પ્રશાંત મહાસાગર અને એટલાન્ટિક મહાસાગરને જોડતી પનામા નહેરમાં મહાકાય જહાજોને ‘પાણીનાં પગથિયાં’ની મદદથી ચઢ-ઉતર કરાવવામાં આવે છે – આ અજબગજબ નહેર સો વર્ષ પહેલાંની ટેક્નોલોજીથી બનેલી છે એ માનવું મુશ્કેલ છે.
પંદરમી ઓગસ્ટ જેમ ભારત માટે ઐતિહાસિક દિવસ છે, એમ આ દિવસ વિશ્વભરના એન્જિનીયર્સ માટે પણ ઐતિહાસિક છે. પૂરી એક સદી પછી, આજે પણ જેની ગણના મોડર્ન એન્જિનીયરિંગ માર્વેલ્સમાં થાય છે એવી પનામા નહેર ૧૫ ઓગસ્ટ, ૧૯૧૪ના દિવસે ઉપયોગ માટે ખૂલી મુકાઈ હતી.
આ નહેર વિશ્વના બે સૌથી મોટા મહાસાગર, પ્રશાંત મહાસાગર અને એટલાન્ટિક મહાસાગરને જોડે છે. બાજુમાં આપેલ ગૂગલ અર્થની તસવીર જોતાં તરત સમજાય એમ કે આ નહેર આખા વિશ્વ માટે કેમ મહત્વની છે. ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાને જોડતી ‘સાંકડી’ ભૂમિને કોતરીને આ લગભગ ૮૦ કિલોમીટર લાંબી નહેર સર્જવામાં આવી છે. સમગ્ર વિશ્વના અર્થતંત્રમાં આ ‘નાનકડી’ નહેર બહુ મોટો ભાગ ભજવે છે. અનાજ, ક્રૂડઓઇલ અને કોલસા સહિતનો કાર્ગો લઈ જતાં અનેક જહાજોનો લાંબો પ્રવાસ આ નહેરને પ્રતાપે ટૂંકો થાય છે. આ નહેર નહોતી બંધાઈ ત્યારે અમેરિકાના પશ્ચિમ કાંઠેથી પૂર્વ કાંઠે જવા માટે આખા દક્ષિણ અમેરિકાને ચક્કર લગાવવું પડતું, પનામા નહેરને કારણે આ પ્રવાસ ૮,૦૦૦ દરિયાઈ માઇલ એટલે કે ૧૫,૦૦૦ કિલોમીટર જેટલો ટૂંકો થઈ ગયો છે.
આ જગ્યાના ભૌગોલિક મહત્વને કારણે છેક ૧૬મી સદીમાં ત્યાં નહેર બનાવવાના પ્રયાસ શરૂ થયા. શરૂઆત કરી સ્પેનિશ લોકોએ, ત્યાર પછી ફ્રેન્ચ સરકારે પણ આ પ્રયાસ કર્યો અને છેવટે અમેરિકન સરકારે આખો પ્રોજેક્ટ પાર પાડ્યો, અત્યારે જોકે પનામા નહેર પર પનામાની સરકારનો અંકુશ છે.
પરંતુ આપણે અહીં જગ્યા ઓછી હોવાના કારણે, આ નહેર આધુનિક યુગની એન્જિનીયરિંગ અજાયબી કેમ મનાય છે એની વાત કરીએ. નીચેની તસવીર ધ્યાનથી જુઓ. આગળ કહ્યું તેમ, આ નહેરના એક છેડે પ્રશાંત મહાસાગર છે અને બીજી તરફ એટલાન્ટિક મહાસાગર છે. બંનેને જોડતી ભૂમિનો ભાગ સ્વાભાવિક રીતે દબંને મહાસાગરના પાણીની સપાટીથી ઊંચો છે.
સામાન્ય રીતે નહેરો જે રીતે બંધાય છે એ રીતે પનામા નહેર બંધાઈ હોત તો તેમાં વચ્ચેની ભૂમિને ખોદીને બંને મહાસાગરના પાણીની સપાટીથી ઊંડું જાય એટલું ખોદકામ કરવું પડ્યું હોત, જેથી તેમાં પાણી ભરાય અને જહાજો તેના પર તરીને એક છેડેથી બીજે છેડે જઈ શકે. અગાઉ ફ્રેન્ચ લોકોએ આ જ પ્રયાસ કર્યો હતો, પરંતુ એ ભૂમિભાગમાંના પર્વતો, ગીચ જંગલો, અત્યંત પ્રતિકૂળ આબોહવા અને ઝેરી તાવ વગેરેના કારણે તેમની ગણતરીઓ ઊંધી પડી. એ પ્રયાસો દરમિયાન લગભગ ૨૨,૦૦૦ લોકોએ જીવ ગુમાવ્યાનો અંદાજ છે. છેવટે ફ્રેન્ચ સરકારે કેનાલ બાંધવા માટે, એફિલ ટાવર બાંધનારા ગુસ્તાવ એફિલને કામ સોંપ્યું, પણ તોય તેમને આખરે નિષ્ફળતા મળી.
ફ્રેન્ચ સરકારની નિષ્ફળતા પછી અમેરિકન સરકારે આ પ્રોજેક્ટ ‘જુદી રીતે’ હાથમાં લીધો તેના મિલિટરી એન્જિનીયર્સને કામે લગાડ્યા, જેમણે આ વિશ્વની અનોખી નહેર તૈયાર કરી.
