મુંબઈ હોય કે અમદાવાદ, ઘર બહાર ગયેલા સ્વજનની સલામતી વિશે પરિવારના અન્ય સભ્યો સતત ચિંતામાં રહે છે. સ્માર્ટફોનનની મદદથી, આપણે એકબીજાનું સચોટ લોકેશન જાણી શકીએ છીએ, સતત!
મુંબઈ બ્લાસ્ટ્સ પર આધારિત ફિલ્મ ‘વેનસડે’ તમે જોઈ હતી? તેમાં, આતંકવાદીઓ સામે અકળાયેલા કોમનમેન નસીરુદ્દીનનો એક ડાયલોગ કંઈક આવો છે… “મુંબઈવાલા ઘર સે ઓફિસ જાતા હૈ તો બીવી બારબાર ફોન કરતી હૈ, ચાય પી લી? ટીફિન ખા લીયા? દરઅસલ, વો જાનના ચાહતી હૈ, તુમ જિન્દા તો હો?’’
કમનસીબે, આપણા દેશમાં આ સ્થિતિ ફક્ત મુંબઈ પૂરતી સીમિત નથી. વાત કુંભમેળા કે જનઆંદોલનમાં ગયેલા સ્વજનની હોય કે પછી મોડી સાંજ સુધી ઘેર પરત ન ફરેલી દીકરીની હોય, ઘરે હાજર વ્યક્તિ સતત ચિંતામાં રહે છે, સ્વજન હેમખેમ તો હશેને?
સદનસીબે, આ સ્થિતિમાં પણ ટેક્નોલોજી આપણી સારી એવી મદદ કરી શકે છે. સોશિયલ મીડિયા શેરિંગ હવે એટલું સામાન્ય બન્યું છે કે આપણે જે તે સાઇટનાં સેટિંગ બરાબર સમજ્યા ન હોઈએ તો આપણે ક્યારે અને ક્યાં શું કર્યું એ દુનિયા આખી જાણી શકે છે. આ જ ખાસિયત, વિશેષ સંજોગોમાં આપણા માટે મદદરૂપ પણ થઈ શકે છે.
જો સ્વજન પાસે સ્માર્ટફોનન હોય (અને જો એ ફોનમાં જીપીએસ, ઇન્ટરનેટ વગેરે ઓન રાખતા હોય) તો આપણે હરહંમેશ, સ્વજન અત્યારે ક્યાં છે એ જાણી શકીએ છીએ અને આ વાત ફક્ત, આપણી પસંદગીના સ્વજન પૂરતી જ સીમિત રહે એવું કરી શકાય છે. ગૂગલ, માઇક્રોસોફ્ટ, એપલ અને આ ત્રણેય મહારથી ઉપરાંત બીજી સંખ્યાબંધ કંપનીઓએ આવી એપ્સ વિક્સાવી છે. આપણે મુખ્ય એપ્સની વાત કરીએ.
જો તમારા પરિવારમાં એન્ડ્રોઇડ અને આઇફોન બંને હોય તો તમારા માટે ગૂગલ પ્લસનું લોકેશન શેરિંગ સારું રહેશે, ફક્ત બંને વ્યક્તિ પાસે ગૂગલ પ્લસ એકાઉન્ટ હોવું જરૂરી છે (અને લોકેશન શેરિંગ માટે એકમેકની સંમતિ હોવી જરૂરી છે!).



હવે તમારા સ્માર્ટફોનનમાં ગૂગલ પ્લસ એપ ઓપન કરો. એન્ડ્રોઇડમાં, મેનુ બટનના રસ્તે સેટિંગ્સમાં જાઓ અને ત્યાં લોકેશન શેરિંગને ઇનેબલ કરો. હવે તેમાં પિનપોઇન્ટ લોકેશનને એડિટ કરી, તમે કોઈ એક (કે એકથી વધુ, જેમ કે ફેમિલી સર્કલમાંના લોકો)નાં નામ ઉમેરી, ડન કરી દો.
એક સુવિધા એવી પણ છે કે તમે પરિવાર ઉપરાંત, પસંદગીના અન્ય લોકોને તમારું ચોક્કસ સ્થાન નહીં, પણ કયા શહેરમાં છો એટલું જણાવવું હોય તો એવી ગોઠવણ પણ કરી શકાય છે.
