(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

કારકિર્દી એટલે શું? કારકિર્દી આયોજન માટે કેટલાંક સૂચનો

ક્યા વિષયમાં, ક્યા ક્ષેત્રમાં જવું એ વિશે મૂંઝવણ અનુભવો છો? અહીં તમારા મનમાં ઘોળાતા કેટલાક સવાલોના જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે

આગળ શું વાંચશો?

  • કારકિર્દીનું તબક્કાવાર આયોજન
  • કેટલાક કોમન પ્રશ્નો
  • કેટલાંક ખાસ યાદ રાખવા જેવાં સૂચનો

મિત્રો, જૂન-જુલાઈ એ એડમિશન ક્યાં લેવું અને કઈ વિદ્યાશાખા પસંદ કરવી એની મૂંઝવણની મોસમ હોય છે. વળી કારકિર્દીના આયોજન અંગે તો અનેક મતભેદો અને મગજ ચકરાઈ એ હદે જટિલતા હોય છે. આ વખતે આમાંની કેટલીક બાબતોની ચર્ચા કરીએ જેથી કરિયરના વિવિધ પડાવ પર ઊભેલા મિત્રોને કંઈક માર્ગદર્શન મળે. આમાંની ઘણી વાતો આપણે અગાઉના અંકોમાં કરી ગયા છીએ. આ અંકમાં એમાંની કેટલીક વાતો પુનરાવર્તનના ભયે પણ કરીશું.

સૌ પ્રથમ કારકિર્દી એટલે શું અને કારકિર્દી અને નોકરી વચ્ચે શું તફાવત હોય એ સમજી લઈએ. આ બે વચ્ચેની ભેદરેખા ખૂબ પાતળી છે. બે વ્યક્તિઓ એક સરખો વ્યવસાય કરતા હોય, પણ એવું બને કે તેમાંનો એક ઉજ્જવળ ભવિષ્ય તરફ પ્રગતિ કરી રહ્યો હોય અને બીજો વર્ષો પછી પણ ત્યાંનો ત્યાં જ હોય.

અલબત્ત, અહીં એવું કહેવાનો કોઈ આશય નથી કે કોઈ કામ સારું કે ખરાબ છે. દરેક કામનું પોતાનું એક આગવું મહત્વ હોય છે.

કારકિર્દી

  • કારકિર્દી એ વ્યક્તિત્વની અભિવ્યક્તિ હોય છે. એ ફક્ત પૈસા કમાવાનું સાધન નહિ પણ એક ઓળખ હોય છે.
  • કારકિર્દીનો પાયો ચોક્કસ તાલીમ, કૌશલ્ય, આયોજન અને ખંતપૂર્વકના પ્રયત્નોથી નખાય છે.
  • વધુ પૈસા માટે કે અન્ય કારણોસર કારકિર્દી તરીકે પસંદ કરેલો માર્ગ વ્યક્તિ બદલતી નથી
  • કારકિર્દીમાં આમતો ખાસ કઈ વય મર્યાદા જેવું હોતું નથી. સુપરસ્ટાર ઓફ મિલેનિયમ બચ્ચનસાહેબ આયુષ્યના ૭ દાયકા વટાવ્યા પછી પણ અત્યંત સક્રિય છે. અગ્રગણ્ય ધારાશાસ્ત્રી રામ જેઠમલાની ૯૦ વર્ષથી ઉપર હોવા છતાં કામ કરે છે. એવું જ કંઈ મકબુલ ફિદા હુસેન અને ખુશવંતસિંહનું પણ હતું.
  • કારકિર્દીમાં વિકલ્પો અનેક હોય છે; નોકરી, ફ્રીલાન્સિંગ, ક્ધસલ્ટિંગ, એડવાઈઝરી, સ્વતંત્ર વ્યવસાય, પાર્ટ-ટાઈમ વગેરે
  • કારકિર્દીનું આયોજન અને એ દિશામાં પ્રયત્નો ભણતરના વિકલ્પો પસંદ કરતાં પહેલાં અને ભણવા દરમ્યાન થતી પ્રક્રિયા છે.

