એક દિવસમાં લગભગ કેટલો સમય તમે કમ્પ્યુટરના સ્ક્રીન સામે પસાર કરો છો? તમારું કામ કે વ્યવસાય કેવો છે એની પર બધો આધાર છે, પણ સતત કમ્પ્યુટર સામે રહેવાની આડઅસરોથી બચવાનો એક ઉપાય એ છે કે વધુમાં વધુ ૨૦ મિનિટ સુધી કમ્પ્યુટર પર વ્યસ્ત રહ્યા પછી ઊભા થઈ જવું (ખરેખર તો હવે દુનિયાભરમાં, ઓફિસમાં પણ ઊભા ઊભા જ કામ કરવાનું ચલણ વધી રહ્યું છે!).
પરંતુ જો તમને તમારું કામ ભરપૂર ગમતું હોય તો શક્ય છે કે તમે એમાં એવા પરોવાઈ જાવ કે વીસ મિનિટે ઊભા થવાનું યાદ પણ ન આવે. આનો સાદો ઉપાય એવો થઈ શકે કે જ્યારે પણ તમારા મોબાઇલ પર કોઈનો કોલ આવે કે તમારે કોલ કરવાનો થાય ત્યારે ઊભા થઈને જ વાત કરવી! આ રીતે શરીરને એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં લઈ જતાં મન પણ બીજી તરફ વળશે. પણ મનને શાંત પણ કરવું હોય તો? તો ઇન્ટરનેટ પર તેના પણ ઉપાય છે!
તમારું કામનું સ્થળ કોઈ એવી જગ્યાએ હોય કે બારી કે બાલ્કનીમાં ઊભા રહેવાથી પણ મન પ્રફુલ્લિત થાય એવું કશું નજરે ચઢે તેમ ન હોય તો http://www.calm.com/ પર જાઓ.
અહીં તમે થોડી પળો કુદરતના શાંત સાંનિધ્યમાં માણી શકો છો.
સાઇટ પર જશો એટલે તમને કહેવામાં આવશે આ સર્વિસ આઇઓએસ અને એન્ડ્રોઇડમાં એપ સ્વરૂપે પણ ઉપલબ્ધ છે (વિન્ડોઝ ફોનમાં બ્રાઉઝરમાં તો જોઈ જ શકાશે). ચાહો તો એપ ડાઉનલોડ કરવા જાઓ અથવા, પીસી પર જ તમારી ઇચ્છા અનુસાર ૨-૫ મિનિટથી લઈને ૨૦ મિનિટ સુધીનો મેડિટેશન બ્રેક લો.
તમે તમારી ઇચ્છા મુજબની મિનિટ પર ક્લિક કરશો એટલે પૂછવામાં આવશે કે તમારે સૂચનાઓ સાંભળીને ગાઇડેડ મેટિટેશન કરવું છે કે ફક્ત ટાઇમર ગોઠવવું છે (સૂચનાઓ ઇંગ્લિશમાં છે). ચાહો તો ટાઇમર પર ક્લિક કરો. એટલે તમને કહેવામાં આવશે કે તમારું ગમતું કુદરતી દ્રશ્ય પસંદ કરો, હેડફોન હોય તો એ પહેરી લો અને પછી, બસ શાંતિથી કુદરતનું સાંનિધ્ય માણો!
કુદરતી દ્રશ્યોમાં વિશાળ સરોવરમાં લહેરાતું પાણી, લીલાંછમ પાંદડાં પરથી ધીમે ધારે વરસતો વરસાદ, દરિયાકિનારે ઉઠતી મંદ લહેરો વચ્ચે સૂર્યોદય કે સૂર્યસ્ત, ધૂમ્મસભર્યા વાતાવરણમાં લહેરાતું પાણી… વગેરે વિકલ્પો છે. આ બધા સ્ટીલ ફોટોગ્રાફ નથી, જીવંત દ્રશ્યો છે અને તેની સાથે બિલકુલ હળવા કુદરતી અવાજો છે.
જો તમારા સ્વભાવમાં અજંપો વણાઈ ગયો હોય તો આ જ કંપનીની બીજી એક વેબસાઇટ http://www.donothingfor2minutes.com/ પણ જોવા જેવી છે. અહીં દરિયાકિનારે દરિયાના અવાજ વચ્ચે સૂર્યનું દશ્ય છે (એ જીવંત નથી) અને એક કાઉન્ટડાઉન ક્લોક સાથે આપણને કહેવામાં આવે છે કે બે મિનિટ સુધી કશું જ ન કરો, શાંત થાવ અને લહેરોનો અવાજ માણો. જો તમે માઉસ કે કીબોર્ડને ટચ કરો એટલે ઘડિયાળ અટકે અને કહેવામાં આવે કે ફરી પ્રયાસ કરો!
બંને સાઇટ પર તમે જશો તો કદાચ એવું થશે કે ‘આમાં શું છે? કશું જ કરવાનું નથી!’ પણ બરાબર એટલે જ આ સાઇટ્સ મહત્વની છે!

