(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વિન્ડોઝ ૧૦ વિન્ડોઝ ફોનનું ભાવિ બદલશે?

પર્સનલ કમ્પ્યુટરમાં આખી દુનિયા પર રાજ કરનારી માઇક્રોસોફ્ટ કંપની સ્માર્ટફોનની રેસમાં ઘણી પાછળ રહી ગઈ છે, પરંતુ આગામી વિન્ડોઝ ૧૦ ઓપરેટિંગ સિસ્ટમથી તેની સ્થિતિ સુધરે તેવી શક્યતા છે

વિન્ડોઝ ફોનનો ઉપયોગ કરનારા લોકોને એક ફરિયાદ હંમેશા હોય છે, તેમના ફોન માટે ઉપલબ્ધ એપ્સની સંખ્યા બહુ ઓછી છે! આ ફરિયાદ સાચી છે, અને ખરું પૂછો તો, સ્માર્ટફોનના માર્કેટમાં વિન્ડોઝ ફોનનો પ્રસાર મર્યાદિત રહ્યો છે તેનું આ પણ એક મોટું કારણ છે.

વાસ્તવમાં, વર્ષોથી પર્સનલ કમ્પ્યુટર ક્ષેત્રે માઇક્રોસોફ્ટનો જબરો દબદબો રહ્યો છે. કમ્પ્યુટરની ઓપરેટિંગ સિસ્ટમ, તેમાંના ઓફિસ પ્રોગ્રામ્સ અને ઇન્ટરનેટ બ્રાઉઝિંગ માટે ઇન્ટરનેટ એક્સપ્લોરર આ ત્રણેય બાબતે માઇક્રોસોફ્ટે વર્ષો સુધી આખા જગત પર એકચક્રી શાસન કર્યું છે, પરંતુ દુનિયાનો સ્માર્ટફોન તરફનો ઝુકાવ સમયસર પારખવામાં આ કંપની નિષ્ફળ ગઈ. પરિણામે અત્યારે સ્માર્ટફોનના માર્કેટમાં લગભગ ૯૦ ટકા હિસ્સો ફક્ત એન્ડ્રોઇડ અને આઇઓએસનો છે. જો માઇક્રોસોફ્ટ કંપનીએ સમયસર મોબાઇલ માર્કેટ તરફ ધ્યાન આપ્યું હોત તો આખી દુનિયા માઇક્રોસોફ્ટનાં પ્રોગ્રામ્સની આદતી બની જ ચૂકી હતી. લોકો સ્વાભાવિક રીતે એ જ તરફ વળ્યા હોત, ખાસ કરીને મોટા બિઝનેસીઝ. તેના બદલે, સ્માર્ટફોનના આગમન પહેલાં, બિઝનેસની દુનિયામાં ટોપ એક્ઝિક્યુટિવ્સના ખિસ્સામાં બ્લેકબેરી ફોને પોતાનું સ્થાન જમાવી લીધું. વર્ષો વીત્યે એન્ડ્રોઇડ અને આઇઓએસની આંધીમાં બ્લેકબેરીએ પણ બિઝનેસ ક્લાસમાંનું પોતાનું એક્સક્લુઝિવ સ્થાન ગુમાવી દીધું.

રહી રહીને માઇક્રોસોફ્ટ કંપનીએ નોકિયાનો મોબાઇલ બિઝનેસ હસ્તગત કર્યો (એ પણ એવી જ કંપની છે, જેણે ફીચર મોબાઇલમાં જગત પર રાજ કર્યું, પણ સ્માર્ટફોનની બસ એ ચૂકી ગઈ!) અને સ્માર્ટફોન પર ફોકસ કર્યું. પરંતુ હવે એવી સ્થિતિ છે કે માઇક્રોસોફ્ટની વિન્ડોઝ ફોન એક ખરેખર સારી ઓપરેટિંગ સિસ્ટમ છે, તેના હેન્ડસેટની ગુણવત્તા પણ ઘણી બધી રીતે નોંધપાત્ર છે, તેમ છતાં, લોકો માટે વિન્ડોઝ ફોન તરફ વળવું મુશ્કેલ બની ગયું છે.

તેનું એક કારણ એ પણ છે કે ઇન્ટરનેટનો પ્રસાર વધતાં આખી દુનિયા ધીમે ધીમે એકથી વધુ સાધનો પર કામ કરતી થઈ ગઈ છે અને પોતાનું ઘણું ખરું કામ ઇન્ટરનેટ પર કરવા લાગી છે. એન્ડ્રોઇડ અને આઇઓએસ દ્વારા માઇક્રોસોફ્ટની જે ક્ષેત્રમાં આણ હતી તે ઓફિસ સોફ્ટવેર પણ જુદા જુદા સ્વરૂ‚પે લગભગ ફ્રીમાં સ્માર્ટફોન અને વેબ પર ઉપલબ્ધ કરી દેવામાં આવ્યાં છે. લોકોને પોતાના એક ગૂગલ એકાઉન્ટ કે એપલ એકાઉન્ટથી જુદી જુદી અનેક વેબ એપ્લિકેશન્સનો જુદાં જુદાં સાધનોમાં ઉપયોગ કરવાનું માફક આવી ગયું છે.

