લાંબા સમય સુધી, કમ્પ્યુટર આધારિત બિઝનેસના કામકાજમાં રાજ કરનારા માઇક્રોસોફ્ટના ઇજારા પર ગૂગલે તરાપ મારવાની શરૂઆત કરી છે અને હવે માઇક્રોસોફ્ટે ઓફિસના નવા વર્ઝનનથી વળતો હુમલો કર્યો છે.
આગળ શું વાંચશો?
- આપણને કેવી રીતે મળી શકે?
તમારો કમ્પ્યુટર સાથે પહેલવહેલો પરિચય થયો ત્યારે તમે કયા પ્રોગ્રામ પર હાથ અજમાવ્યો હતો? મોટા ભાગે એ પ્રોગ્રામ માઇક્રોસોફ્ટ વર્ડ હશે. વર્ષોથી પીસીમાં બિઝનેસને લગતા કામકાજમાં એમએસ ઓફિસ પ્રોગ્રામ્સનો દબદબો રહ્યો છે, પરંતુ સ્માર્ટફોનન આવતાં માઇક્રોસોફ્ટ કંપની પાછળ રહી ગઈ હોવાની છાપ ઊભી થઈ હતી.
પરંતુ હમણાં એસએસ ઓફિસનું નવું, ૨૦૧૬ વર્ઝન લોન્ચ થયું, ત્યારે માઇક્રોસોફ્ટ કંપનીના વાઇસ પ્રેસિડેન્ટે લખ્યું કે “આજના સમયમાં, આપણી પાસે સંખ્યાબંધ એપ્સ, ડિવાઇસીઝ અને ટૂલ્સ છે, ફક્ત પૂરતો સમય નથી! અમે એ સ્થિતિ બદલીશું. આ શબ્દો વાંચીને લાગે કે હવે માઇક્રોસોફ્ટ કંપની તેની ઓફિસ એપ્લિકેશન્સે આજના સમયે અનુરૂપ બનાવી રહી છે.
આપણે સૌ વર્ષોથી માઇક્રોસોફ્ટ ઓફિસના વિવિધ પ્રોગ્રામ્સ – ખાસ કરીને વર્ડ, પાવરપોઇન્ટ, એક્સેલ અને આઉટલૂક – નો પીસી અને લેપટોપ પર ઉપયોગ કરતા રહ્યા છીએ. આજનું આપણું ઘણું ખરું કામકાજ આ પ્રોગ્રામ્સમાં શરૂ થાય છે અને ત્યાં જ પૂરું થાય છે, પણ એ બે છેડા વચ્ચે ઘણું બધું થાય છે – મુદ્દો એક જ પ્રોજેક્ટનો હોય પણ એ વિશે દુનિયાના અલગ અલગ ખૂણે બેઠેલા લોકો વચ્ચે ચર્ચાના લાંબા દોર ચાલે, સલાહ-સૂચનો અને કેટકેટલાય ફેરફાર થાય અને અંતે એ પ્રોજેક્ટની ફાઇલ ફાઇનલ થાય. વચ્ચેનું આ બધું કામકાજ કરવા માટે ઇન્ટરનેટ અને તેની જુદી જુદી સુવિધાઓની મદદ લેવી પડે.
વાસ્તવમાં, ઇન્ટરનેટનો ઉપયોગ તદ્દન સરળ બન્યા પછી, ‘વર્કિંગ ટુગેધર’નો કન્સેપ્ટ એકદમ ચલણી બનવા લાગ્યો છે. ગૂગલ ડ્રાઇવ અને તેના જેવી બીજી ઘણી સુવિધાઓને કારણે, લોકો વર્ડ કે એક્સેલ ડોક્યુમેન્ટની આમતેમ ઈ-મેઇલ પર લેતીદેતી કરવાને બદલે, ઓનલાઇ ડોક્યુમેન્ટ ઓપન કરીને તે એક જ ફાઇલમાં એક સાથે કામ કરવા લાગ્યા છે. ખુદ માઇક્રોસોફ્ટે છેક ૨૦૧૩તી તેની તમામ વેબ એપ્સમાં ‘રીયલ ટાઇમ કો-ઓથરિંગ’ની શરૂઆત કરી દીધી હતી, હવે ઓફિસ ૨૦૧૬ની આ સુવિધા નેટિવ બની છે એટલે કે વેબ કે ક્લાઉડમાં નહીં, પણ આપણા પોતાના પીસી કે મોબાઇલ ડિવાઇસમાં રહેલા પ્રોગ્રામમાં પણ આવી સુવિધા મળશે.
