોય જ છે!
ટેક્નોલોજીનો સારી રીતે ઉપયોગ કરવામાં અને લોકોને એની તરફ વાળવા માટે પણ સરકાર ખરેખર પ્રયત્નશીલ લાગે છે, જેમ કે ગયા વર્ષે નોટબંધી પછી ઉતાવળે લોન્ચ થયેલી ભીમ એપ કોઈ રીતે ‘સરકારી’ ન લાગે એવી છે.
એવી એક નવી પહેલ છે ‘ઉમંગ’, જેનું આખું નામ છે યુનિફાઇડ મોબાઇલ એપ્લિકેશન ફોર ન્યુ-એજ ગવર્નનન્સ. નામનો મેળ બેસાડવા માટે ભલે તેમાં મોબાઇલ એપ્લિકેશન ઉમેરવામાં આવ્યું હોય, પણ આ એક વેબ સર્વિસ કે પ્લેટફોર્મ છે, જેનો પીસી પર પણ ઉપયોગ કરી શકાય છે, અલબત્ત ભાર મોબાઇલના વધતા વ્યાપનો લાભ લેવા પર જ છે.
સરકારે ગયા વર્ષે આ પ્રકારની એપ લોન્ચ થઈ રહી હોવાની જાહેરાત કરી હતી અને ડિસેમ્બર ૨૦૧૬માં જ તે લોન્ચ થવાની વાત હતી, પરંતુ લાંબા સમયના ટેસ્ટિંગ પછી, હવે છેક તે લોન્ચ થઈ છે.
આ સર્વિસનો વ્યાપ જોતાં, આટલું મોડું થવાનાં કારણ સમજી શકાય છે – એન્ડ્રોઇડ, આઇઓએસ અને વિન્ડોઝ ફોન માટેની એપ ઉપરાંત, પીસી વર્ઝન ધરાવતી આ સર્વિસમાં કેન્દ્ર સરકાર અને હાલ પૂરતાં ચાર રાજ્યોના ૩૩ વિભાગોની ૧૬૨ પ્રકારની સરકારી સેવાઓ આવરી લેવામાં આવી છે.
ઉમંગ અત્યારે ગુજરાતી સહિત ઘણી ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે. ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી અને નેશનલ ઇ-ગવર્નન્સ ડિવિઝન દ્વારા આ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે.
આગળ શું વાંચશો?
- ઉમંગ કઈ રીતે ઉપયોગી છે?
- ઉમંગનું ભવિષ્ય
- ઉમંગનો લાભ કઈ રીતે લેશો?
ઉમંગ કઈ રીતે ઉપયોગી છે?
એમ કહી શકાય કે હવે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સંબંધિત આપણાં લગભગ તમામ કામ આ એક પ્લેટફોર્મ પર થઈ શકશે.
તમારે તમારા એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ખાતામાં કેટલું બેલેન્સ છે એ જાણવું છે? તો તે આ ઉમંગ એપ પર જોઈ શકાશે. તમારે ગેસનો બાટલો બુક કરાવવો છે? તો એ પણ ઉમંગ એપ પર થઈ શકશે.
નવા પાન કાર્ડ માટે અરજી કરવી, નેશનલ પેન્શન સિસ્ટમના તમારા ખાતાની વિગતો જાણવી, પાક વીમા માટેના પ્રીમિયમની ગણતરી કરવી, પાસપોર્ટ માટે અરજી કરવી હોય તો તેની એપોઇન્ટમેન્ટ ક્યારે મળશે તે તપાસવું, સીબીએસઇ બોર્ડનાં પરિણામ જાણવાં વગેરે સંખ્યાબંધ પ્રકારનાં કામ હવે આ એક એપ પર થઈ શકે છે.
એ ઉપરાંત, ભારત બિલ પે (વધુ માહિતી માટે જુઓ માર્ચ ૨૦૧૭ અંક) સિસ્ટમની મદદથી, વિવિધ કંપની માટેના આપણા બ્રોડબેન્ડ, ડીટીએચ, ઇલેક્ટ્રિસિટી, ગેસ, લેન્ડલાઇન અને મોબાઇલ કે પાણીનાં બિલ ભરવાનું કામ પણ ઉમંગ એપ પર થઈ શકશે.
ટૂંકમાં જુદાં જુદાં સરકારી કામ માટે જુદી જુદી સરકારી કચેરીમાં રૂબરૂ ધક્કા ખાવા કે જુદી જુદી વેબસાઇટ્સ-એપમાં ફાફાં મારવાને બદલે, હવે એક એપમાં, એક જ લોગ-ઇનથી કામ થઈ શકશે.
ઉમંગનું ભવિષ્ય
એ ખાસ ધ્યાન આપવા જેવું છે કે ઉમંગ ફક્ત એક એપ નથી, યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ)ની જેમ આ એક પ્લેટફોર્મ છે, જે સરકારની વિવિધ સેવાઓને એકમેક સાથે સાંકળે છે. આ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ બધી સર્વિસ સંબંધિત તમામ કામકાજ આ એક જ એપ પરથી થઈ જાય એવું અત્યારે થતું નથી, પણ નામમાં જ ‘યુનિફાઇડ’ શબ્દ હોવાથી એ નિશ્ચિત છે કે ભવિષ્યમાં કેન્દ્ર-રાજ્ય સરકારના તમામ વિભાગો અને સેવાઓ આ પ્લેટફોર્મ દ્વારા એકમેક સાથે સાંકળવામાં આવશે અને ત્યારે કોઈ પણ સરકારી કામકાજ માટે આપણે ફક્ત આ એક એપ ખોલવાની રહેશે.
