(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

બુકમાર્કલેટ શું છે? તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય?

સવાલ લખી મોકલનારઃ સુનિલ મકવાણા

આગળ શું વાંચશો?

  • પાવરયુઝર શું છે? પાવરયુઝર કેવી રીતે બની શકાય?

એકદમ ટૂંકમાં કહેવું હોય તો કહી શકાય કે બુકમાર્કલેટ એટલે સામાન્ય રીતે જાવાસ્ક્રીપ્ટમાં લખાયેલા એકદમ ટચૂકડા પ્રોગ્રામ્સ, જેને આપણે આપણા બ્રાઉઝરના બુકમાર્ક બારમાં ઉમેરી શકીએ અને કોઈ પણ વેબપેજ પરથી કોઈ ચોક્કસ પગલું લેવું હોય તો આ બુકમાર્કલેટને ફક્ત એક ક્લિકનો આદેશ આપવો પડે.

ક્રોમ, ફાયરફોક્સ, ઓપેરા અને સફારી જેવા સામાન્ય બધા બ્રાઉઝર્સમાં બુકમાર્કલેટ્સનો ઉપયોગ કરી શકાય છે, ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં તેને ઓછો સપોર્ટ મળે છે.

જેમ આપણે બ્રાઉઝરમાં જુદાં જુદાં એક્સટેન્શન્સ ઉમેરીને બ્રાઉઝરમાં જુદી જુદી સુવિધા ઉમેરી શકીએ છીએ, કંઈક એવી જ સગવડ આ બુકમાર્કલેટ પણ આપે છે.

આ બુકમાર્કલેટની સાદા શબ્દોમાં કહેવાયેલી પણ અંતે તો ટેકનિકલ અને ગૂંચવાડો ઊભો કરે એવી વ્યાખ્યા થઈ!

આપણે સાવ સાદા ઉદાહરણથી બુકમાર્કલેટની ખૂબી સમજીએ.

ધારો કે તમે કોઈ વેબસાઇટ પર ગયા અને એ પેજની માહિતી તમને ગમી, તમે ફેસબુક પર તમારા મિત્રો સાથે એને શેર કરવા માગો છો, તો શું કરશો? સામાન્ય રીતે, હવે મોટા ભાગની વેબસાઇટ પર વિવિધ લેખ સાથે આવાં સોશિયલ શેરિંગનાં બટન હોય છે, પણ ધારો કે આપણને જે વેબપેજ ગમ્યું, તેના પર આવું ફેસબુક પર શેરિંગનું બટન નથી, તો?

એક રસ્તો, જે તે પેજનું યુઆરએલ કોપી કરી, બીજી ટેબમાં ફેસબુકમાં લોગ-ઇન થઈ, ત્યાં પેલું યુઆરએલ પેસ્ટ કરી, આપણો અભિપ્રાય ઉમેરીને સ્ટેટસ અપડેટ કરવાનો છે.

બીજો સહેલો રસ્તો, બુકમાર્કલેટનો ઉપયોગ કરવાનો છે.

જો આપણે આપણા બ્રાઉઝરના બુકમાર્ક બારમાં ‘શેર ઓન ફેસબુક’ પ્રકારની બુકમાર્કલેટ ઇન્સ્ટોલ કરી હોય તો તે આપણને કામ લાગે. આપણે જે તે વેબપેજ પર હોઈએ ત્યારે આ બુકમાર્કલેટ પર ક્લિક કરવાનું, એટલે તેમાં લખેલા જાવાસ્ક્રિપ્ટ કોડ મુજબ, એક નાનકડી વિન્ડો ખૂલે, જેમાં આપણે ફેસબુક પર લોગ-ઇન ન હોઈએ તો લોગ-ઇન થવા કહેવામાં આવે અને ફેસબુકની ‘શેર ઓન ફેસબુક’ સગવડ મુજબ, પેલા વેબબેજ પરની કોઈ ઇમેજ અને તેની લિંક સાથે એ પેજ શેર કરવાની સામગ્રી તૈયાર હોય, આપણે આપણો કોઈ અભિપ્રાય ઉમેરીને એ પોસ્ટ ફેસબુક પર અપડેટ કરી શકીએ.


ટૂંકમાં ઇન્ટરનેટ પરની વિવિધ સર્વિસને લગતી જુદી જુદી સુવિધાઓ ઉમેરવા માટે, જે તે સર્વિસ દ્વારા જ બુકમાર્કલેટની સગવડ આપવામાં આવે છે. આપણે ‘સાયબરસફર’ના જાન્યુઆરી ૨૦૧૪ના અંકમાં ‘પોકેટ’ નામની એક અત્યંત ઉપયોગી સર્વિસ વિશે કવર સ્ટોરી આપી હતી. ઇન્ટરનેટ પર સર્ફિંગ કરતી વખતે આપણને જે વેબપેજ ભવિષ્યમાં ઉપયોગી અને શાંતિથી વાંચવા જેવાં લાગે તેને પોકેટમાં સાચવી લઈ શકાય. આ પેજ પોકેટમાં સાચવવા માટે, પોકેટ સર્વિસ તરફથી બુકમાર્કલેટની સગવડ આપવામાં આવે છે.

