સવાલ લખી મોકલનાર – પરેશ ગણાત્રા, રાજકોટ
આપણે ઇન્ટરનેટ પરથી કોઈ પણ વેબસાઇટમાંથી કોઈ પણ ફાઈલ ડાઉનલોડ કરીએ તો એનો અર્થ એ થયો કે એ ફાઈલ એ વેબસાઇટ જે સર્વર પર હોસ્ટ થયેલી હશે તે સર્વરમાંથી ટ્રાન્સફર થઈને આપણા કમ્પ્યુટરમાં આવે છે.
હવે જ્યારે આપણે ડાઉનલોડની લિન્ક પર ક્લિક કરીએ ત્યાર પછી જે વિન્ડો ઓપન થાય તેમાં સામાન્ય રીતે ડાઉનલોડ થનારી ફાઈલને સેવ કરવાનો કે રન કરવાનો વિકલ્પ આપણને મળે છે. આમાં ફાઈલને આપણા કમ્પ્યુટર પર ક્યાં સેવ કરવી અને ફાઈલ ડાઉનલોડ થયા પછી કંઈ કરવું કે નહીં અને જો કરવું હોય તો શું કરવું એ બે મુદ્દાનો સમાવેશ થાય છે.
રન
જ્યારે આપણે રનનો વિકલ્પ પસંદ કરીએ ત્યારે એ ફાઈલ આપણા કમ્પ્યુટરમાં એક ટેમ્પરરી લોકેશનમાં ડાઉનલોડ થાય છે અને પછી એ ફાઈલ તરત જ રન થાય છે, એટલે કે આપણે વિન્ડોઝ એક્સપ્લોરર ઓપન કરીને એ ફાઈલના લોકેશન સુધી પહોંચીને તેના પર ડબલ ક્લિક કરવાથી જે થાય એ એકશન આપોઆપ થાય છે.
આ ફાઈલનું ટેમ્પરરી લોકેશન કોઈ ટેમ્પરરી ફોલ્ડર કે બ્રાઉઝરના કેચમાં હોઈ શકે છે. આ લોકેશન કયું છે તે મહત્ત્વનું રહેતું નથી કારણ કે જ્યારે આપણે રનનો વિકલ્પ પસંદ કરીએ ત્યારે સિસ્ટમ એવું નક્કી કરી લે છે કે આપણે પોતે એ ફાઈલ સુધી ડાયરેક્ટલી પહોંચવા માંગતા નથી. એટલે જ ફાઈલ આપોઆપ રન થાય ત્યાં સુધી જ તેને સાચવવાની જરૂર હોય છે. ત્યાર પછી એ ફાઈલ ગમે ત્યારે ડિલીટ થઈ શકે છે.
હવે આપણે એ સમજીએ કે કોઈ ફાઈલને રન કરવાથી શું શું થઈ શકે છે? જો આપણે ડાઉનલોડ કરેલી ફાઈલનું એક્સટેન્શન .યડ્ઢય હોય એટલે કે એ કોઈ સોફ્ટવેર પ્રોગ્રામ હોય તો એ પ્રોગ્રામ કમ્પ્યુટરની મેમરીમાં લોડ થશે અને વિન્ડોઝ તેને રન એટલે કે ચાલુ કરશે.
જો તે ફાઈલ પીડીએફ હોય તો ફાઈલ ડાઉનલોડ થયા પછી આપણા કમ્પ્યુટરમાં કોઈ પણ પીડીએફ વ્યૂઅર ઇન્સ્ટોલ કરેલ હોય તો ફાઈલ ડાઉનલોડ થયા પછી એ પીડીએફ તે પ્રોગ્રામમાં ઓપન થાય છે. હવે જો આપણે એ પીડીએફને લાંબા ગાળા માટે સાચવી રાખવા માગતા હોઈએ તો સેવ એઝ કમાન્ડ આપીને વિન્ડોઝ એક્સપ્લોરરમાં આપણા જોઈતા ફોલ્ડરમાં તેને સેવ કરી લેવી જોઈએ.
ટૂંકમાં ફાઈલ કોઈ પણ પ્રકારની હોય, ડાઉનલોડ કરતી વખતે તેને રન કરવાનો વિકલ્પ આપવાથી એ ફાઈલ ટેમ્પરરી ફોલ્ડરમાં સેવ થઈને તેને સંબંધિત પ્રોગ્રામમાં ઓપન થાય છે અને જો આપણે તેને સેવ એઝ ન કરીએ તો ગમે ત્યારે ડિલીટ થઈ શકે છે.
સેવ
જ્યારે ડાઉનલોડ કરતી વખતે આપણે સેવ કે સેવ એઝનો વિકલ્પ પસંદ કરીએ ત્યારે બ્રાઉઝર એ ફાઈલ ડાઉનલોડ કરીને આપણે ઈચ્છીએ તે ફોલ્ડરમાં કોપી કરે છે. પછી તે ફાઈલ ઓપન કરવી કે નહીં તે નિર્ણય આપણે કરવાનો રહે છે.
બ્રાઉઝરના સેટિંગમાં જઈને આપણે એવી ગોઠવણ કરી શકીએ છીએ કે ડાઉનલોડ કરતી વખતે બ્રાઉઝર હંમેશા આપણે બતાવેલા કોઈ એક ચોક્કસ ફોલ્ડરમાં ડાઉનલોડ થયેલી ફાઈલ સેવ કરે અથવા દરેક વાર આપણને પૂછે કે ડાઉનલોડ થયેલી ફાઈલ કમ્પ્યુટરમાં ક્યાં સેવ કરવી છે.
ઇન્ટરનેટ એક્સપ્લોરર જેવાં કેટલાંક બ્રાઉઝરમાં સેવ એન્ડ રનનો વિકલ્પ પણ મળે છે જેમાં ફાઈલ આપણે સૂચવેલા ફોલ્ડરમાં સેવ થયા પછી આપોઆપ રન થાય છે. ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં પણ ફાઈલ ડાઉનલોડ થયા પછી આપોઆપ ઓપન થાય એવો વિકલ્પ પસંદ કરી શકાય છે.

