રોજબરોજ જેનો ઉપયોગ કરતા હોઈએ, એની નાની નાની વિગતો કે ખૂબીઓથી આપણે અજાણ રહીએ, એવું તો જીવનમાં ઘણું બધું હોય છે, પણ એમાંનું એક એટલે પ્રિન્ટર.
પ્રિન્ટર ખાસ્સાં સસ્તાં થયા પછી હવે ઓફિસ ઉપરાંત ઘર ઘરમાં કમ્પ્યુટર સાથે પ્રિન્ટર કનેક્ટ થવા લાગ્યાં છે, ખાસ કરીને સ્કૂલમાં સોંપવામાં આવેલા પ્રોજેક્ટ માટેની ઇમેજ કે અન્ય માહિતી ઇન્ટરનેટ પરથી પીસીમાં અને ત્યાંથી કાગળ પર ઉતારવા માટે પ્રિન્ટર હવે અનિવાર્ય થવા લાગ્યાં છે.
તમે પણ પ્રિન્ટર ખરીદવાનો વિચાર કરી રહ્યા હો તો અહીં તેની પ્રાથમિક જાણકારી મેળવી લઈએ.
આગળ શું વાંચશો?
- પ્રિન્ટરના મુખ્ય પ્રકાર
- પ્રિન્ટરના ઉપયોગની શરૂઆત
- લોકલ અને નેટવર્ક પ્રિન્ટર
- લેસર પ્રિન્ટર કેવી રીતે કામ કરે છે?
પ્રિન્ટરના મુખ્ય પ્રકાર
ઘર કે ઓફિસ માટે ઉપયોગમાં લેવાતાં પ્રિન્ટર સામાન્ય રીતે ત્રણ પ્રકારનાં હોય છે, દરેક પ્રકારમાં જુદી જુદી જુદી ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે અને દરેકના જુદા જુદા ફાયદા અને ગેરફાયદા છે.
ઇન્કજેટ પ્રિન્ટર : આ પ્રકારનાં પ્રિન્ટર સૌથી સસ્તાં હોવાના કારણે ખાસ્સાં લોકપ્રિય છે. આ પ્રકારનાં પ્રિન્ટર કાગળ પર ટેક્સ્ટ અને તસવીરો ઉપસાવવા માટે ચાર રંગની (સ્યાન (વાદળી), મજેન્ટા (રાતી), યલો (પીળી) અને કી (કાળી)) શાહીનો કાગળ પર ધારદાર છંટકાવ કરે છે.
ઇન્કજેટ પ્રિન્ટરમાં શાહીનો છંટકાવ થાય છે અને તેમાં પેપરને ગરમ કરવામાં આવતો નથી, એટલે તેમાં કાગળ ઉપરાંત બીજા જુદા જુદા મટિરિયલ પર પણ પ્રિન્ટ કાઢી શકાય છે. એટલે જ કેટલાંક ઇન્કજેટ પ્રિન્ટર ફોટોપેપર પર, ફોટોક્વોલિટીના કલર ફોટોગ્રાફ્સ પણ પ્રિન્ટ કરી શકે છે.
પરંતુ ઇન્કજેટ પ્રિન્ટરની તકલીફ એ છે કે તેમાં વારંવાર શાહીની કાર્ટ્રીજ રીફિલ કરવી પડે છે કે બદલવી પડે છે. ઓરિજિનલ કંપની નવી કાર્ટ્રીજ લેવા જઈએ તો એ બહુ મોંઘી પડે છે. જો પ્રિન્ટર ખાસ ઉપયોગ ન હોય તો લાંબા ગાળે આ કાર્ટ્રીજમાંની શાહી સૂકાઈ જાય એવું બની શકે છે. ઉપરાંત, ચાર રંગમાંના કોઈ એક રંગની શાહી ખૂટી જાય તો પણ સમસ્યા ઊભી થાય છે!
આ પ્રકારનાં પ્રિન્ટર ઘણાં ધીમાં પણ હોય છે (પ્રિન્ટરની ઝડપ સામાન્ય રીતે પેજીસ-પર-મિનિટના ધોરણે ગણતરીમાં લેવાય છે).
