(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વિન્ડોઝ ૭ની અજાણી ખૂબીઓ

ઘણાં બધાં કારણોસર, તમે વિન્ડોઝ ૧૦ ન અપનાવો તેવું બની શકે છે. તો જેનો ઉપયોગ અત્યારે ચાલુ છે એના જ માસ્ટર શા માટે ન બનવું?

આખરે વિન્ડોઝ ૧૦ની પધરામણી થઈ ગઈ છે. કમ્પ્યુટર સાથે તમારે સામાન્ય કરતાં જરા વધુ ઘરોબો હશે તો તમને વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં જે ફેરફારો થઈ રહ્યા છે એ ચોક્કસ રસપ્રદ લાગ્યા હશે.

મોટા ભાગના લોકોએ વિન્ડોઝ એક્સપીનો વર્ષો સુધી ઉપયોગ કર્યો છે. એ પછી, વિન્ડોઝ વિસ્ટા ઓપરેટિંગ સિસ્ટમ આવી, પણ મોટા ભાગના સર્વિસ એન્જિનીયર તેના બદલે વિન્ડોઝ એક્સપીનો જ ઉપયોગ કરવાની સલાહ આપતા હતા. એ પછી વિન્ડોઝ ૭ વર્ઝન આવ્યું અને એ ખાસ્સું લોકપ્રિય બન્યું. ત્યાં વળી વિન્ડોઝ ૮ વર્ઝન આવ્યું.

વિન્ડોઝ ૭ અને ૮ વચ્ચેના ગાળામાં મોબાઇલ / ટેબલેટ કમ્પ્યુટિંગનો જુવાળ આવ્યો હતો એટલે માઇક્રોસોફ્ટ કંપનીએ પોતાની ઓપરેટિંગ સિસ્ટમમાં પણ ધરમૂળથી પરિવર્તન કર્યાં અને સ્માર્ટફોન કે ટેબલેટથી જેમ પીસી કે લેપટોપના સ્ક્રીન પર પણ ટચ કરીને આપણે કમ્પ્યુટરને ઓપરેટ કરી શકીએ એવી વ્યવસ્થા વિકસાવી. પરંતુ રોજિંદા પીસી અને મોબાઇલ વચ્ચેની ભેળસેળ જેવી આ વ્યવસ્થા મોટા ભાગના લોકોને માફક ન આવી. એમાંય વિન્ડોઝ ૮માં તો હંમેશા હાથવગું રહેતું સ્ટાર્ટ બટન જ ગાયબ થઈ ગયું એટલે લોકોની પરેશાની ઓર વધી. હવે વિન્ડોઝ ૧૦માં આ બધી મુશ્કેલીઓ સુધારી લેવામાં આવી છે.

અલબત્ત, વિન્ડોઝ ૧૦ આપણા પીસી સુધી આવે ત્યાં સુધી પૂછવા જેવો એક સવાલ એ છે કે અત્યારે જેનો ઉપયોગ કરી રહ્યા છો, એ વિન્ડોઝ ૭ની બધી ખૂબીઓથી તમે પરિચિત છો ખરા?

