સવાલ લખી મોકલનારઃ ફૈયાઝ શેખ, અમદાવાદ
ફૈયાઝભાઈનો મૂળ સવાલ જરા લાંબો છે “મેં x@gmail.com નામે ગૂગલ એકાઉન્ટ ઓપન કર્યું. તેમાં લોગ-ઇન કરીને જીમેઇલ વગેરેનો ઉપયોગ કર્યો. તે પછી ફોન તથા પીસીમાં y@gmail.com નામે એકાઉન્ટ ઓપન કર્યું. તેમાં લોગ-ઇન કરતાં, x@gmail.com ઉપર લોગ-ઇન થઈને જીમેઇલ વગેરે ઓપન થાય છે. ફોન તથા પીસીમાં આપણી ઇચ્છા મુજબ એક્સ કે વાય એકાઉન્ટમાં કઈ રીતે લોગ-ઇન કરી શકાય?
આ સવાલ ખરેખર લાંબો નહીં, પણ અટપટો લાગ્યો હશે. તેમાં વાંક ફૈયાઝભાઈનો નહીં, પણ નવી ટેકનોલોજી અને આપણી નવી નવી જરૂરિયાતોનો છે!
ખરેખર આવી મૂંઝવણ અનેક લોકોની હોય છે, હવે મોટા ભાગના લોકો એકથી વધુ ઈ-મેઇલ ધરાવતા હોય છે. ફક્ત જીમેઇલમાં પણ અંગત ઉપયોગ માટે અને કામકાજ સંબંધિત ઉપયોગ માટે અલગ અલગ ઈ-મેઇલ એકાઉન્ટ હોય એવું બની શકે છે.
આપણે એટલું તો જાણીએ જ છીએ કે આપણે જીમેઇલ કે તેના જેવી ગૂગલની બીજી કોઈ પણ સર્વિસમાં માટે નવું એકાઉન્ટ ક્રિએટ કરીએ તે વાસ્તવમાં ગૂગલ એકાઉન્ટ હોય છે, એટલે કે તે ગૂગલની અલગ અલગ સર્વિસમાં એ જ યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન કરી શકાય છે.
પરંતુ તકલીફ ત્યારે શરૂ થાય જ્યારે આપણે એકથી વધુ ગૂગલ એકાઉન્ટ ધરાવતા હોઈએ. આ તકલીફ ત્યારે હજી વધે, જ્યારે આપણે એક કરતાં વધુ સાધનો – જેમ કે પીસી ઉપરાંત મોબાઇલ કે ટેબલેટમાં તેમનો ઉપયોગ કરવા માગીએ. એ માટે આપણે પીસી અને મોબાઇલ બંનેમાં જીમેઇલનું મલ્ટીપલ સાઇન-ઇન કેવી રીતે કામ કરે છે તે સમજવું પડે.
આપણા સૌ કોઈ માટે બે પ્રકારની સ્થિતિ હોઈ શકે છે :
- વ્યક્તિ એક અને તેના યૂઝર એકાઉન્ટ અલગ અલગ
- સાધન એક અને તેનો ઉપયોગ કરનારા અલગ અલગ લોકો
આ બંને સ્થિતિ મુજબ, પીસી અને મોબાઇલ બંનેમાં જીમેઇલ (કે ગૂગલ એકાઉન્ટ) માટેનું મલ્ટીપલ સાઇન-ઇન જુદા જુદા વિચાર પ્રમાણે કામ કરે છે :
- પીસી માટે, ગૂગલ એવું વિચારે છે કે કોઈ એક જ વ્યક્તિ ઉપયોગ કરતી હોય અથવા પરિવારના કે ઓફિસના અલગ અલગ લોકો ઉપયોગ કરતા હોય એવું બની શકે છે.
- મોબાઇલ માટે, ગૂગલ એવું વિચારે છે કે એક મોબાઇલનો એક જ વ્યક્તિ ઉપયોગ કરતી હોય (હવે એમાં થોડો ફેરફાર આવતો જાય છે, પણ એની વાત આગળ ઉપર).
આપણે આ બધી સ્થિતિમાં, જીમેઇલ કેવી રીતે વર્તે છે તે સમજીએ.
પીસી પરની સ્થિતિ
જો એક પરિવારના લોકો એક જ પીસીનો ઉપયોગ કરતા હોય તો એક વ્યક્તિ ગૂગલ ક્રોમ ખોલી તેમાં જીમેઇલમાં લોગ-ઇન થઈ, પોતાનું કામ પતાવી લોગ-આઉટ થઈ શકે છે. પછી બીજી વ્યક્તિ એ જ રીતે પોતાનું કામ કરી શકે છે.