નોકરી

  • જોબ કે નોકરી મોટે ભાગે વ્યક્તિ ફક્ત પૈસા કમાવા કરે છે અને મોટે ભાગે જે પહેલી નોકરી મળે એ સ્વીકારી લે છે. ભારત જેવા ગરીબ દેશમાં જીવન નિવર્હિ કરવા માટે જે કામ મળે એ કરવું પડે છે.
  • જોબ કે નોકરી મોટે ભાગે લો સ્કીલ્ડ હોય છે અને ખૂબ જ ઓછા કૌશલ્યના આધારે પણ મળી શકે છે.
  • વધુ પૈસા માટે મળે તો નોકરી બદલી નાખવામાં આવે છે.
  • નોકરીમાં એક નિવૃત્તિની વય મર્યાદા હોય છે. અને મોટે ભાગે નિવૃત્તિની વય વટાવ્યા પછી બીજી નોકરી સહેલાઈથી મળતી નથી.
  • નોકરીમાં બાજુમાં દર્શાવ્યા મુજબના વિકલ્પો હોતા નથી. ઘણું કરીને જો નોકરી જાય તો નોકરી જોબ મળવી પણ મુશ્કેલ હોય છે.
  • ભણી રહ્યા પછી હવે શું કરીશું એ સ્થિતિમાંથી જે નીપજે એ નોકરી!

કારકિર્દીનું તબક્કાવાર આયોજન

ધોરણ ૧૦ : તમે જો હાલમાં દસમામાં હો તો આગળ કઈ વિદ્યાશાખા લેવી છે અને શું બનવું છે એના મનસૂબા કરવાને બદલે પહેલાં તો ૧૦મા ધોરણમાં સારામાં સારા ટકા કેવી રીતે આવે તેનો પ્રયત્ન કરો. યાદ રાખો ધોરણ ૧૦ એ કરિયરનું પ્રથમ પગથિયું છે, માટે કોઈ કચાશ ન રાખો. તમે જો ધોરણ ૧૦ પાસ કરીને ૧૧માં ધોરણમાં પ્રવેશ મેળવ્યો હોય, તો હવેનું લક્ષ્ય ધોરણ ૧૨ પર રાખો. જો વિજ્ઞાન પ્રવાહ પસંદ કર્યો હોય તો બને તો મેથ્સ ગ્રૂપ રાખવું, આ લખનારની જાણકારી પ્રમાણે મેથ્સ ગ્રૂપમાં ભણતરની પસંદગીના વિકલ્પો અને વ્યવસાયની તકો વધુ છે. અલબત્ત, આ બાબતે પૂરતું સંશોધન અને વિદ્યાર્થીની રૂચિ ને ક્ષમતા પણ ધ્યાનમાં લેવું રહી.

ધોરણ ૧૨ : તમે જો હાલમાં ધોરણ ૧૧ કે ૧૨માં હાવ તો સારામાં સારા ટકા તો લાવવાનાં જ છે, પણ એ સાથે જે કોર્સમાં એડમિશન લેવું હોય તેના માટે શું પ્રવેશ પ્રક્રિયા છે એની પણ જાણકારી લઈ લેવી. હાલના સમયમાં, ઘણા કોર્સમાં એડમિશન લેવા માટે એન્ટ્રન્સ એક્ઝામ હોય છે. અનેક ઉમેદવારો તૈયારીનાં અભાવે સારા ટકા હોવા છતાં એડમિશન ચૂકી જાય છે. આપણી સાથે આ ન બને એનું ખાસ ધ્યાન રાખવું. એક બીજી વાત, છેલ્લા થોડા વખતથી ૧૨મા પછી ૫ વર્ષના ઇન્ટીગ્રેટેડ પ્રોગ્રામ ચાલુ થયા છે, જેમાં સીધા માસ્ટર્સ ડીગ્રી લઈને નીકળાય છે, પણ આ કોર્સની ગુણવત્તા અને તે પછી નોકરીની તકો અંગે કેટલાક પ્રશ્નો છે, માટે આવા કોર્સમાં પૂરતી કાળજી રાખીને જ એડમિશન લેવું. ૧૨માં (કોમર્સ/સાયન્સ) પછી અનેક નવા વિકલ્પો ખૂલ્યા છે, તેમાં પૂરતી તપાસ કર્યાં પછી પ્રવેશ લેવા જેવું ખરું.

