સવાલ લખી મોકલનાર – પિંકલ પટેલ, અમદાવાદ
ગૂગલ એકાઉન્ટ કોઈપણ વ્યક્તિ માટે છે, જે આપણે બિલકુલ મફતમાં ખોલાવી શકીએ છીએ અને પછી ગૂગલની એક ફ્રી સર્વિસનો લાભ લઈ શકીએ છીએ. ગૂગલ એપ્સ (આખું નામ : ગૂગલ એપ્સ ફોર વર્ક) તેના નામ પ્રમાણે બિઝનેસ (કે અન્ય પ્રકારની સંસ્થાઓ) માટે છે.
ઉદાહરણની વાત કરીએ તો, yourname@gmail.com એ ગૂગલ એકાઉન્ટ દર્શાવે છે, પણ જો તમે ગૂગલ એપ્સનો લાભ લો તો yourname@yourcompany.com એવું આઇડી મેળવી શકો છો.
૨૦૦૪માં જીમેઇલની રજૂઆત પછી, ગૂગલને લાગ્યું કે કોલેજ કે સ્કૂલમાં બધા વિર્દ્યાીઓને એક સરખું ઈ-મેઇલ એડ્રેસ આપી શકાય તો તેમની વચ્ચે કામનું કોલાબોરેશન વધુ સારી રીતે થઈ શકે. આથી ૨૦૦૬માં એક કોલેજના વિદ્યાર્થીઓ માટેનાં જીમેઇલ એડ્રેસ અને કોલેજના ડોમેઇન પર હોસ્ટ કરવાનો પ્રયોગ થયો, જેમ કે student@jaguars.sjcc.edu. તેમાં સફળતા મળતાં ગૂગલે કોઈ પણ શિક્ષણ સંસ્થા કે અન્ય પ્રકારની કંપનીઓ તેમના ડોમેઇન સાથે ગૂગલ એકાઉન્ટ ખોલાવી શકે એવી સગવડ આપી, જે શરુઆતમાં ગૂગલ એપ્સ ફોર બિઝનેસ તરીકે ઓળખાઈ.
આ સગવડનો લાભ લઈને કોઈ પણ કંપની પોતાના કર્મચારીઓ કે વિભાગ માટે એકાઉન્ટ ખોલાવી શકે, જેમ કે himanshu@duplics.cybersafar.in, support@duplics.cybersafar.in વગેરે. વ્યક્તિગત ફ્રી ગૂગલ એકાઉન્ટનું વ્યવસ્થાપન ગૂગલ પોતે કરે છે, જ્યારે ગૂગલ એપ્સનાં એકાઉન્ટ્સનું વ્યવસ્થાપન તે કંપનીના એડમિનિસ્ટ્રેટર કરી શકે છે. તે નક્કી કરી શકે છે કે કંપનીના એકાઉન્ટ ધારકે ગૂગલની કઈ સર્વિસનો લાભ આપવો. આવા એકાઉન્ટની કંપનીના તમામ કર્મચારીઓ વચ્ચે કામનું સંકલન અને આદાન-પ્રદાન સહેલું બને છે.
આવા એકાઉન્ટમાં પણ ગૂગલની વિવિધ સર્વિસનો લગભગ સૌ કોઈ જેવો લાભ મળે છે, પણ કંપનીઓ જરુરિયાત મુજબ તેમાં નાના-મોટા ફેરફાર કરી શકે છે, જેમ કે જીમેઇલમાં ગૂગલના લોગોને બદલે કંપનીનો લોગો મૂકવાથી માંડીને બીજા મોટા ફેરફારો. ગૂગલ એપ્સમાં કંપની ૨૫ જેટલા યુઝર ક્રિએટ કરી શકાય અને એ દરેકને ૨૫ જીબી સ્ટોરેજ ફ્રી મળતી હતી.
ડિસેમ્બર ૨૦૧૨ સુધી આ સર્વિસ ફ્રી હતી, પછી ગૂગલે તેેને પેઈડ સર્વિસ બનાવી છે. અગાઉ જેમણે ફ્રી સર્વિસનો લાભ લીધો હોય તેમની સર્વિસ કોઈ ફ્રી જ ચાલુ રાખવામાં આવી છે. શિક્ષણ સંસ્થાઓ માટે ગૂગલે આ સર્વિસ હજી પણ ફ્રી રાખી છે (એ વિશે જાન્યુઆરી ૨૦૧૪ અંકમાં સંપૂર્ણ માહિતી છે)
