(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સ્માર્ટફોનમાં એરપ્લેન મોડ હોય છે, એ શું છે?

આગળ શું વાંચશો?

  • પીસીમાં પેનડ્રાઇવ ચાલતી નથી, શું થઈ શકે?
  • ફેસબુકમાં એક સાથે અનેક લોકોને અનફ્રેન્ડ કેવી રીતે કરવા?
  • સ્માર્ટફોન, કમ્પ્યુટરમાં સોશિયલ સાઇટ્સનો ઉપયોગ કરવા વિશે…
  • બુકમાર્કિંગ શું છે?

સવાલ મોકલનારઃ પરિમલ વૈશ્નવ, અમદાવાદ

એરપ્લેન મોડ દરમિયાન આપણો સ્માર્ટફોન કે ટેબલેટ બધા પ્રકારનાં સિગ્નલ્સ મોકલવાનું બંધ કરી દે છે, આ મોડ હવાઇ મુસાફરી દરમિયાન જરુરી ગણાય છે, જેથી આપણા ફોનમાંથી નીકળતાં સિગ્નલ્સ પ્લેનની સિસ્ટમ્સમાં કોઈ અંતરાય ઊભો કરે નહીં.પરંતુ પ્લેનમાં મુસાફરી દરમિયાન કોઈ મુસાફર પોતાના ફોનને બંધ કરે નહીં કે તેને એરપ્લેન મોડ પર મૂકે નહીં, તો શું પ્લેન તૂટી પડે? દરરોજ અસંખ્ય લોકો પ્લેનમાં પોતાનો ફોન ચાલુ રાખે છે, તેને નોર્મલ મોડમાં જ રાખે છે. તો ઊડતા પ્લેનમાં સ્માર્ટફોન કે ટેબલેટનો ઉપયોગ ખરેખર જોખમી છે કે આ માત્ર હવાઈ વાતો છે?

આ એક બહુ ચર્ચાયેલો મુદ્દો છે.

ભારતની વાત કરીએ તો હજી ગયા વર્ષે જ (એપ્રિલ ૨૦૧૪માં) ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશને પ્લેન ટેકઓફ થાય ત્યારે, હવામાં તરતું થાય ત્યારે અને લેન્ડ થાય ત્યારે પણ પર્સનલ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ (પીઈડી)ના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવતા કાયદામાં સુધારો કર્યો અને પ્લેનમાં સ્માર્ટફોન, ટેબલેટ વગેરે સાધનોના ઉપયોગ પર છૂટ આપી, શરત એટલી કે આપણું સાધન એરપ્લેન મોડમાં હોવું જોઈએ.

ભારતે આ છૂટ કેમ આપી? એટલા માટે કે અમેરિકાના યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન ને યુરોપિયન યુનિયન એવિએશન સેફટી એજન્સીએ પણ મુસાફરોને આવી છૂટછાટ આપી છે!વાસ્તવમાં, અમેરિકાએ છેક ૧૯૯૧માં હવાઇ મુસાફરી દરમિયાન ઇલેક્ટ્રોનિક સાધનોના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો ત્યારે મુદ્દો મુસાફરોની સલામતી સાથે જોડાયેલો હોવાથી શરૂઆતમાં તો કોઈ વિરોધ ન થયો, પણ ધીમે ધીમે લોકોને સમજાયું કે મુસાફરી દરમિયાન ઇલેક્ટ્રોનિક સાધનના ઉપયોગથી પ્લેન તૂટી પડતાં નથી! પછી આ પ્રતિબંધની યોગ્યતા સામે સવાલો ઊઠવા લાગ્યા. આથી વીસેક વર્ષ લાંબા પ્રતિબંધો પછી ઘણા ખરા દેશોએ પ્લેનમાં ઇલેક્ટ્રોનિક સાધનોના ઉપયોગની છૂટ આપી છે, અલબત્ત, એરપ્લેન મોડ પર (એમાં પણ હવે છૂટછાટ આવી રહી છે).