લેસર પ્રિન્ટર : ઘરવપરાશ માટે ઇન્કજેટ પ્રિન્ટર વધુ લોકપ્રિય છે કેમ કે એમાં રંગીન પ્રિન્ટ મેળવી શકાય છે, જ્યારે ઓફિસમાં સામાન્ય રીતે ફક્ત કાળી શાહીથી ગ્રેસ્કેલ પ્રિન્ટિંગ કરતાં અને મોનોક્રોમ તરીકે ઓળખાતાં લેસર પ્રિન્ટર્સ વધુ ઉપયોગમાં લેવાય છે. હવે ઘરોમાં પણ લેસર પ્રિન્ટરનો ઉપયોગ વધી રહ્યો છે કેમ કે તેની કિંમત ઘટી રહી છે અને ઇન્કજેટ કરતાં તે ઘણી બધી રીતે ફાયદાકારક છે. કલર પ્રિન્ટ તો સહેલાઈથી કોઈ પણ ઝેરોક્સ શોપમાંથી પણ મેળવી શકાય છે.
લેસર પ્રિન્ટરમાં ટોનરનો ઉપયોગ થાય છે, જેમાં એકદમ બારીક કાળો પાવડર ભરેલો હોય છે, જેની મદદથી પ્રિન્ટિંગ થાય છે. આ પ્રક્રિયામાં ગરમીનો પણ ઉપયોગ થાય છે. એટલે જ, ઇન્કજેટની પ્રિન્ટ પર પાણીનું ટીપું પડે તો લખાણ ભૂંસાઈ શકે છે, પરંતુ લેસર પ્રિન્ટમાં એવું થતું નથી.
ઉપરાંત, આગળ વાત કરી તેમ ઇન્કજેટ પ્રિન્ટરની શાહી લાંબા ગાળે સૂકાઈ જાય તેવું બને, પણ લેસર પ્રિન્ટરમાં શાહીને બદલે કાળો, બારીક અને સૂકો પાવડર હોય છે, એટલે મહિનાઓ સુધી પ્રિન્ટર ન વાપર્યા પછી પણ કોઈ પ્રિન્ટ કાઢીએ તો એ સરસ જ પરિણામ આપે છે.
લેસર પ્રિન્ટર મોટા ભાગનાં ઇન્કજેટ કરતાં ઝડપી હોય છે અને તેનાં ટોનર પણ ઇન્કજેટની કાર્ટીજ કરતાં વધુ ચાલે છે.
બજારમાં હવે લેસર ઉપરાંત એલઇડી પ્રિન્ટર પણ આવી ગયાં છે. લેસર પ્રિન્ટરમાં મૂવિંગ પાર્ટ્સ હોય છે, જેની સરખામણીમાં એલઇડી પ્રિન્ટરમાં મૂવિંગ પાર્ટ્સ ન હોવાથી તે વધુ લાંબો સમય ચાલી શકે છે. જોકે સામાન્ય લેસર પ્રિન્ટર પણ ઘણાં વર્ષ સુધી કોઈ મુશ્કેલી વિના ચાલી શકે છે.
ઓલ-ઇન-વન પ્રિન્ટર : ખાસ કરીને ઓફિસમાં હવે આ પ્રકારનાં પ્રિન્ટર વધુ ઉપયોગમાં લેવાય છે, જે પ્રિન્ટ કાઢવા ઉપરાંત ડોક્યુમેન્ટ્સ સ્કેન કરવાં, ફોટોકોપીઝ કાઢવી અને ફેક્સ મોકલવા જેવાં કામ પણ કરે છે. જુદી જુદી કંપની પોતાનાં મોડેલ માટે ઓલ-ઇન-વન (એઆઇઓ) કે મલ્ટીફંક્શન પ્રિન્ટર (એમએફપી) જેવા શબ્દોનો ઉપયોગ કરે છે, પણ અંતે વાત એક જ છે. આ પ્રકારના પ્રિન્ટરમાં ફોટોકોપી કાઢવા માટે કમ્પ્યુટરની જરૂર જ ન પડે એવું બની શકે છે.
મલ્ટીફંક્શન પ્રિન્ટર તેના નામ પ્રમાણે આપણને લલચાવી શકે, પણ એટલું જરૂર યાદ રાખશો કે તમને પ્રિન્ટિંગ, સ્કેનિંગ કરવાની અને કોપી મેળવવાની વારંવાર જરૂર રહેતી હોય તો ત્રણેય માટે અલગ અલગ સાધન વસાવવાં વધુ હિતાવહ છે. સામાન્ય રીતે, બધું એકમાં હોય એવા સાધનમાં બધું જ પાયાના સ્તરનું હોય છે. ઉપરાંત, એક સાધન બગડે તો એક સાથે ત્રણ કામ અટકી પડવાનું જોખમ પણ ખરું.
