(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સમજી લઈએ પ્રિન્ટરની ખરીદી સાથે સંકળાયેલા આ શબ્દો…

આગળ શું વાંચશો?

  • રેઝોલ્યુશન/ડીપીઆઇ
  • પ્રિન્ટિંગ સ્પીડ
  • કનેક્શન ટાઇપ
  • ડુપ્લેક્સિંગ
  • મંથલી ડ્યુટી સાઇકલ
  • ઇન્ટર્નલ મેમરી
  • મેમરી કાર્ડ સ્લોટ
  • મોબાઇલ પ્રિન્ટિંગ

 રેઝોલ્યુશન/ડીપીઆઇ

ટીવી કે સ્માર્ટફોનના સ્ક્રીન માટે જેમ પિક્સેલ-પર-ઇંચ (પીપીઆઇ) મહત્વના છે, તેમ પ્રિન્ટરમાં ડીપીઆઇનો અર્થ જાણી લેવો જરૂરી છે. ડીપીઆઇ એટલે ડોટ-પર-ઇંચ. તે બતાવે છે કે જે તે પ્રિન્ટર એક ચોરસ ઇંચ ભાગમાં કેટલી સંખ્યામાં ડોટ્સથી પ્રિન્ટિંગ થઈ શકે છે. જોકે હવે પ્રિન્ટિંગ ટેક્નોલોજી એટલી વિકસી છે કે તમે ડીપીઆઇ તરફ બહુ ધ્યાન ન આપો તો ચાલે.

કોઈ ડોક્યુમેન્ટનો પ્રૂફિંગ માટે સાદો ડ્રાફ્ટ કાઢવો હોય તો તેની પ્રિન્ટ ૧૫૦ ડીપીઆઇમાં કાઢી શકાય અને સ્પષ્ટ લખાણ મેળવવું હોય તો ૩૦૦ ડીપીઆઇ પૂરતા છે. હવે મોટા ભાગનાં, પ્રાથમિક લેસર પ્રિન્ટરમાં પણ ૩૦૦થી ૬૦૦ ડીપીઆઇમાં પ્રિન્ટિંગની સુવિધા હોય છે. ઊંચા બજેટના પ્રિન્ટરમાં ૧૦૦૦ ડીપીઆઇ અને એલઇડી પ્રિન્ટરમાં ૨૦૦૦ સુધીના ડીપીઆઇમાં પણ પ્રિન્ટ મેળવી શકાય છે.

પ્રિન્ટિંગ સ્પીડ

પ્રિન્ટરની સ્પીડ પીપીએમ (પેજીસ પર મિનિટ), સીપીએમ (કેરેક્ટર્સ પર મિનિટ) અને આઇપીએમ (ઇમેજીસ પર મિનિટ) જેવી જુદી જુદી રીતે દર્શાવવામાં આવે છે. ઇન્કજેટ પ્રિન્ટર અને લેસર પ્રિન્ટરના પીપીએમ સરખાવીએ તો લેસર પ્રિન્ટરની લોકપ્રિયતા કેમ વધી રહી છે તે સમજી શકાય. ઘણી કંપનીઓ પોતાનાં ઇન્કજેટ પ્રિન્ટર પણ ઝડપી છે એવું બતાવવા માટે પીપીએમ માટે મોટો આંકડો લખીને પછી ઝીણા અક્ષરે લખતી હોય છે કે આ પીપીએમ ડ્રાફ્ટ પ્રિન્ટિંગ ક્વોલિટી માટે છે, એટલે કે ૧૫૦ ડીપીઆઇમાં પ્રિન્ટિંગ માટે! આપણે સામાન્ય રીતે ૩૦૦ ડીપીઆઇમાં જ પ્રિન્ટ કાઢવાની હોય એટલે કંપનીના દાવા કરતાં અડધી જ ઝડપે પ્રિન્ટ નીકળશે એ સમજી લેવાનું. ઉપરાંત મોટરસાઇકલ કે કારના માઇલેજની જેમ પ્રિન્ટિંગ સ્પીડ ઘણી બાબતો પર આધાર રાખતી હોવાથી કંપનીના દાવા કરતાં આપણને ઓછી ઝડપ મળે એવું બની શકે છે.

કનેક્શન ટાઇપ

એક સમય એવો હતો જ્યારે પ્રિન્ટર્સને સિરિયલ કે પેરેલલ પ્રકારના પોર્ટથી કમ્પ્યુટર સાથે જોડવા પડતાં હતાં. હવે યુએસબી કનેક્શનનો જમાનો છે. લેસર અને એલઇડી પ્રકારનાં પ્રિન્ટરમાં નેટવર્ક કનેક્શન માટેનો સ્લોટ પણ હોય છે, જેનાથી પ્રિન્ટરને ડાયરેક્ટ નેટવર્કમાં કનેક્ટ કરી શકાય છે. આધુનિક પ્રિન્ટર્સમાં વાઇ-ફાઇની પણ બિલ્ટ-ઇન સુવિધા હોય છે. આપણા પ્રિન્ટરને કમ્પ્યુટરની બાજુમાં રાખવાને બદલે બીજે ક્યાંય મૂકવું હોય તો નેટવર્ક કનેક્શન કે વાઇ-ફાઇ સુવિધા ખાસ ઉપયોગી થશે. ઉપરાંત આ રીતે કનેક્ટેડ પ્રિન્ટર પર પીસી, લેપટોપ, મોબાઇલ કે ટેબલેટ વગેરેમાંથી પ્રિન્ટ કાઢવી પણ એકદમ સરળ છે.