આટલી પૂર્વભૂમિકા સાથે, એરપ્લેન મોડથી શું થાય છે એ જોઈ લઈએ.

તમારું સાધન એન્ડ્રોઈડ ફોન હોય, આઈફોન હોય, આઈપેડ હોય કે પછી વિન્ડોઝ-૮ ટેબલેટ હોય તેમાં એરપ્લેન મોડ ઈનેબલ કરતાં સાધનનાં કેટલાંક ફંકશન્સ બંધ થઈ જાય છે. જેમ કે..

  • સેલ્યુલર કનેક્શન : હવે તમારું સાધન સેલટાવર્સ સાથે કમ્યુનિકેટ કરી શકશે નહીં. આથી વોઈસકોલ્સ, એસએમએસ મેસેજ અને ઇન્ટરનેટ કનેકશન માટે મોબાઈલ ડેટા વગેરે કશું જ આપણે રીસિવ કે સેન્ડ કરી શકશું નહીં.
  • વાઇ-ફાઇ : તમારું સાધન આસપાસમાં ઉપલબ્ધ વાઇ-ફાઇ કનેકશન શોધવાનું બંધ કરી દેશે. જો એરપ્લેન મોડ ઈનેબલ કરતાં પહેલાં  આપણે વાઇ-ફાઇ ચાલુ કરેલ હોય તો તે પણ બંધ થઈ જશે.
  • બ્લુટૂથ : એરપ્લેન મોડમાં બ્લુટૂથ સગવડ બંધ થઈ જાય છે જેને કારણે વાયરલેસ હેડસેટ્સ જેવી સુવિધા બંધ થઈ જાય છે.
  • જીપીએસ : એરપ્લેન મોડમાં ફોનના જીપીએસ ફંકશન્સ બંધ થઈ જાય છે. આમ જુઓ તો આપણો ફોન જીપીએસ સિગ્નલ્સ માત્ર રીસિવ કરે છે તે પોતે કોઈ સિગ્નલ મોકલતો હોતો નથી. આમ છતાં પ્લેનમાં જીપીએસનાં સિગ્નલ્સ  રીસિવ કરવા પર પણ પ્રતિબંધ હોય છે.

આમ હવાઈ મુસાફરી દરમિયાન  આપણે મોબાઈલ કે ટેબલેટને તદ્દન ટર્નઓફ કરવાને બદલે તેમાં એરપ્લેન મોડ ઓન કરીને તેના બીજા કામકાજ માટે ઉપયોગ ચાલુ રાખી શકીએ છીએ.

હવે કેટલીક એરલાઈન્સમાં ઇન-ફ્લાઇટ વાઇ-ફાઇની સગવડ હોય છે અને સેલ્યુલર એક્સેસ પણ મળવા લાગે તેમ છે. હવે એવી ટેકનોલોજી વિકસી રહી છે જેનાથી પ્લેનની અંદર જ રહેલાં સેલ્યુલર બેઝ સ્ટેશન સાથે કનેક્ટ થઈને મુસાફરોના સ્માર્ટફોન્સ સેલ્યુલર કનેકશન મેળવી શકશે.


પ્લેનમાંના આ બેઝ સ્ટેશન ડાયરેક્ટ સેટેલાઈટસાથે કનેક્ટ થશે અને સેટેલાઈટ પૃથ્વી પરના સેલ્યુલર નેટવર્ક સાથે તેને કનેક્ટ કરી આપે છે. આ ટેકનોલોજીથી મુસાફરોના સ્માર્ટફોનને જમીન પરના ટાવર્સ સાથે કનેક્ટ થવા પોતાના સિગ્નલ્સનું જોર લગાવવું પડશે નહીં. અને તેથી પ્લેનની સિસ્ટમમાં કોઈ અવરોધ ઊભા થશે નહીં. જોકે આ પછી પણ એરપ્લેન મોડનું મહત્ત્વ તો રહેશે જ કેમ કે પ્લેનમાં વાઈ-ફાઈ કે સેલ્યુલર ડેટાના ઉપયોગની મંજૂરી પ્લેન ૧૦,૦૦૦ ફૂટથી વધુ ઊંચાઈએ પહોંચ્યા પછી જ મળશે. ત્યાં સુધી તો ફોનને એરપ્લેન મોડમાં રાખ્યા વિના છૂટકો નથી!