પ્રિન્ટરના ઉપયોગની શરૂઆત
થોડા સમય પહેલાંનાં મોડેલમાં પ્રિન્ટરને કમ્પ્યુટરના સીપીયુમાં પેરેલલ કે સિરિયલ પોર્ટ તરીકે ઓળખાતા સ્લોટમાં કનેક્ટ કરવું પડતું હતું. આવા પ્રિન્ટરને કમ્પ્યુટર સાથે કનેક્ટ કરી, તેની સાથે આપેલી સીડીમાંથી કેટલાક ડ્રાઇવર્સ ઇન્સ્ટોલ કરવા પડતા. હવેનાં પ્રિન્ટર યુએસબી કનેક્ટર ધરાવતાં હોય છે અને તે ‘પ્લગ એન્ડ પ્લે’ પ્રકારનાં હોય છે, એટલે કે આવા પ્રિન્ટરને કમ્પ્યુટર સાથે કનેક્ટ કરતાં, વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ પ્રિન્ટરના મોડેલને પારખીને તેને માટે જરૂરી ડ્રાઇવર ઇન્સ્ટોલ કરી લે છે.
વચ્ચે જરા આડવાત કરીને, આ ડ્રાઇવર શું છે એ સમજી લઈએ. ડ્રાઇવર કે ડિવાઇસ ડ્રાઇવર એટલે એક પ્રકારનો સોફ્ટવેર પ્રોગ્રામ, જેની મદદથી કોઈ ચોક્કસ હાર્ડવેર (જેમ કે પ્રિન્ટર કે મોનિટર) અને કમ્પ્યુટરની ઓપરેટિંગ સિસ્ટમ એકબીજાને ‘સમજી’ શકે છે અને કામ કરી શકે છે. હવેની ઓપરેટિંગ સિસ્ટમ મોટા ભાગનાં હાર્ડવેર માટે જરૂરી ડ્રાઇવર જાતે જ ઇન્સ્ટોલ કરી લે છે, પણ ક્યારેક કંપનીએ પ્રોવાઇડ કરેલ ડ્રાઇવ વધુ ઉપયોગી થઈ શકે, જેમ કે કોઈ કી-બોર્ડને કમ્પ્યુટરમાં કનેક્ટ કરો તો એ ચાલવા તો લાગશે, પણ જો તેની સાથે આવેલ ડ્રાઇવર ઇન્સ્ટોલ કરો તો કોઈ ચોક્કસ કીને ખાસ ફંક્શન સોંપવા જેવી ગોઠવણ પણ થઈ શકે.
કી-બોર્ડ અને માઉસની જેમ હવે પ્રિન્ટર પણ વાયરલેસ થવા લાગ્યાં છે અને તેને બ્લુટૂથ કે વાઇ-ફાઇની મદદથી કમ્પ્યુટર સાથે કનેક્ટ કરી શકાય છે.
લોકલ અને નેટવર્ક પ્રિન્ટર
જો પ્રિન્ટરને સીધું જ કોઈ પીસી સાથે કનેક્ટ કરીએ, તો એ લોકલ પ્રિન્ટર કહેવાય. જ્યારે એકથી વધુ કમ્પ્યુટરના નેટવર્કમાં, કોઈ પીસી સાથે જોડેલા પ્રિન્ટરનો બીજા પીસીમાંથી ઉપયોગ કરવામાં આવે તો એ પ્રિન્ટરને નેટવર્ક પ્રિન્ટર કહેવાય.
અત્યાર સુધી ઓફિસમાં નેટવર્ક પ્રિન્ટરનો ઉપયોગ થતો હતો, પણ હવે ઘર ઘરમાં વાઇ-ફાઇ અને રાઉટર આવી ગયા પછી, ઘર માટે પણ નેટવર્ક પ્રિન્ટરનો ઉપયોગ વધી રહ્યો છે આવા પ્રિન્ટરને ઇધરનેટ કેબલથી કે પછી બ્લુટૂથ/વાઇ-ફાઇથી નેટવર્ક સાથે કનેક્ટ કરી શકાય છે.
લેસર પ્રિન્ટર કેવી રીતે કામ કરે છે?