ડુપ્લેક્સિંગ

તમારે કાગળની બંને બાજુએ પ્રિન્ટ કાઢવાની જરૂર રહે છે, તો તમારે ડુપ્લેક્સિગંની સુવિધાવાળું પ્રિન્ટર લેવાનું વિચારવું જોઈએ. આવી સુવિધા વિનાના પ્રિન્ટરમાં આપણે એક બાજુ પ્રિન્ટ નીકળી જાય તે પછી, તેની પાછળની બાજુએ પ્રિન્ટ મેળવવા કાગળને યોગ્ય રીતે ફેરવીને ફરી પેપર ટ્રેમાં મૂકવો પડે છે. આમાં ‘યોગ્ય રીતે’ શબ્દ બહુ મહત્વનો છે કેમ કે તેમાં લોચો મારીએ તો કાગળની બંને બાજુએ ઊંધું-ચત્તું લખાણ પ્રિન્ટ થાય! ડુપ્લેક્સિગંની સુવિધાવાળા પ્રિન્ટરમાં આવી મગજમારી રહેતી નથી.

મંથલી ડ્યુટી સાઇકલ

પ્રિન્ટર ખરીદવા જઈએ ત્યારે આ મુદ્દો ખાસ ધ્યાનમાં લેવા જેવો છે. ઘણાં ખરાં પ્રિન્ટરનાં સ્પેસિફિકેશન્સમાં, મંથલી ડ્યુટી સાઇકલ લખી હોય છે. જેમ કે, કોઈ પ્રિન્ટર માટે ૧૦૦૦ પેજીસ પર મંથની ડ્યુટી સાઇકલ લખી હોય તો તેનો અર્થ એ થયો કે એ પ્રિન્ટર એક મહિનામાં વધુમાં વધુ ૧૦૦૦ પેજ કોઈ તકલીફ વિના પ્રિન્ટ કરી શકશે, એથી આગળ એના પર ભરોસો રાખશો નહીં!

ઇન્ટર્નલ મેમરી

પ્રિન્ટરમાં પણ ઇન્ટર્નલ મેમરી હોય એ જાણીને જ આપણને નવાઈ લાગે! સામાન્ય વપરાશના ઘરગથ્થુ પ્રિન્ટરમાં તદ્દન નજીવી મેમરી હોય છે, જ્યારે લેસર પ્રિન્ટર્સમાં ૧૨૮થી ૫૧૨ એમબી જેટલી મેમરી હોય છે. મલ્ટી-ફંક્શન કે નેટવર્ક/વાઇ-ફાઇવાળાં પ્રિન્ટરમાં સામાન્ય રીતે વધુ મેમરી હોય છે કેમ કે તેમને સ્કેનિંગ જેવું વધારાનું કામ તથા નેટવર્કમાંથી આવતા જુદા જુદા પ્રિન્ટિંગ જોબને સંભાળવાનું કામ કરવાનું હોય છે.

મેમરી કાર્ડ સ્લોટ

હવે ઘણાં પ્રિન્ટરમાં મેમરી કાર્ડનો સ્લોટ પણ હોય છે, જેને કારણે કેમેરા કે સ્માર્ટફોનમાંથી પ્રિન્ટ મેળવવી હોય તો તેમાંથી મેમરી કાર્ડ કાઢી ડાયરેક્ટ પ્રિન્ટરમાં નાખીને પ્રિન્ટ મેળવી શકાય છે. કેટલાંક પ્રિન્ટરમાં જુદા જુદા પ્રકારનાં કાર્ડ રીડ કરી શકાય એવી સગવડ હોય છે, જ્યારે કેટલાંકમાં ફક્ત, વધુ લોકપ્રિય એવું એસડી કાર્ડ નાખવાની સુવિધા હોય છે.

મોબાઇલ પ્રિન્ટિંગ

જેમ જેમ મોબાઇલ સાધનોનો ઉપયોગ વધતો  ગયો છે તેમ તેમ આવાં સાધનોમાંથી પ્રિન્ટ મેળવવાની જ‚રિયાત પણ વધતી ગઈ છે. મોબાઇલ પ્રિન્ટિંગ કે ક્લાઉડ પ્રિન્ટિંગ આ જરૂરિયાતનો જવાબ છે. એપલ કંપની ‘એરપ્લે સર્વિસ’ દ્વારા અને ગૂગલ ‘ક્લાઉડ પ્રિન્ટ સર્વિસ’ દ્વારા આવી સુવિધા આપે છે. પરંપરાગત પ્રિન્ટર લેપટોપ કે પીસી સાથે કનેક્ટ હોય છે અને આપણે તેને ગૂગલ ક્રોમની એક સુવિધાની મદદથી, ગૂગલ પ્રિન્ટ ક્લાઉડ સાથે કનેક્ટ કરી શકીએ છીએ. જ્યારે ઘણાં પ્રિન્ટર્સ ક્લાઉડ રેડી હોય છે, જે પીસી કે લેપટોપની મદદ વિના સીધાં ઇન્ટરનેટ સાથે કનેક્ટ થાય છે અને આપણે તેમના પર મોબાઇલમાંથી પ્રિન્ટ મોકલી શકીએ છીએ. જોકે આ એક આખા અલગ લેખનો વિષય છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!