આપણે પ્લેનમાં મુસાફરી ન કરી રહ્યા હોઈએ ત્યારે પણ એરપ્લેન મોડ આપણને ઉપયોગી થઈ શકે છે. ખાસ કરીને બેટરી સેવ કરવા માટે આ બહુ ઉપયોગી ફિચર છે. તમે સ્માર્ટફોન અને કોલિંગ સુવિધાવાળા ટેબલેટ સાથે બસ કે કારમાં મુસાફરી કરી રહ્યા હો અને ટેબલેટનો ફક્ત ઈ-રીડર તરીકે ઉપયોગ કરવા માગતા હો તો તેમાં એરપ્લેન મોડ ઈનેબલ કરી દેવાથી ટેબલેટમાં તમામ પ્રકારના સિગ્નલ્સની આપ-લે બંધ થઈ જશે જે ટેબલેટની બેટરી ખચર્વિાનું સૌથી મોટું કારણ હોય છે. રસ્તામાં કોઈ રેસ્ટોરામાં થોડી વાર ઊભા રહો અને ત્યાં ફોન/ટેબલેટને થોડી વાર ચાર્જ કરી લેવાની સગવડ મળે ત્યારે જો તમે એરપ્લેન મોડ ઓન કરીને ચાર્જ કરો તો તે ઝડપથી ચાર્જ થાય છે!

પીસીમાં પેનડ્રાઇવ ચાલતી નથી, શું થઈ શકે?

સવાલ મોકલનારઃ દીનેશ ચૌહાણ, કપડવંજ

પીસી કે લેપટોપમાં પેનડ્રાઇવ નાખ્યા પછી કમ્પ્યુટર કશો જ પ્રતિભાવ ન આપે તો તેનાં બે કારણ હોઈ શકે, કાં તો પેનડ્રાઇવમાં ખામી અથવા કમ્પ્યુટરમાં ખામી. પેનડ્રાઇવને કમ્પ્યુટરના બીજા યુએસબી સોકેટમાં નાખી જુઓ.

હજી ન ચાલે તો તેને બીજા કમ્પ્યુટરમાં નાખી જુઓ, ત્યાં પણ ન ચાલે તો બની શકે કે પેનડ્રાઇવના ડ્રાઇવરમાં ખામી હોઈ શકે. સામાન્ય રીતે, આપણે નવી પેનડ્રાઇવને કમ્પ્યુટરમાં નાખીએ ત્યારે તેમાંના ડ્રાઇવર કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ થાય છે. તમે પેનડ્રાઇવ જે કંપનીની હોય તે કંપનીની વેબસાઇટ પરથી તેના ડ્રાઇવર મેળવીને કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરી શકો છો. એ પછી પણ પેનડ્રાઇવ ચાલે નહીં તો તે વોરંટી પીરિયડમાં હોય તો રીપ્લેસમેન્ટ માટે પ્રયત્ન કરી જુઓ.

કમ્પ્યુટરમાં કોઈ પેનડ્રાઇવ ચાલતી ન હોય તો કમ્પ્યુટરના યુએસબી પોર્ટ ડ્રાઇવર્સમાં ખામી હોઈ શકે છે. એને રીપેર કરવા માટે કમ્પ્યુટર એન્જિનીયરની મદદ લેવી યોગ્ય રહેશે.

ફેસબુકમાં એક સાથે અનેક લોકોને અનફ્રેન્ડ કેવી રીતે કરવા?