માઇક્રોસોફ્ટ ઓફિસના લેટેસ્ટ વર્ઝનનમાં કેવી ખૂબીઓ છે તેના પર એક નજર ફેરવી લઈએ…
- નવા વર્ઝનમાં, માઇક્રોસોફ્ટ વર્ડમાં આપણે કોઈ ફાઈલ અન્ય વ્યક્તિ સાથે શેર કરીશું, તો આપણે એ વ્યક્તિ સાથે, એક જ સમયે એ ફાઇલમાં કામ કરી શકીશું. પેલી વ્યક્તિ ફાઇલમાં કંઈક ટાઇપ કરશે તો એ આપણે ત્યારે ને ત્યારે જોઈ શકીશું. અત્યારે આવી સુવિધા ફક્ત વર્ડમાં છે.
- કેટલીક એપ્સમાં ‘સ્કાઇપ ફોર બિઝનેસ’ સુવિધો સાંકળી લેવામાં આવી છે, જેથી એક ફાઇલ પર કામ કરતાં કરતાં બીજા લોકો સાથે ઇન્સ્ટન્ટ મેસેજિંગ, સ્ક્રીન શેર, ટોક કે વીડિયો ચેટ વગેરે, એ પ્રોગ્રામી બહાર ગયા વિના કરી શકાશે.
- એક જ પ્રોજેક્ટ પર કામ કરતી આખી ટીમ એક બીજા સાથે કનેક્ટેડ કરી શકે એ માટે ઓફિસ ૩૬૫ ગ્રૂપ્સી સુવિધા આઉટલૂક ૨૦૧૬માં ઉમેરી દેવામાં આવી છે અને તેની એપ આઇઓએસ, એન્ડ્રોઇડ અને વિન્ડોઝ ફોન પર ડાઉલોડ કરી શકાશે. આવી ટીમ સૌથી સાથે શેર કરેલા ઇનબોક્સ, કેલેન્ડર, ક્લાઉડ સ્ટોરેજ વગેરેનો ઉપયોગ કરી શકશે. ઓફિસ ૩૬૫ પ્લાનરની એપ ટીમના સૌ સભ્યોને એક સાથે પ્રોજેક્ટના પ્લાનિંગની સુવિધા આપે છે.
- માઇક્રોસોફ્ટ ચોખવટ કરે છે કે તેના બધા પ્રોગ્રામ એન્ડ્રોઇડ અને આઇઓએસ જેવી બીજી ઓપરેટિંગ સિસ્ટમ પર એક સરખી રીતે ચાલે એવા બધા પ્રયત્ન કંપની કરી રહી છે, પણ વિન્ડોઝ ફોન આખરે તો ઓફિસનું પોતાનું ‘ઘર’ ગણાય, એટલે વિન્ડોઝ ૧૦ પર કેટલીક વિશેષ સુવિધાઓ મળશે. જેમ કે…
- વિન્ડોઝ ૧૦ ધરાવતા પીસી કે ડિવાઈસમાંના ઓફિસ ૩૬૫માં ફક્ત તમારા ચહેરા કે ટચથી સાઇન-ઇન કરી શકાશે, પાસવર્ડ ટાઈપ કરવાની જરૂર નહીં રહે.
- આઇઓએસના સિરી અને એન્ડ્રોઇડના ગૂગલ નાઉ જેવી વિન્ડોઝની પર્સનલ આસિસ્ટન્ટ જેવી સર્વિસ કોર્ટના આઉટલૂક ૨૦૧૬માંથી આપણી માહિતી જાણીને વધુ ને વધુ સ્માર્ટ બનશે.
- વિન્ડોઝ ૧૦ ધરાવતા વિન્ડોઝ ફોનનો ડેસ્કટોપની જેમ ઉપયોગ કરી શકાય એવી સુવિધા મળશે.
- આ સાથે માઇક્રોસોફ્ટે મેક કમ્પ્યુટર્સ માટે પણ ઓફિસ ૨૦૧૬ લોન્ચ કરેલ છે.