પરંતુ જ્યારે એક જ વ્યક્તિ પોતાના ઘર માટે જીમેઇલ એકાઉન્ટમાં લોગ-ઇન થઈને કામ કરતા હોય અને પછી વચ્ચે ઓફિસ માટેના એકાઉન્ટમાં પણ લોગ-ઇન થવા ઈચ્છે તો તેમણે પહેલા એકાઉન્ટમાંથી લોગ-ઇન થવું પડતું નથી.
આપણે એક એકાઉન્ટમાં લોગ-ઇન હો ત્યારે સ્ક્રીન પર જમણી તરફ, તમારા પ્રોફાઇલ ફોટો કે ઈ-મેઇલ એડ્રેસ પર ક્લિક કરી, જે વિન્ડો ખૂલે તેમાં ‘એડ એકાઉન્ટ’ પર ક્લિક કરો એટલે નવી વિન્ડોમાં, એ બીજા એકાઉન્ટમાં લોગ-ઇન થવા માટેના વિકલ્પો ખૂલે.

અહીં પરિવારના જુદા જુદા લોકો એ જ પીસીમાં, એ જ બ્રાઉઝરમાં જીમેઇલનો ઉપયોગ કરતા હોય તો એ બધાંનાં એકાઉન્ટ પણ દેખાય ખરાં, પણ આપણે તેમનો પાસવર્ડ જાણતા ન હોઈએ તો તેમાં લોગ-ઇન થઈ શકીએ નહીં. આપણે આપણા કામકાજના એકાઉન્ટનો પાસવર્ડ નાખીને તેમાં લોગ-ઇન થઈ શકીએ.
હવે બંને ટેબમાં બે જુદાં જુદાં યૂઝર એકાઉન્ટ ઓપન રહેશે, જેમાં આપણે ઇચ્છીએ તે કરી શકીશું. બંનેનાં સેટિંગ્સ, કોન્ટેક્ટ્સ વગેરે અલગ અલગ જ રહે છે. તમે ઘર અને કામકાજના ઈ-મેઇલ માટે અલગ અલગ પ્રોફાઇલ પિક્ચર પસંદ કરી લો અથવા સેટિંગ્સમાં જઈને થીમ જ અલગ અલગ પસંદ કરી લેશો તો પહેલી નજરે કયું એકાઉન્ટ ઘરનું અને કયું ઓફિસનું તે ખબર પડી જશે.
આમ, પીસી પર, એક જ બ્રાઉઝરમાં એક વ્યક્તિ સહેલાઈથી એકથી વધુ એકાઉન્ટમાં લોગ-ઇન થઈ શકે છે, અથવા જુદી જુદી વ્યક્તિ જુદા જુદા એકાઉન્ટમાં લોગ-ઇન થઈ શકે છે અને બધું અલગ જ રહે છે.
એટલું નોંધવા જેવું ખરું કે એડવર્ડ્સ, એનાલિટિક્સ, બ્લોગર, પિકાસા વગેરે સર્વિસમાં મલ્ટીપલ લોગ-ઇન કામ કરતું નથી, તેમાં આપણે સૌથી પહેલાં જે એકાઉન્ટમાં સાઇન-ઇન કર્યું હોય તેનો જ ઉપયોગ થઈ શકશે.
એ પણ નોંધશો કે તમે ઘર અને ઓફિસના એકાઉન્ટમાં લોગ-ઇન થયા હો, પછી ગમે તે એકમાં લોગ-આઉટ થશો તો એક સાથે બંનેમાંથી લોગ-આઉટ થઈ જશો.
મોબાઇલ પરની સ્થિતિ
હવે ફૈયાઝભાઈના સવાલનો જવાબ આવે છે! મોબાઈલ પર, જો બ્રાઉઝરમાં જઈને તમે જીમેઇલમાં લોગ-ઇન થાવ તો પીસીની જેમ જ તેમાં બીજું એકાઉન્ટ ઉમેરી શકાય, પણ જો તમે જીમેઇલ એપનો ઉપયોગ કરતા હો તો વાત જુદો વળાંક લે છે.
એન્ડ્રોઇડ ફોનની વાત કરીએ તો સામાન્ય રીતે, આપણે મોબાઇલમાં સેટિંગ્સમાં કોઈ પણ એક ગૂગલ એકાઉન્ટથી સાઇન-થઈને જીમેઇલ, કેલેન્ડર વગેરે એપનો ઉપયોગ કરતા હોઈએ છીએ.