કોઈ પણ બુકમાર્કલેટ ઇન્સ્ટોલ કરવાનું એકદમ સહેલું છે. આપણા બ્રાઉઝરના સેટિંગમાં જઈને ‘શો બુકમાર્ક બાર’નો ઓપ્શન ઇનેબલ કરવાનો અને જ્યારે પણ પોકેટ જેવી કોઈ સર્વિસ માટેની બુકમાર્કલેટ નજરે ચઢે ત્યારે તેને માઉસથી ડ્રેગ કરીને બ્રાઉઝરના બુકમાર્ક બારમાં ડ્રોપ કરી દેવાની – કામ પૂરું!

હવે સવાલ રહ્યો આપણને ઉપયોગી થાય તેવી વિવિધ બુકમાર્ક શોધવાનો. સામાન્ય રીતે જે તે સર્વિસ પોતે જ પોતાની ઉપયોગીતા અને વ્યાપ વધારવા માટે આવી બુકમાર્કલેટ તૈયાર કરીને યુઝર્સને ઉપયોગ માટે ઓફર કરતી હોય છે. જેમ કે, પોકેટ સર્વિસના ઓપ્શન્સ સેક્શનમાં જઈએ એટલે જુદાં જુદાં વેબપેજીસ પોકેટમાં કેવી રીતે સેવ કરી શકાય એ સમજાવતું ‘હાઉ ટુ સેવ’ પેજ જોવા મળે. તેમાં એ વિકલ્પરૂપે આ બુકમાર્કલેટ પણ મળે.

આગળ ઉદાહરણ આપ્યું તે મુજબ, તમે કોઈ પણ વેબપેજને ફેસબુકમાં શેર કરવા માટેની બુકમાર્કલેટ શોધતા હો તો ‘બુકમાર્કલેટ ફોર ફેસબુક’ સર્ચ કરી જુઓ, તમે ફેસબુક તરફથી ઓફિશિયલી આપવામાં આવતી બુકમાર્કલેટ ઇન્સ્ટોલ કરવાના પેજ સુધી પહોંચશો (અથવા ડાયરેક્ટ પહોંચો આ પેજ પર : https://apps.facebook.com/share_options.php)

યાદ રહે, બુકમાર્કલેટ બ્રાઉઝરમાં વધારાની સુવિધા ઉમેરે છે અને જાવાસ્ક્રિપ્ટની જાણકાર કોઈ પણ વ્યક્તિ જુદી જુદી સર્વિસમાં વધારાની સુવિધા ઉમેરતી બુકમાર્કલેટ બનાવી શકે છે. જેમ કે તમે કોઈ પણ વેબપેજને જીમેઇલ દ્વારા કોઈ સાથે શેર કરવા માગતા હો તો તેને લગતી બુકમાર્કલેટ મળી આવશે (જેને ક્લિક કરતાં, નવી વિન્ડોમાં જીમેઇલનું કમ્પોઝ બોક્સ ખૂલે, જેમાં એ પેજનું યુઆરએલ પેસ્ટ થયેલું હોય), પરંતુ આ બુકમાર્કલેટ જીમેઇલ દ્વારા જ ડેવલપ થયેલી હોય એવું જરૂરી નથી.

બુકમાર્કલેટ ઘણો વિશાળ વિષય છે, આપણે આગામી અંકોમાં એની હજી વધુ વિગતવાર વાત કરીશું.


પાવરયુઝર શું છે? પાવરયુઝર કેવી રીતે બની શકાય?

સવાલ લખી મોકલનારઃ સુનિલ મકવાણા

સામાન્ય રીતે આપણે એક અંકમાં એક જ વાચકના બે પ્રશ્નો સમાવતા નથી, પણ સુનિલભાઈના પહેલા પ્રશ્નના જવાબમાં જ તેમના બીજા પ્રશ્નનો જવાબ સમાયેલો છે. પાવર યુઝર એટલે બીજું કશું નહીં, કોઈ પણ સોફ્ટવેર કે વેબસર્વિસનો પૂરેપૂરો ઉપયોગ જે કરી શકે તે વ્યક્તિ એ સોફ્ટવેર કે સર્વિસની પાવરયુઝર કહેવાય.

તમે પોકેટ સર્વિસનો ઉપયોગ કરતા હો અને બુકમાર્કલેટનો પણ ઉપયોગ કરતા હો તમે તેના પાવરયુઝર ગણાઈ શકો. જીમેઇલની સાથે લેબલ્સ, ફિલ્ટર વગેરે સુવિધા પણ જાણતા હો તો તમે જીમેઇલના પાવર યુઝર ગણાવ.

‘સાયબરસફર’ના દરેક લેખ, વાચકોને જુદી જુદી સર્વિસના પાવરયુઝર બનાવવાના ધ્યેયથી લખાય છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!