રોજબરોજનું કમ્પ્યુટિંગ જરા વધુ સરળ બનાવતી આ ખૂબીઓ અહીં ફટાફટ જાણી લઈએ…

  • કમ્પ્યુટરમાં આપણે જુદા જુદા પ્રોગ્રામ ચાલુ કરીએ એટલે તેના આઇકન સ્ક્રીન પર નીચેના ટાસ્કબારમાં દેખાય છે. આ ટાસ્કબારમાંના પ્રોગ્રામ શોર્ટકટની એક ખાસિયત કામની છે. ધારો કે તમે વિન્ડોઝ એક્સપ્લોરરની એક વિન્ડો ઓપન કરી છે અને આવી બીજી વિન્ડો ઓપન કરવી છે તો? અથવા વર્ડની એક ફાઇલ ઓપન કરી છે અને તેને ઓપન રાખી, વર્ડની બીજી ફાઇલ ઓપન કરવી છે, તો? તો તમે શિફ્ટ કી પ્રેસ કરી, ટાસ્કબારમાં જે તે પ્રોગ્રામના આઇકન પર માઉસથી લેફ્ટ-ક્લિક કરશો એટલે એ પ્રોગ્રામનો બીજો ઇન્સ્ટેન્સ ઓપન થશે!
  • તમે વિન્ડોઝ એક્સપ્લોરરમાં જુદાં જુદાં ફોલ્ડર કે ફાઇલમાં ખાંખાંખોળાં કરી રહ્યા હો ત્યારે કોઈ ફોલ્ડર કે ફાઇલના પાથને કોપી કરવાની જરૂર પડી છે? કોઈ બીજા પ્રોગ્રામમાં ચોક્કસ ફાઇલ શોધવા માટે આવી જ‚રૂર પડી શકે છે. ફાઇલ કે ફોલ્ડરનો પાથ કોપી કરવાનો દેખીતો કોઈ રસ્તો નથી, પણ વિન્ડોઝ એક્સપ્લોરર ઓપન કર્યા પછી, પહેલાં શિફ્ટ કી પ્રેસ કરીને પછી કોઈ ફાઇલ કે ફોલ્ડર પર માઉસથી રાઇટ ક્લિક કરશો તો જે ઓપ્શન્સ ખૂલશે તેમાં કોપી એઝ પાથનો નવો વિકલ્પ પણ દેખાશે. તેના પર ક્લિક કરતાં, એ ફાઇલ વિન્ડોઝના ક્લિપબોર્ડમાં કોપી થઈ જશે, જેનો આપણે બીજે ક્યાંય પણ પેસ્ટ કરવા માટે ઉપયોગ કરી શકીશું.
  • તમે જાણતા હશો કે કોઈ ફાઇલ કે ફોલ્ડર પર રાઇટ ક્લિક કરતાં, ઓપન થતા મેનુમાં સેન્ડ ટુનો એક વિકલ્પ હોય છે. તેની મદદથી આપણે સિલેક્ટ કરેલી વસ્તુને ફટાફટ પેનડ્રાઇવમાં કે બીજાં બે-ચાર સ્થળે કોપી કરી શકીએ છીએ. આ બે-ચાર સ્થળને બદલે બીજા સંખ્યાબંધ વિકલ્પો પણ જોવા હોય તો, આગળ કહ્યું તેમ પહેલાં શિફ્ટ કી પ્રેસ કરી, પછી ફાઇલ/ફોલ્ડર પર રાઇટ ક્લિક કરી, સેન્ડ ટુ પર ક્લિક કરશો તો સંખ્યાબંધ નવા વિકલ્પો જોવા મળશે.
  • વિન્ડોઝ એક્સપ્લોરરમાં આપણે ફાઇલ કે ફોલ્ડરને આમતેમ કરી રહ્યા હોઈએ ત્યારે ઘણી વાર ભૂલથી કોઈ ફાઇલ ડિલીટ થઈ જાય કે બીજા કોઈ ફોલ્ડરમાં મૂવ થઈ જાય એવું બનતું હોય છે, પછી આપણે એ ફાઇલ ક્યાં ગઈ તે શોધવા નીકળવું પડે. આવા સંજોગમાં, આપણું છેલ્લું એક્શન અનડુ કરવાનો જૂનો ને જાણીતો રસ્તો  કંટ્રોલ પ્લસ ઝેડ ક્રી પ્રેસ કરવાનો વિન્ડોઝ એક્સપ્લોરરમાં પણ કામ લાગે છે.
  • વિન્ડોઝ એક્સપ્લોરરમાં ફાઇલ કે ફોલ્ડરને માઉસથી લેફટ ક્લિકથી સિલેક્ટ કરી શકાય છે અને એકથી વધુ ફાઇલ/ફોલ્ડર સિલેક્ટ કરવા માટે કંટ્રોલ કે શિફ્ટ કીની મદદ લેવાય છે એ આપણે જાણીએ છીએ. આ રીત તમને જરા અગવડભરી લાગતી હોય તો દરેક ફાઇલ કે ફોલ્ડરની સામે એક ચેકબોક્સ હોય અને તેને ટિક કરીને તેને સિલેક્ટ કરવાનો સહેલો રસ્તો પણ અજમાવી શકાય. એ માટે વિન્ડોઝને થોડી સૂચના આપવી પડશે. સ્ટાર્ટ બટન પર ક્લક કરી, તેમાંના સર્ચ બારમાં ફોલ્ડર ઓપ્શન્સ લખીને સર્ચ કરો. હવે જે વિન્ડો ખૂલે, તેમાં વ્યૂ ટેબ ઓપન કરો. તેમાં નીચે જઈને યૂઝ ચેક બોક્સીઝ ટુ સિલેક્ટ આઇટમ્સ એવો એક વિકલ્પ દેખાશે, તેને ટિક કરી દો. વિન્ડોઝ ૮ વાપરતા હો તો તેમાં વિન્ડોઝ એક્સપ્લોરર ઓપન કરી, વ્યૂ ટેબ ઓપન કરીને તેમાં શો/હાઇડ પેનમાં  આઇટમ ચેક બોક્સીઝ બોક્સને ટિક કરી દો.

ટૂંકમાં, વિન્ડોઝ ૧૦ તો આપણે મેળવીએ ત્યારે, ત્યાં સુધી વિન્ડોઝ ૭ના માસ્ટર તો બનીએ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!