માણસ પોતાના માથા પર આકાશ અને અવકાશમાં ઘણે ઊંચે સુધી પહોંચ્યો છે, પણ પગ તળેની ધરતીનાં ઘણાં રહસ્યો હજી પણ વણઉકેલાયેલાં છે. બીબીસીએ સર્જેલું એક ઇન્ટરએક્ટિવ ઇન્ફોગ્રાફિક આપણને પૃથ્વીના કેન્દ્ર સુધી લઈ જાય છે.
આપણે જમીન ખોદવાનું શરૂ કરીએ અને ખોદતા જ જઈએ તો પૃથ્વીના કેન્દ્ર સુધી પહોંચી શકીએ? અને ત્યાંથી પણ આગળ ખોદતા રહીએ, તો પૃથ્વીના બીજા છેડા સુધી પહોંચી શકીએ? આ સવાલ જીવનના એક તબક્કે કાં તો તમને પોતાને થયો હશે અથવા તમે બીજા કોઈના મોંએ સાંભળ્યો હશે!
માનવ આકાશ ઓળંગીને અવકાશ સુધી પહોંચ્યો છે, પણ આપણા પગ તળેની ધરતી અને તેની નીચેનું પેટાળ આપણાથી લગભગ અજાણ્યું રહ્યું છે.
પૃથ્વીના કેન્દ્ર સુધી પહોંચવું કોઈ રીતે શક્ય નથી, પણ આંકડાની રીતે જોઈએ તો આપણે ૬,૩૭૮ કિલોમીટરનું અંતર કાપીએ ત્યારે પૃથ્વીના કેન્દ્ર સુધી પહોંચી શકીએ. સરખામણી કરવી હોય તો જાણી લો કે આપણા ભારત દેશની ઉત્તરની ટોચથી દક્ષિણ છેડા વચ્ચેનું અંતર ૨,૯૩૩ કિલોમીટર છે, એટલે આખા ભારતની ઊંચાઈથી લગભગ બમણું અંતર જમીનની અંદર કાપીએ ત્યારે આપણે પૃથ્વીના કેન્દ્ર સુધી પહોંચીએ.
- પૃથ્વીના કેન્દ્રમાં ૬,૭૨૬ ડીગ્રી સેલ્સીયસ જેટલું અતિ તીવ્ર તાપમાન હોય છે, જે સૂર્યની સપાટી પરના તાપમાન (૫,૫૦૫ ડીગ્રી સેલ્સીયસ) કરતાં પણ વધુ છે. ફરી સરખામણી કરવી હોય તો કહી શકાય કે ઉનાળામાં ગુજરાતમાં તાપમાન ૪૫ કે ૪૭ ડીગ્રી સેલ્સીયલ જેટલું ઊંચું જાય એટલામાં તો આપણે તોબા પોકારી જઈએ છીએ!