તમે ક્યારેય અંધારા રૂમમાં દીવાલ પર ટોર્ચથી અક્ષરો લખવાની કોશિશ કરી છે? લેસર પ્રિન્ટરમાં કંઈક એવી જ પ્રક્રિયા થાય છે.
- કમ્પ્યુટરમાં પ્રિન્ટનો કમાન્ડ આપતાં, અસંખ્ય બાઇટ્સનો ડેટા પ્રિન્ટરમાં પહોંચે છે.
- પ્રિન્ટરમાંની એક ઇલેક્ટ્રોનિક સર્કિટ આ ડેટા પેજ પર કેવો દેખાવો જોઈએ તે નક્કી કરે છે.
- એ સર્કિટ, એક હાઇ વોલ્ટેજ વાયરને એક્ટિવેટ કરે છે, જેનાથી ઇલેક્ટ્રિક ચાર્જ પેદા થાય છે.
- આ વાયરથી પ્રિન્ટરમાંનું એક ડ્રમ ચાર્જ થાય છે અને ડ્રમ પર સમાન રીતે પોઝિટિવ ચાર્જ પથરાય છે.
- એ જ વખતે, સર્કિટ એક લેસર કિરણ એક્ટિવેટ કરે છે, જે ડ્રમ પર ડેટાની ઇમેજ પાથરવાનું કામ કરે છે. આ લેસર બીમ પોતે ડ્રમ પર ફરતું નથી. પ્રિન્ટરમાં એક અરીસો હોય છે, જે જરૂરિયાત મુજબ સતત ફરે છે, લેસર કિરણ તેના પર પરિવર્તિત થઈને ડ્રમ પર જુદી જુદી જગ્યાએ ફેંકાય છે.
- પ્રિન્ટરની ખરી કરામત આ જ વાતમાં છે. આપણે આગળ જોયું તેમ ડ્રમ પર પોઝિટિવ ચાર્જ પથરાયેલો હોય છે. જ્યારે તેના પર જુદી જુદી જગ્યાએ લેસર કિરણ પહોંચે છે ત્યારે તે તેટલી જગ્યા પરના પોઝિટિવ ચાર્જને ભૂંસી નાખે છે. આ રીતે આખા ડ્રમ પર, આખા પેજની ઇમેજ તૈયાર થાય છે. જ્યાં કાગળ કોરો રહેવો જોઈએ ત્યાં પોઝિટિવ ચાર્જ રહે છે અને જ્યાં લખાણ હોવું જોઈએ એટલા ભાગમાં લેસર બીમથી પોઝિટિવ ચાર્જ ભૂંસાતાં નેગેટિવ ચાર્જ રહે છે.
- બીજી તરફ, ડ્રમને અડીને આવેલા ઇન્ક ટોનરમાંથી ડ્રમ પર તદ્દન બારીક કાળો પાવડર પથરાય છે. આપણે જાણીએ છીએ કે જેમ લોહચૂંબકમાં જુદા જુદા ધ્રૂવ એકબીજા તરફ આકર્ષાય છે, તેમ ઇલેક્ટ્રિકલ ચાર્જમાં પણ પોઝિટિવ અને નેગેટિવ એકમેક તરફ આકર્ષાય છે. ટોનરમાંના પાવડરને પોઝિટિવ ઇલેક્ટ્રિકલ ચાર્જ આપવામાં આવ્યો હોય છે, એટલે ડ્રમ પર જ્યાં નેગેટિવ ચાર્જ હોય છે ત્યાં તે ચોંટી જાય છે અને જ્યાં પોઝિટિવ ચાર્જ હોય ત્યાં પાવડર ચોંટતો નથી.
- પ્રિન્ટરમાં પ્રોસેસ આટલે સુધી પહોંચે તે પછી, પેપર ટ્રેમાંથી કાગળ ડ્રમ તરફ જાય છે. આ કાગળને બીજા એક વાયરથી પોઝિટિવ ચાર્જ કરવામાં આવે છે.
- કાગળ ડ્રમ પર પહોંચતાં ડ્રમના નેગેટિવ ભાગમાંનો પાવડર કાગળના પોઝિટિવ તરફ આકર્ષાઇને તેના પર ચોંટે છે.
- હવે આ પાવડર કાગળ પર લાંબો સમય ચોંટી રહે તે માટે તેને બે ગરમ રોલર્સમાંથી પસાર કરવામાં આવે છે. એટલે જ પ્રિન્ટ થયેલો કાગળ ગરમ લાગે છે!