બેચલર ડીગ્રી : તમે જો B.Com / B.Sc. / BA / BBA / BCA કરી રહ્યા હો અને જો બીજા વર્ષમાં હો તો આ તમારા માટે સ્નાતક થયા પછી શું કરવું એનું આયોજન કરવાનો અને એ દિશામાં તૈયારી કરવાનો સુવર્ણ કાળ છે. ગ્રેજ્યુએશન પછી આગળ ભણવાનો પ્લાન ન હોય તો કોલેજની સાથે કોઈ વ્યવસાયલક્ષી કોર્સ કરી લેવો જેથી નોકરી મળવામાં સરળતા રહે. આ ઉપરાંત પાર્ટ-ટાઈમ કે ફૂલ ટાઈમ જોબ કરીને અનુભવ મેળવી શકાય.

કેટલાક કોમન પ્રશ્નો

પ્રશ્ન : બેચલર ડીગ્રી લીધા પછી ખાસ કરીને એન્જિનીયરિંગ કે ફાર્મસી જેવા કોર્સ કર્યા પછી આગળ ભણવું કે નોકરી સ્વીકારવી?

જવાબ : આ પ્રશ્નનો કોઈ એક સ્પષ્ટ જવાબ આપી ન શકાય કારણ કે દરેક વ્યક્તિનો કેસ અલગ હોય છે. આમ તો બેચલર ડીગ્રી કર્યા બાદ સારી નોકરી મળતી હોય તો તે તક ઝડપી લેવી જોઈએ કારણ કે ક્યારેક એ તક ફરી નથી મળતી, એન્જિયરિંગમાં ખાસ આવું બને છે. સામા પક્ષે અમુક ક્ષેત્રોમાં માસ્ટર્સ ડીગ્રી વિના ચાલે એવું હોતું નથી, દા.ત. એમબીએ. નોકરી કે આગળ ભણવું એ આખી કારકિર્દી પર અસર પડનારો નિર્ણય છે માટે ખૂબ સમજી વિચારીને લેવો જોઈએ.

પ્રશ્ન : કારકિર્દીની પસંદગી અંગે મગજને બદલે હ્રદયને અનુસરવાનું કહેવામાં આવે છે, એ બરાબર છે?


જવાબ : રસ રુચિ હોય એ ક્ષેત્રમાં જવાથી સરળતા રહે એ સાચું, પણ એમાં અનેક ભયસ્થાનો રહેલાં છે. સૌ પ્રથમ તો ૧૬થી ૨૦ વર્ષની ઉંમરે જેમાં રસ પડતો હોય, એ ક્ષેત્રમાં જરૂરી નથી કે આગળ જતાં રસ જળવાઈ રહે. વળી કોઈ પ્રવૃતિમાં રસ હોવો અને એને વ્યવસાય તરીકે સ્વીકારવું એમાં ઘણો ફરક રહેલો છે. ફોટોગ્રાફી કે ચિત્રકામ એક હોબી તરીકે કરવું અને એ ફિલ્ડમાં પ્રોફેશનલ બનવું એ ખૂબ જ અલગ બાબત છે. આ નિર્ણય માટે ખુદની પસંદ-નાપસંદ ઉપરાંત વડીલોની સલાહ, પુષ્કળ સંશોધન અને જે તે ક્ષેત્રમાં કામ કરતા વ્યવસાયિકોનું માર્ગદર્શન લઈને આગળ વધવું.

પ્રશ્ન : સારી કારકિર્દી અને કમાણી એન્જિનીયરિંગ, મેડિકલ, આઈ.ટી., ફાર્મસી, લો વગેરેમાં જ છે?

જવાબ : આમ તો હજુ આજે પણ આ વ્યવસાયોમાં જ અન્ય વ્યવસાયો કરતાં વધુ પૈસા મળે છે. જોકે બદલાયેલા સમયમાં લગભગ દરેક વ્યવસાયમાં સારી કમાણીની શક્યતા ઊભી થઈ છે. તમે શું કામ કરો છે એણે બદલે તમે એ ક્ષેત્રમાં શું ઊંચાઈ પર છો એ તમારી આવક નક્કી કરશે. ગુજરાતી કવિઓ પણ વર્ષમાં ૩ વાર અમેરિકા જાય છે અને ૬ આંકડામાં કમાણી કરે છે!