ઉપરાંત ઘણા લોકોના દૈનિક જીવનમાં વણાઈ ગયેલી ઘણી બધી એપ વિન્ડોઝ ફોન માટે ઉપલબ્ધ નથી.

આમ છતાં, તમે વિન્ડોઝ ફોન ખરીદ્યો હોય કે ખરીદવાનું વિચારી રહ્યા હો તો નિરાશ થવાની જરૂ‚ર નથી. વિન્ડોઝનું નવું વર્ઝન વિન્ડોઝ ૧૦ આવી રહ્યું છે અને એ કમ્પ્યુટર-ઇન્ટરનેટ-મોબાઇલના ક્ષેત્રે ઘણી બધી રીતે મોટાં પરિવર્તનો લાવે એવી સંભાવના છે.

પહેલી વાત એ છે કે વિન્ડોઝ ૧૦ એ ફોન, ટેબલેટ અને પીસી બધામાં તથા માઇક્રોસોફ્ટના આગામી હોલોલેન્સ હોલોગ્રાફિક કમ્પ્યુટર (એની વાત ફરી કોઈ વાર!)માં પણ ચાલે એવી ઓપરેટિંગ સિસ્ટમ બનશે. તમામ પ્રકારનાં સાધનોમાં ચાલે એવી ઓપરેટિંગ સિસ્ટમને કારણે એપ ડેવલપરને મોટો લાભ રહેશે. માઇક્રોસોફ્ટને એવી પણ આશા છે કે વિન્ડોઝ ૧૦ના લોન્ચ પછીનાં બે-ત્રણ વર્ષમાં આ ઓએસ એક અબજ જેટલાં સાધનોમાં કાર્યરત થઈ જશે.

શરૂઆતમાં એક શક્યતા એવી પણ વહેતી થઈ હતી કે વિન્ડોઝ ૧૦માં એન્ડ્રોઇડ એપ્સ પણ ચાલી શકશે. જોકે એ તો હવે અફવા હોવાનું સાબિત થયું છે, પરંતુ માઇક્રોસોફ્ટે એપ્લિ ૨૦૧૫માં યોજાયેલી ડેવલપર્સની કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે ડેવલપર્સ માટે, વિન્ડોઝ ૧૦ની એપ બનાવવાનું હવે બહુ સહેલું બનશે.

અત્યારે એવી સ્થિતિ છે કે મોટા ભાગના એપ ડેવલપર્સ એન્ડ્રોઇડ અને આઇઓએસને ધ્યાનમાં રાખીને પોતાની એપ બનાવે છે. વિન્ડોઝ ફોન માટે એ જ એપનું વર્ઝન તૈયાર કરવું હોય તો તેમણે મોટા ભાગે એકડેએકથી કામ કરવું પડે. વિન્ડોઝ ફોનની અત્યારની ઓછી પહોંચને ધ્યાને લઈને કોઈ એવી મહેનત કરવું નથી. આના ઉપાય તરીકે, માઇક્રોસોફ્ટ કંપની વિન્ડોઝ ૧૦માં એવી જોગવાઈ કરી રહી છે, જેથી એપ ડેવલર્સ બહુ લાંબી મહેનત વિના, પોતાની એન્ડ્રોઇડ કે આઇઓએસ માટેની એપને વિન્ડોઝ ૧૦માં પણ ચાલે એવી બનાવી શકશે.


જોકે આ વાત માઇક્રોસોફ્ટ કહે છે એટલી સહેલી નથી. એમેઝોનના એપ સ્ટોર પર પણ એન્ડ્રોઇડની એપ્સ ઉપલબ્ધ છે, પણ ડેવલપર્સે એમેઝોન માટે પોતાની એપ પર ‘થોડું રીવર્ક’ કરવું પડે છે. આ ‘થોડા રીવર્ક’થી એટલો ફેર પડે છે કે એન્ડ્રોઇડ પર અત્યારે લગભગ ૧૪ લાખ એપ્સ છે, જ્યારે એમેઝોન સ્ટોરમાં ત્રણેક લાખ!

આમ છતાં, આપણે આશા રાખીએ કે વિન્ડોઝ ૧૦ને સફળતા મળે અને સ્માર્ટફોન માર્કેટમાં એન્ડ્રોઇડ અને આઇઓએસનો એક મજબૂત વિકલ્પ પણ મળે, આપણા જેવા યુઝર્સ માટે આ હરીફાઈ જરૂરી છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!