સવાલ મોકલનારઃ સરફરાઝ નાગોરી

ટૂંકો જવાબ એ કે આ માટેનો કોઈ ટૂંકો રસ્તો નથી! સરફરાઝભાઈનો પ્રોબ્લેમ ઘણા લોકોને પ્રોબ્લેમ હોઈ શકે છે. ફેસબુક ખરેખર તો ખરેખરા મિત્રો સાથે સતત અને સહેલાઈથી સંપર્કમાં રહેવા માટેનું માધ્યમ છે. તમે એક સાથે સંખ્યાબંધ લોકોને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલો ત્યારે  અને ખાસ તો કોઈ વ્યક્તિ તમારા આમંત્રણને નકારી દે ત્યારે ફેસબુક તમારું એકાઉન્ટ થોડા સમય માટે બ્લોક કરી શકે છે. ઘણી વાર આપણે કોઈ વ્યક્તિની ફ્રેન્ડ રીક્વેસ્ટ સ્વીકારીએ ત્યારે ફેસબુક આપણને પૂછે છે કે તમે આ વ્યક્તિને વાસ્તવિક જીવનમાં ઓળખો છો ખરા?

ટૂંકમાં એક તરફ, ફેસબુક એવો ‘આગ્રહ’ રાખે છે કે આપણે ફક્ત જે લોકોના વાસ્તવિક પરિચયમાં હોઈએ એમને જ ફેસબુક પર આપણા ફ્રેન્ડ બનાવીએ. કારણ સાદું છે – ખરેખરા મિત્રો વચ્ચે ફેસબુક પર પણ વધુ સંવાદ થવાનો છે. બીજી તરફ, એક વાર તમે કોઈને ફ્રેન્ડ બનાવી લો તે પછી તેમને અનફ્રેન્ડ કરો તે ફેસબુકને ગમતું નથી, કેમ કે તેનાથી તેના બિઝનેસને સીધી અસર પહોંચે છે!

એટલે જ ફેસબુક પર કોઈને અનફ્રેન્ડ કરવાનું કામ સહેલું નથી. તમે ફેસબુકમાં લોગ-ઇન થઈ તમારા ફ્રેન્ડ્ઝ લિસ્ટમાં પહોંચો અને ત્યાં એક-એક ‘મિત્ર’ને સિલેક્ટ કરીને અનફ્રેન્ડ કરતા જાઓ એ એક માત્ર રસ્તો ફેસબુક આપે છે. અહીં મલ્ટીપલ લોકોને સિલેક્ટ કરીને તેમને એક ક્લિકમાં અનફ્રેન્ડ કરવાનો કોઈ રસ્તો નથી.

ગૂગલ ક્રોમ, ફાયરફોક્સ વગેરેમાં કેટલીક એડ-ઓન સ્ક્રીપ્ટ ઉમેરીને આ કામ કરી શકાય છે (અથવા એવો દાવો કરવામાં આવે છે!), પરંતુ એમ કરવું સલાહભર્યુ નથી કેમ કે એ રીતમાં બિલકુલ અજાણ્યા, અવિશ્ર્વસનીય પ્રોગ્રામને આપણે આપણા ફેસબુક એકાઉન્ટમાં એન્ટ્રી આપવી પડે છે.

ટૂંકમાં ફ્રેન્ડને અનફ્રેન્ડ કરવા માટે ફેસબુકની જ રીત અપનાવ્યા સિવાય છૂટકો નથી અને ફેસબુક કોઈને પણ અનફ્રેન્ડ કરવાનું કામ વધુ ને વધુ મુશ્કેલ બનાવે છે. તમે જેમની સાથે વધુ સંપર્કમાં રહેતા હો તે લોકો સ્વાભાવિક રીતે ફ્રેન્ડ્ઝ લિસ્ટમાં ટોપ પર હોય, આપણે જેમને અનફ્રેન્ડ કરવા હોય તે નામ લિસ્ટમાં ઘણે નીચે હોય, પેજ સ્ક્રોલ કરતા જવું પડે અને નવાં નામ લોડ થાય ત્યાં સુધી રાહ જોવી પડે. એમાં પાછું, જેટલી વાર કોઈને અનફ્રેન્ડ કરીએ એટલી વાર ફેસબુક પૂછે, ખરેખર? ખરેખર તમે આ વ્યક્તિને અનફ્રેન્ડ કરવા માગો છો? પછી ફેસબુકની મરજી હોય તો એ ડરાવે, તમે એક સાથે વધુ લોકોને અનફ્રેન્ડ કરી રહ્યા છો, તમારું એકાઉન્ટ બ્લોક થઈ શકે છે!