પ્રશ્ન : ધોરણ ૧૦ પછી ડિપ્લોમા એન્જિનીયરિંગમાં એડમિશન લેવું કે ૧૨ સાયન્સ પાસ કરીને ડીગ્રી એન્જિનીયરિંગમાં જવું?

જવાબ : ડીગ્રી એન્જિનીયરિંગની સીટોમાં નોંધપાત્ર વધારો થવાને લીધે હવે ૧૨ સાયન્સમાં ઓછા ટકા પણ આવ્યા હોય તો પણ પ્રવેશ મળી રહે છે. ડિપ્લોમા એન્જિનીયરિંગ પછી નોકરીની તકો હોય છે, પણ ધોરણ ૧૦ પછી ડિપ્લોમા એન્જિનીયરિંગ કર્યા બાદ ડીગ્રીમાં એડમિશન લેવાનો આગ્રહ રાખવો જોઈએ.

કેટલાંક ખાસ યાદ રાખવા જેવાં સૂચનો

  • માહિતી ક્રાંતિનો લાભ લો! ઇન્ટરનેટ, મોબાઇલ, 3G, ટેબ વગેરેનો સર્જનાત્મક ઉપયોગ કરીને અદભુત પરિણામો મેળવી શકાય છે. ‘મને ખબર નહોતી’ એ બહાનું હવે કાઢી શકાય એમ નથી.
  • દરેક પાસેથી શીખો ચોક્કસ પણ ક્યારેય અનુકરણ ન કરો.
  • ઓછામાં ઓછું સ્નાતક ડીગ્રી (કોઈ પણ સ્ટ્રીમમાં) લેવાનો આગ્રહ રાખો, અને તે પણ થ્રુ આઉટ ફર્સ્ટ ક્લાસ.
  • સારી કારકિર્દી બનાવવી એ ફક્ત કોઈ ડીગ્રી મેળવવું કે કોઈ એક નોકરી મેળવી લેવી એવું નથી. આ બધું એક તબક્કો ચોક્કસ છે, પણ એ અંત નથી. કારકિર્દીમાં નિખાર લાવવા માટે તમારે વ્યક્તિત્વ વિકાસ પર ધ્યાન આપવું પડશે. સારી ડીગ્રી, સારા માર્ક્સ ઉપરાંત અનેક બીજા ગુણ અને કૌશલ્ય વિકસાવવા પડશે.
  • તમે જો ધોરણ ૧૦-૧૨, કે કોલેજનાં પ્રથમ વર્ષમાં ભણતા હો તો એવી શક્યતા છે કે તમે એવી કારકિર્દી માટે તેયારી કરી રહ્યા છો જેનું હાલમાં અસ્તિત્વ પણ નથી. હવે જે ટેક્નોલોજી હજી વિકસી પણ નથી કે શોધાઈ પણ નથી અથવા જે કામ હાલમાં કોઈ કરતું પણ નથી એ વિશે સ્વાભાવિક જ આપણે હોઈ આયોજન કરી ન શકીએ. આવનારા સમયમાં આપણે વધુ ને વધુ અનિશ્ચિતતા સાથે કામ પડવાની સજ્જતા રાખવી પડશે.
  • પાર્ટ ટાઈમ, ડિસ્ટન્સ લર્નિંગ, કે અમાન્ય યુનિવર્સિટીની  ડીગ્રી લેવાનો મોહ ટાળો. આવા શોર્ટકટની મોટી કિંમત ભવિષ્યમાં ચુકવવાની આવે છે.
  • તમારી કારકિર્દીને આંતરરાષ્ટ્રીય પરિમાણ આપો. ભવિષ્યમાં જો પરદેશ જવાનો પ્લાન હોય તો ત્યાં કામ લાગે એવી ડીગ્રી અને અનુભવ મળે એવું આયોજન કરો. કોઈ એક ચોક્કસ દેશમાં સ્થાયી થવાનો પ્લાન હોય તો તે જ દેશમાં ઉચ્ચ અભ્યાસ કરીને ત્યાં સિટિઝનશીપ મળે એવું પ્લાનિંગ અત્યારથી કરો. શક્ય હશે તો ફોરેન એજ્યુકેશન વિશે આપણે એક ખાસ લેખ કરીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!