સરકાર નવી કોઈ પણ સ્કીમ કે સર્વિસ લોન્ચ કરશે તેને પણ આ પ્લેટફોર્મમાં જ સામેલ કરશે. ઉમંગ પ્લેટફોર્મને અત્યારથી આધાર અને ડિજિલોકર (આપણા તમામ સરકારી દસ્તાવેજો ડિજિટલ સ્વરૂપે સાચવવાની વ્યવસ્થા, જુઓ ઓક્ટોબર, ૨૦૧૫ અંક) સાથે જોડી દેવામાં આવ્યું છે. ટૂંક સમયમાં તેને કોઈ પણ સરકારી વિભાગમાં ઓનલાઇન પેમેન્ટ કરવાની સુવિધા – ‘પેગવ’ સાથે જોડવામાં આવશે.
એ પછી, વિવિધ સરકારી તંત્રમાં અરજી કરતી વખતે આપણે દસ્તાવેજોની નકલ કરાવવી, તેને ગેઝેટેડ ઓફિસર દ્વારા પ્રમાણિત કરવી, સર્વિસ માટેની ફી ચૂકવવા માટે બેન્ક કે પોસ્ટ ઓફિસના ધક્કા ખાવા, ફી ભર્યા પછી તેની રસીદ આપવા મૂળ સરકારી કચેરીના ધક્કા ખાવા વગેરેની જરૂર રહેશે નહીં.
અત્યાર સુધી આપણે ‘વિદેશોમાં કોઈ સરકારી કામ માટે ધક્કા ખાવા ન પડે’ એવી વાત કરતા આવ્યા છીએ, હવે એવું આપણા દેશમાં પણ શક્ય બનવા લાગ્યું છે, ફક્ત સરકારી તંત્ર પૂરેપૂરું સજાગ રહે અને આપણી માહિતીની ગોપનીયતા જળવાઈ રહેશે એવો નાગરિકોમાં વિશ્વાસ કેળવી શકે તે જરૂરી બનશે.
ઉમંગના ઉપયોગમાં અત્યારે કેટલીક અડચણો છે, વિવિધ યૂઝર્સ એપ સ્ટોરમાં આ વિશે ફરિયાદ પણ કરી રહ્યા છે, પણ નોંધપાત્ર વાત એ છે કે આવી લગભગ દરેક ફરિયાદનો સરકારી તંત્ર દ્વારા જવાબ આપવામાં આવી રહ્યો છે! મતલબ કે સરકારી તંત્ર સુધરી રહ્યું હોવાનો આપણો ઉમંગ કદાચ જળવાઈ રહેશે!
ઉમંગનો લાભ કઈ રીતે લેશો?
તમે પીસી પર https://web.umang.gov.in પર જઈને રજિસ્ટ્રેશન કરી શકો અથવા તમારા સ્માર્ટફોનમાં ઉમંગ એપ (UMANG, by MeitY, Government Of India) શોધીને ઇન્સ્ટોલ કરી લો.
આધારની જેમ, આ એપ જેવી જ લાગતી ઘણી એપ ટૂંક સમયમાં ફૂટી નીકળશે એટલે પૂરી ખાતરી કરીને આ એપ ઇન્સ્ટોલ કરશો.
બાજુમાં જણાવેલી, ફક્ત એક વારની વિધિ પૂરી કર્યા પછી, તમે એપના હોમ સ્ક્રીન પર પહોંચશો.
અહીં કેન્દ્ર અને સરકારની સંખ્યાબંધ સેવાઓ અલગ અલગ એપ જેવા સ્વરૂપે જોવા મળશે. બધી આપણે કામની ન હોય એટલે આપણે ઉપયોગી સર્વિસને ફેવરિટ તરીકે નોંધવાનો વિકલ્પ પણ છે (અગાઉ સરકારી વેબસાઇટમાં આવાં યૂઝર-ફ્રેન્ડલી ફીચર્સ ક્યારેય જોવા મળ્યાં નથી!).
આ પછી, જે સર્વિસનો ઉપયોગ કરવા માગતા હો તેને ઓપન કરો અને જરૂરી માહિતી (જેમ કે ઇલેક્ટ્રિસિટીનું બિલ ભરવું હોય તો તમારી કંપની પસંદ કરીને સર્વિસ નંબર) આપો અને આગળ વધો!
શરૂઆતમાં તમારો મોબાઇલ નંબર આપી, એ જ નંબર પર ઓટીપી મેળવીને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
એસએમએસમાં આવેલો ઓટીપી આ એપ ઓટોમેટિક વાંચશે અને મોબાઇલ નંબર વેરિફાય થશે.
હવે એપ માટેનો એક કાયમી, ૪ અંકનો એમપિન સેટ કરવાનો રહેશે.
તમે એમપિન ભૂલી જાવ તો તમારી ઓળખની ખાતરી માટે બે સલામતી પ્રશ્ન-જવાબ નક્કી કરવાના થશે.
હવે તમારો આધાર નંબર પૂછવામાં આવશે. આપ્યા વિના પણ આગળ વધી શકાશે.
આધાર આપશો તો તમારી વિગતો આપોઆપ ઉમેરાશે, બાકી જાતે ઉમેરો કે તેના વિના આગળ વધો.