આ રીતે, આપણે આપણું લોકેશન પરિવારની અન્ય વ્યક્તિ સાથે શેર કર્યું, એ રીતે, પરિવારની જે વ્યક્તિનું લોકેશન તમે જાણવા ઇચ્છતા હો તેના મોબાઇલમાં પણ આ રીતે, તમારા નામ સાથે લોકેશન શેરિંગનું સેટિંગ કરવું પડશે (આ વ્યવસ્થા એકતરફી પણ હોઈ શકે છે).
આવું સેટિંગ કર્યા પછી, આપણે આપણા સ્માર્ટફોનનમાં ગૂગલ પ્લસ એપમાં જઈને પરિવારના અન્ય સભ્યોનાં લોકેશન્સ મેપ પર જોઈ શકીએ છીએ.
આઇફોનમાં આ સગવડ ‘ફાઇન્ડ માય ફ્રેન્ડ્સ’ એપ સ્વરૂપે ઉપલબ્ધ છે, જે આઇફોન, આઇપેડ અને આઇપોડ ટચ પર ચાલે છે. જ્યારે તમે આઇક્લાઉડમાં ફેમિલી શેરિંગનાં પહેલી વાર સેટિંગ્સ કરો ત્યારે જ પૂછવામાં આવે છે કે તે પરિવારના અન્ય સભ્યો સાથે તમારું લોકેશન શેર કરવા માગો છો? જો ત્યારે હા કહી ન હોય તો પછી ગમે ત્યારે સેટિંગ્સમાં આઇક્લાઉડ કેટેગરીમાં જઈને ‘શેર માય લોકેશન’ને ઇનેબલ કરી શકાય છે.
આ સેટિંગ થયું હોય તો પછી, ફક્ત ફાઇન્ડ માય એપ ઓપન કરીને નક્શા પર તમારી સાથે જેમણે લોકેશન શેર કર્યું હોય તેમનું સ્થાન જાણી શકો છો. જોકે ફેમિલી શેરિંગનો લાંબો રસ્તો લેવાને બદલે, ફાઇન્ડ માય ફ્રેન્ડ્સ એપમાં તમે અન્ય લોકોને તેમનું લોકેશન શેર કરવા ઇન્વાઇટ કરી શકો છો.
આ સગવડના આધારે જ, ઓફિસેથી ઘરે આવવા નીકળેલી વ્યક્તિ અંદાજે ક્યારે ઘેર પહોંચશે તે એક્સપેક્ટેડ ટાઇમ ઓફ એરાઇવલ ઇટીએ આપણે જાણી શકીએ છીએ!
એન્ડ્રોઇડ અને આઇઓએસની જેમ વિન્ડોઝ ફોન ધરાવતા લોકો સ્ક્વોડ વોચ નામની માઇક્રોસોફ્ટની પોતાની એપનો ઉપયોગ કરી શકે છે. આ એપ બાકીની બે ઓએસની જેમ જ ચાલે છે, પણ જેમ આઇઓએસ એક્સક્લુઝિવ છે તેમ આ એપ પણ ફક્ત વિન્ડોઝ ફોન ધરાવતા લોકો માટે જ છે.
આગળ કહ્યું તેમ, આ પ્રકારની બીજી કંપનીઓએ ડેવલપ કરેલી સંખ્યાબંધ એપ પણ છે.
એટલું ખરું કે કોલેજમાં ભણતી દીકરી કે દીકરાના સ્માર્ટફોનનમાં આવી ગોઠવણ કરવાનું સૂચન, સ્વાભાવિક રીતે એમની સ્વતંત્રતા પર તરાપ જેવું લાગશે, પણ પરિવારનું વાતાવરણ એકદમ હૂંફાળું અને સ્વસ્થ-પારદર્શી હોય તો આ સગવડ, અણધાર્યા સંજોગોમાં ચોક્કસ ઉપયોગી થઈ શકે છે અને પત્ની સાથે લોકેશન શેર કર્યું હશે તો એ વારેવારે ક્યાં છો તમે? એવું તમને નહીં પૂછે, સ્માર્ટફોનનને જ પૂછી લેશે!
આ સુવિધા એક રીતે ફાયર એકિંસ્ટગ્વીશર જેવી છે. ઘરમાં કે ઓફિસમાં મૂકી રાખેલું એ સાધન ક્યારેય ન વપરાય એમાં જ સૌની ભલાઈ છે!