ફેસબુકની મુશ્કેલી એ છે કે એમાં સતત ફેરફાર થતા રહે છે. હજી હમણાં સુધી ફેસબુકની મોબાઇલ એપમાં જો આપણે ફ્રેન્ડ્ઝને ડિલીટ કરીએ તો તેમાં આવી ઝાઝાં બધાં ક્ધફર્મેશન પૂછાતાં નહોતાં. આ લખાઈ રહ્યું છે ત્યારે મોબાઇલ વર્ઝનમાં ક્ધફર્મેશન પૂછાય છે અને પીસીમાં પૂછાતાં નથી. એટલે આ અંક તમારા સુધી પહોંચે ત્યારે પીસી અને મોબાઇલ બંનેમાં પ્રયત્ન કરી જોશો. જેમાં ફેબસુક કન્ફર્મેશન ન માગે તેમાં લોકોને ફટાફટ અનફ્રેન્ડ કરી શકાશે, પરંતુ દરેકને અલગ અલગ ક્લિક તો કરવી જ પડશે!

સ્માર્ટફોન, કમ્પ્યુટરમાં સોશિયલ સાઇટ્સનો ઉપયોગ કરવા વિશે…

સવાલ મોકલનારઃ નીતિનકુમાર પટેલ

નીતિનભાઈનો મૂળ સવાલ ઘણો લાંબો છે. તેમણે પૂછ્યું છે કે “ફેસબુક, ટવીટર, ગૂગલ પ્લસ, હેન્ગઆઉટ, વીટેચ, ગૂગલ ક્રોમ વગેરે સોશિયલ નેટવર્ક કે સર્વિસ સ્માર્ટફોન તથા કમ્પ્યુટર પર ચાલુ રાખવા તેનું માસિક  અથવા વાર્ષિક ભાડું કેવી રીતે ભરવાનું હોય છે? કઈ સર્વિસ માટે કેટલું ભાડું કપાયું અને ક્યારે કપાયું તે કેવી રીતે જાણી શકાય? તથા ઉપરોક્ત સર્વિસ બંધ કરાવવી હોય તો કેવી રીતે બંધ કરાવી શકાય? ઉપરોક્ત સર્વિસમાંથી કેટલી સર્વિસ મફત છે અને કેટલી સર્વિસ પેએબલ છે વગેરે બધું જણાવશો.

કમ્પ્યુટર કે સ્માર્ટફોનના બિલકુલ નવા નવા પરિચયમાં આવેલા લોકોને નીતિનભાઈ જેવી મૂંઝવણ હોઈ શકે છે. આપણે બિલકુલ પાયાથી સમજણ મેળવીએ.

નીતિનભાઈ, આપે કહી તે બધી જ સર્વિસ પોતે બિલકુલ ફ્રી છે. ફેસબુક, ટવીટર, ગૂગલ પ્લસ વગેરે સોશિયલ નેટવર્કિંગ સાઇટ છે, આ સર્વિસીઝ એક પ્લેટફોર્મ પૂરું પાડે છે, જેના પર અલગ અલગ લોકો પોતાનું એકાઉન્ટ ખોલાવીને પોતાના વિચારો, ફોટોગ્રાફ, વીડિયો વગેરેની આપલે કરી શકે છે. હેન્ગઆઉટ ગૂગલની એવી સર્વિસ છે જેમાં લોકો વીડિયો સાથે એકબીજા સાથે કે એકથી વધુ લોકો સાથે એક સાથે વીડિયો સાથે વાત કરી શકે છે. વીચેટ મુખ્યત્વે મોબાઇલમાં એસએમએસની આપલે થઈ શકે છે અને તેમાં પણ વીડિયો ચેટ કે વીડિયોકોલની સગવડ હોય છે. આ બધી સર્વિસનો કમ્પ્યુટર અને સ્માર્ટફોન બંને પર લાભ લઈ શકાય છે.