આ ‘જુદી રીત’ એટલે ‘ગેટ એન્ડ લોક પ્લાન’. આ પદ્ધતિમાં, બે મહાસાગર વચ્ચેની ભૂમિને પાણીના સ્તર કરતાં વધુ ઊંડે સુધી ખોદવાને બદલે, નહેરમાં ખોલ-બંધ થાય તેવા દરવાજા મૂકી જહાજ માટે પાણીનાં બનેલાં પગથિયાં જેવી રચના તૈયાર કરવામાં આવી.
નીચેની તસવીરમાં જોશો તેમ આ નહેરના મુખ્ય ત્રણ ભાગ છે, એક છેડે ત્રણ સ્ટેપ સમાન ગેટ, બીજા છેડે ત્રણ સ્ટેપ સમાન ગેટ્સ અને વચ્ચે વિશાળ જળાશય, જે ગાતુન નામની નદી પર બાંધેલા ડેમથી બન્યું છે (બંધાયું ત્યારે આ જળાશય વિશ્વનું સૌથી મોટું માનવસર્જિત જળાશય હતું).
નહેરના બંને છેડે પગથિયાંની વિશિષ્ઠ રચના એવી છે કે એક છેડેથી કોઈ જહાજ નહેરમાં દાખલ થાય ત્યારે નહેરનો આગળનો દરવાજો બંધ હોય, જહાજ દાખલ થાય એટલે તેની પાછળના ભાગે પણ દરવાજો બંધ થાય, આ બંધ ભાગમાં અન્ય દરવાજાઓ ખોલવામાં આવે એટલે જળાશયનું પાણી (જે મહાસાગરના સ્તર કરતાં ઊંચું છે) ગુરુત્વાકર્ષણથી તેમાં દાખલ થાય અને જહાજ ઊંચે ચઢે! એ યોગ્ય ઊંચાઈએ પહોંચે એટલે તેની આગળનો દરવાજો ખોલવામાં આવે. આ બીજા ખાનામાં જહાજ પહોંચે એટલે ફરી તે ખાનું બંધ કરી, તેમાં નવું પાણી ભરવામાં આવે, જહાજ ઊંચું થઈને ત્રીજા ખાનામાં પહોંચે! આ રીતે ત્રણ પગથિયાં ચઢીને જહાજ મહાસાગરની સપાટી કરતાં ૮૫ ફૂટ ઊંચે આપેલા ગાતુન જળાશયમાં પહોંચે, ત્યાંથી આગળ વધી, બીજા છેડે શરૂઆતની જેમ જ પગથિયાં ઊતરીને આગળ વધે! આટલો રસ્તો કાપતાં એક જહાજને સરેરાશ ૮થી ૧૦ કલાકનો સમય લાગે છે.
શરૂઆતથી જ આ નહેર એક સાથે બે જહાજ આવન-જાવન કરી શકે એ રીતે દ્વિ-માર્ગી બનાવવામાં આવી છે. હવે તેને પહોળી કરીને ત્રીજો માર્ગ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જે કદાચ આવતા વર્ષ સુધીમાં કાર્યરત થઈ જશે. અત્યારે દર વર્ષે ૧૩-૧૪ હજાર જહાજો પનામા નહેરનો ઉપયોગ કરે છે અને ૧૦, ૦૦૦ જેટલા કર્મચારીઓ આ નહેરને ધમધમતી રાખે છે.
પનામા નહેરના વિસ્તરણ માટે હવે તેમાં ત્રીજા રૂટનું નિર્માણ ચાલી રહ્યું છે. નવો રૂટ ૨૦૧૬ સુધીમાં તૈયાર થઈ જવાનો અંદાજ છે ને ત્યાર પછી નહેરની ક્ષમતા બમણી થઈ જશે. અત્યાર સુધી, ૧૧૫ ફૂટ પહોળાં અને ૧૦૫૦ ફૂટ લાંબાં જહાજના તળિયાથી પાણીની સપાટીનું અંતર ૪૧ ફૂટ કે તેથી ઓછું હોય તેવાં જહાજ પનામા નહેરમાંથી પસાર થઈ શકતાં હતાં. આ કદ માટે નેવલ એન્જિનીયરિંગમાં ‘પેનમેક્સ’ શબ્દ વપરાતો હતો. પનામા નહેરના વિસ્તરણથી આ શબ્દની વ્યાખ્યા પણ બદલાશે કેમ કે તેમાંથી ૧૮૦ ફૂટ પહોળાં, ૧૪૦૦ ફૂટ લાંબાં અને પાણીની સપાટીથી ૬૦ ફૂટની ઊંડાઈ ધરાવતાં જહાજ પણ પસાર થઈ શકશે.
યાદ રહે, આ મૂળ નહેર સો વર્ષ જૂની ટેક્નોલોજીથી તૈયાર કરવામાં આવી છે!
પનામા વિશે વધુ જાણો
- પનામા નહેરમાં જહાજ કેવી રીતે પાણીનાં પગથિયાં ચઢે છે, તે જુઓ ફક્ત ૧ મિનિટના, પનામા કેનાલના આ ઓફિશિયલ વીડિયોમાં : https://youtu.be/hoQ7RHyG-EA
- પનામા નહેરની ઓફિશિયલ યુટ્યૂબ ચેનલ જુઓ અહીં : https://www.youtube.com/user/PanamaCanalOnline/featured
- પનામા નહેર વિશે નેશનલ જ્યોગ્રાફિકની મેગાસ્ટ્રક્ચર્સ સીરિઝની ડોક્યુમેન્ટરીનો ૪૭ મિનિટનો વીડિયો જુઓ અહીં : https://youtu.be/_4F867o_U1w
- પનામા પર વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને તેનું વિસ્તરણ ચાલી રહ્યું છે. આ વિશે વધુ જાણો આ ટૂંકા વીડિયોમાં : https://youtu.be/36p1HpVNKng , https://youtu.be/cB3tfM7ISgY