પરંતુ એન્ડ્રોઇડમાં આપણે એકથી વધુ એકાઉન્ટ ઉમેરી શકીએ છીએ. ખરેખર તો એકથી વધુ એકાઉન્ટ ધરાવતા લોકો માટે આ કામની સુવિધા છે.
આ રીતે સ્માર્ટફોનમાં આપણે એકથી વધુ એકાઉન્ટ ઉમેર્યા પછી જીમેઇલ એપમાં જઈએ તો એક જ એપમાં, એક સાથે જુદાં જુદાં એકાઉન્ટ સિલેક્ટ કરી, તેમાંના મેઇલ્સ ચેક કરી શકીએ છીએ. આ વર્ષે માર્ચ મહિનામાં, ગૂગલે આ કામ વધુ સહેલું કરીને, તેમાં ‘યુનિફાઇડ ઇનબોક્સ’ ઉમેર્યું છે, જેથી આપણે ‘ઓલ ઇનબોક્સીસ’ પર ક્લિક કરીને, બધાં એકાઉન્ટના મેઇલ્સ એક સાથે જોઈ શકીએ છીએ!
મોબાઇલની મુશ્કેલી એ છે કે તેમાં જુદાં જુદાં એકાઉન્ટ ઉમેરતી વખતે આપણે મેઇલ્સ, કેલેન્ડર, કોન્ટેક્ટ્સ વગેરે બધું સિન્ક કરવાના વિકલ્પો પસંદ કર્યા હોય તો એક મોબાઇલ સાધનમાં આપણા બધાં એકાઉન્ટની વધી વિગતોની ભેળસેળ થઈ જાય છે! જેમ કે કોન્ટેક્ટ્સ. જો આપણે એક જ વ્યક્તિની કોન્ટેક્ટ ડિટેઇલ બંને એકાઉન્ટમાં સેવ કરી હોય તો મોબાઇલમાં તે બંને દેખાશે (જોકે હવે સિસ્ટમ તેને મર્જ કરી લે છે). આપણે ઇચ્છીએ તો આ બધું અલગ અલગ જોઈ શકીએ છીએ, પણ તેને માટે ફરીથી પાસવર્ડ આપવો પડતો નથી.
તેનો એક અર્થ એવો થયો કે પરિવારની બે વ્યક્તિ એક જ સ્માર્ટફોનનો ઉપયોગ કરતી હોય તો બંને એકબીજાની બધી માહિતી જોઈ શકે!
મોબાઇલમાં ડેટાની ભેળસેળ ન કરવી હોય તો…
મોબાઇલમાં પણ પીસીની જેમ અલગ અલગ વ્યક્તિ પોતપોતાની માહિતી અલગ રાખી શકે એવા ઉપાય ઉપલબ્ધ થવા લાગ્યા છે.
વિન્ડોઝ ૮ અને વિન્ડોઝ આરટી ટેબલેટ્સ તથા એમેઝોન કિન્ડલ ફાયર ટેબલેટમાં મલ્ટીપલ યૂઝર એકાઉન્ટની સુવિધા છે. આઇઓએસ ડિવાઇસમાં હવે ઉમેરાય તેવી શક્યતા છે.
એન્ડ્રોઇડમાં ૪.૨ વર્ઝનથી આ સુવિધા ઉમેરાઈ છે, પણ બધા મેન્યુફેક્ચરર એન્ડ્રોઇડને કસ્ટમાઇઝ કરતા હોવાથી ઘણા મોડેલમાં આ સુવિધા મળતી નથી. લોલિપોપ વર્ઝનથી આ સુવિધા હજી વધુ સારી બની છે. તમારા ડિવાઇસમાં, સેટિંગ્સમાં જો ‘યૂઝર્સ’ વિકલ્પ દેખાય તો તમે પરિવારના જુદા જુદા સભ્યો માટે જુદા યૂઝર એકાઉન્ટ ઓપન કરી, દરેક માટે અલગ અલગ એપ સેટ કરી શકો છો અને દરેક વ્યક્તિ પોતાના પાસવર્ડથી લોગ-ઇન થઈને પોતાની એપ્સ અને બીજું બધું એક્સેસ કરી શકે છે.
આ સુવિધા ન હોય, ત્યાં સુધી જીમેઇલ એપમાં એકથી વધુ એકાઉન્ટના મેઇલ્સ એક સાથે જ દેખાશે!