આ બધી જ સર્વિસ ઇન્ટરનેટની મદદથી આપણા કમ્પ્યુટર અને સ્માર્ટફોન સુધી પહોંચે છે. એટલે આ સર્વિસ પોતે ફ્રી છે, પરંતુ આપણા કમ્પ્યુટર કે સ્માર્ટફોનને ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરવા માટે આપણે ખર્ચ કરવો પડે છે.

કમ્પ્યુટરની વાત કરીએ તો તો જુદી જુદી રીતે આપણે તેમાં ઇન્ટરનેટનું જોડાણ મેળવી શકીએ છીએ. જો આપને ત્યાં બીએસએનએલનો ફોન હોય તો તેની લાઇન દ્વારા જ ઇન્ટરનેટનું જોડાણ મેળવી શકાય છે. આ માટે કંપની આપણને મોડેમ નામનું એક સાધન આપે છે, જે આપણે માસિક ભાડા પર લઈ શકીએ અથવા એક વાર કિંમત ચૂકવીને ખરીદી શકીએ.

આ મોડેમની મદદથી આપણું કમ્પ્યુટર ઇન્ટરનેટ સાથે જોડાઈ શકે છે. બીએસએનએલ ઉપરાંત જુદી જુદી ટેલિકોમ કંપનીઓ આ રીતે પોતાના ફોન સાથે ઇન્ટરનેટ કનેક્શન આપે છે. ઘણી કંપનીઓ ફોનની જ‚રિયાત વિના, માત્ર કેબલ દ્વારા ઇન્ટરનેટ જોડાણ આપે છે. ટીવી ચેનલનું કનેક્શન આપતી કંપનીઓ પણ હવે ટીવીના કેબલની સાથોસાથ ઇન્ટરનેટનું જોડાણ આપે છે. એ સિવાય, ટેલિફોન કંપનીઓ યુએસબી ડોંગલ નામના એક સાધનની મદદથી વાયરલેસ ઇન્ટરનેટ જોડાણ પણ આપે છે. આ સાધન કમ્પ્યુટરમાં લગાવીને કમ્પ્યુટરને ઇન્ટરનેટ સાથે જોડી શકાય છે.

કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ ચલાવવાની રીત કોઈ પણ હોય, દરેકમાં આપણા વપરાશ અને કનેક્શનની સ્પીડ મુજબ જુદા જુદા માસિક ભાડાના પ્લાન હોય છે. આપણે અનુકૂળતા મુજબનો પ્લાન પસંદ કરીને ઇન્ટરનેટ જોડાણ મેળવી શકીએ છીએ.

એ જ રીતે સ્માર્ટફોનમાં ઇન્ટરનેટ કનેક્શન મેળવવા માટે પણ ફોન કંપની પાસેથી માસિક ભાડાનો પ્રી-પેઇડ કે પોસ્ટ-પેઇડ પ્લાન પસંદ કરીને ફોનમાં ઇન્ટરનેટ જોડાણ મળી જાય છે.

આ રીતે આપણે એક વાર કમ્પ્યુટર કે સ્માર્ટફોનમાં ઇન્ટરનેટનું જોડાણ મેળવી લઈએ તે પછી ફેસબુક, ટવીટર, વીચેટ વગેરે સર્વિસનો, જે તે સર્વિસને કોઈ રકમ ચૂકવ્યા વિના ઉપયોગ કરી શકીએ છીએ. એ કંપનીઓ જાહેરાત કે અન્ય રીતે કમાણી કરે છે, આપણી પાસેથી કોઈ ચાર્જ લેતી નથી. આપણે તો ઇન્ટરનેટના આપણા કુલ વપરાશ મુજબ, ફોન કંપનીને તેનું નિશ્ર્ચિત ભાડું ચુકવવાનું રહે છે.