પરંતુ આ બધું વાંચતાં તમને ‘આમાંની ઘણી સુવિધાઓ તો જાણીતી છે અને આપણે પોતે ઉપયોગ કરી ચૂક્યા છીએ’ એવું લાગે છે? તો એમાં કોઈ નવાઈ નથી. હકીકતમાં આઇઓએસ અને એન્ડ્રોઇડ ડિવાઇસ તથા ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હોય તેવા પીસીમાં વેબસર્વિસીઝ દ્વારા આમાંનું ઘણું બધું આપણે કરીએ છીએ.
ઉદાહરણ તરીકે, ગૂગલ ડ્રાઇવમાં આપણે ઘણી ખરી ફાઇલ સ્ટોર કરી શકીએ છીએ, પીસીમાં તેનો એક પ્રોગ્રામ ડાઉલોડ કરીને પીસીમાંથી ફાઇલ્સ ક્લાઉડ સાથે સિન્ક્ડ રાખી શકીએ છીએ. એક જ ફાઇલ પર એક સાથે એકથી વધુ લોકો રીયલ ટાઇમમાં કામ કરી શકીએ છીએ, ચેટ કે વીડિયો ચેટ કરી શકીએ છીએ, ગૂગલ નાઉ જીમેઇલ કે કેલન્ડરમાંથી આપણી માહિતી મેળવીને ઉપયોગી બાબતોની સામેથી યાદ અપાવે છે…
આ બધું જ અત્યારે વેબ પર ઉપલબ્ધ થઈ ચૂક્યું છે. ગૂગલે રીતસર ગૂગલ ડ્રાઇવ અને ડોક્સ તથા સ્પ્રેડશીટ સર્વિસની મદદથી માઇક્રોસોફ્ટના બિઝનેસ સામ્રાજ્ય પર તરાપ મારી છે અને વેબથી પીસી પર આક્રમણ કર્યું છે. માઇક્રોસોફ્ટે હવે સામું જોર લગાવીને પીસીથી વેબ તરફી કૂચ કરી છે. જો માઇક્રોસોફ્ટવા વળતા હુમલામાં દમ હશે તો ફાયદો સરવાળે આપણો જ છે!
આપણને કેવી રીતે મળી શકે?
માઇક્રોસોફ્ટે જાહેરાત કરી છે કે ઓફિસ ૩૬ (જે ક્લાઉડ બેઝ્ડ સર્વિસ છે)નું લવાજમ ભરનારા લોકોને નવું ઓફિસ ૨૦૧૬ વર્ઝન બિલકુલ ફ્રી મળશે.
બાકીના યૂઝર્સ માટે આ નવું વર્ઝન ખરીદી માટે ઉલબ્ધ થઈ ગયું છે. એમએસ ઓફિસના આ નવા વર્ઝનનો વિશ્વની ૪૭ ભાષામાં ઉપયોગ થઈ શકે છે અને ભારતની ૧૪ ભાષા પણ તેમાં સામેલ છે.
અત્યારે ઓફિસ ૩૬૫ની પર્સનલ એડિશનનું સબસ્ક્રીપ્શન વાર્ષિક રૂ. ૩,૨૯૯ છે, જેનો એક વ્યક્તિ, એક પીસી, એક ટેબલેટ અને એક ફોન પર ઉપયોગ કરી શકે છે. જો તમે ઓફિસ ૩૬૫ હોમ એડિશન ખરીદો તો વર્ષે રૂ. ૪,૧૯૯ ખર્ચવા પડે અને તેનો ઉપયોગ પાંચ યૂઝર, પાંચ પીસી, પાંચ ટેબલેટ અને પાંચ ફોન પર કરી શકે.
બિઝનેસ માટે ઓફિસ ૨૦૧૬ સ્ટાન્ડર્ડ (રૂ. ૨૪,૮૪૪) અને પ્રોફેશનલ પ્લસ (રૂ. ૩૩,૯૧૧) એમ બે વર્ઝન મળશે. હોમ અને બિઝનેસ એડિશન વચ્ચે, એક વારના ખર્ચ સાથે સ્ટુડન્ટ એડિશન (રૂ. ૫,૯૯૯)એ બિઝનેસ એડિશન (રૂ. ૧૮,૪૯૯) પણ ઉપલબ્ધ છે.
ઓફિસ ૨૦૧૬ સાથે વન ડ્રાઇવમાં ૧ ટેરા-બાઇટી ક્લાઉડ સ્ટોરેજ મળે છે, જે ટૂંક સમયમાં અનલિમિટેડ થઈ જવાની પૂરી શક્યતા છે!