કંઈક અંશે આ એવી વાત થઈ કે આપણે ત્રણ-ચાર રૂમવાળું એક કોઈ ઘર ભાડે રાખીએ, તે પછી દર મહિને આખા ઘરનો ઉપયોગ કરવાનું ભાડું ચૂકવું પડે, પણ અંદરના દરેક રૂમ માટે અલગ અલગ રકમ ચુકવવી ન પડે!

જાણીતી સોશિયલ નેટવર્કિંગ સર્વિસીઝમાંથી ફક્ત વોટ્સએપ એવી સર્વિસ છે, જે પહેલું એક વર્ષ મફત ઉપયોગ કરી શકાય છે અને પછી વર્ષે ૫૬ રૂપિયા જેટલું ભાડું આપવાનું થાય છે. આ વોટ્સએપ સ્માર્ટફોનમાં એક એપ તરીકે ડાઉનલોડ કરી શકીએ છીએ. તે સિવાય લગભગ બધી  સર્વિસ વપરાશકાર માટે બિલકુલ મફત છે.

બુકમાર્કિંગ શું છે?

સવાલ મોકલનારઃ ભરતભાઈ જયસ્વાલ

ઇન્ટરનેટ પર સર્ફિંગ દરમ્યાન ઘણી બધી વેબસાઈટ્સ એવી મળતી હોય છે જે આપણે વારંવાર જોવા ઈચ્છતા હોઈએ. મનગમતા શોખ વિશે માહિતી આપતી કે પછી પોતાના અભ્યાસ કે કારકિર્દીમાં ઉપયોગી જાણકારી આપતી આવી વેબસાઈટ્સનાં એડ્રેસ આપણે લાંબા સમય માટે સાચવી લેવા ઈચ્છતા હોઈએ તો તેનો એક સહેલો રસ્તો એ સાઈટ્સના બુકમાર્ક બનાવવાનો છે.

જેમ આપણે પુસ્તક વાંચતી વખતે કોઈ ચોક્કસ પાને અટક્યા હોઈએ અને બીજા દિવસે ફરીથી ત્યાંથી વાંચવાનું શરૂ કરવું હોય તો આપણે તેમાં બુકમાર્ક મૂકી દઈએ છીએ. બરાબર એ જ રીતે ઇન્ટરનેટ પરના બુકમાર્ક કામ કરતા હોય છે. મોટાભાગના લોકો બુકમાર્ક વિશે જાણતા હોવા છતાં તેનો પૂરતો લાભ લેતા નથી કે લઈ શકતા નથી. આપણે બુકમાર્ક વિશે જાણવા જેવી બધી માહિતી ફટાફટ જાણી લઈએ.

આજે મોટાભાગના લોકો જેનો ઉપયોગ કરતાં થયા છે તે ગૂગલ ક્રોમ બ્રાઉઝરને આધારે આપણે વાત કરીશું.

બુકમાર્ક કેવી રીતે નોંધી શકાય?

કોઈપણ વેબપેજનો બુકમાર્ક સાચવી લેવા માટે એડ્રેસબારમાં એ વેબપેજના એડ્રેસના જમણા છેડે આપેલા સ્ટાર પર ક્લિક કરો. એ સિવાય આપણે ક્રોમના સેટીંગ્સમાં જઈને બુકમાર્કસ અને તેમાં ‘બુકમાર્ક ધીસ પેજ’ પર ક્લિક કરીને પણ પેજ બુકમાર્ક કરી શકીએ છીએ.

જો સેટિંગ્સમાં આપણે બુકમાર્ક બાર ઈનેબલ રાખ્યો હોય તો યુઆરએલમાંના લોક કે પેજના આઈકનને માઉસથી બુકમાર્ક બાર પર ડ્રેગ કરીને પણ પેજને બુકમાર્ક કરી શકાય છે. આ સિવાય Ctri+D કી પ્રેસ કરીને પણ પેજ બુકમાર્ક કરી શકાય.

એન્ડ્રોઈડમાં બુકમાર્ક કેમ કરાય?

આપણાં એન્ડ્રોઈડ સાધનના વર્ઝન મુજબ સેટિંગ્સના આઈકન પર ક્લિક કરીને ક્રોમનું મેનૂ ઓપન કરો. તેમાં જોવા મળતા સ્ટાર પર ક્લિક કરતાં બુકમાર્ક સેવ કરવાનું મેનૂ ખુલે છે. અહીં જરૂરી લાગે તો બુકમાર્કનું નામ કે યુઆરએલ એડિટ કરીને બુકમાર્ક સેવ કરી શકાય છે. બુકમાર્કનો મોટો ફાયદો એ છે કે આપણે આપણા રસના વિષય કે પ્રોજેક્ટ અનુસાર જુદાં જુદાં ફોલ્ડર બનાવીને તેમાં બુકમાર્ક સેવ કરી શકીએ છીએ. આ વિકલ્પ પણ બુકમાર્ક સેવ કરતી વખતે મળે છે.

આ રીતે આપણે બુકમાર્ક સેવ તો કરી લઈએ પરંતુ આપણે સેવ કરેલા જુદા જુદા બુકમાર્ક જોવા હોય તો ક્યાં જોવા મળે તે પણ જાણી લઈએ.

કમ્પ્યુટરમાં બુકમાર્ક જોવા માટે

કમ્પ્યુટરમાં આપણે ત્રણ સ્થળે આપણા બુકમાર્ક જોઈ શકીએ છીએ.

બુકમાર્કસ બાર : સામાન્ય રીતે ક્રોમમાં બુકમાર્ક બાર બંધ હોય છે પરંતુ જ્યારે આપણે નવું ટેબ ઓપન કરીએ ત્યારે તેના પર તે જોવા મળે છે. જો આપણે બધાં પેજ પર બુકમાર્ક બાર જોવા ઈચ્છતા હોઈએ તો સેટિંગ્સમાં જઈને તેનું સેટિંગ્સ કરી શકાય છે.

બુકમાર્કસ મેનુ : સેટિંગ્સમાં બુકમાર્કસ પેનલમાં જતાં આપણને બુકમાર્કસ મેનુ જોવા મળે છે. અહીં આપણે સેવ કરેલા તમામ બુકમાર્ક જોઈ શકાય છે.

બુકમાર્કસ મેનેજર : સેટિંગ્સમાં બુકમાર્ક પેનલમાંથી આપણે બુકમાર્ક મેનેજરમાં જઈ શકીએ છીએ. અહીં આપણે જુદાં જુદાં ફોલ્ડરમાં સેવ કરેલા તમામ બુકમાર્કસ જોઈ શકાય છે અને તેની આપણી જરૂરિયાત અનુસાર યોગ્ય ગોઠવણી પણ કરી શકાય છે.

મોબાઈલમાં બુકમાર્ક જોવા માટે

અહીં પણ ક્રોમના મેનુમાં બુકમાર્કસ પેનલમાં જઈને આપણે સેવ કરેલા મોબાઈલ બુકમાર્કસ જોઈ શકીએ છીએ. અહીં જે તે બુકમાર્ક પર ક્લિક કરીને આપણે તે વેબપેજ ફરી ઓપન કરી શકીએ છીએ. આપણા મોબાઈલમાં આપણે ડેસ્કટોપ પર સેવ કરેલા બુકમાર્કસ પણ જોઈ શકીએ છીએ એ માટે મેનુમાંથી બુકમાર્કસમાં ગયા પછી ડાબા છેડે ગ્રે કલરમાં જોવા મળતા બુકમાર્કસ પર ક્લિક કરતાં આપણને ડેસ્કટોપ, અન્ય અને મોબાઈલ બુકમાર્કસના ફોલ્ડર જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!